પ્રશ્ન અને સમાધાન
spacer
spacer

- શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

સ્નેહી ભાઈશ્રી સ-પ્રેમ-શ્રીસ્મરણ.
 
આપનો પત્ર મળ્યો. આપે ભૌતિક અને આધ્યાત્મિક વિજાતીય વિચાર વંટોળને હટાવવા મારા તરફથી સમાધાનની ઇચ્છા કરી તે વિષયને શ્રીવાકપતિની કૃપા – પ્રેરણાના બલે નિવેદન કરું છું –
 
ભૌતિક અને આધ્યાત્મિક વિજાતીય વિચારો કે જે ભગવદ્ વિમુખ કરનારા છે તે ભૌતિક-આધ્યાત્મિક અવિદ્યાથી ઉત્પન્ન થાય છે. આ બન્ને અવિદ્યાનો સુક્ષ્મ ભાવ પ્રથમ આપણા હૃદયમાંજ રહેલો હોય છે. અર્થાત્ ક્રિયા પ્રધાન મનમાંજ રહેલો છે. મનમાંથી સંકલ્પ-વિકલ્પ રૂપે વિચારો ઉત્પન્ન થાય છે. આ બન્ને પ્રકારની અવિદ્યા પ્રભુનો જ્યારે આપણા હૃદયમાં આવિર્ભાવ થાય છે, ત્યારેજ દૂર થાય છે. અને પ્રભુનો આવિર્ભાવ કેવલ ધર્મી સ્વરૂપના આશ્રયથીજ થાય છે.
 
પ્રભુએ ગીતાજીમાં અર્જુન પ્રતિ આજ્ઞા કરી છે કે મારી દૈવી ગુણમય માયાને તરવી દૂસ્તર છે. આ માયાનું તરણ કેવલ મારા ધર્મી સ્વરૂપને શરણે આવવાથી જ થઈ શકે છે. ગીતાજીના 18 મા અધ્યાયમાં પણ “સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।” “મામેક” પદથી કેવલ ધર્મી સ્વરૂપને શરણે જવાની (થવાની) આજ્ઞા કરે છે. જ્યાં સુધી અન્ય સર્વની આશા અને આશ્રય છોડીને કેવલ ધર્મી સ્વરૂપને શરણે જીવ ન જાય ત્યાં સુધી અવિદ્યારૂપ માયા દૂર થઈ શકતી નથી. ‘કૃષ્ણાશ્રય’માં પણ આપશ્રીએ અન્ય સર્વના આશ્રયનું નિવારણ કરીને પૂર્ણ પુરુષોત્તમ-પૂર્ણનંદ-ધર્મો સ્વરૂપના આશ્રયનું જ વિધાન નિજજનો માટે કરેલું છે. પૂર્ણ પુરુષોત્તમ ધર્મી સ્વરૂપનાજ આશ્રયનું વિધાન આપ કેમ કરે છે ? તેનું કારણ “કલિકાલના પ્રબલ દોષ ગ્રસ્ત જીવનો ઉદ્ધાર પૂર્ણ પ્રમેય બલ વિના થઈ શકતો નથી. અને પૂર્ણ પ્રમેય બલમાં કર્તુમ્ અકર્તુમ્ અન્યથા-કર્તુમ્-ઐશ્વર્ય-સામર્થ્ય રહેલું છે.” આવું ઐશ્વર્ય કેવલ પૂર્ણપુરુષોત્તમના ધર્મી સ્વરૂપમાંજ હોવાથી, અન્ય સર્વની આશા અને આશ્રયને છોડીને કેવલ ધર્મી સ્વરૂપનો આશ્રય કરવાની આપશ્રીએ કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી છે. સ્વકીયોના પક્ષપાતી મહાકારૂણિક સ્વામીએ શ્રીકૃષ્ણાશ્રયને પ્રક્ટ કરીને ‘હરિ’ના માર્ગનો પરિચય કરાવ્યો છે. ભગવદ્ પ્રાપ્તિમાં સર્વ સાધન રહિત, એટલુંજ નહિ, વિપરીત સાધનવાળો, વિષય સાગરમાં ડૂબેલો અને સ્વધર્મથી પતિત થયેલો, આવા જીવનો ઉદ્ધાર ‘હરિ’ વિના કોઈ કરવા સમર્થ નથી. તેવા હરીના માર્ગનો પરિચય કરાવ્યો છે. આવોજ પરિચય શ્રીહરિરાય પ્રભુએ “શ્રીકૃષ્ણશરણાષ્ટક” નામના સ્તોત્રમાં કરાવ્યો છે. તેનો પ્રથમ શ્લોક –
 
સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ ।
પાપપીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણઃ શરણં મમ ।।
 
અહીં એમ પ્રશ્ન થાય કે ધર્મી સ્વરૂપ કોને કહેવાય ? અથવા ધર્મી સ્વરૂપનો આશ્રય કેવી રીતે કરવો ? તેનું સમાધાનઃ ભા. 11-12-14-15 માં પ્રભુ શ્રીમાન ઉદ્ધવજી પ્રતિ આજ્ઞા કરે છે કે-“હે ઉદ્ધવ ! તમે શ્રુતિ-સ્મૃતિ, વિધિ-નિષેધ, પ્રવૃત્તિ-નિવૃત્તિ, અને સાંભળેલું તથા સાંભળવા યોગ્ય. આ સર્વનો પરિત્યાગ કરીને સર્વત્ર મારી ભાવના કરીને સમસ્ત પ્રાણીઓના આત્મ સ્વરૂપ મારા એકનેજ સંપૂર્ણ રૂપથી શરણે આવો. કારણ કે મારા એકનેજ શરણે આવવાથી તમે નિર્ભય થઈ જશો.”
 
પ્રભુ સર્વ પ્રાણી માત્રના આત્મારૂપે સર્વમાં બિરાજી રહ્યા છે. આથી આપણા આત્મામાં આત્મારૂપે બિરાજમાન – પરમાત્મા તેજ પૂર્ણ પુરુષોત્તમનું ધર્મી ભાવાત્મક સ્વરૂપ છે, તેનો આશ્રય કરવો. આજ ધર્મી સ્વરૂપ જગત પ્રપંચમાંથી આપણા મનનો નિરોધ કરવા બહાર સેવ્ય સ્વરૂપે બિરાજી રહેલ છે, તેનોજ આશ્રય (અન્ય સર્વની આશા અને આશ્રય છોડીને) કરવો. આ આશ્રય કાયીક – વાચીક અને માનસીક એમ ત્રણ પ્રકારે થાય છે. ‘કાયીક’ સેવ્યની સેવા રૂપ છે. “વાચીક” ગ્રંથાવલોકન તથા પ્રભુના ગુણાનુવાદ તથા નામ સ્મરણરૂપ છે. અને “માનસી” સ્વરૂપ ચિંતન-લીલા ચિંતન રૂપ છે. આમ ત્રણે પ્રકારે આશ્રય કરવાથી ધર્મી સ્વરૂપ કે જે આપણા આત્માના અધિષ્ઠાનમાં ભાવાત્મક સ્વરૂપથી અને બહાર સેવ્ય સ્વરૂપથી બિરાજી રહેલ છે, તે ધર્મી ભાવાત્મક સ્વરૂપનો આપણા હૃદયમાં આવિર્ભાવ થાય છે. આ આવિર્ભાવ થતાંજ ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે. અથવા અહંતા-મમતાત્મક હૃદય ગ્રંથી ભેદાઈ જાય છે, ત્યારે ભૌતિક-આધ્યાત્મિક વિજાતીય વિચાર વંટોળનું નામ નિશાન પણ રહી શકતું નથી. એટલે કે ધર્મી સ્વરૂપના આશ્રય વિના બન્ને પ્રકારની અવિદ્યાની નિવૃત્તિ બીજા કોઈ પ્રકારે થઈ શકતી નથી. ‘બીજા પ્રકારે’ એટલે અંશ કલા વિભૂતિની આશા કે આશ્રયથી જો અવિદ્યાની નિવૃત્તિ થઈ શકતી હોત તો ‘મામેકં’ મારા એકનેજ શરણે આવો તેવી આજ્ઞા ન કરત.
 
