પુષ્ટિ પથ પથિક
spacer
spacer

- મધુકર

વાસનાનું તાંડવ નૃત્ય
વાસના માતરે તને નવ ગજના નમસ્કાર ।
કોઇક છુપી ક્ષણમાં જ્ઞાનીના ઉરમાં ઉઠી,
તેની તું આબરૂ લેનાર ।।
જંગલમાં જોગી થઇ એકાન્તે નિવેશે તોયે
તેનો તું પીછો પકડનાર ।
જગની સેવાર્થે નીકળેલામાં ઉર ઉંડાણે,
યશ રૂપે તારો પગ પેસાર ।।
મંત્રોના જ્ઞાતા જેઓ દેવો વશ કરવા ચાહે
તેઓ પણ તુજ આગળ લાચાર ।
વિવેકીઓ વાણીમાંથી તુજને સમાવે તોએ
અંતરમાં ઉઠવા તું તૈયાર ।।
બ્રહ્મના વાતોડા પણ નિજની પ્રશંસા રૂપે
તુજને અંતરમાં સંઘરનાર ।
ખ્યાતી પ્રતિષ્ઠા વિદ્યા દયાદિ નિમિત્તે પણ
તું ડાહી ડમરી થઇ પેસનાર ।।
સાધુ સંતો ભક્તો ને શુરા ઉપર પણ
છુપી તારી સત્તા ચાલનાર ।
ખાવામાં જોવામાં ને જરા જરા માંથી
સૌનું તું નાક કાપનાર ।।
નામમાં કામમાં ગામમાં ધામમાં તું
સહુ જનને મુંઝવનાર ।
કોઇક અલબેલો ચેલો ગુરૂનો નાથેલો,
તારી કાન પટીઓ આંબળનાર ।।
પ્રભુની પ્રાપ્તિમાંહી જો વેગેથી તુ વળે તો
તારો ને મારો બેડો પાર ।।
 
આ વાસનાનું તાંડવ નૃત્ય તેનું સ્ટેજ અન્તઃકરણમાં છુપાયેલું હોય છે. જેને વાસનાત્મક લિંગ દેહ પણ કહેવાય છે. પ્રભુ પ્રેમનો સાધક આ છુપી વાસનાનો પરિચય પ્રાપ્ત કરી પોતાની ઇષ્ટ સાધનામાંથી પતનને પ્રાપ્ત ન થાય તે માટે આ પ્રયાસ છે.
 
“જંગલમાં જોગી થઇ એકાન્તે નિવેશે, તોયે તેનો તુ પીછો પકડનાર.” આ પંક્તિના આશયનું તાદ્રશ દ્રષ્ટાંત બનેલા પ્રણય સંબંધથી જોડાયેલા સ્ત્રી-પુરૂષ બે વિરક્તોનું છે. આ બન્ને પુષ્ટિમાર્ગીય છે. સંસારનો ત્યાગ કરી વ્રજના એકાન્ત સ્થાનમાં રહેવા લાગ્યા. પ્રથમ એક બે વરસ વૃક્ષોના નિચે નિવાસ કર્યો. પછી તેજ સ્થાનમાં રજનો મોટો ટીલો હતો તેની ભીતર કોટડી બનાવી રહેવા લાગ્યા. ભગવદ્ સેવા ગ્રંથાવલોકનથી સાત્વિક જીવન ગુજારતા. વ્રજવાસીઓના ઘરની ચુટકી લાવી શ્રીને ભોગ ધરી અધરામૃતથી નિર્વાહ કરતા. પશ્ચાદ એક બીજા વૈષ્ણવનો પરિચય થયો. તેણે તે જગ્યામાં મકાન બનાવ્યુ. જતે દિવસે આ વૈષ્ણવ સાથે મેળ ન રહ્યો, તે વૈષ્ણવને ભગાડી તેના મકાનમાં આ બન્ને વિરકતો રહેવા લાગ્યા. આ મકાન ઇંટ-ગારાનું બનેલું હોવાથી અને સરોવરના કિનારા પર બનેલું હોવાથી તેમજ વરસાદના જલનો ઉપદ્રવ થવાથી દિવાલોમાં તડો પડી. ફરીને દ્રવ્ય સમ્પન્ન વૈષ્ણવની સહાયતાથી સીમેટવાળુ શહેરોમાં બને છે તેવું બનાવ્યુ. હવે રાજસ વધવા લાગ્યું, તેમાં ગ્રંથાવલોકનથી વિદ્યા વધતા વિદ્યાએ વારૂણીરૂપ ધારણ કર્યું. વિદ્યાને પચાવી ન શક્યા. વારૂણીએ રાજસમાં તામસ મિલાવી દિધું. તામસ આત્મજ્ઞાનને ઢાંકી દેનારૂં અંધકાર રૂપ કહેવાય છે. નિત્યસખા પ્રભુએ વ્રજસ્થ ભક્તોનો નિરોધ કરવામાં તામસને રાજસ બનાવ્યા, રાજસને સાત્વિક બનાવ્યા, અને સાત્વિકને નિર્ગુણ બનાવી લીલા ધામમાં પ્રવેશ કરાવ્યો. વાસના માતાએ આ વિરક્તોને સાત્વિકમાંથી રાજસ બનાવ્યા. રાજસમાં તામસ ભળી ગયું. રાજસ તામસની મીશ્ર અવસ્થામાં વાસના માતાની મહેરમાં તેઓનું પતન થએલું.
 
