શ્રીસર્વોત્તમ સ્તોત્રનો અનિર્વચનીય મહિમા
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

જેમ વહેતી સરિતાઓનો અંત સમુદ્રમાં થાય છે, તેમ વિવિધ પ્રકારનાં સાધનો મનોનિગ્રહ માટે જ છે. મનમાં જ્યાં સુધી વાસનાઓ ભરેલી રહે છે ત્યાં સુધી તેની સ્થિરતા (ભગવત સાક્ષાત્કારના લક્ષમાં) થતી નથી. ભૌતિક-આધ્યાત્મિક-આધિદૈવિક ત્રિવિધ પ્રકારની વાસનાઓનો સાગર મનમાં જ ભરેલો રહે છે. આ વાસનાના સાગરને સુકવી નાંખવાનું સામર્થ્ય વડનાવલ અગ્નિમાં રહેલું છે. વડવાનલ અગ્નિ સમુદ્રમાં રહે છે. જ્યારે જગતનો પ્રલય કરવાનો હોય ત્યારે ભગવાન વડવાનલ અગ્નિને આજ્ઞા કરે છે અને ક્ષણમાં જ સમુદ્રનું શોષણ વડવાનલ અગ્નિ કરી નાંખે છે.
 
શ્રીવલ્લભાષ્ટકની ટીકા શ્રી રઘુનાથજીએ શ્રીમહાપ્રભુજીને વડવાનલ અગ્નિની ઉપમા આપેલ છે. જે સ્વકીય જન નિરંતર આપશ્રી વલ્લભના યશોગાન કરે છે તેના હ્યદયમાં આપ પધારે છે.
 
“સ્વ યશોગાન સંહષ્ટ હ્યદયાંભોજ વિષ્ટરઃ” આપ હૃદયમાં પધારતાં જ વાસનાના સાગરનું ક્ષણમાં જ શોષણ થઇ જાય છે.
 
‘જનમ જમન કે કોટિક પાતક છિનહીમાં જ દહે. વાસનાની નિવૃત્તિ થવાથી મનની સ્થિરતા આપના સ્વરૂપમાં થાય છે. તેથી શ્રીસર્વોત્તમજીના ઘોળમાં કહ્યું છે કે ‘જે સ્રવોત્તમ યશ ગાયે રે, તેનું મન પહેલા સ્થિર થાયે રે.”
 
શ્રીવલ્લભાગ્નિના દુર્લભ ચરણકમલની પ્રાપ્તિમાં શ્રીસર્વોત્તમજીના યશોગાનને શ્રી ગોકુલેશ પ્રભુએ અસાધારણ સાધન કહેલ છે. અસાધારણ એટલે જેની સમાનતા બીજા કોઇ સાધનો કરી શકે નહી. શ્રીગુસાંઇજીએ લલિત-ત્રિભંગી, પ્રેમામૃત રસાયણ, નિકુંજ વિલાસ ઇત્યાદિ રસાત્મક સ્તોત્રો અનેક રચ્યાં છે, પરન્તુ કોઇનું નામ સર્વોત્તમ ન રાખ્યું. આ રહસ્યને શ્રીવલ્લભજનોએ ગંભીરતાથી વિચારવાનું છે. શ્રીજી અને શ્રીગુસાંઇજીમાં અભેદતા છે. શ્રીવલ્લભના કૃપાપાત્ર જનોએ પોતાના પ્રાણપ્રેષ્ઠનું યશોગાન કર્યું છે :
 
શ્રીવલ્લભ બરનોં કહા બડાઇ ।
જાકે રોમ રોમ પ્રતિ પ્રગટીત,
કોટિ ગોવર્ધન રાઇ ।।
વાકે યુથ ભયે ન્યારે ન્યારે,
બરનત બરને ન જાઇ ।
‘રામદાસ’ કમલાસી દાસી,
સો ઘર છાંડ બસાઇ ।।
 
ભાવ સ્વજાતી વલ્લભીઓ પાસે પોતાના પ્રેશ્ર્ઠનું યશોગાન કરે છે. હે પ્યારે વલ્લભીઓ, આપણા પ્રાણપ્રેષ્ઠની બડાઇનું હું વર્ણન શું કરૂ ?
 