પૂર્ણ પ્રમેય બલ ધર્મી સ્વરૂપમાંજ રહેલું છે. નહી કે અંશ કલા વિભૂતિમાં. કલિકાલના પ્રબલ દોષ ગ્રસ્ત જીવોનો ઉદ્ધાર પૂર્ણ પ્રમેય બલથીજ થાય છે. અને પૂર્ણ પ્રમેય બલ પૂર્ણ પુરુષોત્તમના ધર્મી સ્વરૂપમાંજ રહેલું છે. તેથી જ પ્રભુ ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે મારા ધર્મી સ્વરૂપનેજ શરણે આવો, અને શ્રીકૃષ્ણાશ્રયમાં પણ આપશ્રીએ ધર્મી સ્વરૂપના જ આશ્રયનું વિધાન કરેલું છે. “તેથી અંશ કલા વિભૂતિ આ સર્વમાંથી નિષ્ઠા છોડી કેવલ સેવ્ય સ્વરૂપમાંજ નિષ્ઠા રાખી કાયીક-વાચીક અને માનસીક ત્રણે પ્રકારના આશ્રયને સિદ્ધ કરવો.” સેવા ન બની શકે તો ‘વાચીક’ ગુણગાન તથા નામ સ્મરણથી અને ‘માનસીક’ સ્વરૂપ અને લીલા ચિંતનથી આશ્રય સિદ્ધ થઈ શકે છે.
 
ભૌતિક-આધ્યાત્મિક વિચાર વંટોળ ઉત્પન્ન થવાનું એક મુખ્ય કારણ અસમર્પિત સેવન છે. પ્રભુનું અધરામૃત સેવન કરનાર દુસ્તર માયાને સહજ તરી જાય છે. અધરામૃતનું સેવન કરનારને માયા તરવી નથી પડતી. પરંતુ તેવા ભક્તના સંબંધથી માયા સ્વયં તરી જાય છે-કૃતાર્થ થઈ જાય છે. આ અધરામૃતનું કેવું અદભૂત રહસ્ય છે કે ‘દુસ્તર’ ઘણાં દુઃખોથી તરી શકાય તેવી માયા સ્વયં તરી જાય છે. એટલે તેવા રસિક ભગવદીયની સહકારી બની જાય છે. મહાકારૂણિક સ્વામીનો પ્રગટ કરેલો સેવા માર્ગ અદભુત છે.
 
‘સેવાફલ’ ગ્રંથમાં આપશ્રીએ “ઉદવેગ-ભોગ અને પ્રતિબંધ” આ ત્રણ પ્રકારને માનસી સિદ્ધ થવામાં બાધક કહ્યા છે. તેમાં ‘ભોગ’ એટલે અસમર્પીત સેવનથીજ ઉદવેગ અને તેથી પ્રતિબંધ ઉત્પન્ન થાય છે. તેથી પ્રભુના અધરામૃનું સેવન કરવાનો આગ્રહ રાખવો ઉચિત છે. ભોગ ધરીને ન લઈ શકાય તો ચરણામૃત પધરાવીને લેવાનો ગૌણ વિકલ્પ રાખ્યો છે. “પરન્તુ પરિવારનુ જુઠણ અને કુટુંબો સાથેના ખાન પાનમાં લેવાતું જુઠણ આત્મનાશ કરનાર ‘કાલકૂટ’ વિષ જેવું માની તેનાથી ડરતા રહેવું જોઈએ.” ભગવદ્ પ્રાપ્તિની ચાહના વાળાઓ આટલું જો ન કરી શકે તો ભગવદ્ પ્રાપ્તિમાં મુખ્ય અધિકાર પ્રાપ્ત થતો નથી. પ્રભુ દયાળુ હોવાથી ભજન કરનારને ફલ તો અવશ્ય આપેજ છે પણ સ્વરૂપાનંદના અનુભવનો અધિકાર પ્રાપ્ત થતો નથી. મોક્ષ જેવા ગૌણ ફલો ભજન કરનારને પ્રાપ્ત થાય છે. પુષ્ટિ ભક્તિમાં મોક્ષની કંઈ કિંમત નથી. પુષ્ટિ ભક્તિનું ફલ, સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ છે. તે જો પ્રાપ્ત ન કર્યું તો પુષ્ટિમાં આવ્યા ન આવ્યા જેવુંજ ગણાય.
 
સારસ્વત કલ્પના અવતાર લીલા કરતાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટયની વિશેષતા છે. આ વિશેષતાઓ સેવા માર્ગમાં રહસ્ય ભરી રહેલી છે. તેના થોડાક પ્રસંગો અહીં વિચારીએ :
 
બસો બાવનમાં એક ડોકરી વૈષ્ણવે કાળને આઠ વખત પાછો ધકેલ્યો. જેમ નોકરને હુકમ કરે તેમ હુકમ કરીને આઠ વખત કાળને પાછો ફેરાવતા રહ્યા. ચૌદ લોકના બનાવનાર બ્રહ્માજી કાળથી ડરપે છે. આવા કાળને નોકરની માફક ગણ્યો. આ અધરામૃતનોજ પ્રભાવ છે. તેથીજ સપ્તશ્લોકીમાં શ્રીમત્પ્રભુચરણોએ શ્રીમહાપ્રભુજીના પ્રક્ટ કરેલા સેવા માર્ગને “અદભૂત” કહ્યો છે.
 
