પ્રભુ પ્રાગટ્ય હેતુ
spacer
spacer

લેખક :- મધુકર

વિધાતા યહ દિન બેગ દિખાયો ।
જા દિનકો સબ કોઉ તરસત હે,
નંદરાની સુત જાયો ।।1।।
જસુમતિ ચ કોટા કે લિયે,
કહા દેવ તુમ ધાર્યો ।
બેગહી ભઇ કૂખ તુમ સન્મુખ,
મનકો ચિત્યો પાયો ।।2।।
ફીર ફીર રહસિ વ્રજ સુન્દરી,
કરત આપ મન ભાયો ।
શ્રી વિઠ્ઠલ ગિરિધરન લાલને,
ઉર સુખ બહુત જનાયો ।।3।।
 
પ્રશ્ન :-ઉપરોક્ત વધાઇના પદમાં “વિધાતા યહ દિન બેગ દિખાયો” એમ કહ્યું તેમાં શ્રી ગોપીજનોએ તો એક કલ્પ પર્યંત વિયોગનો અનુભવ કર્યા પછી પ્રભુનું પ્રાગટ્ય થયું છે, તેમાં બેગ દિખાયો” એમ શ્રીપ્રભુચરણે આજ્ઞા કરી તેનું શું રહસ્ય હશે ?
ઉત્તર :-  શ્રી હરિરાય ચરણોકત “શ્રી મત્પ્રભુ પ્રાગટ્ય હેતુ નિર્ણય”નામના ગ્રંથમાં આપ આજ્ઞા કરે છે કે – પ્રભુના પ્રાગટ્ય થવામાં હેતુ ભક્તોનું દુઃખ હોય છે તે પ્રકાર નીચે મુજબ :-
 
તત્ર હેતુ ભક્ત દુઃખ રૂપ ત્રિયતકે હરેઃ
અવતારોડપિ ભક્તાનાં દુખાદેવ હરેર્મત : ।।
પ્રભુના ત્રણે રૂપોમાં પણ પ્રભુનો અવતાર ભક્તોના દુઃખને કારણે જ હોય છે. પ્રભુ પ્રાગટ્યના ત્રણ પ્રકાર નીચે મુજબ :-
(1) ભક્તોને અન્યથી થતું દુઃખ દુર કરવા માટે પ્રાગટ્ય.
(2) પ્રભુના દર્શનાદિ માટે ઉત્કટ ઇચ્છા જાગે અને એ પરિપૂર્ણ કરવા પ્રભુ જે રૂપથી પ્રકટે તે બીજા પ્રકારનું.
(3) સહજ સ્નેહને કારણે પ્રભુ સંબંધી જે દુઃખ ભક્તને થતું હોય તે દુઃખ દૂર કરવા પ્રભુ જે રૂપથી પ્રકટે તે ત્રીજા પ્રકારનું પ્રાકટ્ય.
 