જેના સ્વરૂપના પ્રત્યેક રોમ રૂપ બ્રહ્માંડમાં (ધામમાં) કોટાનકોટિ નિકુંજનાયક તેટલા જ શ્રીસ્વામિનીજીઓ સાથે લીલા વિલાસ કરી રહ્યા છે. જેની કોઇ સીમા નથી તેવો વૈભવ પ્રાણવલ્લભના સ્વરૂપમાં રહેલો છે. આ સીમા રહિત વૈભવને તો શ્રીજી જ જાણે ને તેથી શ્રીજી સ્વરૂપ શ્રીગુસાંઇજીએ અનુભવ કરીને શ્રીસર્વોત્તમજી પ્રગટ કર્યા છે અને તેનું નામ ‘શ્રીસર્વોત્તમજી’ રાખ્યું છે. શ્રીસર્વોત્તમજી નામ રાખવામાં બીજુ પણ ઘણું રહસ્ય છુપાયેલું છે. અલ્પમતિ જીવની બુદ્ધિમાં કેટલું આવી શકે ?
 
‘નિરોઘ લક્ષણ’ ગ્રંથમાં આપે ગુણગાનનો જે આગ્રહ કર્યો છે તે પોતાના સ્વકીયો પ્રતિ જ છે. ગુણગાન માનસી સેવામાં પ્રવેશ કરાવે છે. તત્સુખના પ્રચુર તાપભાવ પૂર્વક ગુણગાન થવાથી હ્યદયમાંથી ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થઇ જાય છે. કિલશ્ય માનાન્ જનાન્ દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત્ તદા સર્વ સદાનન્દં હ્દિસ્થ નિર્ગતં બહિ :
 
નિજ્જનના તાપાત્મક પ્રચુર તાપ ભાવને સહન નહી થવાથી આપ હૃદયમાંથી પ્રકટ થઇ જાય છે. તે જ સમયે મનનો પ્રવેશ પ્રેશ્ઠના સ્વરૂપમાં થાય છે. મનનો આ પ્રવેશ પ્રિયના સદાનંદ સ્વરૂપમાં થતો હોવાથી માનસીનો અનુભવ પણ સદા થાય છે. એટલે સાગરમાં ડુબેલાને બહાર નીકળવાનું રહેતું નથી. તાપાત્મક તત્સુખાત્મક ગુણગાનનું આવું ગૂઢ રહસ્ય હોવાથી આપે પોતાના સ્વકીયોને ગુણગાનનો આગ્રહ કર્યો છે. મનનો પ્રવેશ સ્વરૂપમાં થવાથી પ્રેશ્ઠના સ્વરૂપનો જે માનસીમાં અનુભવ થાય છે તે પ્રિયના સૌન્દર્યામૃત લાવણ્યામૃતનો થતો હોવાથી અને તે તાપાત્મક હોવાથી મનની નિવૃત્તિ થઇ શકતી નથી.
 
જેના ગુણ ગવાય તેના ગુણો ગુણગાન કરનારમાં પ્રવેશ કરે છે. અને ગુણી-સ્વરૂપની સમાનતા પ્રાપ્ત કરાવે છે. એટલે કે દુર્લભ છે ચરણ કમલ જેના તે સ્વરૂપને ધારણ કરવાનું સામર્થ્ય આપનું યશોગાન સિદ્ધ કરે છે. તેથી જ પુષ્ટિમાર્ગના મહાન તત્વવેત્તા સર્વજ્ઞમર્મજ્ઞશિરોમણિ શ્રી હરિરાયચરણે અનેક પદોસ્તોત્રોમાં શ્રીમહાપ્રભુજીનું યશોગાન કરી સ્વકીયો ઉપર મહાન કૃપા કરી છે. આપ આજ્ઞા કરે છે.
 
‘રસિક સદા બડભાગી તે જે,
શ્રીવલ્લભ ગુણ ગાયે’
 