“માયાવાદતમો નિરસ્ય મધુભિત્
સેવાખ્યવર્ત્માદભૂતમ્”
 
“અદભૂત” એટલે આશ્ચર્ય ઉત્પન્ન કરે, વિલક્ષણતા બતાવે તેવો સેવા માર્ગ છે. ચૌદ લોકના બનાવનાર અને ચાર વેદના પૂરા જ્ઞાતા એવા બ્રહ્માજી કાળથી ડરપે, અને શાસ્ત્રનું જેને કંઈ પણ જ્ઞાન નથી તેવો સામાન્ય જીવ કાળને નોકર જેવો માની પાછો ફીરવતા રહે, આ આશ્ચર્યજ ગણાયને ?
 
બીજો પ્રસંગ ચોરાસીમાં ગોરજા સમરાઈ, સાસુ-વહુનો છે. આ સમરાઈએ એકજ દિવસની સેવામાં શ્રીપ્રભુનો સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યો છે, બોલતા કરી દીધા છે ! દામોદર દામ-ઉદર બની ગયા છે. એટલું જ નહી શ્રી વ્રજ ભક્તો જેવું સુખ આ સમરાઈ અનુભવ કરવા લાગ્યાં છે. આ સેવા માર્ગનીજ અદભૂતતા છે.
 
ત્રીજા પ્રસંગમાં તો ખુબ રહસ્ય રહેલું છે. તે આ છે કે – શ્રી નંદરાયજી આદિ વ્રજના ભક્તો પ્રતિ વર્ષ ઇન્દ્રયાગ કરતા હતા. આ ઈન્દ્રયાગ વ્રજના ભક્તો માટે અન્યાશ્રય રૂપ હતો. પ્રભુએ તે અન્યાશ્રય છોડાવવા માટે શ્રી ગોવર્ધનયાગ કરાવ્યો. (શ્રીગોવર્ધનયાગ એટલે પ્રભુને ભોગ ધરીને લેવાની રીત – પ્રણાલી) આ યાગથી ઈન્દ્ર કોપાયા ઇન્દ્રએ કહ્યું કે તમે વ્રજને ડૂબાવી દો આ પ્રલયકારી વર્ષા કરો. મેઘોએ પ્રલયકારી વર્ષા શરૂ કરી-તેથી વ્રજ ભક્તોએ અતિ દુઃખી થઈને પ્રભુને પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરી. અહીં તત્સુખ સાગર-તત્સુખી (શ્રીવલ્લભ) સ્નેહનું જ્ઞાન કરાવવા વ્રજભક્તોને ટોંક કરે છે કે ગોપીજનો સ્નેહમાર્ગથી ચ્યુત-ખસી ગયા. કારણ કે સ્નેહમાં તો પોતાનું ચાહે તેમ થાય પણ પ્રિયને શ્રમ ન અપાય. ગોપીજનોએ પ્રિયનું રક્ષણ કરવું જોઈતું હતું તેના બદલે પોતાના રક્ષણની પ્રાર્થના કરી. આ તત્સુખી સ્નેહથી વિપરીત થવાથી સ્નેહમાર્ગથી ચ્યુત થયાં તેમ આપશ્રીએ તે સ્થળના શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરી છે.
 