આ ત્રણેયમાં શ્રુતિરૂપા ગોપીજનોનો પ્રભુમાં સહજ સ્નેહ છે. સહજ સ્નેહના કારણે શ્રુતિ-રૂપાઓના હ્યદયમાં મૂલ વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપે પ્રાદર્ભૂત થયા. “સહજ સ્નેહ” એટલે પ્રભુ શ્રુતિરૂપા ગોપીજનોના આત્મા રૂપેજ તેમના હ્યદયમાં પ્રગટ થયેલા હોવાથી પોતાના આત્મામાં સર્વને સહજ સ્નેહ હોય છે. અથવા પ્રભુના સુખનાજ ભાવવાળો તત્સુખી સ્નેહ તેનું નામ “સહજ સ્નેહ”. આ શિખ શ્રુતિ-ઓ છે, વેદના રહસ્યને જાણનારી છે તે પ્રભુનું ભજન પ્રભુની તત્સુખ સેવા માટે જ હોવું જોઇએ. આવું ભજન એ પરમ રહસ્યરૂપ છે. ફલ-પુરૂષાર્થરૂપ પ્રભુને સ્વાધીન કરનાર છે. “વિધાતા યહ દિન બેગ દિખાયો” કેમ ઘટે ? તેનો હેતુ જેટલો તાપકલેશ અધિક તેમ પ્રભુ પ્રાગટ્ય સત્વરે થાય છે. (આ પ્રકારનું સૂચન શ્રી હરિરાય ચરણે પંચમ શિક્ષાપત્રમાં કરેલું છે.) આ શ્રુતિઓમાં પહેલા (ગોપીરૂપે જન્મ થયા પહેલા) શ્રુતિ અવસ્થામાં સહજ સ્નેહ નહી હતો. રસાવેસઃ સ્વરૂપનું ગાન કરતી હતી. આ ગુણગાને કરીને પ્રભુ પ્રસન્ન થયા ત્યારે પોતાના કોટિ કન્દર્પ રૂપના અને પોતાના દિવ્ય પરિકરના દર્શન કરાવી આજ્ઞા કરી તમે કછુ માગો. ત્યારે શ્રુતિઓએ પ્રાર્થના કરતા કહ્યું કે આપ પ્રસન્નતાથી વરદાન દેવા ઇચ્છો છો તો જેવું આપ આપના દિવ્ય પરિકરને સુખ આપો છો તેવું અમને આપો. શ્રુતિઓની આવી માંગણીમાં સકામતા હોવાથી અને આ શ્રુતિઓને તત્સુખાત્મક સહજ સ્નેહનું દાન કરવાનું પ્રભુએ વિચારેલું હોવાથી આજ્ઞા કરી કે તમારો મનોરથ સિદ્ધ થવો દુર્લભ છે. પરન્તુ તમને વરદાન આપ્યું છે તે સત્ય કરવા સારસ્વત કલ્પમાં હું વ્રજ મંડલમાં પ્રગટ થઇશ અને તમે ગોપીરૂપે પ્રગટ થશો ત્યારે તમારો મનોરથ પૂર્ણ કરીશ. આ વરદાન મેળવી શ્રુતિઓ ગોપીરૂપે વ્રજમાં થયાં, અને જે સ્વરૂપના લીલા લોકમાં દર્શન કર્યા હતા તેનું વિરહભાવ પૂર્વક ધ્યાન કરવા લાગ્યા. તાપકલેશ પૂર્વક્ના ધ્યાનથી તેમનો સકામ ભાવ નિવૃત્ત થયો ત્યારે તેમને દિવ્ય પ્રેમની મહાનતા સમજાણી કે દિવ્ય પ્રેમ પ્રિયતમના સુખનાજ વિચારવાળો તત્સુખાત્મક હોય છે. આ તત્સુખાત્મક સ્નેહ તેમનામાં પ્રગટ થઇ ગયો. આવા સ્નેહનેજ “સહજ સ્નેહ” કહેવાય છે. આવા સહજ સ્નેહના કારણે પોતાનું જીવન પ્રભુના સુખમાં ઉપયોગી નહી થતાં તેમને તત્સુખના પ્રચુર તાપ રહેવાથી પ્રભુનું બેગ પ્રાગટ્ય થયું, તેથી એક પદમાં માતૃચરણ શ્રીયશોદાજી ગોપીજનોને કહે છે :-
 
“તુમારે ભાગ્ય સુનો મેરી ગોપી,
એસો સુત મેને જાયો હે.”
 
પ્રભુના બેગ પ્રાગટ્યમાં શ્રુતિરૂપાના સહજ તત્સુખી સ્નેહથી થતો તાપભાવ કારણરૂપ છે.
 
હવે ‘કલ્પ’નો અર્થ મારી અલ્પમતિ અનુસાર નિવેદન કરૂં છું કે- એક તો કલ્પમાં ઘણા કાળની ગણત્રી થઇ શકે. તાપની ન્યુનતા આધિક્યતા એ તે કાળની નિયમિતતા છે. બીજું ‘સારસ્વત કલ્પ’નો સુક્ષમ અર્થ વિચારીયે તો સત્વ પ્રધાન હ્યદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે, આ સત્વ પ્રધાન હ્યદય બનવાનો જે સમય તે “સારસ્વતકલ્પ” સત્વ અધિષ્ઠાન બીજું રસાત્મક. શ્રુતિરૂપાઓમાં રસાત્મક આધિષ્ઠાન પણ બે પ્રકારનું છે.- એક અક્ષરાત્મક બીજુ રસાત્મક. શ્રુતિરૂપાઓમાં રસાત્મક આધિષ્ઠાન બનેલ છે, આવું રસાત્મક સત્વ અધિષ્ઠાન સહજ સ્નેહ વાળા શ્રીગોપીજનોમાં તત્સુખના પ્રચુર તાપે સત્વરે સિધ્ધ થયું. તેથી “વિધાતા યહ દિન બેગ દિખાયો” એમ શ્રુતિરૂપાના યુથાધિપતિ શ્રીમત્પ્રભુચરણોએ તે પદમાં રહસ્ય પ્રગટ કર્યું.
 
