પ્રશ્નોત્તર
spacer
spacer

લે. શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ

ભાઇ શ્રી....સપ્રેમ શ્રીસ્મરણ
 
તમારા પ્રશ્નોનો પ્રત્યુત્તર નીચે મુજબ છે.
(1) સવારના વહેલા 4 વાગે ઉઠીને શ્રી સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ અને આપશ્રી મહાપ્રભુજીના સ્વરૂપના ધ્યાનનો પ્રકાર હમણા ઘણા સમયથી તૂટેલો છે. આવું કેમ બનતું હશે ?
 
આ તમારા પ્રશ્નના જવાબમાં લખવાનું જે લઘુરાસ સમયે પ્રિયતમે શ્રીવ્રજ પ્રિયાઓને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. આ સ્વરૂપાનંદને તેઓ પચાવી ન શક્યા. સૌભગમદ ઉત્પન્ન થયો જ અમો અન્યથી શ્રેષ્ઠ છીએ. આ સૌભગમદથી પ્રિય અંતર્હિત થઇ ગયા. તે રીતે આપણને સર્વોત્કૃષ્ટ ધ્યેય સ્વરૂપ સમજાણું અને તેજ સ્વરૂપને ધ્યેય બનાવ્યું. આથી આપણને અભિમાન થાય, અને બીજા ભગવદ્ પરિકરમાં ગૌણતા દેખાય. અર્થાત્ દોષ દ્રષ્ટિ રહે તો પ્રિયપ્રભુ અપ્રસન્ન થઇને તિરોહિત થઇ જાય છે. એટલે કે ધ્યેયને સિદ્ધ કરવામાં પ્રિય સ્વયં સાધનરૂપ થયા છે. તે સાધનોમાં શિથીલતા આવી જાય છે. અથવા પ્રિય જ્યારે હ્યદયમાંથી તિરોહિત થાય છે. ત્યારે વિજાતીય ભાવોનો સંચય થાય છે, આ વિજાતીય ભાવોથઈ ધ્યેયમાં શિથીલતા આવી જાય છે.
 
વસ્તુતઃ સર્વોકૃષ્ટ સ્વરૂપ સમજાયું અને તે સ્વરૂપને જ ધ્યેય બનાવ્યું, પછી તો તત્સુખનો તાપભાવજ જાગૃત થઇ જવો જોઇએ જે મારૂં પ્રિય સ્વરૂપ તો અગણિતાનંદનો ભોગ કરનારૂં છે. તે સ્વરૂપનો અગણિત આનંદ પ્રાપ્ત કરીને તે આનંદને ધારણ કરવાની પાત્રતા મારામાં ક્યારે સિદ્ધ થશે ? તેનો તાપકલેશ વધવો જોઇએ. અને જ્યાં પ્રિયને સુખરૂપ બનવાનો તાપકલેશ રહે છે ત્યાં અભિમાન નહીં થતાં દૈન્યજ પ્રગટે છે. આવી દૈન્યતાથી પ્રિયની પ્રસન્નતા રહી આવે છે. ત્યારે ધ્યેયથી ચ્યુંત કરનારા કોઇપણ પ્રતિબંધો આવી શકતા નથી.
 
વિરહ અનલ યાતે કહત સબ ગુણ પૂરણ એહ ।
પકવદશા કર દેહતે, ભરદે નિરવધિ નેહ ।।
 
પ્રણય માધુર્યતાના અનંત-અગણિત ગુણોથી પૂર્ણ પ્રિયતમથી સામ્યતા-તન્મયતા સર્વાત્મભાવ વિ. જ્યારે અહંનું અસ્તિત્વ વિરહાગ્નીથી દગ્ધ થાય છે, ત્યારે જ સિદ્ધ થાય છે.
 