સર્વજ્ઞ પુરૂષની વાણીની હદ હોતી નથી અને તેનો ગમે તેવો અર્થ કરી શકે છે. તેવા સામર્થ્યવાળા તેઓ હોય છે. બીજું ભગવાનની ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં થતી લીલાઓને સર્વજ્ઞ જાણી શકે છે. ભવિષ્યમાં ગુણગાનનું જે ફલ સ્વકીયોને મળવાનું છે તે શ્રી હરિરાયચરણ જાણતા હોવાથી ગુણગાન કરનારને બડભાગી કહે છે. બડભાગીનુ્ વિશેષણ શ્રી હરિરાયચરણે આપ્યું તેમાં મહત્વ પણ ખુબ ભરેલું છે. શ્રીહરિરાયચરણ શ્રી વલ્લભ .યશોગાન કરનારને ‘બડભાગી’ એટલા માટે કહે છે કે પુષ્ટિમાર્ગ ફલથી પણ અધિક પુરૂષાર્થ તો સ્વતઃ સિદ્ધ હોય છે. તે કોઇ સાધનથી પ્રાપ્ત થતો નથી. શ્રી સર્વોત્તમજીના યશોગાનથી સ્વતઃ સિદ્ધ સ્વામિની ભાવનું નિજ્જનને દાન થાય છે. તેથી જ શ્રીહરિરાયચરણ આપનું યશોગાન કરનારને બડભાગી કહે છે. શ્રીમહાપ્રભુજીના સ્વરૂપમાં રહેલું અચિન્ત્ય-અનંત ઐશ્વર્ય તે સ્વરૂપનું જ ગાન શ્રીસર્વોત્તમજીમાં રહેલું હોવાથી અગ્નિકુમારે શ્રીસર્વોત્તમ નામ રાખ્યું છે. શ્રીસર્વોત્તમ નામમાં એક બીજું ગૂઢ રહસ્ય એ છે કે શ્રીસર્વોત્તમજીના યશોગાનથી થાય છે. જેમ વેણુનાદની સુધાએ શ્રી ગોપીજનોમાં પ્રવેશ કર્યો અને તેમનામાં નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિદ્ધ કર્યો તેમ શ્રીસર્વોત્તમમાં સુધા સ્વરૂપ શ્રીમહાપ્રભુજીનાં 108 નામ છે. ‘એક એક અક્ષર હે અધરામૃત ગુપ્ત રીત ગુણગાન.’
 
આનંદ આ નામ ત્રણ અક્ષરો છે. ત્રણે અક્ષરોમાં સુધા જ રહેલી છે. આવા જે સર્વોત્તમજીનું જે સ્વકીય ગાન કરે છે. તેનામાં સુધાનો પ્રવેશ થાય છે અને નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિદ્ધ કરે છે. આ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવને પ્રાપ્ત કરવો તેનું નામ જ સર્વોત્તમતા છે. શ્રીસર્વોત્તમજીનું પ્રથમ નામ આનંદ છે. આ નામ શ્રીઠાકોરજીના સંબંધવાળું છે. શ્રી ઠાકોરજીથી સર્વને આનંદ મળે તેની સર્વોત્તમતા નહી પણ શ્રી ઠાકોરજીને જેનાથી આનંદ મળે તેની સર્વોત્તમતા છે.
 
‘આનંદ દાન દેત, આનંદ કું મનોરથ પુરે, નંદકુમાર.’ શ્રીનંદકુમાર શ્રીઠાકોરજીના મનોરથ શ્રીમહાપ્રભુજી શ્રીસ્વામિની ભાવથી પૂરણ કરે છે. બીજુ નામ પરમાનંદ છે. પરમ જે શ્રીઠાકોરજીને જેનાથી આનંદ મળે છે તેવા શ્રીસ્વામિની ભાવ સિદ્ધ કરનાર ‘પરમાનંદ’ નામ છે, આપના આ પરમાનંદ નામમાં પરમાનંદ સ્વરૂપ નિત્ય સિદ્ધા અસંખ્ય (અનંત) સ્વરૂપો સ્વામિની ભાવાત્મક રહેલાં છે. તેમાંથી આપનું યશોગાન કરનાર સ્વકીયને દાન કરી સ્વકીયમાં નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિધ્ધ કરે છે.
 
