પરમ પુરૂષાર્થ ભગવદ્ સાક્ષાત્કાર
spacer
spacer

લેખક : પ.ભ. શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

આ લેખમાં કહ્યા પ્રમાણે કર્તવ્ય નિષ્ઠ થવાથી તેમાં ભાવાત્મક ધર્મી સ્વરૂપનો સંબંધ રહેતો હોવાથી સ્વરૂપના પ્રમેય બલથી ભગવદ્ સાક્ષાત્કાર સીધ્ર થાય છે. આ સાક્ષાત્કારથી ત્રિવિધ માયાના બંધનમાંથી જીવ મુક્ત થઇ પોતાના આધિદૈવિક દેહને ભગવદ્ સાક્ષાત્કારની ક્ષણેજ જ પ્રાપ્ત કરી લીલા ધામમાં પ્રવેશ કરે છે.
 
ભગવદ્ સાક્ષાત્કારની સાધનામાં “સ્વરૂપ ધ્યાન”ની મુખ્યતા રહેલી હોવાથી હરિમૂર્તિ સદાધ્યેયા આપશ્રીએ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી છે. આપશ્રીની આ આજ્ઞામાં સદા પદ સાગ્રહ-સાદર અતિ મનનીય છે અને મનનીય પણ છે જ. આપશ્રીનો નિશ્ચયાત્મક સિદ્ધાંત સતત ભગવદ સન્મુખ રહેવા માટેનો છે. આપશ્રીની સિદ્ધાંતીક વાણીમાં બહુધા સ્થાને સતત-સદા પદોની યોજના કરેલી જ હોય છે. સ્વરૂપ ધ્યાન, ગુણગાન-અને નામ સ્મરણ આ ત્રણેમાં ધર્મી સ્વરૂપનો ભાવાત્મક પ્રકારે સંબંધ રહી જ આવે છે. કર્તુમ-અકર્તુમ અન્યથા કર્તુમ્ આવું વિરૂદ્ધ ધર્માશ્રય ઐશ્વર્ય ધર્મી સ્વરૂપમાં જ રહેલું હોવાથી સતત સ્વરૂપ ધ્યાન-ગુણગાન અને નામ સ્મરણની આપશ્રીએ સ્વકીયો પ્રતિ નિજવાણીમાં આજ્ઞા કરી છે :-
 
(1) હરિમૂર્તિઃ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્રહિ ।
(2) તસ્માત્ સર્વાતમના નિત્યં શ્રી કૃષ્ણઃ શરણંમમ । વદદ્ભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિઃ ।
(3) તસ્માત્ સર્વ પરિત્યજય નિરૂધ્ધૈઃ સર્વદા ગુણાઃ ।
ઉપરોક્ત ત્રણે પ્રકારના અલૌકિક સાધનોમાં જે બને તેમાંથી સતત સન્મુખ રહેવાથી ભગવદ સાક્ષાત્કાર અવશ્ય થાય છે.
 
હવે ભગવદ સાક્ષાત્કારમાં શ્રીમદ્ ભાગવતમાં કથેલો પ્રકાર વિચારીયે :-
ભા. 12-3-48 થી 50 સુધીમાં શ્રી શુકદેવજી રાજા પરિક્ષિતને કહે છે-
 
અનંત ભગવાન હૃદયમાં પધારવાથી જે અત્યંત શુદ્ધિ થાય છે તેવી શુદ્ધિ વિદ્યા-તપ, પ્રાણ-નિરોધ, સર્વભૂતમાં મૈત્રી, તીર્થસ્થાન વૃત્ત, દાન કે જપ વિગેરેથી થતી નથી ।।48।।
 
હે રાજન ! તમારી હવે અન્તીમ અવસ્થા છે એટલા માટે સર્વ પ્રયત્નથી ભગવાનને હૃદયમાં ધારણ કરો । અથવા હૃદયમાં સ્થિર કરશો તો પરમ ગતિને પામશો ।।49।।
 
પુષ્ટિભક્ત માટે પરમગતિનો અર્થ લીલાધામમાં પ્રવેશ થાય છે. પ્રભુનું આવરણ દૂર કરી ભક્તને અલૌકિક દેહનું દાન કરી, તેજ ક્ષણે લીલાધામમાં પ્રવેશ કરાવે છે. પ્રભુના સ્વરૂપ ધ્યાનનો આવો અદભૂત મહિમા છે. આવા મહિમાનું વર્ણન ભ્રમરગીત સુ 10-43-32 માં પણ આપશ્રી મહાપ્રભુજીએ નિગૂઢતાથી કરેલું છે.
 
