સુખિયા માલણ
spacer
spacer

મથુરાની ‘સુખિયા’ નામની એક માલણ કોઇ કોઇ વાર ગોકુલમાં ફળ-ફુલ વેચવા ચાલી આવતી. પરંતુ કાર્યવશાત કન્હૈયાના પ્રત્યક્ષ દર્શન એને થયા ન હતાં આજે એ અનાયાસે નંદાલયના પ્રાંગણમાં આવી. ફળોનો ટોપલો સામે મુકીને એ ત્યાં બેસી ગઇ. ફલવાળીને જોઇને નાનાં નાનાં ગોપબાળકો પોતાના ઘરમાં જઇને એક એક ખોબો અનાજ લાવ્યા, અને માલણના પાસેથી એક ખોબા અનાજના બદલામાં ફળો લેવા લાગ્યા !

નાનકડો નટવર પણ આંગણામાં જ ખેલી રહ્યો હતો. એ પણ માતા પાસે ગયો અને માનો પાલવ પકડીને કહેવા લાગ્યો: “મા-મા, બધાં બાળકો ફળો ખાય છે, મને અનાજ આપે, તો હું યે સુખિયા માલણ પાસેથી ફળો ફઉં !”
 
“-અરે મારા લાલ !” માતા બોલી : “સામેના કોઠારમાં ધાન્યની કોઠીઓ ભરી છે. એમાં મને પૂછવાનું શું હોય ? ખુશીથી ફળો લઇને આરોગો”
 
ભલા બાલકૃષ્ણનો ખેબો કેવડો ? એણે અનાજનો એક ખોબો ભર્યો અને મંદગતિથી એ માલણ સામે ચાલવા લાગ્યા ! જગતના જીવોને ફળ આપનાર-ફલદાતા પ્રભુ આજે સામે પગલે માલણનાં ફળો લેવા ચાલ્યા આવે છે ! ખોબાનું અનાજ બન્ને હાથની આંગળીઓની વચ્ચેથી સરકતું પડતું જાય છે અને આ નાનકડો નટવર ચાલ્યા આવે છે. માલણના સામે ઉભો રહીને એ બોલ્યો : “મા ! મને ફળ આપો !”
 
નંદનંદજીના મુખે બોલાયેલા આ શબ્દો કેવા મંજુલ અને મધુર હતા ! ફળો વેંચતા વેંચતા માલણે એક દ્રષ્ટિથી આ બાળકના સામે જોયું અને મોહનના મુખડાં પર એ મુગ્ધ બની ગઇ ! જાણે લાંબા સમયની તપશ્ચર્યાનું ફલ આ સુખિયામાલણને પ્રાપ્ત થઇ ગયું ! સ્વરૂપ-સૌંદર્યમાં એ જાણે કે ડુબી ગઇ ! ત્યાં તો મોહનનો મનોરમ્ય સ્વર સંભળાયો ! “મા, મને ફલ આપો ને ?”
 
“આપું છું મારા લાલ !” સુખિયાએ કહ્યું : “પણ તારો ખોબો ખાલી કરે ત્યારે આપું ને !” અને નંદલાલે માલણના ખોળામાં અનાજનો ખોબો ખાલી કર્યો !... પરન્તુ આ શું...? ધાન્યને બદલે રત્નો ? માલણ આજે કૃતકૃત્ય બની ગઇ ! એનો આ લોક અને પરલોક બન્ને સફળ બની ગયા ! તેણે કન્હૈયાના ખોળામાં ફળો આપ્યા. કમળની પાંખડીઓ સમાન શ્રીહસ્તોથી શ્યામસુંદરે ફળો લીધા, અને મનમોહન નાચતો-કૂદતો ને ફળો આરોગતો ત્યાંથી પાછો ફર્યો.
 
સુખિયા માલણ સાધારણ ફળો આપીને દિવ્ય ફળ મેળવી ગઇ ! આ શું પાંચ-દશ ફળોનો બદલો હતો કે પૂર્વજન્મની તપશ્ચર્યાના ફલ રૂપે અનંતકૃપાસિંધુનો એ અનુગ્રહ હતો ?
 
પ્રભુ તો પરમ દયાળું છે, જીવે આપેલી વસ્તુના સામે જોતો નથી. એ તો જુએ છે સમર્પણની અંદર સમાયેલા ભાવને ! એ તો અંતર્યામી છે, અને
‘અંતર્યામિ સમસ્તન ભાવ જાનાતિ કેવલમ્’
એ આપણા અંતરની ઊંડાણમાં રહેલી ભાવનાને જાણે છેઃ વસ્તુનો અંગીકાર નથી, ભાવનાનો જ અંગીકાર છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.