ગોપીગીતના છઠ્ઠા શ્લોકમાં ‘ભજ સખે, ભવત્ કિંકરીઃ’ આ વાક્યના સંદર્ભથી શ્રી ગોપીજનો પ્રિયને કથે છે કે ગીતાજીમાં “યેયથામાં પ્રપધ્ન્તે” એમ આપે પ્રતિજ્ઞા કરી છે કે “ભક્ત જેના ભાવથી મારૂં ભજન કરશે તેવા ભાવથી હું પણ તેનું ભજન કરીશ” તો અમે આપનું જેમ સંયોગની અપેક્ષાવાળું ભજન કરીએ છીએ તેવી રીતે આપે પણ કરવું જોઇએ. શ્રી ગોપીજનોના આ કથનમાં શાસ્ત્રોક્ત શ્રવણ સાધનબળનું ‘અહમ’ રહેલું છે. આ અહમની નિવૃત્તિ, ગોપીગીતના છેલ્લા શ્લોકમાં તેમની મૂર્છિત અવસ્થામાં થઇ છે. (કથી છે). ઉક્ત કથનથી વિરહાનુભવ વિના ભક્તિમાર્ગીય અહં-અભિમાનની નિવૃત્તિ થઇ શકતી નથી.
 
1 ધ્યેય સ્વરૂપમાં સ્થિત થવામાં વિજાતીય ભાવો પ્રતિબંધક છે. આ વિજાતીય ભાવોનું સર્જન અસમર્પીત લેવાથી થાય છે. “ભોગ” માનસી અવસ્થામાં બાધક છે. માનસી વ્યસનાવસ્થામાં અનુભવાય છે. એટલે પ્રેમ આસક્તિ વ્યસનની ઉચ્ચકક્ષાએ પહોંચવામાં ભોગ સહન બાધક ઘાતક બને છે. આપે પ્રકટ કરેલી સેવા મર્યાદાનુસાર અઘરામૃતનું સેવન, સ્નહમાર્ગથી ચ્યુત થવા નહીં દે.
 
હવે પ્રાકૃત વિષય કથાય છે. આપણું ધ્યેય સ્વરૂપ સર્વોત્કૃષ્ટ સમજાય, અને બીજામાં ગૌણ પ્રકારે સ્વરૂપ વિલસતું દેખાય ત્યાં આ ભાવના કરવી કે પ્રભુ અનંત રસ રૂપ છે, અનંતરસના ભોક્તા છે, પ્રત્યેક ભક્તમાં રસની વિવિધતા (ગૌણ-મુખ્ય) પ્રકટ કરીને આપજ તેનો ભોગ કહે છે. ગોપીગીતમાં 19 પ્રકારના ભક્તો છે. પ્રત્યેકમાં રાજસ-તામસ-સાત્વિક અને નિર્ગુણ ભાવરસની વિવિધતા રહેલી છે. તેનો આપજ ભોગ કરે છે. આથી બીજામાં ગૌણતા દેખાય ત્યાં નિર્દોષ લીલાની વિવિધતા જાણી આપણા સર્વોત્કૃષ્ટ વરણનું અભિમાન થવા ન દેવું. આપણા ભાવથી વિજાતીયતા દેખાય તેમાં ભળવું નહીં તેમ દોષ દ્રષ્ટિ પણ રાખવી નહીં. શ્રી પ્રભુચરણ વિજ્ઞાપ્તિમાં આજ્ઞા કરે છે :
 
વિજાતીય જનાક્રાન્તે નિજ ધર્મસ્ય ગોપનમ્ ।
દેશે વિધાય સતતં સ્થેયમિત્યેવ ભાસતે ।।
(9-18)
 
નિવેદિતાત્મભિન્નેષુ સદૌદાસીન્યમાચરેત ।
પ્રાવા હિકાસ્તેડપિ ચેત્સ્યુ, રૂપે ક્ષૈવોચિતા તદા
(9-20)
 
વસ્તુતઃ તો સર્વોત્કૃષ્ટ સ્વરૂપ આપણને સમજાયું. અને તેને જ ધ્યેય બનાવ્યું તેમાં પ્રિયતમનો અતિશય અનુગ્રહજ માનવો જોઇએ. આ અનુગ્રહના દર્શન સ્નેહ સંબંધથી કરવાં. તે એવી રીતે કે આપણને દિવ્ય પ્રેમ જો કે પ્રાપ્ત થયો નથી. પરન્તુ તત્સુખ પ્રેમ ભાવનું હૃદયમાં બીજ બોઇને તે તત્સુખી દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરવાની આપણે સાધના કરી રહ્યા છીએ, તે પ્રિયતમ – હૃદયસ્થ – ભાવાત્મક સ્વરૂપથી બિરાજતા હોવાથી સારી રીતે જાણે છે, અને તેથી પોતાના પીતી પાત્રને સર્વોત્કૃષ્ટ અવસ્થાએ લઇ જવા ચાહે છે. તેથી જ પોતાના સર્વોત્કૃષ્ટ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરાવી ધ્યેય દ્રઢ કરી રહ્યા છે.
 
