શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન
spacer
spacer

- મધુકર

હે શ્રીવલ્લભ પ્રભો ! સર્વ લીલા સમાન આકૃતિવાળા છો, સર્વ અલૌકિક લીલા આનંદ ભોગવવામાં આશ્રયરૂપ છો. [શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી અને અનંત .યુગલોમાં આપ શ્રી મહાપ્રભુજી સુધારૂપે-સાક્ષીરૂપે-યજ્ઞભોક્તા યજ્ઞ કર્તારૂપે બિરાજમાન છે. યજ્ઞકર્તા સ્વરૂપે અનંત યુગલોમાં રસભાવોને પ્રકટ કરી રસલીલાનો ભોગ યુગલ સ્વરૂપમાં સિદ્ધ કરે છે. અને આ રસના સાક્ષિરૂપથી ભોક્તા પણ આપ સ્વયં છે. એટલે યુગલોમાં લીલાભોગ આપશ્રીના આશ્રયથીજ સિદ્ધ થાય છે.]
 
શ્રીકૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ આપ છો. વ્રજ સ્ત્રીના હ્યદયમાં બિરાજનારા છો. પુષ્ટિમાર્ગ (સ્નેહમાર્ગ)ના પ્રકાશક છો. રાસસ્ત્રીના હ્યદયમાં સ્થાયિ-ભાવાત્મક વિપ્રયોગાગ્નિ સ્વરૂપ છો. શ્રી કૃષ્ણના પણ આંતર કૃષ્ણ છો. સર્વ લીલાના આશ્રય રૂપ છો. સર્વ લીલા રસથી ભરપુર છો. આપના હ્યદયમાં શ્રીકૃષ્ણ લીલાનો સાગર છે.
 
(“સ્ફુર્જદ રાસાદિલીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિશશ્વત” ‘જલધિ’ બહુવચનમાં છે. એટલે અનંત યુગલોના રાસાદિ લીલા અમૃતના અનંત સમુદ્રો આપશ્રી મહાપ્રભુજીના હ્યદયમાં ભરેલા છે.)
 
આપ સ્વયં આનંદ રસથી ભરેલા છો. અમારા નાથ છો. એવા શ્રી વલ્લભપ્રભુ અમારા હ્યદયમાં બિરાજો. આપશ્રી હ્યદયમાં પધારીને સાક્ષાત પ્રેમલક્ષણા-અર્થાત સ્વતંત્ર ભક્તિનો સંબંધ કરાવો છો. સેવા ફલમાં જે પ્રતિબંધો કહ્યા છે તેને દૂર કરો છો.
 
[કાળના પ્રભાવથી સેવા આદિદૈવિક બનતી નથી, અને તેથી માનસી સેવા સિદ્ધ થતી નથી, ઉદવગ, ભોગ-પ્રતિબંધ, માનસી સેવાની સિદ્ધિમાં અવરોધ કરનારા છે. આ પ્રતિબંધને દુર કરવા અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી વિના કોણ સમર્થ છે ? અથવા કોઇ સમર્થ નથી, શ્રી હરિરાય પ્રભુ એક પદમાં આજ્ઞા કરે છે.
 
જનમ જનમ કે કૌટિક પાતક,
છિનહિમાં જ દહે
જોપે શ્રીવલ્લભ ચરણ ગહે
 
જેમ અન્તર્ગૃહગતા રાસમાં જઇ શક્યા નહી, તેમને દેહાદિકનો પ્રતિબંધ નડ્યો. તેથી તેમને મહા વિરહ થયો. આ વિરહમાં વિરહાગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભનો સંબંધ થવાથી કોટિ જનમમા તેમના પાપોને દહન એક ક્ષણમાંજ કર્યા. તેમ આધુનિક ભક્તોના પ્રતિબંધ સમૂહનો નાશ કરે છે.]
 
કૃષ્ણાધરામૃતાસ્વાદ કરાવવાનું ઉત્તમ સર્વોત્કૃષ્ટ ફલ આપો છો. એ ફલ આપવું આપશ્રીનો સ્વભાવજ છે.
 
[દુર્લભ એવા કૃષ્ણાધરામૃતનું ફલ આપવું એ આપનો સહજ સ્વભાવ છે. છતાં જીવ આ ફલથી વંચીત કેમ રહે છે ? આપશ્રીના એકાંગી અનન્ય-આશ્રિત જનોને જ આ ફલ પ્રાપ્ત થાય છે. નહીં કે અન્યને.
 