આપ સ્વકીયોને સ્વતંત્ર ભક્તિનું દાન કરે છે. સ્વકીયોમાં સ્વતંત્ર ભક્તિનું દાન કરે છે. સ્વકીયોમાં સ્વતંત્ર ભક્તિનું દાન કરવું તે તો આપનો સહજ સ્વભાવ છે. સ્વતંત્ર ભક્તિનો અર્થ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિ. આ શ્રીસ્વામિનીજીઓ ઇશ્વર કોટિનાં સ્વરૂપો હોવાથી પોતાના સ્વરૂપમાંથી લીલાસૃષ્ટિ પ્રકટ કરે છે અને પ્રિયતમને નિરવધિ સુખ આપે છે. પ્રભુ આ શ્રીસ્વામિનીજીઓને આધિન થઇને રહે છે. શ્રીહરિરાય વાંગ મુક્તાવલીના પ્રથમ ભાગમાં ‘અંતરંગ બહિરંગ લીલા પ્રપંચ વિવેક’ નામનો ગ્રંથ છે. તેમાં અંતરંગ લીલા પ્રપંચ શ્રીસ્વામિનીજીઓમાંથી પ્રકટ થાય છે. શ્રી સ્વામિનીજીઓને આધિન છે તેમ કહ્યુ છે. આવા પ્રકારના નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિને જ પરમ પુરૂષાર્થ કહેવાય છે. શ્રીસર્વોત્તમજીનું યશોગાન આવા પુરૂષાર્થને સિદ્ધ કરે છે. તેથી જ તેનું ‘સર્વોત્તમ’ નામ ગુઢતાથી અગ્નિકુમારે રાખેલ છે. શ્રીસર્વોત્તમજીની સ્વતંત્ર ટીકાના છઠ્ઠા શ્લોકમાં શ્રીગોકુલેશ પ્રભુ ગુઢતાથી આજ્ઞા કરે છે કે નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિમાં જેટલા દ્રષ્ટ કે અદ્રષ્ટ પ્રતિબંધો છે તેનો મુળમાંથી નાશ કરીને નિત્ય સિદ્ધ સ્વામિની ભાવાત્મક સ્વરૂપની પ્રાપ્તિમાં આ શ્રીસર્વોત્તમજીનો વિનિયોગ છે. આવો ગૂઢાર્થ ‘કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધ રત્ર ન સંશયઃ’ આ પંક્તિથી થાય છે. શ્રીગોકુલેશ પ્રભુએ આ પંક્તિના વિવેચનમાં ત્રિવિધ સુધાનું વર્ણન કર્યું છે. સુધા ભગવદીય ભાવ સ્વામિની ભાવને સિધ્ધ કરે છે. આ શ્રીસર્વોત્તમજીનો વિનિયોગ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિમાં થાય છે. પરંતુ નિત્યલીલા ધામની વિછુરેલા દૈવી જીવોમાં જ આ સ્વામિની ભાવ સિદ્ધ થાય છે, એંમ નિશ્ચય કરીને આ પત્રમાં પ્રગટ થયેલું શ્રીસર્વોત્તમજીનું દ્રઢ અનુરાગી હોય તેની પાસે જ પ્રગટ કરવું. તેથી શ્રીહરિરાયચરણે પણ સ્વકીયોને સાવધાન કર્યા છે :-
 
‘શ્રીવલ્લભનામ અગાધ હે,
જહાં તહાં મતિ બોલ ।
જબ ગ્રાહક હરિજન મિલે,
તીન આગે તું ખોલ ।।‘
હરિજન એટલે વિરહી જન, તે જ આ નામનું રહસ્ય સમજી શકે છે.
 
આપ શ્રીમહાપ્રભુજીએ સુ. 10-35-27 માં આજ્ઞા કરી છે : ‘ઉત્પન્નેન હિ પરમ પુરૂષાર્થ સ ચ ભગવદીય ભાવઃ’ આપ સ્વકીયોને આજ્ઞા કે છે કે પરમ પુરૂષાર્થને જ સાધવો, તેની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન માટે જ પ્રયત્ન કરવો, તે પરમ પુરૂષાર્થ ‘ભગવદીય ભાવ’ એટલે નિત્ય સિધ્ધ સ્વામિની ભાવ છે. આ શ્રીસ્વામિની ભાવ માત્ર શ્રીસર્વોત્તમજીના યશોગાનથી જ સિધ્ધ થઇ જાય છે. કારણ કે શ્રીસર્વોત્તમજીના 108 નામો સુધા રૂપ જ છે. શ્રીસર્વોત્તમજી એટલે સુધાનો ભરેલો સાગર, આના મહિમાનો કોઇ પાર નથી, અંદર ડુ્બ્યા હોય તે જ તેના મધુર સ્વાદને જાણે છે. સુધામાં માધુર્યતા અને દિવ્ય અગ્નિ મળેલા રહે છે. લીલા લોકમાં સુધાનું જ સર્વત્ર સામ્રાજ્ય વ્યાપેલું છે તે જ સુધા શ્રીસર્વોત્તમજીમાં પણ વ્યાપેલી છે.
 
