સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટર :
spacer
spacer

પ્રેષક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

- અનુવાદક : “અજ્ઞ”
 
પ્રભુચરણ શ્રીગુસાંઇજીએ શ્રીસર્વોત્તમ સ્તોત્રમાં શ્રીમહાપ્રભુજીનાં 108 નામ કહ્યા છે. તે પૈકીનું એક નામ “સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટરઃ” છે.આપશ્રીના આ નામનો ભાવાર્થ – ગૂઢાર્થ છે શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે તે મુજબ જે કોઇ જીવ શ્રીમહાપ્રભુજીના યશનો આનંદપૂર્વક સદા-સર્વદા ગાન-સ્મરણ કરે છે તે ભક્તના દરેક પ્રકારનાં પાપ, જેવાકે બ્રહ્મહત્યાદિ વિ પાપોનો નાશ થાય છે. ઉપરાંત તે ભક્તના હ્યદયમાં ભગવત્સ્વરૂપ સંબંધી અલૌકિક જ્ઞાનનો પ્રકાશ થાય છે. અને તન, મન વિગેરે સર્વ અંગો નિર્મળ બની જાય છે. તદુપરાંત તે ભક્તનું હ્યદયરૂપી કમળ પ્રકાશિત થાય છે. ખીલી ઉઠે છે, અને તે હ્યદયરૂપી કમલમાં નવધા ભક્તિ-પ્રેમ લક્ષણાત્મક રસ – મકરંદ પ્રકટ થાય છે. આ નવધા પ્રેમલક્ષણાત્મક ભક્તિ મકરદના ભોક્તા સ્વયં પ્રભુ શ્રીકૃષ્ણચંદ્ર-પૂર્ણ પુરૂષોત્તમ છે. તેઓ ભ્રમર બની રસલંપટ થઇ, આસક્તિ પૂર્વક તે ભક્તના હ્યદયમાં નિવાસ કરે છે, અને તે મધુર મકરંદનું સદા સ્નેહ સહિત રસપાન કરે છે પછી ક્યારેય એક ક્ષણ માટે પણ બીજે જવા પ્રભુ અસમર્થ બની જાય છે. આવો અપરંપાર મહિમા છે. શ્રી મહાપ્રભુજીના યશનો.
 
શંકા :- બ્રહ્મહત્યાદિ જેવા ભયંકર અનેક પ્રકારનાં પાપ હોય છે. તે તો ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી નાશ પામે છે તથા સકલ દેહ, ઇન્દ્રિય, પ્રાણ વિ. પણ નિર્મળ-નિર્દોષ થઇ જાય છે. વળી જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે. અને સૂર્યોદય થવાથી અનેક કમલો ખીલી ઉઠે છે. અને તે પ્રફુલ્લીત કમલમાં મકરંદ રસના ભોક્તા અનેક ભ્રમર આવીને તે મકરંદ રસનું પાન પણ કરે છે. તો પછી આમાં શ્રી મહાપ્રભુજીના યશની કઇ વિશેષતા છે ?
 
ઉત્તર :- ગંગાદિ તીર્થોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. તે વાત સાચી પરંતુ હંમેશને માટે તે પાપોનો નાશ થતો નથી. જીવ જ્યારે ગંગાદિ પવિત્ર તીર્થોમાં સ્નાન કરે છે ત્યારે તેના પાપો નીકળીને કિનારા ઉપર આવી જાય છે જો વિધિ પૂર્વક પ્રાયશ્ચિત કરી, સ્નાન કરી નિર્મળ થાય અને ભગવદ્ નામ લેતા બહાર આવે અને ત્યારપછી પણ ભગવદ્ નામ-સ્મરણ છે કે નહિ તો ભગવદ્ નામના પ્રતાપથી ફરી વખત તે જીવમાં પાપ પ્રવેશી શકતાં નથી. વેદ વિધિપૂર્વક પ્રાયશ્ચિત ન કરે અને ભગવદ્ નામ પણ ન લે તો સ્નાન કરીને જીવ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે પાપો ફરી વખત તેનામાં પ્રવેશ કરે છે. આમ પવિત્ર તીર્થોમાં ફક્ત સ્નાન કરવા માત્રથી જ પાપોનો નાશ નથી થતો. પરંતુ ફક્ત પાપ દૂર થાય છે. વળી તીર્થોમાં જીવોનો પાપ-નાશ કરવાનું સામર્થ્ય છે તે તો શ્રી ભગવાનના ચરણ સ્પર્શ કરવાથી તેને મળ્યું છે તેથી શ્રી પુરૂષોત્તમ રૂપ શ્રી મહાપ્રભુજીના યશોગાન સમાન શ્રી ગંગાદિ તીર્થ પણ નથી.
 