(1)   જાચું જાય કોનકે ઘરપે, શ્રી વલ્લભસે પાય ધની (2) શ્રી વલ્લભ તજ અપુનો ઠાકુર , કહો કોનપે જૈયે હો (3) હોં તન રંક તિહારો શ્રી મહાપ્રભુ, ઓર કાહુકો નાહી. ઉપરોક્ત મહાનુભાવે એકાંગી આશ્રય જતાવ્યો છે. તેવા આશ્રિતોને આ ફલ પ્રાપ્ત થાય છે.]
 
દૈવી નિઃસાધન જીવોના ઉદ્ધાર કરવા આપ ભુતલમાં પધાર્યા છો. દૈવી જીવોના ઉદ્ધારમાં તત્પર છો. અમારા ભાગ્ય-ઉદયના નિધિરૂપ છો. પોતાના દૈવી જીવોના પક્ષનું પોષણ કરો છો. અપાર દયાસિંધુ છો. ભક્તિ માર્ગને પ્રકટ કરનારા છો. શ્રૃતિના સંદેહને હરનારા છો. મહાઉદાર છો. આપ અનવતર દશાના ભગવાન છો.[ અવતાર દશામાં પ્રભુ બહાર પ્રકટ હોય છે. અને અનવતાર દશામાં પ્રભુ ભક્તના આત્મા રૂપે તેના હ્યદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી બિરાજી, પોતાના સ્વરૂપમાં નિરોધ કરાવનારા, સેવા સ્મરણ – ગુણગાનાદિ ભાવોની પ્રેરણા કરે છે. આ વિપ્રયોગ-ભાવાત્મક સ્વરૂપ તે શ્રીમહાપ્રભુજીનું છે. બહાર પ્રગટ સ્વરૂપ અવતાર રૂપ કહેવાય છે. અને આત્મારૂપથી ભક્તના હ્યદયમાં રહેલું વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં નિરોધ સિદ્ધ થતાં અગણિતાનંદનો અનુભવ થાય છે.]
 
આપશ્રી સદાનંદ સર્વેશ્વર, સર્વાત્મા છો. સર્વાન્તર આત્મારૂપથી બિરાજો છો શ્રીકૃષ્ણ વિશે પ્રેમનું દાન કરનારા છો. આપ સ્નેહ અને તેથી થતાં વિયોગાગ્નિનું મૂર્તિમાન સ્વરૂપ છો. અર્થાત મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છો. સ્નેહનો વિપ્રયોગનો અલૌકિક લીલાઓનો અનુભવ કરાવવાની તિજોરીની ચાવી આપને પ્રભુએ આપેલી છે. (જુઓ પાંડુરંગ ભક્ત અને શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રસંગ) માટે દાન કરવું ન કરવું એ આપની સત્તાની વાત છે. અથવા આપના હસ્તમાં છે. યજ્ઞ ભોક્તા યજ્ઞ કર્તા છો. એવા આપના નામનો જપ કરવાથી ભક્તિ-સ્નેહ માર્ગમાં આવતા વિધ્નોનો નાશ થાય છે. એવો આપના નામનો પ્રભાવ છે.
 
[“વિનીયોગો ભક્તિ યોગઃ પ્રતિબંધ વિનાશને” । શ્રી સર્વોત્તમજીના છઠ્ઠા શ્લોકમાં કહ્યા મુજબ અગણિત આનંદ જેમાં રહેલો છે, અને અગણિત આનંદનો જે અનુભવ કરાવે છે, તેવા સ્વયંના, વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપના સાક્ષાત અનુભવમાં જેટલા પ્રતિબંધો છે. વિશેષે કરીને સમુલ નાશ કરે છે. એવો આપના નામનો પ્રભાવ છે.]
 
શ્રીવલ્લભ શ્રીવલ્લભ વિના ધ્યાન મુખ ગાય ।
સ્વેચ્છાએ તેને હ્યદે શીઘ્ર આવે વ્રજરાય ।।
(પૃષ્ટિ પથ રહસ્ય)
 