મહાનુભાવ શ્રીસૂરદાસજીએ અંતિમ લીલા પ્રવેશ સમયે વલ્લભજન પ્રત્યે વાત્સલ્યના ભરથી કહ્યું :
 
ભરોસો દ્રઢ ઇન ચરનન કેરો,
સબ જુગમાં જ અંધેરો ।।
સાધન ઔર નહી યા કલિમેં,
જાસો હોત નિવેરો ।
‘સૂર’ કહા કહે દ્વિવિધ આંધરો,
બિના મોલકો ચેરો ।।
 
શ્રીહરિરાયચરણે તો અનેક સ્તોત્રો પદોમાં શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢાશ્રય કરવા માટે જ નિજ્જનોને આગ્રહ કર્યો છે.
 
દયારામભાઇએ પણ કહ્યું છે કે :’શ્રીવલ્લભ શરણ થકી સહુ પડે સહેલુ.’ બાકી શ્રીવલ્લભ યશોગાન માધુરીમાં જે ગાન કર્યું છે તેના નિરંતર અવલોકનથી ભગવદીયોની કૃપાથી આપણને પણ શ્રીવલ્લભ ચરણકમલમાં દ્રઢાશ્રય થશે જ.
 
ગુણગાન એ ‘અસહાયશૂર’ છે. આપણે એકલા એકાન્તમાં બેસી ગુણગાન કરી શકીયે, આપનું ગુણગાન તાપ ભાવની વૃદ્ધિ કરે છે.
 
‘ઉપજત તાપ છિનક સાનિધ્યમેં,
દેત વિરહ આનંદ રસ કેવલ.’
 
લીલાધામ તરફ ગતિ કરનારા પ્રભુ પ્રેમીજનને લુંટેરાઓની દુનિયાથી રક્ષણ કરી લીલાધામમાં પ્રવેશ કરાવનાર તાપભાવ જ છે. તાપ શબ્દનો ઉલટો અર્થ પતા થાય છે. લીલાધામનો પતો (સરનામુ) પ્રાપ્ત કરી લીલાધામમાં પ્રવેશ કરાવનાર તાપભાવ પ્રિય પ્રભુનો અંતરંગ દુત છે.
 
આપની સાનિધ્યતાથી જે તાપભાવ પ્રગટ થાય છે, તે ત્રિવિધ માયાનો પ્રલય કરી ફલાત્મક વિરહભાવનું દાન કરે છે. ‘ફલાત્મક વિરહ’ એટલે માનસીમાં સદાનંદ સ્વરૂપનો નિરંતર અનુભવ લીલાધામમાં કરવો. આપની ક્ષણની સાનિધ્યતાનો આવો વિલક્ષણ પ્રભાવ છે.
 
આપના સાક્ષાત્કારમાં તાપભાવની પરમ આવશ્યક્તા છે તે આપના યશોગાનથી સિદ્ધ થાય છે. કારણકે આપ તાપાત્મક સ્વરૂપ છે.
 
શ્રીમદ્ દમલાજીએ પણ શ્રીગુંસાઇજીને વિનંતી કરી છે : રાજ, યહ મારગ હાંસી ખેલ કો નહી હે, તાપ કલેશકો હૈ :
 
શ્રીવલ્લભના નિજ્જનોએ શ્રીમદ્ દમલાજીની આજ્ઞાનું પાલન આગ્રહ અને અતિ આદરપૂર્વક કરવું જોઇએ.
 
‘યહ મારગ હાંસી ખેલકો નહી હે, તાપ કલેશકો હે.’ શ્રીમદ દમલાજીએ આ વિનંતી શ્રીગૂસાંઇજી પ્રતિ કરેલી હોવાથી નિજવંશના બાલકોએ પણ આ તાપ કલેશની પરમ આવશ્યક્તા હોવાનું સ્વીકાર્યું છે. આવા પ્રકારના નિર્ણયમાં કોઇપણ પૂર્વ પક્ષ થઇ શકતો નથી. કારણકે મહત પુરૂષોની વાણીમાં સર્વજ્ઞતા રહેલી છે. તાપ જ બધા પ્રતિબંધોને નિવૃત્ત કરી પ્રાણ પ્રિય વલ્લભનો સાક્ષાત્કાર કરાવે છે.
 