અન્તીમ અવસ્થાવાળા દૈવી જીવને ભગવાન અવશ્ય ધ્યાન કરવા યોગ્ય છે. હે અંગ, સર્વના આત્મા અને સર્વના આશ્રયરૂપ ભગવાન ધ્યાન કરનારને પોતાના સ્વરૂપનું દાન કરે છે ।।50।।
 
શ્રી શુકદેવજીએ ત્રીજા સ્કંધથી 11 માં સ્કંધ સુધી પ્રભુની લીલાઓનું વર્ણન કર્યું તેનો હેતુ પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય. માહાત્મય સમજવાથી સર્વથી અધિક અને સુદ્રઢ સ્નેહ ધર્મી સાક્ષાત સ્વરૂપમાં જ થાય છે. સાક્ષાત ધર્મી સ્વરૂપને જ હૃદયમાં ધારણ કરવાનું શુક મુનિ કહી રહ્યા છે. જેમ સૂર્યમાંથી સહસ્ત્ર કિરણો પ્રગટ થાય છે, તેમ સાક્ષાત ધર્મી સ્વરૂપમાંથી અનંત વિવિધ પ્રકારની લીલાઓ પ્રગટ થાય છે. શ્રીગોકુલેશ પ્રભુ શ્રીસર્વોત્તમજીની બડી (સ્વતંત્ર) ટીકામાં આજ્ઞા કરે છે કે- “ભક્તિમાર્ગાબ્જ માર્તંડના કિરણમાંથી અસંખ્ય રાસાદિલીલાઓ પ્રગટ થાય છે. આવા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ આપણા સ્વામીને આપણી અન્તીમ અવસ્થામાં સર્વ પ્રકારથી હૃદયમાં ધારણ કરવા આજ આપણો (સ્વકીયાનો) પરમ પુરૂષાર્થ છે.
 
આપશ્રી મહાપ્રભુજીને આ પરમ પુરૂષાર્થનું નિરૂપણ ચતુઃશ્લોકીમા કરેલું છે.
 
યદિ શ્રીગોકુલાધીશો ધ્રુતઃ સર્વાતમના હૃદિ ।
તતઃ કિમપરં બ્રહિ લૌકિકે વૈદિકે રપિ ।।
 
ચતુઃ શ્લોકીમાં કહેલું ધ્યેય સ્વરૂપ નિત્યલીલાના સંબંધવાળુ છે. અનંત લીલાયુક્ત, અનંત લીલા પરિકર યુક્ત, અને અનંતલીલા સામગ્રીથી યુક્ત ધર્મી સ્વરૂપને “ધ્રુતઃ સર્વાત્મના હૃદિ” હૃદયમાં ધારણ કરવાની સ્વકીયોને અતિ કારૂણ્યતા પૂર્વક આપ આજ્ઞા કરે છે જેમ શુક મુનિ રાજા પરીક્ષીતને “હે અંગ” એવા વાત્સલ્ય સ્નેહભર્યા સમ્બોધનથી પ્રભુના સ્વરૂપને હૃદયમાં ધારણ કરવાનું કહી રહ્યા છે. તેમ વાત્સલ્ય સ્નેહ સાગર શ્રીવલ્લભ પ્રભુ-અનંત લીલાવાળા સ્વરૂપને હૃદયમાં ધારણ કરવા સ્વકીયોને આજ્ઞા કરી રહ્યા છે.
 
સિધ્ધાંત મુક્તાવલીમાં કહ્યા પ્રકારે તનુજાવિતજા સેવાથી નિરોધ લક્ષણમાં કહેલા પ્રકારે રસાત્મક-તાપાત્મક ગુણગાન અને સ્વરૂપ ધ્યાનથી ભક્તિવર્ધિનીમાં કહેલા પ્રકારે ત્યાગ-શ્રવણ-કીર્તનથી નવરત્નમાં કહેલા પ્રકારે અષ્ટાક્ષરના સતત સ્મરણથી જે પુરૂષાર્થ પ્રાપ્ત થવાનો છે તેનું નિરૂપણ “ચતુઃ શ્લોકી” માં કરેલું છે તેથી ચતુઃ શ્લોકી ષોડશ ગ્રંથમાં મધ્ય મણિવર છે.
 
