પુષ્ટિ પથ-પથિક
spacer
spacer

- મધુકર

પ્રશ્ન:- આ દેહ ઇન્દ્રિયોના ક્ષણીક આવેગોથી ઉત્પન્ન થતું દુઃખ અને પશ્ચાતાપ ઇષ્ટમાર્ગને રૂંધનારા સાબિત થતાં હોય તો પણ ક્યાં સુધી આવા દુઃખોને સાથે વેંઢારવા ?
ઉત્તર:- આ તમારૂં આર્ત કથન તમારા મનને ઉપદેશ દેવા માટે જ છે. આવા પ્રકારનો ઉપદેશ વારંવાર મનને દેતા રહેવાથી અને ઇન્દ્રિયોના વિષયો તરફ ગ્લાની રહી આવવાથી વૈરાગ્ય પેદા થશે. વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે જ મહા કારૂણિક સ્વામીએ તમારામાં આવા વિચારોની પ્રેરણા કરી છે.
 
વૈરાગ્યથી મન જ્યારે ભૌતિક વિષયોથી છુટું પડે છે ત્યારે તેને બીજા અલૌકિક વિચારોનું અવલંબન નહી મળે તો મન સંકલ્પ વિકલ્પ કર્યા વગરનું રહી શકતું નહી હોવાથી પુનઃભૌતિક વિષયને જ ગ્રહણ કરશે. આમ ન બને તે માટે વૈરાગ્યથી છુટા પડેલા મનને અલૌકિક લીલા ભાવનામાં જોડતા રહેવું તેનું નામ “અભ્યાસ” છે. આ પ્રકારે વૈરાગ્ય અને અભ્યાસથી દુર્જય મન ઉપર વિજય મેળવી લેવાય છે. ‘કામ’ મનમાંથી જ ઉત્પન્ન થાય છે તેથી ‘મનોજ’ કહેવાય છે. મન ઉપર વિજય મેળવવાથી કામ વિજય પણ થયોજ. “બિન વૈરાગ્ય નહી પાઇએ ગિરિધર કો અનુરાગ.” નિસંદેહ વૈરાગ્ય વિના પ્રભુમાં અનુરાગ થતો નથી. પુષ્ટિ પ્રભુની લીલામાં પ્રભુના છ ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનો ઉલટા ક્રમથી પ્રવેશ થાય છે. એટલે કે પ્રથમ વૈરાગ્ય થાય છે, પછી જ્ઞાન. એમ ઉસટો ક્રમ છે. વૈરાગ્ય વિના ભગવદ્ સ્વરૂપ સંબંધી અને આપની દિવ્ય લીલા સંબંધી જ્ઞાન સ્થિર રહી શકતું નથી. પુષ્ટિમાર્ગ ઠોર મઠરીમાં રાચવાનો નથી. જેઓ વૈરાગ્યને અપનાવતા નથી તેઓ પુષ્ટિ ફલથી વંચીત જ રહી આવે છે. આ કથનનું પ્રમાણ આપશ્રીના શ્રીમુખની જ વાણીમાં નીચે મુજબ છે. :-
 