ગીતાજીમાં પ્રભુએ પ્રતિજ્ઞા કરી છે કે, જે ભક્ત મારૂં જેવા ભાવથી ભજન કરે છે, તેનું હુ પણ તેવાજ ભાવથી ભજન કરૂં છું. આપણો જેવો ભાવ છે તે ભાવની વૃદ્ધિ કરીને સર્વોત્કૃટ અવસ્થા સિદ્ધ કરે છે. અથવા પોતાના સમાન પાત્રતા સિદ્ધ કરે છે. પ્રિયતમની આવા પ્રકારની અપાર કરૂણાના દર્શન કરીને તે કરૂણારસના પ્રવાહમાં તસ્કર મનને મજ્જન ઉન્મજ્જન કરતું ડૂબાવી દેવું કે જેથી અન્યનું સ્મરણ જ ન રહે.
 
શ્રી ગોપીજનોને પ્રિયતમે સ્નેહ સંબંધથીજ અંગીકાર કરી સ્નેહના સંબંધે તેમને સર્વોત્કૃષ્ટ અવસ્થાએ પહોંચાડ્યા છે અને એજ ‘રતિપથ’ આપણા સ્વામીએ પ્રકટ કરી સ્નેહના સંબંધનોજ વિચાર કરીયે છીએ તેવું જ માનસ ઘડાય છે. અર્થાત અન્તઃકરણ તેવાજ આકારવાળું બની જાય છે. તેથી જ આપશ્રીએ સંન્યાસનિર્ણયમાં આજ્ઞા કરી છે કે “ભાવો ભાવનયા સિદ્ધઃ સાધનં નાન્ય દિષ્યતે” મતલબકે, જેવી આપણે ભાવના કરીએ તેવોજ ભાવ સિદ્ધ થાય છે.
 
શ્રીવલ્લભ પ્રીતમ પ્યારે,
વલ્લભ જગમેં પરમ ઉજીયારે ।
દૈવીન કે હિતકારી,
પ્રેમ ભક્તિ કે જય જય કારી ।।
પ્રેમ ગાવે પ્રેમ ભાવે, પ્રેમમેં અનુદિન રહે
પ્રેમ સ્નેહી પ્રેમ દેહી, પ્રેમ બાની નીત કહે
પ્રેમ સેવા કરે કરાવે, નંદ સુત હદે રહે
વલ્લભી નિજ દાસદાસી સુખ સમુહ કહા કહે
(શ્રીમહાપ્રભુજીની વધાઇ-ચોખરા)
 
શ્રીહરિરાયચરણ પ્રભુતિ મહાનુભાવોએ પદોમાં સ્તોત્રોમાં શ્રીવલ્લભ પ્યારાનું યશોગાન કર્યું છે તેનું સેવ્ય સ્વરૂપની સન્મુખ કે પરોક્ષમાં ગાન કરવું, અને તેમાં ભીંજાયેલા રહેવું. તેમજ શ્રીસર્વોત્તમજીનું ગાન થાય તો તે પણ કરવું.
 
“યશપિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ” આપશ્રીનો યશ અનિર્વચનીય દિવ્ય પ્રેમસુધા માધુર્ય છે. તેની લહેર યશોગાનમાંથી પ્રકટ થાય છે, અને તેનાથી નિજ્જનને પ્લાવિત કરે છે. એટલે પ્રિયતમની સાક્ષાત તત્સુખ સેવાને યોગ્ય તનુનવત્વતાને યશોગાન સહજ સિદ્ધ કરે છે. અન્ય સાધન પ્રયાસ વિનાજ સત્વરે આપનું યશોગાન તનુનવત્વતા સિદ્ધ કરે છે. શ્રી વલ્લભ પ્યારાના યશોગાનનો આવો અદભૂત પ્રભાવ હોવાથી મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાય પ્રભુ આજ્ઞા કરે છે : “રસિક સદા બડભાગી તે જે શ્રીવલ્લભ ગુણ ગાય.”
 
