અલૌકિક સામર્થ્ય
spacer
spacer

- મધુકર

તદાત્મક અવસ્થાએ પ્રેમીજનનું વિશ્વ પ્રભુમય બની ગયું હોય છે, અથવા આ સાધકે દિવ્ય પ્રેમ રાજ્ય પર વિજય મેળવી લીધો છે. પોતે જ પ્રિયમય વિશ્વની રચના કરતો આ વિશ્વનો પોતે જ શાસક થઇ ગયો છે. પ્રેમમય જગતમાં જે ભાગ્યવાનો વિચરે છે તેને આ કથન અસંભાવના ઉત્પન્ન નહીં કરે. આ સાધકે આવું સામર્થ્ય પ્રિય પ્રભુ સાથે તદાત્મક ભાવથી પ્રાપ્ત કરેલ છે. પ્રિયપ્રભુના અચિન્ત્ય ઐશ્વર્યને તદાત્મક બનવાથી પ્રાપ્ત કર્યું છે તેથી નિરાળા પ્રિયમય વિશ્વની રચના કરી શકે છે. આનું નામ જ “સેવાફલ”માં કહેલું અલૌકિક સામર્થ્ય, અથવા સ્વતંત્ર-સ્વાધીના ભક્તિ છે.
 
અક્ષરાત્મક ભગવાનના અંશરૂપ બ્રહ્માજી જો ભૌતિક બ્રહ્મમય સૃષ્ટિનું સર્જન કરવા સમર્થ છે, તો પછી પુષ્ટિપૂર્ણ પુરૂષોત્તમના સ્વરૂપ સાથે તદાત્મકતા પ્રાપ્ત કરીને જેણે પૃષ્ટિ પ્રભુના સંપૂર્ણ ઐશ્વર્યને પોતાનામાં ધારણ કરેલું છે તેવા પ્રેમી ભક્તો આધિદૈવિક વિશ્વનું અથવા પ્રિયપ્રભુમય વિશ્વનું સર્જન કરી શકે તેમાં શું આશ્ચર્ય ?

સ્વકીયોના હિતકૃતસ્વામી સુ.2-9-19માં આજ્ઞા કરે છે કે- “આ જ આ ભક્તિ શાસ્ત્રનો મુખ્ય સિદ્ધાંત છે કે જે મોટા પ્રયત્નથી ભગવાનનું કર્તવ્ય કરે તે મુખ્ય ગણાય.”“મોટો પ્રયત્ન” એટલે વિપ્રયોગરૂપી તપમાં અસહ્ય કષ્ટને સહન કરી સૃષ્ટિ સર્જનનું અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરવું તે છે અને ‘ભગવાનનું કર્તવ્ય’ એટલે ભગવાન જેમ પોતાની ક્રીડા માટે સૃષ્ટિનું સર્જન કરે છે, તેમ ભગવાનના સામર્થ્યને મેળવી ભક્તે પ્રભુમય વિશ્વનું સર્જન કરવું.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.