હવે ઇન્દ્રો પ્રલયકારી જલની વર્ષા કરી તેનું રહસ્ય વિચારીએ. આ વર્ષા ભૌતિક જલની નથી, પરંતુ સાક્ષાત્ સ્વરૂપાનંદના અનુભવમાં બાધક વિજાતીય ભાવો જે વ્રજસ્થ ભક્તોમાં હતા તેનેજ વર્ષાના રૂપમાં બહાર કાઢયા છે. વિજાતીય ભાવોનો સંગ્રહ અસમર્પિતથી થયેલો. હવે ફરીને તે સંગ્રહ ન થાય તે માટે શ્રી ગોવર્ધનયાગથી તેમને સમર્પીત લેવાનું શરૂ કરાવ્યું. આ શ્રી ગિરિરાજને ભોગ ધરીને લેવાની પ્રણાલી આજે પણ વ્રજવાસીઓમાં દેખાય છે. પ્રભુએ ગિરિરાજ ધારણ કરીને એક તરફ વિજાતીય ભાવોને બહાર વર્ષાના રૂપમાં કાઢયા અને બીજી તરફ વ્રજસ્થ ભક્તોને પોતાની સન્મુખ સાત દિવસ રાખી સ્વરૂપામૃતનું પાન કરાવી સ્વરૂપાનંદમાં નિમગ્ન કર્યા. આ અસમર્પીત સેવનથી ઈન્દ્રના પ્રકોપનો અનુભવ વ્રજસ્થ ભક્તોને કરવો પડયો તેવો અનુભવ શ્રીમહાપ્રભુજીના સેવા માર્ગના અધરામૃતનું સેવન કરનારા ભગવદીયોને કરવો પડયો નથી. સેવ્ય સ્વરૂપથી કોઈપણ પ્રકારની અપેક્ષા નહીં. પ્રભુના સુખમાંજ સુખી, આવો અદભૂત તત્સુખી સ્નેહ માર્ગ તેનું નામ “સેવામાર્ગ.” સેવા માર્ગનું અનેક પ્રકારનું રહસ્ય છે-અહીં ત્રણજ પ્રસંગો જણાવ્યા છે.
 
હવે ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યા વિચાર સૃષ્ટિને નાબુદ કરવાનો બીજો પ્રકાર વિચારીશું આ બન્ને અવિદ્યાની નિવૃતિ જીવથી થવી શક્ય નથી. કારણ કે અવિદ્યા અને વિદ્યા આ બન્ને માયાની પુત્રીઓ છે. અને માયા એ પ્રભુની શક્તિ છે. પ્રભુની શક્તિને દૂર કરવી તે સામર્થ્ય જીવમાં નથી-પ્રભુ કૃપા કરીને દૂર કરે ત્યારેજ દૂર થઈ શકે. આ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે નિઃસાધન-દીન ભાવે પ્રભુ ચરણસરોજનું શરણ ગ્રહણ કરવું. શિ. 28-11 માં શ્રી હરિરાયચરણ પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે હે નાથ ! કામ-ક્રોધ-લોભ-મોહ-મદ માત્સર્ય-શોક-ભય. આ માયા જનીત દુઃખથી પીડાયેલો હું દીન બન્યો છું. અને દીનજન આપની કૃપાનો પાત્ર છે. દીનજન ઉપર આપ કૃપા કરો છો તો કૃપા કરી મારું આ દુઃખ દૂર કરો. શ્રીહરિરાયપ્રભુના આ કથન મુજબ નિઃસાધન – દીનભાવથી નિરંતર અષ્ટાક્ષરના સ્મરણથી દયાળુ પ્રભુનું શરણ વિચારવું.
 
નવરત્નમાં સર્વ પ્રકારની ચિન્તાની નિવૃત્તિ માટે અન્તીમ બ્રહ્માસ્ત્ર જેવું અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવાની આજ્ઞા આપે શ્રીમુખથી કરેલી છે. આ આજ્ઞાના પાલનમાં કર્તવ્યનિષ્ઠ થવું.
 
શ્રીપ્રભુચરણે વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરી છે કે,
યદુક્તં તાતચરણૈઃ શ્રીકૃષ્ણઃ શરણં મમ ।
તત એવાસ્તિ નૈશ્ચન્ત્યમૈહિકે પારલૌકિકે ।।
 
અર્થ = અમારા તાત ચરણ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીએ જે ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ એમ શ્રીમુખથી કહ્યું છે. તેથીજ અમોને આલોક અને પરલોકમાં નિશ્ચિંતતા છે. આવા આપત્તિ કે સમ્પત્તિમાં અષ્ટાક્ષરના સ્મરણથી શરણ ભાવનજ વિચારવું. આ પ્રકારે શરણમાં રહેનાર જીવનું બધુ કાર્ય પ્રભુ સ્વયંજ સિદ્ધ કરે છે.
 