શ્રી હરિરાય પ્રભુના એક પદમાં :-
જોપે શ્રીવલ્લભ ચરણ ગહે ।
તો મન વૃથા કરત ક્યોં ચિન્તા
હરિ હિયે આય રહે ।।1।।
જનમ જનમ કે કોટિક પાતક છિનહી માંજ દહે ।।
 
ઉપરોક્ત પદમાં કોટિ જન્મોના પાપોને શ્રી મહાપ્રભુજીના તાપાત્મક સ્વરૂપનું સાનિધ્ય એક ક્ષણમાંજ દહન કરે છે. જેમકે અંતર્ગૃહ ગતાના કોટિ જન્મના પાપો ક્ષણમાં ભસ્મ કર્યા છે. ત્યાં પણ આપશ્રી મહાપ્રભુજીના તાપાત્મક સ્વરૂપનુંજ અદભૂત કાર્ય છે એટલે “બેગ દિખાયો” આ કથન તત્સુખના પ્રચુર તાપમાં સંગત થઇ શકે છે. “શ્રીવલ્લભ શરણથકી સહુ પડે સહેલું” આ પંક્તિનું સ્વારસ્ય પણ ઉપરોક્ત તાપાત્મક સ્વરૂપના કથનમાં સંગત થાય છે.
 
શ્રીહરિરાય પ્રભુ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે :
યસ્ય સ્મરણ માત્રેણ સકલાતિ વિનાશનમ્ ।
તત્ક્ષણાદેવ ભવતિ તત્સ્મૃતિઃ ક્રિયતાસદા ।। 15-8
આર્તિમાત્રમતઃ
સ્થાપ્યં પ્રાર્થના ન વિધિયતામ્ ।
કૃપાલુરેવ ભવિતા નિજાર્તજન શર્મદઃ 31-14
તદાર્તિ પ્રાપ્તિરેતેષાં તદુપાચાર્ય સેવનાત્ ।
તત્કૃપાતસ્તદુદિત વચો વૃન્દ વિચારણાત્ ।। 31-17
 
મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાય પ્રભુના ઉપરોક્ત કથનનું પણ નિગૂઢત્વ તાપકલેશમાં જ છે. આ તાપકલેશથી જ પ્રભુનું અધુના પણ બેગ પ્રાગટ્ય વિરહી સ્વકીયાના હ્યદયમાં થાય છે. તાપ સત્વની શુદ્ધિ સત્વરે કરે છે તે તો પ્રસિધ્ધ જ છે. અથવા તેમાં કોઇ સંદેહ જ નથી.
 
“ફીર ફીર રહસિ વ્રજસુન્દરી કરત આપ મન ભાયો” આ પંક્તિનું તાત્પર્ય પણ સહજ સ્નેહવાળા શ્રીગોપીજનો માટે છે. શ્રીવલ્લભના તાપાત્મક સ્વરૂપના અનન્ય આશ્રિત સ્વકીયમાં સહજ સ્નેહનો પ્રાદુર્ભાવ થાય છે. કારણ કે આપશ્રીનું સ્વરૂપ ચિન્તન નિજ્જનોએ કરવું યોગ્ય છે. એવો ધ્વનિતાર્થ તે પદમાંથી પ્રાપ્ત થાય છે. તત્સુખના તાપને બુઝાવી દે તેવા સિદ્ધાંતો પ્રવૃત્તિઓ નિજ્જનો માટે નથી. ઠગોરૂં મન સાક્ષાત નિત્ય લીલા સ્વરૂપ સુધી જીવને પહોંચવા દેતું નથી. મનોસજ્યમાં જ વિચરણ કરાવે છે અને માનસી સેવાનું વિરોધી છે. તત્સુખ ભાવ સિવાય બીજા સ્વારથના ભાવો આવે તે શ્રી વલ્લભજન માટે આસુરી ભાવ માનવા યોગ્ય છે. તત્સુખનો ભાવ પણ પરિચ્છિન્ન નહી કારણ કે નિજ સ્વામી નિરવધિ-અગણિતા-નંદના ભોક્તા છે. તેનો તત્સુંખ ભાવ પણ અગણિત આનંદરૂપ હોવો જોઇએ. આ અપરિચ્છિન્ન સતાવાળું અધિષ્ઠાન વિરહાનુભવથી જ સિધ્ધ થાય છે એમ પણ જાણવા યોગય છે. શ્રી વલ્લભાષ્ટકમાં “હુતાશ” (શ્રીવલ્લભ)નું શરણ શ્રીપ્રભુ ચરણે પોતાના માટે અને સ્વકીયો માટે પ્રાથ્યું તેનું પણ એજ રહસ્ય છે.
 
