મુસાફર જાગતે રહેના....
spacer
spacer

- પથિક

પ્રભુને ભુલાવે તેવા વિચારોને જ ચોર કહેવાય છે. તે આપણે જાગતા ન હોઇએ તો હ્યદય રૂપ નગરમાં પેસી જાય છે. આપણું દૈવી જીવન તે અમુલ્ય ધન છે. દૈવી જીવનની પ્રત્યેક ક્ષણ અમુલ્ય છે. તેને બીજા વિચારો રૂપી ચોર લુંટી લ્યે છે. જેણે પોતાના દૈવી જીવનની આ રીતે કીમત કરી હોય તેવો બુદ્ધિમાન જીવ જાગતો રહે છે. અને પોતાના દિવ્ય જીવનની પ્રત્યેક ક્ષણનો પ્રભુની સન્મુખતામાં ઉપયોગ કરતો હોય છે. અષ્ટાક્ષરના સતત સ્મરણની આજ્ઞા શ્રીમહાપ્રભુજીએ કરી છે. જાગૃત જીવ આ આજ્ઞાના પાલનમાં તત્પર થઇ જાય છે.
 
“દુર્લભો માનુષ્યો દેહો દેહાનામ ક્ષણભંગુરઃ ।’’
 
મનુષ્ય દેહ દુર્લભ છે, તેમાં પણ વૈષ્ણવ કુલમાં, તેમાં પણ શ્રીમહાપ્રભુજીનું શરણ, આમ ઉત્તરોત્તર દૈવી જીવન પ્રાપ્ત થવું મુશ્કેલ છે. તે આપણને શ્રીમહાપ્રભુજીની કરૂણાથી પ્રાપ્ત થયું છે. આવો દુર્લભ દેહ મળવા છતાં તે ક્યારે પડી જશે તે આપણે જાણતા નથી જેનું સમગ્ર જીવન પ્રભુમય બની ગયું છે. તેવો બડભાગી જીવ તો (ભાડુતી મકાન ખાલી કરી પોતાના ઘરના મકાનમાં રહેવા જાય તેમ) લૌકિક દેહ છોડતી વખતે દિવ્ય દેહ પ્રાપ્ત કરી પ્રભુના ધામમાં પ્રવેશ કરે છે. પણ જેનું સમગ્ર જીવન પ્રભુમય બન્યું નથી તેણે જાગૃત રહી પ્રભુમય સમર્પીત કરતો રહેશે. પ્રભુનું માનીને સંસારની જવાબદારી નિભાવવી તે સમયે પણ અષ્ટાક્ષરનું સ્મરણ ભુલવું નહી જોઇએ કારણ કે આપશ્રીની આજ્ઞા છે “વ્યાવૃતોપિ હરૌચિતં” વ્યાવૃત્તિમાં પણ અષ્ટાક્ષરનું સ્મરણ સતત કરતા રહેવું.

દિવાન બનેલો ફકીર દિવાનપણાનું કાર્ય કરીને પોતાના મહેલમાં આવતો ત્યારે ફકીરનો ઝબ્બો પહેરીને ખુદાને પોકાર્યા કરતો : હે માલીક ! મેં તો તને મેળવવા ફકીરી લીધી છે, તું કબ મીલેગા ? આમ આપણે પણ અષ્ટાક્ષરના સ્મરણથી પ્રભુના સાક્ષાત મીલન માટે પોકારતા રહેવાનું છે. આપણી કરૂણ પોકારથી પ્રભુ જ્યારે આપણા હ્યદયમાં પધારે છે. ત્યારે ભૌતિક દેહરૂપી કેદખાનામાંથી જીવને છોડાવી દિવ્ય દેહ પ્રાપ્ત કરાવી પોતાના ધામમાં પ્રવેશ કરાવે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.