શ્રીહરિરાય ચરણોક્ત “સ્વમાર્ગસર્વસ્વમ્” નામનો ગ્રંથ છે. તેમાં આપ આજ્ઞા કરે છે કે પ્રભુના ઐશ્વર્યનો વિચાર કરતાં જીવને પ્રભુ પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેથી પોતાના દોષની સ્ફૂર્તિ અને દીનતા સહિત ચાતકની જેમ સદા રટન કરવાથી પ્રભુ દીન જન પર કૃપા કરે છે. શિ. 33 માં શ્રીહરિરાયપ્રભુ આજ્ઞા કરે છે કે-આ અનુગ્રહ પુષ્ટિ માર્ગમાં ફલ આપવાની જ્યાં સુધી પ્રભુની ઈચ્છા હોતી નથી-ત્યાં સુધી ફલ પ્રાપ્તિમાં પ્રતિબંધ રહી આવે છે. પ્રભુની આ પ્રતિકૂલ ઈચ્છાને અનુકૂલ બનાવવા માટે કરૂણાત્મા શ્રીહરિરાય પ્રભુ આપણા જેવા જીવોનું હિત વિચારી ઉપાય બતાવે છે કે –
 
તદાવરણ નાશસ્તુ દૈન્યાદેવ હરૌ કૃતાત્ ।
સ દીનેષુ નિજાનિચ્છામનુકૂલાં કરોતિ હિ ।।2।।
 
અર્થ = (પ્રભુની પ્રતિકૂલ ઈચ્છારૂપ) આવરણનો નાશ હરિ સન્મુખ દૈન્ય દર્શાવવાથી થાય છે. એ ભગવાન દીન તરફ પોતાની ઈચ્છા નિશ્ચય અનુકૂલ કરે છે.
 
શ્રીમત્પ્રભુચરણ વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે-“આપના જનને સુખ કે દુઃખ આપની ઈચ્છાથીજ થાય છે.” આપણને કાયીક અને માનસીક દુઃખ થવાનું એક કારણ મારી અલ્પ મતિમાં એમ સમજાય છે કે, આપણી અસાવધાનતામાં નાના-મોટા અનેક અપરાધો થતા હોય છે. આ અપરાધોના નિવારણ માટે દંડ રૂપે આપણને બન્ને પ્રકારનું દુઃખ પ્રાપ્ત થાય ચે. આ દુઃખની નિવૃત્તિ માટે આપણા દોષોનો વિચાર કરી દીન ભાવથી અષ્ટાક્ષરના સતત સ્મરણથી શરણ ભાવન વિચારવું.
 
કોઈપણ અધિકાર, અધિકારના કાર્યની જવાબદારીને સંભાળ્યા વિના પ્રાપ્ત થતો નથી. એવો લોકમાં પણ વ્યવહાર જોવાય છે. તેમ અલૌકિકમાં આપણે બ્રહ્મસંબંધ લીધું તેથી વૈષ્ણવતાનો અધિકાર પ્રાપ્ત થયો. આ અધિકારને સંભાળવા માટે કેવા કેવા પ્રકારની ફરજો છે ? આ ફરજોનું પાલન આપણે જવાબદારી પૂર્વક કરીયે તોજ અધિકાર રહી આવે. વૈષ્ણવતાના અધિકારમાં નાના પ્રકારની ફરજોને સમજવા માટે ચોરાશી બસોબાવન ભગવદીયોના જીવન ચરિત્રો અવશ્ય જોવા જોઈએ.
 
આપણી હીન દશામાં પણ પ્રભુનું જ અનન્ય ભાવે શરણ રાખવું, આવો બોધ આપતું શ્રી હરિરાયપ્રભુનું પદ નીચે મુજબ છે –
 
દેખોગે કબ મેરી ઓર ।
શ્રીવલ્લભ નિજ દીન જાનકે,
કરૂણા કર નયનનકી કોર ।।1।।
કહીયો કબ વચનામૃત શિતલ,
મો તન મુરક, “દાસ તુ મોર” ।
કબ કાઢ લેહો ભવ જલતે,
ડૂબેકું કર ગહી ભુજ જોર ।।2।।
વિષય વાસના વસત નિરંતર,
યહ નિશ્ચય જાન્યો જીય અપને,
મો સમ નાહીન સેવા ચોર ।।3।।
ચરણ શરણ અબ આય ગહેહે,
મન વચ કર્મ સબનસો તોર ।
“રસનિધિ” જાનો સોઈ કીજે,
તુમ બિન નાહીન ઓરે ઠોર ।।4।।

મન-વચ-કર્મથી, અન્ય સર્વથી સંબંધ તોડીને કેવલ ધર્મી સ્વરૂપનું અનન્ય શરણ ભાવન દીન ભાવ પૂર્વક વિચારવું. વિજાતીય વિચાર વંટોળને હટાવવા માટે આપે જીજ્ઞાસા દર્શાવી તેનું ભગવદ્ કૃપાએ યથામતિ સમાધાન આપને પાઠવેલ છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.