નામનો આવો પ્રભાવ જાણીને, અથવા નામ ફલરૂપ જાણીને જપવું જોઇએ. શ્રીયમુનાજીના પદમાં કહ્યું છે કે, “ફલ ફલિત હોય ફલરૂપ જાને.” એટલે નામ અને સેવા પણ ફલરૂપ જાણી કરીએ ત્યારે જ ફલે છે. જ્યારે આપણે માનીએ કે એ ફલરૂપ છે. હવે મારે બીજું કંઇ મેળવવાનું નથી, પણ વલ્લભ નામ જ શ્રીવલ્લભ સ્વરૂપ છે. જે સ્વરૂપે અહીં ભૂતલ બિરાજે છે, દર્શન આપે છે, એ જ સ્વરૂપનું સ્મરણ કરવાથી પોતે અધિકાર પ્રાપ્ત થશે પોતાના આધિદૈવિક સ્વરૂપના સાક્ષાત દર્શન કરાવશે. આ જ સ્વરૂપમાં શ્રી સ્વામિની ભાવ, “પું” પુરૂષોત્તમ ભાવ તથા સાક્ષી પણ ખરા. ત્રણે આ સ્વરૂપમાં જ છે. રાત્રિ દિવસ દીનતા, નિઃસાધનતા, સ્નેહ, વિરહ સહિત આપનું નામ જપતા જ રહેવું. અષ્ટાશ્રર, પંચાક્ષર, શ્રી સુબોધિનીજી, ષોડશગ્રંથ, વ્રજ લીલા, નિકુંજલીલા બધું આ નામમાં જ છે.
 
અષ્ટાક્ષર, પંચાક્ષર શ્રીભાગવત ગ્રંથ સહિત, શ્રીવલ્લભના નામમાં, જો છે પૂર્ણ પ્રતિત, વ્રજસંબંધી સહુ વસ્તુસહ, કૃષ્ણ રાઘિકારાણી શ્રીવલ્લભના નામમાં સહું આવ્યું વર વાણી શ્રીજી શ્રીસ્વામિની સહ, લલિતાદિક સહુ રૂપ, શ્રી મહાપ્રભુજીમાં સમજવું, મહા પ્રભુ તદરૂપ.
 
(પૃષ્ટિ-પથ-રહસ્ય)
[“નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો.” શ્રીવલ્લભ નામમાં જ વિશ્વાસ થતાં મહાપ્રભુ પોતાના નામમાંથી જ પ્રગટ થઇને લીલાધામના સમસ્ત વૈભવનો અનુભવ કરાવે છે. “ભોર ભયો લે શ્રીવલ્લભ નામ,” આ પદમાં શ્રી પ્રભુ જતાવે છે-
હરિ વશ છીનહીન હોત-
 
સ્ફુરત સગરો ભક્તિ મારગ
રૂપ હ્યદય વસે, અરૂ રસ સમૂહ ધામ
 
“રસ સમૂહ ધામ” નામ – સ્મરણ કરનાર ભક્તના હ્યદયમાં શ્રીમહાપ્રભુજી લીલાધામ સહિત બિરાજે છે. જેમ બીજમાં વૃક્ષ સુક્ષ્મ રૂપે રહેલું છે, અને જલનું સીંચન થતાં અંકુરીત થઇ વૃક્ષ રૂપ ધારણ કરે છે, તેમ શ્રીવલ્લભ નામ રૂપી બીજમાં લીલાધામ સૂક્ષ્મ ભાવાત્મક રૂપે રહેલું છે તે આપશ્રીના સતત નામ સ્મરણથી ભક્ત હ્યદયમાં પ્રગટ થઇ જાય છે. આથી દયારામભાઈએ કહ્યું કે-
 
નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો,
જે રે જાયે તે ઝાંખી પામે હો જી રે,
ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધે,
હરિ મિલે ના એકો ઠામે હાજી રે.
 
નામમાં નિશ્ચય થતાં ઉપરોક્ત દુર્લભ પુરૂષાર્થ પ્રાપ્ત થાય છે. અને નિશ્ચય વિના જીવન પુરૂં થયે કાંઇ જ મેળવી શકાતું નથી. પુષ્ટિમાર્ગમાં જીવ શરણે આવ્યો છતાં નિશ્ચય કેમ કરી શકતો નથી. આસુર ભાવ રહેવાનું કારણ શું ? માર્ગ મર્યાદા પ્રમાણે તનુ-વિત્તજા સેવાથી પ્રભુના અધરામૃતનું સેવન નહિ થવાથી આસુર ભાવોનો આવેશ નિવૃત્ત થતો નથી.]
 