સૂર્યના ઉદયથી અંધકાર નાશ પામે છે, તે તો સાચું પરંતુ પ્રકાશિત સૂર્ય પણ આપશ્રીના ગુણગાન સમાન નથી. કેમ કે સૂર્યના ઉદયથી બાહ્ય જગતનો અંધકાર દૂર થાય છે, પરંતુ જ્યાં સૂર્યના કિરણો પ્રવેશી શકતાં નથી ત્યાંનો અંધકાર તો સૂર્યોદય થાય તો પણ દૂર થતો નથી. આ રીતે સૂર્યનો ઉદય થાય તો પણ આપણાં હ્યદયમાં રહેલો અજ્ઞાનરૂપી અંધકાર દુર થતો નથી. વળી સૂર્યના ઉદયથી કમળ ખીલી ઉઠે છે, પરંતુ આ કમળ હંમેશા પ્રફુલ્લીત નથી રહી શકતાં, કારણ કે જ્યારે સૂર્ય અસ્ત થાય છે ત્યારે કમળ બીડાઇ જાય છે. આ કમળની અંદર મકરંદ-રસ પ્રગટ થાય છે, અને મકરંદ-રસના ભોક્તા ભ્રમર છે. જ્યારે સુર્ય અસ્ત થાય છે, ત્યારે કમળ બિડાઇ જાય છે તે વખતે મકરંદ રસનું પાન ભ્રમરો કરી શકતાં નથી અને તેથી તેઓ સદા આનંદિત રહી શકતા નથી. સુર્ય તો કાળને આધીન છે, તે સ્વતંત્ર નથી. આમ શ્રી મહાપ્રભુજીના યશોગાન સમાન સુર્ય પણ નથી. માટેજ શ્રી ગુસાંઇજી કહે છે : સ્વયશોગાન સંહૃષ્ટ હ્યજયાભોજ વિષ્ટરઃ
 
વળી આગળ કહે છે કે, તો પછી શ્રી મહાપ્રભુજીનો યશ આપશ્રીનું ગુણગાન કેવું છે ? જેમ શ્રી પૂર્ણ પુરૂષોત્તમ પોતે નિર્દોષ (દોષ રહિત) તથા સર્વગુણ સંપન્ન છે. તથા આપશ્રીનો જે કોઇ સ્પર્શ પામે છે, તેવા ભાગ્યશાળી જીવને સર્વ દોષોથી મુક્ત કરે છે. ઉપરાંત તે જીવમાં સર્વ ગુણોનો પ્રવેશ થાય છે. આવો જ સર્વોત્તમ પ્રકારનો યશ આપની લીલાના ગુણગાનનો કરે છે તે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઇ પવિત્ર કરવા જેટલું સામર્થ્ય તેમનામાં આવે છે. શ્રીમહાપ્રભુજી પૂર્ણ પુરૂષોત્તમસ્વરૂપ છે. આપશ્રીના યશના ગુણગાનનું સામર્થ્ય એવું છે કે, તે આદિદૈવિક અગ્નિ-સ્વરૂપ બનીને અનેક જન્મોના સંચિત થયેલા કાયિક, વાચિક તથા માનસિક મહાભયંકર પાપોને બાળીને ભસ્મ કરી દે છે. પછી ક્યારેય તે પાપો ફરી થઇ શકતાં નથી.
 