શ્રી વ્રજપ્રિયા ગોપીજનોને મહારાસ સમયે પૂર્ણાનંદ સ્વરૂપ તેમના હૃદયમાં નિરૂદ્ધ થયું તેનો અનુભવ અગણિત આનંદરૂપે વિરહ ફલાત્મક અવસ્થામાં નિરંતર કરી રહ્યા છે. આવા પરમ પુરૂષાર્થનું સ્વકીય ને દાન કરવા માટે ચતુઃ શ્લોકીમાં “યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદિ” આજ્ઞા કરી રહ્યા છે. મહારાસમાં શ્રી ગોપીજનોને જે પૂર્ણાનંદ સ્વરૂપનું દાન કરેલું છે, તેનું જ નિરૂપણ આપશ્રીએ ચતુઃશ્લોકીમાં કરેલું છે. “અતઃ સર્વાતમના શશ્વત્ ગોકુલેશ્વર પાદયો.” શશ્વર્ત પદ નિત્યનું વાચક છે. તેથી નિત્યલીલા ધામમાં જે સ્વરૂપનો નિરંતર અનુભવ થાય છે. તેનું જ ચતુઃ શ્લોકીમાં આપે પરમ પુરૂષાર્થ રૂપે વર્ણન કર્યું છે. “ધ્રુત” અને “શશ્વત” આ પદથી જાણે આપ આ પરમ પુરૂષાર્થનું દાન નિજ્જનોને કરતા હોય તેવો ધ્વનીતાર્થ પ્રાપ્ત થાય છે.
 
ભા. 11-11-14*15 માં પરમભક્ત ઉદ્ધવજીને ગૂઢ ઉપદેશ કરે છે:- “હે ઉદ્ધવ ! શ્રુતિ સ્મૃતિ, વિધિ-નિષેધ, પ્રવૃત્તિ-નિવૃ્ત્તિ, સાંભળવાનું અને સાંભળેલું આ સર્વનો પરિત્યાગ કરી સર્વના આત્મ સ્વરૂપ મારે એકલાને જ શરણ આવો, આથી તમો અકુતોભય (નિર્ભય) થઇ જશો” “અકૃતોભય” એટલે લીલાધામમાંજ સ્વકીયોનો પ્રવેશ કરાવે છે. જ્યાં કાલ માયાનો પ્રવેશ નથી અને તેથી તેનો ભય નથી.
 
ઘણા કાળથી નિજસ્થાન લીલાધામથી ભૂલા પડેલા આપણે લીલાધામમાં પહોંચીયે તે માટે મહા કારૂણિક સ્વામિએઆ લેખમાં મારા માટે તથા ભૂતલસ્થ સ્વકીયો માટે પ્રેરક બની માર્ગદર્શન કરાવ્યું છે. તેમાં આપણે કર્તવ્ય નિષ્ઠ થઇએ તો સ્વામીના શ્રમની નિવૃત્તિ થાય. સ્વકીયોને આપ ભૂતલમાં રાખવા ચાહતા નથી. લીલાધામમાં લઇ જવા માટે ભૂતલમાં આપ પ્રકટ થયા છે. તો ભૂતલમાં કેમ સ્વસ્થ થવા દે ? (લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ) અતિ અનુગ્રહિત સ્વકીયને ભુતલમાં સ્વસ્થ થવા દેતા નથી. આ નવરત્નની આજ્ઞાનું ગુઢ રહસ્ય એજ છે કે પોતાના જનોને આપ ભૂતલમાં રાખવા ચાહતા નથી.

શ્રી હરિરાય ચરણોકત “શ્રી વિઠ્ઠલેશ ચિન્તન” નામના સ્તોત્રમાં કહ્યું છે “નિત્યલીલૈક સુફલપ્રાર્થક” પોતાના સ્વકીયોને નિત્યલીલા ધામમાં પ્રવેશ કરાવવા રૂપ સુન્દર ફલનું દાન કરે તેવી પ્રાર્થના પ્રભુને શ્રી વિઠ્ઠલેશ કરે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.