બુદ્ધિ પ્રેરક તો પ્રભુ જ છે, જીવ તો માયાનો ગુલામ છે. છતાં સાવચેત ન રહેવાય તો પતન થાય જ. તે વાત આપણે લક્ષમાં રાખવી જોઇએ.
 
પુષ્ટિ દૈવી જીવ માટે પતન કોને કહેવું ? નિત્યલીલાસ્થ સ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયથી ચ્યુત થઇ જવું તેજ પતન. નિત્યલીલાસ્થ સ્વરૂપની પ્રાપ્તિ સર્વ ત્યાગ પૂર્વકના વિરહાનુભવ વિના થઇ શકતી નથી. વિરહમાં પ્રભુ સ્વરૂપ સિવાય અન્ય સંબંધ થતાજ વિરહભાવનું તિરોધાન થઇ જાય છે. અરે ! વિરહી જનોને અન્ય સંબંધની ગંધ માત્ર પણ મૃત્યુ સમાન દુઃખદ બની જાય છે. આ વિરક્તોએ તો પોતાની પરિચર્યા માટે વ્રજવાસીઓને પણ રાખેલ. વાસનાનું આ કેવું તાંડવ નૃત્ય છે કે “આયે તે કછું લેનકું ગયા ગાંઠકો ખોય” વ્રજવાસ સાધન દશામાં ફલિત થતો નથી, ભૌતિક આધ્યાત્મિક બન્ને પ્રકારની અવિદ્યાની નિવૃત્તિ થયા પછી કેવલ પ્રભુના વિરહના અનુભવ માટે વ્રજવાસ ફલીત થાય છે. વિરક્તોની આટલી લાંબી કથા કરવાનો હેતુ પ્રભુ પ્રાપ્તિનો પથ બહુજ સાવધાનીનો છે. પ્રિયપ્રભુની પ્રસન્નતા કેમ થાય છે એ વિષયને સારી રીતે સમજી લઇને પ્રણય સાધના કરવામાં આવે તો સફલતા પ્રાપ્ત થાય છે. હરદમ પ્રભુના વિયોગનું દુઃખ-વિયોગાગ્નિ જેના હ્યદયમાં જલતી રહે છે. તેની પાસે કોઇ પણ પ્રતિબંધ આવી શકતો નથી.

ભગવતી ગીતાજીમાં પ્રભુ અર્જુનને આજ્ઞા કરે છે “મારી દૈવી ગુણમય માયાને તરવી બહુ દુસ્તર છે. તે મારા એકલાને જ શરણે આવવાથી તરી શકાય છે.” ધ્યાન રહે માત્ર એક ધર્મિ સ્વરૂપનેજ શરણે આવવાની આજ્ઞા કરે છે. આ ધર્મિ-સાક્ષાત સ્વરૂપનું શરણ સર્વ ત્યાગ પૂર્વકના વિરહાનુભવ વિના શક્ય નથી. સવેધર્માન પરિત્યજયં મામેંકં શરણં વ્રજ આ શ્લોકમાં કરેલી આજ્ઞાનો પણ આજ હેતુ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.