(2)               શ્રી પદ્મનાભદાસજીએ શ્રી વલ્લભના નામનો પોતાના પદોમાં બહુ ઓછો પ્રયોગ કર્યો છે. જ્યાં જ્યાં શ્રી લક્ષ્મણભટ્ટ પુત્ર-સુત વિથી નિર્દેશ કર્યો છે. તેનું શું રહ્સ્ય હશે ?
 
આ તમારા પ્રશ્નના જવાબમાં લખવાનું જે શ્રીપદ્મનાભદાસજી પોતાના આધિદૈવિક નાયકા ભાવના આવેશવાળા હોય છે ત્યારે પતિનું નામ ન લેવાય. રસને ગોપ્ય કરવો, આન્તર વિલસવું. “શ્રીલક્ષ્મણ ભટ્ટ પુત્ર” શબ્દ ઉચ્ચારતી વખતે લજ્જાયુક્ત રસ પ્રકટ થાય છે, જે રસનો અનુભવ તે સમયે નાયકા (વ્રજ ભક્ત) જ કરી શકે છે. આપણામાં જ્યારે ‘નાયકા’ ભાવ પ્રકટ થશે ત્યારે તેવો જ અનુભવ થશે. શ્રી વલ્લભ નામનો ઉચ્ચાર પદમાં કરતી વખતે શ્રી પદ્મનાભદાસજી દાસભાવના આવેશવાળા હોય છે.
 
(3) હંમેશા એવું સ્ફુર્યા કરે છે કે શ્રી પદ્મનાભદાસજીના પદોમાં વિરહાત્મક અનલ શ્રીવલ્લભાનું બિરાજે છે. ત્યારે અષ્ટસખાદિના કીર્તનોમાં શ્રી વલ્લભભાનુના રશ્મિની આભા બિરાજમાન છે. છેવટમાં વિચારીયે તો 45 પદોમાં વિરહ ભાવની પ્રાચુર્યતા છે. અને સતત શ્રીવલ્લભની વ્યાસંગતાનો અનુભવ રહે છે. જ્યારે અષ્ટ સખાના પદોમાં વિરહ પ્રાચુર્યતાની દ્રષ્ટિએ થોડીક શીતલતા અનુભવાય છે. (આ સમજ મારી છે આમાં કોઇ વિસંગતા ઊભી કરવાનો હેતુ નથી) છેવટમાં શ્રીપદ્મનાભ દાસજીએ “સર્વાજ્ઞાત-એકોહ” નાં ગુણગાન ગાયા અને અનુભવ્યા છે જ્યારે અષ્ટસખાદિએ “એકોહ”ના બદલે ‘બહુસ્યામ’ના ગાયા છે. (મતલબ કે સંયોગાત્મક લીલાનું ગુણગાન વિશેષ રૂપમાં છે.)
 
આ તમારી સમજ સુન્દર છે. કારણ કે તમારી સમજમાં “સહજ સુન્દર” પ્રિયની કરૂણા ભરી પ્રેરણા છે. આવી સમજના રહસ્ય ભાવોનું પ્રણય સંબંધે ચર્વણયા મનન પ્રિય પ્રભુના ધ્યાન સહિત કરશો તો તમોને એવો અનુભવ થશે કે પરોક્ષ રીતે ભાવાત્મક સ્વરૂપે તમારી હ્યદય નિકુંજમાં આપ બિરાજી તમને પ્રણય રસથી સીંચી રહ્યા છે. આવી અન્તસ્થ સ્ફુરણાને વેણુનાદ પણ કહી શકાય.
 
હવે ભિતરની પ્રેરણાથી પ્રિયતમને હર સમય જો તમો અપરોક્ષ સમજો તો કોઇના સંગની કે મારા પણ સંગની તમને અપેક્ષા નહીં રહે. “સ્વદાસાર્થકૃતાશેષ સાધન:’ આ નામના ભાવાનુસાર તમને અનુભવ થતો રહેશે. અર્થાત તમારો સ્વતંત્ર ભક્તિમાં પ્રવેશ થશે.
 