આપશ્રી એક સમયે વ્રજમાં પધાર્યા ત્યારે વિશ્રામ ઘાટ ઉપર બિરાજી રહ્યા હતા. શ્રી દમલાજી પ્રભુદાસજી નિજ્જનો આપશ્રીની નિકટ બેઠા હતા. તે સમયે કૃષ્ણ ચૈતન્યનો સેવક રૂપ સનાતન આપશ્રીની પાસે આવેલ તેમાં પ્રભુદાસ જલોટાજીના કૃષ શરીરને જોઇને રૂપ સનાતને આપશ્રીને પ્રશ્ન કર્યો કે “આપકો માર્ગ તો પુષ્ટિ, ઓર સેવક દુબરે ક્યોં ?” ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે –“હમને બહોત બરજે, યા મારગમેં મતિ પરો, કિંતુ પરે, તાકો ફલ ભોગ રહે હૈ.” શ્રીપ્રભુદાસજીને આપશ્રીના સાનિધ્યમાં પણ પ્રત્યક્ષ વિરહનોજ અનુભવ થતો હતો. વિરહીજનોનું શરીર કૃષ જ રહેતું હોય છે. દિવ્ય પ્રેમની ચરમ કક્ષા પ્રત્યક્ષ વિરહ છે. આ અવસ્થામાં પ્રભુદાસજી આરૂઢ થયેલા છે. રૂપ સનાતન આ રહસ્યને સમજી ન શક્યા પણ જ્યારે તે કૃષ્ણ ચૈતન્ય પાસે જાય છે અને આ બનેલો પ્રસંગ કહે છે ત્યારે કૃષ્ણ ચૈતન્ય શ્રીમહાપ્રભુજીના કહેલા વચનામૃતનું હાર્દ સમજી જાય છે અને મૂર્છિત થઇ જાય છે. કહેવાનું તાત્પર્ય પુષ્ટિમાર્ગ સ્વસ્થતાનો નથી. અગ્નિ સ્વરૂપે પ્રકટ કરેલો માર્ગ તત્સુખની પ્રચુર તાપાગ્રિથી જ ભરેલો છે. “રાજ, યહ મારગ હાંસી ખેલકો નહી હે, તાપકલેશકો હૈ.” શ્રીમદ દામોદરદાસજીએ ઉક્ત પ્રકારે વિનંતી કરી છે. જ્યાં તત્સુખનો તાપાગ્નિ જલતો રહે ત્યાં વૈરાગ્ય પાછળ લાગેલોજ છે. પ્રણયમાર્ગીયનો વૈરાગ્ય વિરહ ભાવરૂપ છે. કારણ કે વિરહાગ્નિથી જ અગણિતાનંદના ભોક્તા પ્રિયતમને સુખદ એવો આધિદૈવિક દેહ સિધ્ધ થાય છે. પ્રિય પ્રભુ અગણિત આનંદ રૂપ છે અને અગણિત આનંદના ભોક્તા છે. આવા પ્રિયતમને સુખદ અવસ્થા વિરહાગ્નિથી સિધ્ધ થાય છે. અથવા જેમ પ્રભુ અગણિતાનંદરૂપ છે તેવા અગણિતાનંદને ધારણ કરી શકે તેવો દિવ્ય દેહ વિરહાનુભવથી જ સિદ્ધ થાય છે. તેથી કહ્યું છે કે :
 
વિરહ અનલ યાતે કહત, સબગુણ પૂરણ એહ ।
પકવ દશા કર દેત હૈ, ભર દે નિરવધિ નેહ ।।
 
“સબગુણપૂરણએહ” અગણિતાનંદના ભોક્તા પ્રિયતમની સુખદ સેવા માટે વિધ વિધ પ્રકારના રસાત્મક ગુણો પણ અનંત જોઇએ. તે વિરહના અનુભવમાં પ્રાપ્ત થાય છે. “પક્વદશાકરદેતહે” સર્વાત્મભાવને સિદ્ધ કરે છે. આ સર્વાત્મભાવથી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. શ્રીયમુનાષ્ટકમાં કહેલી અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિઓથી (પ્રિયતમને સુખદ એવી અનેક રસાત્મક લીલાઓનું સર્જન થાય છે. વિશેષ શું ? વિરહ પરમ પુરૂષાર્થ રૂપ છે. પુષ્ટિલીલા જગતમાં પુરૂષાર્થના શિખરે વિરહજ પહોચાડે છે. “પુષ્ટિમાર્ગ” જેનું નામ છે તે આ વિરહની પરમ ફલાત્મક અવસ્થાજ છે. અથવા વાસ્તવિક પુષ્ટિમાર્ગ આને જ કહેવાય છે કે જેમાં અગણિતાનંદનો અનુભવ થાય છે. આનું મહત્વ સીમારહિત છે. અલ્પ મતિ જીવ કેટલું કથી શકે ? અલમ્.
 