નામમાં જ રૂપ છે, તેથી નામના અર્થરૂપ અનુસંધાન રાખવું. અથવા નામ-સ્મરણની સાથે શ્રીવલ્લભના સ્વરૂપનું ધ્યાન પણ આવે તેમ નામને જપવું. તેથી હવે મારે બીજે પ્રભુને શોધવા જવાની જરૂર નથી. નામ પણ તાપ-કલેશ રૂપ અને ફલરૂપ છે. એ પણ આપ શ્રી મહાપ્રભુજી કરાવે ત્યારે થાય. એટલે જીવની સત્તાથી અગર સાધનબલથી કંઇ પણ બને તેમ નથી. લૌકિક જીવથી આવું મહાન અલૌકિક નામ શી રીતે લઇ શકાય ? પણ કરૂણા સાગર શ્રીવલ્લભ જેને પોતાનો કરવાની ઇચ્છા કરે તેનાથી જ આપશ્રીનું નામ લઇ શકાય છે. પોતે જ અંતઃકરણમાં પ્રવેશ કરી પોતે પોતાનું નામ દઇ રહ્યા છે-નામામૃતમું પાન કરાવી રહ્યા છે. “આપ સેવા કરી શીખવે શ્રીહરિ.” પોતે જ પોતાનો આનંદ લઇ રહ્યા છે. નામ રૂપે નામ લેનાર ભક્તના હ્યદયમાં બિરાજી રહ્યા છે. પણ બહાર પ્રગટ થઇને સ્વરૂપાનંદનો અનુભવ ક્યારે કરાવશે ? આ પ્રમાણે ભાવના પૂર્વક નામ સ્મરણ કરવું. કારણકે શ્રી મહાપ્રભુજીનું માહાત્મ્ય હ્યદયમાં ઠસે નહિ ત્યાં સુધી જપનું ઉત્તમ ફળ મળતું નથી. બાકી મંત્ર રૂપે છે. તેથી યોગ્ય સમયે હ્યદય તૈયાર (શુદ્ધ) થતાં દાન થાય છે. લોહચુંબક અને સોયનું દ્રષ્ટાંતઃ તેમાં વચમાં કાંઇ વ્યવધાન, વાસના વગેરે હોવું ન જોઇએ. અથવા “મેરો મન ગોવિદસો માન્યો, તાતે ઓર ન જીય ભાવે” પરમાનંદદાસજીના આ પદનો ભાવાર્થ વિચારવો.
 
ભાવ સમજ્યા વિના-(નામના આધિદૈવિક સ્વરૂપને સમજ્યા વિના) રખડતે ચિત્તે પણ નામ સ્મરણ કરવાથી દોષ દૂર થાય છે એવા વિશ્વાસપૂર્વક નામ લેવું જોઇએ.
 
કૃષ્ણ સેવા તો છે ફળ, સર્વે તણું ।
ગુરૂ કૃપા બળે બને, કઠીનતો ઘણું ।।
પંચવર્ણ, અષ્ટ વર્ણ સકલ સાર છે ।
ભટકતે મને જપતા પણ બેડો પાર છે ।।
ચિત્ત ભટક્તું જો ભોજન કીજીયે ।
સ્વાદ ઓછો, તદપિ ઉદર ભરી લીજીયે ।।
મન સ્થિર થવા, શાસ્ત્ર રખે રાખતા ।
સદા કાળ રહેજો શ્રીકૃષ્ણ નામ ભાખતા ।।
(દયારામભાઈ)
 
[‘પંચવર્ણ પંચાક્ષર અને ‘અષ્ટવર્ણ’ અષ્ટાક્ષર તેનો પણ સકલ સાર શ્રી વલ્લભનામ છે. કારણ કે મુલ પરબ્રહ્મ સ્વરૂપ શ્રીવલ્લભ નામમાંથીજ પંચાક્ષર અને અષ્ટાક્ષર પ્રગટ થયા છે. તેનું પ્રમાણ નીચે મુજબ છે.
 
સર્વાજ્ઞાત સ્વરૂપ હિ, બ્રહ્મપૂર્વ રિરસયા,
તોતખિલ જગત્ રૂપ ભૂત્વા તત્રાતિ દુસ્તરા.
(ગાયત્રી ભાષ્ય)
 
“એકમેવાદ્રિતીય બ્રહ્મઃ” આ આપશ્રી વલ્લભનું સર્વાજ્ઞાત મુલ-પરબ્રહ્મ-નિર્ગુંણ સ્વરૂપ છે. આ સ્વરૂપમાંથી દ્રિધા શ્રૃંગાર રસાત્મક વિલાસ, લીલાજગત બહિઃપ્રગટ થયું. આ બહિઃલીલા જગતના સંબંધવાળા આ પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રો છે. જ્યારે વલ્લભનામ તો મુળ પરબ્રહ્મના સંબંધવાળું છે.]

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.