શ્રીહરિરાય ચરણ ‘નિજાચાર્યાષ્ટક’ સ્તોત્રમાં આજ્ઞા કરે છે. ‘રહસ્ય તદ્ ભાવન્ ભાવન ક્ષમાઃ’ રહસ્ય અને રહસ્યના મનનને નિજ્જનોના હૃદયમાં ઉતારવાને શક્તિમાન. પોતાના સર્વાજ્ઞાત મહાન સ્વરૂપમાં રહેલું જે નિગૂઢ રહસ્ય શ્રીસર્વોત્તમ સ્તોત્રમાં શ્રીઅગ્નિકુમારે ગૂઢતાથી પ્રકટ કર્યું છે તે રહસ્ય નિજ્જનોના હ્યદયમાં ઉતારવા માટે આ પત્રમાં મને નિમિત્ત બનાવીને આપે મારી મતિમાં પ્રેરણા કરીને પ્રકટ કરાવ્યું છે તે મારા માટે અને નિજ્જનોના પોષણ માટે છે. પોતાનું યશોગાન કરાવીને આવું અત્યંત ગુઢ રહસ્ય આપ પ્રકટ કેમ કરે છે તેનો હેતુ નીચેના શ્લોકમાં શ્રીહરિરાયચરણ જતાવે છે :-
 
‘અસ્મત્પતિ સ્વપરપાલન દત્ત
બુદ્ધિરત્યન્ત સાર્દ્ર હૃદયો દયિત સ્વકીય:’
 
‘અસ્મત્પતિ’ અમારા (નિજ્જનોના) આપ પતિ છો. પતિ હોવાથી પોતાના જનના પોષણ કરાવવામાં આપ સદૈવ તત્પર રહે છે. આ પોષણ શ્રીહરિરાયચરણ કહે છે તે મારી બુદ્ધિમાં આપ પ્રેરણા કરીને મારૂં અને સ્વકીયજનનું આપ પોષણ કરે છે. કારણ કે આપને નિજ્જન બહુ વહાલા છે.
 
આગળના શ્લોકમાં શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે.
મચ્ચિત ધામ વિલસન્નિજ નામ સામગાન
પ્રિયઃ પ્રિયજને કરૂણાં કરોતુ ।।
 
શ્રી હરિરાયચરણ પ્રાણવલ્લભને વિનંતી કરે છે કે મારા ચિત્ત રૂપી ધામમાં આપના 108 નામનો વિલાસ વિવિધ પ્રકારના રાગ સ્વરથી પ્રગટ થાઓ જે આપની પ્રસન્નતાના હેતુરૂપ છે. કૃપાપાત્ર વલ્લભીઓ શ્રીસર્વોત્તમજીનું યશોગાન વિવિધ રાગ સ્વરોમાં કરી આહલ્લાદ અનુભવે છે. શ્રીહરિરાયચરણના શ્રીહસ્તમાં તંબુર વાદ્યવાળા ચિત્રજીનાં દર્શન થાય છે. તેથી આપ શ્રીસર્વોત્તમજીનું યશોગાન વિવિધ રાગ સ્વરોમા કરી પ્રાણપ્રેષ્ઠ વલ્લભને પ્રસન્ન કરતા જ હશે
.
સામવેદમાં વિવિધ પ્રકારના છંદો રહેલા છે. રૂચાઓ વિવિધ છંદથી વિવિધ સ્વરથી ગાન કરે છે જે પ્રભુને પ્રિય છે.

પુષ્ટિમાર્ગમાં સંગીતનું જે પ્રાધાન્ય છે તે પ્રભુના સુખના માટે જ રાખેલ છે. પ્રભુને સંગીત પ્રિય હોવાથી જ પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીમાં બધા સમયમાં સંગીતની યોજના કરેલી છે. સંગીતસાગર શ્રીગુસાંઇજીએ શ્રીસર્વોત્તમજી સ્તોત્રરૂપે પ્રકટ કર્યો છે તેથી તેમાં સંગીત વ્યાપેલું જ હોય. તેથી વિવિધ રાગ સ્વરોમાં શ્રીસર્વોત્તમજીનું યશોગાન કરીને શ્રીપ્રાણપ્રેષ્ઠ શ્રીવલ્લભને પ્રસન્ન કરવા એ નિજ્જનોનું કર્તવ્ય જ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.