આ મહાદાની પ્રિયતમ પોતાના પીતિપાત્રને કોઇની અપેક્ષાવાળા રહેવા દેતા નથી. એ પ્રિયતમનું અનિર્વચનીય ગૌરવ છે. જેમ પ્રિય પ્રભુનું ઉક્ત પ્રકારનું ગૌરવ છે. તેમ પ્રીતિ પાત્ર ભ્કતનું પણ એમાં જ ગૌરવ છે કે પ્રિય પ્રભુ સિવાય સ્વપ્ને પણ કોઇની આશા ન કરે. “દમલા ઓર ભક્ત બહોત હે, મે તેરે વશ હું” આપ જેને વશ છે તે શ્રીમદ્ દમલાજીના શ્રીવલ્લભવર સિવાય બીજું કંઇજ નથી. પ્રત્યેક રોમમાં રોમરૂપ નિકુંજમાં પ્રિયતમનો જ નિવાસ છે. ત્યાં અન્યની ઠોર કહાં ? અરે, પોતાની (સ્વરૂપની) પણ બાહ્ય અપેક્ષા રહેવા ન દે તો અન્યની કેમ રહેવા દે ? આ કથનની સંગતિના શ્રીહરિરાય પ્રભુના પદો નીચે મુજબ છે-
 
શ્રીવલ્લભ પદ કમલકે બલ,
કાહૂ મન ન આનો હો
શ્રીલક્ષ્મણ સુત ગુન નિધિ તજિ,
અન્ય દેવ ન જાનો હો
જે અન્ય સેવક જન તિન્હુકો ન પહિચાનો હો
તન મન ધન જીવન દે વલ્લભ કર બીકાનો હો
ક્યોં ન તુ શ્રીવલ્લભકે ચરન શરન જાહી,
કાહેકો અતિ આરત વ્હે કહત યાસો વાહી
ઇનકો જો સેવક જન અપરાધ કોટિક ભર્યો,
તજત નાહિ કબહુ શ્રીગોકુલપતિ તાહિ ।।1।।
કોટિક મંત્ર અધિક નામ, રસના કાહે નજપે,
ગાવે ના સુજસ સુદિન, પરમાનંદ ચાહી ।
સિર ધરિ ચરનન, ઇનહીકો સેવન કરી,
ભવ સાગર સુગમ તરન, મુક્તિહું સરાહી રે
સુમરન કરિ એકવાર રૂપ અધર સુધા સાર,
અતિ દુરેહે છિનહીમેં અઘ સમૂહ દાહી ।
સબ દુઃખ પરિહરો, કોઉ ઇનકી સરિ નાહિ ।।3।।

પહેલા પદની ત્રીજી પંક્તિમાં કહ્યું કે “જે અન્ય સેવકજન તિનહુ ન પહિચાનોં હો” શુદ્ધ પુષ્ટિ વરણમાં કેવલ પ્રિય પ્રભુના સ્વરૂપ સિવાય અન્ય કોઇનો પણ સંબંધ રહી શકતો નથી શ્રી મહાપ્રભુજની કુંજમાં આ શુદ્ધ પુષ્ટિ ભક્તોનોજ પ્રવેશ થાય છે. આવા ભક્તોને આપશ્રીએ “પુ-પ્ર-મ” ગ્રંથમાં “શુદ્ધા પ્રેમ્ણાતિ દુર્લભા” શુદ્ધ પ્રેમ અતિ દુર્લભ છે. દુર્લભ એટલા માટે કે નિરંતર વિરહના અનુભવથીજ દુર્લભ અધિકાર પ્રાપ્ત થાય છે, અને વિરહમાં એક પ્રિય સ્વરૂપ સિવાય અન્ય સર્વનો ત્યાગ કરવાનો હોય છે. ત્યારેજ વિરહનો અનુભવ થઇ શકે. તેથી શ્રીહરિરાય પ્રભુએ જતાવ્યું કે “જે અન્ય સેવકજન, તિનહુ ન પહિચાનો હો”

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.