પુષ્ટિ પથ - પથિક
spacer
spacer

- મધુકર

પ્રશ્ન– હું ચોક્કસ પણે માનું છું કે દેહધર્મ અને આત્મધર્મ બન્ને ભિન્ન છે, પણ હાલમાં એની નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું કે દેહધર્મો આત્માના ધર્મને રૂંધીને નાશ કરવા તત્પર બન્યા હોય તેવું લાગે છે, તો આનું શું કારણ હશે ?
ઉત્તર– આ તમારા કથનના સંદર્ભમાં, દેહ અને આત્માના ધર્મની ભિન્નતા તમને સમજાણી તે શ્રી વલ્લભભાનુની કૃપાથી જ. અનેક જન્મોથી દૈવી જીવ લીલાધામથી વિછુર્યો છે, અને અવિદ્યાએ (કાળમાયાએ) પ્રાકૃત પ્રપંચનો ગાઢ અંધકાર જમાવ્યો છે. તેને કોટિ સૂર્યથી અધિક ઉગ્રપ્રતાપી શ્રીવલ્લભભાનુ વિના કોણ દૂર કરવા સમર્થ છે. ?
 
“અજ્ઞાનાધંધકાર પ્રશમન પટુતાખ્યાપનાય ।
ત્રિલોકયામગ્નિત્વં વર્ણિત તે કવિભિરપિ સદા
વસ્તુતઃ કૃષ્ણ એવ” ।
 
શ્રી વલ્લભભાનુની કૃપાથી જ્યારે દેહથી આત્મા ભિન્ન છે તેવું સમજાય ત્યારેજ સ્વયંના ભૌતિક દેહમાં અને દેહના સંબંધી સમસ્ત ભૌતિક સંસાર પ્રપંચમાં અનાસક્તિ અને વૈરાગ્ય થાય છે. આ સમયે દૈવી જીવને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી દૈવી જીવને પોતાના નિત્ય સખા પ્રિય પ્રભુ સાથે તેનો સંબંધ કેવો છે તેનું પણ જ્ઞાન થાય છે. મારા સાચા સંબંધી તો નિત્ય સખા પ્રિય પ્રભુ જ છે. તે પ્રિયતમથી અસંખ્ય કાલથી વિછુરેલો છું. તેમ જાણવાથી નિત્ય-સખા પ્રિયની પ્રાપ્તિનો પ્રચુર વિરહાગ્નિ પ્રગટ થઇ જાય છે. દૈવી ગુણમય માયાના કરેલા અંધકારથી પ્રભુ સાથેના નિત્ય સંબંધને દૈવી જીવ ભૂલી ગયો હતો તે શ્રીવલ્લભ ભાનુના એકાંગી આશ્રયથી પ્રકાશ પ્રાપ્ત થતાં દેહ અને આત્માની ભિન્નતા સમજાણી, તેથી વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત થયાં. હવે દૈવી જીવ પોતાના નિત્ય સખા પ્રભુને પાપ્ત કરવાજ સર્વ પ્રકારથી પ્રયત્નશીલ રહે છે.
 
તમને દેહ અને આત્માની ભિન્નતા સમજાણી છતાં દેહના ધર્મો આત્માના ધર્મને રૂંધીને નાશ કરવા તત્પર બન્યા છે, તેનું કારણ અનેક જન્મોથી મન દેહના ધર્મામાંજ રાચ્યું છે. તેથી આત્મ ધર્મ સમજાય છતાં મન દેહના ધર્મોમાં બલાત ખેંચી જાય છે. (જેમ ગ્રાહ(મગર) ગજેન્દ્રને ખેંચતો તેમ) આવી પરિસ્થિતિમાં વારંવાર દેહ અને આત્મ ધર્મની ભિન્નતાનો વિચાર કરતા જ રહેવો. આવા નિરંતર થતા વિચારથી દેહના ધર્મમાંથી મન નિવૃત થશે. દૈવી જીવને અનેક પ્રકારની ઉપાધી અને દુઃખનો અનુભવ દેહમાં પોતાપણાના “અહં-મમ”થી જ થાય છે. જીવાત્મા તો દેહથી અને દેહના અહં-મમનો અધ્યાસ થવાથી અનેક ઉપાધિ અને દુઃખનો અનુભવ કરવો પડે છે. સંસારનું સુખ એ દુખોના બીજને બોધ દેનારૂં છે. અરે ! જન્મ મરણના ચક્રમાંજ પટકી દેનારું છે.
 
ભક્તજનો સંસાર સુખના ફાસીમાં ફસાતા નથી. પ્રભુના વિયોગ દુઃખને પરમ સુખ સમજે છે. પ્રેમી ભક્તો જ્યારે પ્રિયના વિયોગ દુખનેજ પરમ સુખ સમજે છે તો પ્રિયના સાક્ષાત સ્વરૂપથી મળતા સુખનું શું વર્ણન થઇ શકે ? અથવા પ્રિયના વિયોગ અનુભવમાં પ્રેમી ભક્તનો પ્રવેશ તેનાજ આધિદૈવિક સ્વરૂપમાં થાય છે અને દિવ્ય સ્વરૂપ આગણિત આનંદ ધારણ કરનારૂં છે. આવા પોતાના જ અગણિતાનંદ સ્વરૂપમાં વિયોગના દુઃખથી જ પ્રવેશ થતો હોવાથી વિયોગ દુઃખના પરમ સુખ રૂપ માને છે. આવા દુઃખની સ્વકીયો માટે આપશ્રી વલ્લભે પ્રભુ પાસે પ્રાર્થના નિરોધ લક્ષણ ગ્રંથમાં કરી છે. આવા પ્રકારનો નિરંતર વિચાર કરતા રહેવાથી મન દેહના ધર્મોમાંથી મુક્ત થતું જાય છે અને આત્મ ધર્મોમાં રૂચિ વાળું બનતું જાય છે. દૈવી જીવને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. ત્યારે તે સર્વત્ર વૈરાગ્ય વાળો બની જાય છે, તેમજ સર્વત્ર તુચ્છતા ભાસે છે.
 
‘જ્યાં લગી આત્મા તત્વ ચિતવ્યો નહી
ત્યાં લગી સાધનો સર્વ જુઠ્ઠી.”
 
મહાનુભાવનું ઉપરોક્ત કથન પરમ સત્ય, પરમ પુરૂષાર્થને પ્રાપ્ત કરાવવામાં અતિ ઉપકારક છે. ભૌતિક દેહ ઇન્દ્રિયોના અધ્યાસ સહિત થતી પ્રભુની સેવા સ્મરણાદિ ક્રિયાની સાક્ષાત પ્રભુ સ્વરૂપ સુધી પહોંચ નથી. આત્મા સ્વરૂપના જ્ઞાનની પરમ આવશ્યક્તા સમજી લેવી જોઇએ. “આત્મા સ્વરૂપનું જ્ઞાન” એટલ પ્રેમી ભક્તને પોતાના આધિદૈવિક સ્વરૂપનુ અને પ્રિય પ્રભુના નિત્યલીલાસ્થ ધર્મિ વિપ્રયોગાત્મક (મૂળ) સ્વરૂપનું એમ ઉભય સ્વરૂપનું જ્ઞાન જાણવું.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.