પ્રશ્ન – પ્રભુ અને ભગવદીયો કંઇક કૃપા વિચારે તો માનસીક રોગ દૂર થઇ શકે !
 
ઉત્તર-આ તમારા અપેક્ષા કૃત કથનના સમાધાનમાં શ્રી હરિરાય વાંગમુક્તાવલીના પ્રથમ ભાગમાં “કાર્પણ્યોક્તિ” નામનો ગ્રંથ છે. તેમાં આપ આજ્ઞા કરે છે કે-“હે નાથ ! આપની જે અમારી ઉપર કૃપા છે તે કૃપાને અમો પહેચાની શકયે તેવી કૃપા કરો.” આ આપના કથનથી પ્રભુની અને ભગવદીયોના દ્રારભૂતે કૃપા તો થયેલી છે અને થતી પણ રહેતી જ હોય છે, પણ અંતરમુખતાના અભાવે કૃપાને ઓળખી શકાતી નથી. જેમ પાતલમાં ધરેલા પ્રસાદને પીઠ દઇને બેઠેલો પ્રસાદના માટે પુકારે તેવીજ સ્થિતિ બહિર્મુખ સ્વભાવી મનની હોય છે. આ પણ મનને પહેચાનીને કર્તવ્યચ્યુત નહી થવું જોઇએ. કૃપાને પહેંચાનવી વધારે યોગ્ય ગણાય. આ પત્રમાં જે હું લેખન આપી રહ્યો છું તે “કૃપાનિધિ” શ્રીવલ્લભ કૃપાજલ ભરી એક ઘટાનીજ વર્ષા કરી રહ્યા છે તેમાં મને નિમિત્ત કર્યો છે.
 
“ જ્યોં જલધરતે જલધર જલ લે.
હરખે બરખે અપને કર લે”
 
સૂર્યના પ્રચંડ ઉષ્ણતા ભર્યા કિરણો “જલધર” સમુદ્રમાંથી “જલધર” બાદલોમાં ભરે છે. અને બાદલો તે જલની વર્ષા કરે છે. અહીં કૃપાનિધિ શ્રીવલ્લભ કૃપાના જલધર (સાગર) છે. ભક્તિમાર્ગાબ્જમાર્તંડ સ્વરૂપના કિરણો કૃપા જલધરમાંથી કૃપા જલને ગ્રહણ કરી ભગવદીયોના હ્યદયરૂપી બાદલોમાં ભરે છે. અને શ્રીવલ્લભની કૃપા ભરી પ્રેરણાથી ભગવદીયો નિમિત્ત બનીને કૃપાની વર્ષા કરે છે. આથી આ લેખ કૃપા જલની ઘટા ભરેલો કૃપાની વર્ષા કરનારો જાણીને હ્યદયમાં ધારણ કરશો.
 
વિવેક ધૈર્યાશ્રયમાં આપશ્રીએ પ્રભુને પ્રાર્થના નહી કરવી એમ જે નિગૂઢ આશયવાળી આજ્ઞા કરી છે તેનો હેતું કપટ ભરેલા મનનો તેવી પ્રાર્થનામાં પક્ષ થાય છે. અથવા મન કર્તવ્ય પરાયણ થવા ચાહતું નથી. પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર રાખી પોતે નિશ્ચિત રહેવા ચાહે છે. મનના આવા કાપટ્યને આપ શ્રીવલ્લભ જાણતા હોવાથી પ્રાર્થના નહી કરતા કર્તવ્ય પરાયણ થવાનો ઉપદેશ કરી રહ્યા છે.
 