શ્રીહરિરાય ચરણે બહુધા સ્થાને શ્રીવલ્લભ ચરણ કમલના આશ્રયનો આગ્રહ નિજ્જનોને કર્યો છે તે પણ આપશ્રીના તાપાત્મક સ્વરૂપ માટે જ છે
 
સારસ્વત કલ્પની લીલામાં સ્વકીયા-પરકીયા ભાવ લઘુરાસ સુધી હતો. મહારાસમાં સ્વકીયા ભાવ સિદ્ધ થયો તે નિમ્ન શ્લોકથી સમજાય છે. :-
 
કૃત્વા તાવન્તમાત્માનં યાવતી ર્ગોપ યોષિતઃ ।
રેમે સ ભગવાંસ્તાભિરાત્મા રામોડપિ લીલયા ।।
(10-30-20)
 
ઉપરોક્ત શ્લોકમાં સ્વકીયા ભાવનો ધ્વનીતાર્થ છે. ઉપરોક્ત (સ્વકીયા-પરકીયા) બન્ને ભાવોથી એક ત્રીજો વિલક્ષણ દાસ્ય ભાવ છે. જેનું દાન શ્રીમદાચાર્ય ચરણના ત્રિતયાત્મક સાક્ષિતસ્વરૂપના અતિશય અનુગ્રહથી થાય છે. (આ દાસ્યભાવની પ્રાપ્તિ શ્રી દ્વારકેશ ચરણે દુર્લભ કથી છે.) આ દાસ્યભાવનું સુચન શ્રી સ્વામિની સ્તોત્રના શ્લોક 11 માં શ્રી પ્રભુચરણે કરેલું છે :
 
યાવંતિ પદ પદ્માનિ ભવતિનાં હરિ પ્રિયા: ।
તાવદરૂપઃ સદા દાસ્યં કરવાણિ તદા તદા ।।11।।
 
ઉપરોક્ત દાસ્ય અપરિચ્છિન્ન સત્તા યુક્ત છે તે શ્લોકના ભાવાર્થથી જાણી શકાય છે. સપ્ત શ્લોકીના બીજા શ્લોકમાં પણ :-

“શ્રીવલ્લભાભિધાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્યમ્” ‘નિજ’ કૃષ્ણાસ્ય સ્વરૂપની લીલા વિલાસમાં રહેલા સ્વતંત્ર ભક્તિવાળા સ્વકીયો કે જે કૃષ્ણાસ્ય રૂપ થયેલા છે તેના દાસ્યની પ્રાર્થના કરે છે. એટલે ધમિ વિપ્રયોગાત્મક શ્રી સ્વામિનીજીઓના દાસત્વની પ્રાર્થના કરે છે. આ દાસત્વ તો શિખર પુરૂષાર્થ રૂપ છે, અને કેવલ શ્રીકૃષ્ણાસ્ય સ્વરૂપની અતિ કરૂણાથીજ પ્રાપ્ત થાય છે. આ દાસત્વ પણ નિત્ય લીલાસ્થ સ્વરૂપના સંબંધવાળું હોવાથી અપરિચ્છિન્ન સાકાર વ્યાપક સત્તાથી જ થઇ શકે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.