આપશ્રીના યશોગાન વિશે વધુ કહે છે કે : આપશ્રીનું યશોગાન ચંદ્ર જેવું છે. આ યશોગાનનું જે કોઇ પ્રેમ પૂર્વક ગાન કરે છે, તેના ત્રિવિધ તાપોથી દગ્ધ થયેલા હ્યદયમાં ચંદ્રરૂપ થઇ સુધા-લાવણ્યામૃતનું સિંચન કરે છે તે ભક્તના હ્યદયમાં રહેલો અંધકાર દુર કરે છે પછી ક્યારેય તેવા હ્યદયમાં અંધકાર પ્રવેશી શકતો નથી. વળી તે ભક્તના હ્યદય રૂપ કમલને હંમેશા અખંડ પ્રફુલ્લીત રાખે છે. કમળ મુરજાઇ જતું નથી. આવા પ્રફુલ્લીત હ્યદયરૂપી કમળમાં નવધા ભક્તિ-પ્રેમલક્ષણાત્મક મકરંદરસ પ્રગટ થાય છે. આવો ભક્તિ રસ દરેક ક્ષણે નવીન નવીન તથા અધિકાધિક પ્રગટ થતોજ રહે છે. આવા હ્યદયરૂપી પ્રફુલ્લીત કમળમાં શ્રીપ્રભુ્ સ્વરૂપ ભ્રમર નિવાસ કરીને અખંડ રસપાન કરે છે.
 
ફ્કત તીર્થોમાં જવાથી તથા સ્નાન-પૂજા વિ. કરવાથી જો પાપનો નાશ થઇ જતો હોત તો ભક્તના હ્યદયમાં શ્રીમહાપ્રભુજીનો પવિત્ર યશ આવી શકત નહિ અને તેથી તે ભક્તનું હ્યદય આનંદિત-પ્રફુલ્લીત રહેત નહિ. આવા આનંદરહિત મુરઝાયેલા હ્યદય કમળમાં શ્રી મહાપ્રભુજીની સદા-સર્વદા સ્થિતિ કેમ રહે ? તેથી આપ શ્રીમહાપ્રભુજીએ પોતાના યશનું ગુણગાન ભક્તને કરાવ્યુ. આમ ભક્તોનાં પાપ દુર કર્યા આવા નિર્દોષ હ્યદયમાં ભગવત યશનો પ્રકાશ ફેલાતાં અજ્ઞાનરૂપી અંધકારનો નાસ થઇ જાય છે. તદુપરાંત ભગવદ્ સ્વરૂપનું જ્ઞાન અને પ્રભુ સંબંધી અલૌકિક આનંદ પ્રગટ થાય છે, ત્યારબાદ તે હ્યદયમાં પૂર્ણ પુરૂષોત્તમરૂપી ભ્રમર સદાસર્વદા નિવાસ કરીને સ્નેહ ભાવાત્મક મકરંદ-રસનું પાન કરે છે. શ્રીમહાપ્રભુજી ભક્તને પોતાના યશનું ગાન કરાવીને આવા અનેક પ્રકારના ફલનું દાન કરે છે. તેથી એ નક્કી સિદ્ધાંત છે કે, જે કોઇ આપશ્રીના યશનું ગાન કરે છે તેનો દરેક પ્રકારનાં પાપ નાશ પામે છે. આવા ભક્તના નિર્દોષ હૃદય-કમલમાં શ્રીમહાપ્રભુજી સદા-સર્વદા બિરાજે છે. તેથીજ શ્રી ગુસાંઈજી કહે છે : “સ્વ યશોગાન સંહૃષ્ટ હ્યદયાભોજ વિષ્ટરઃ”

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.