ગોપીગીતના ચોથા શ્લોકવાળા શ્રીગોપીજન નિર્ગુણ છે. નિર્ગુણ ભક્તો મુખ્ય પ્રકારે તત્સુખીજ હોય છે. તે પ્રિય પ્રભુને પોતાની ભાવના નિવેદન કરે છે કે- “હે પ્રેશ્ઠ ! (અત્યંત પ્રિય) આ બીજા ગોપીજનો જેમ આપને ઉપાલંભ આપે છે. (“કીતવ” આપ કપટી છો તેમ કહેવામાં પણ અચકાતા નથી) તેમ મારે આપને કંઇજ કહેવાનું નથી. આપના સુભગ સંગમનો તાપ કલેશ મારામાં હશે તો આપ પ્રગટ થઇ આપના અનિર્વચનીય સ્વરૂપાનંદનું દાન કરશો જ” આ તત્સુખી ગોપીજન કૃપાની પણ યાચના કરતાં નથી. પરન્તુ પોતાના કર્તવ્યનો જ વિચાર કરે છે. તત્સુખ સાગર શ્રીવલ્લભને “સ્વાર્થોજ્જીત” તત્સુખી ભક્તોજ પ્રાંણ સમાન પ્રિય છે. અને આપશ્રીના પ્રકટ કરેલા રતિપથનો ઉત્કૃષ્ટ સિદ્ધાંત પણ તત્સુખતા જ છે. સ્વસુખની જેમાં ગંધ માત્ર પણ નથી અને પ્રિયને સુખરૂપ થવાની સ્થિતિને પ્રાપ્ત કરવા અસહ્ય વિરહ વ્યથાને જે સહન કરે છે તેવા ભક્તોજ મહાન દિવ્ય સ્વરૂપ શ્રીવલ્લભવરને વરવા યોગ્યતા પ્રાપ્ત કરે છે.
 
આ ભૂતલ સ્થિતિમાં તનુ-વિત્તજા સેવા ચાહે તેવા વૈભવથી થતી હોય તો પણ નિત્ય લીલાસ્થ મહાન અલૌકિક પ્રિય પ્રભુના સ્વરૂપની તત્સુખાત્મક સેવાની યોગ્યતા આધિદૈવિક દેહને પ્રાપ્ત કર્યા વિના થઇ શકતી નથી. અને આધિદૈવિકતા વિરહાનુભવ વિના સિદ્ધ થતી નથી. શ્રી ગોપીજનોના નિરોધમાં પણ સંયોગ-વિયોગ બન્ને અવસ્થાનો અનુભવ બાલલીલાથી પ્રારંભ કરી મહારાસમાં પ્રવેશ કરાવ્યો ત્યાં સુધી પ્રિયતમ કરાવતા જ રહ્યા છે. અને મહારાસ પછી પણ વિરહની પરમ ફલાત્મક અવસ્થામાં જ સ્થિત કર્યા છે. મહાકારૂણિક એદયદાની મહોદાર ચરિત્રવાન સ્વામીનો પ્રગટ કરેલો માર્ગ વિરહ ફલાત્મક છે અતિશય અનુગ્રહીત સ્વકીય જનનો પ્રવેશ તેમાં થયો છે. (તહાં પ્રવેશ દ્વે ભ્રમરકો દામોદર પ્રભુદાસ.)
 
ભક્તિમાર્ગસ્ય કથનાત્ પુષ્ટિ રસ્તીતિ નિશ્ચય:
સર્વત્રોત્કર્ષ કથનાત્ પુષ્ટિ રસ્તીતિ નિશ્ચયઃ ।।
(પુ.પ્ર.મ)

સર્વ ભક્તિમાર્ગોથી પુષ્ટિ ભક્તિમાર્ગની સર્વોત્કર્ષતા રહેલી છે, તે પુષ્ટિ પ્રભુના અગણિતાનંદ સ્વરૂપના અનુભવમાંજ કથાય છે. આ અગણિતાનંદનો અનુભવ વિરહ ફલાત્મક અવસ્થામાંજ થાય છે. વસ્તુતઃ આને જ ‘પુષ્ટિમાર્ગ” કથવો યોગ્ય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.