અષ્ટાક્ષર મહામંત્રનો અગમ્ય-અમિત મહિમા
spacer
spacer

- શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ

(ગતાંકથી ચાલુ)
 
કિયાન્પૂર્વં જીવસ્તદુચિત કૃતિશ્ચાપિ કિયતી
ભવાન્યત્સાપેક્ષો નિજચરણદાને બત ભવેત્ .
અતઃ સ્વાત્માનં સ્વં નિરૂપમ મહત્વં વ્રજપતે
સમીક્ષ્યાસ્મન્નેત્રે શિશિરય
નિજાસ્યામ્બુજ રસૈઃ ।। (1-1)
અંગીકૃતજન જનિતાડપરાધ કૂટક્ષમા વિનોદસ્ય
અંગીકૃતિશ્ચ નિત્યા વદન્તુ
કોડન્યોડસ્ય સામ્યપિયાત્ (8-8)
 
પ્રથમ શ્લોકમાં શ્રીમત્પ્રભુચરણ શરણસ્થ જીવ માટે વિજ્ઞપ્તિ કરે છે. “જીવો આપને પ્રાપ્ત કરી શકે તેવી કોઈ ઉચિત કૃતિ તેનામાં નથી અથવા ઉચિત કૃતિ કરી પણ શું શકે ? હે વ્રજાધીપ ! આપ આપના અચિન્ત્ય મહત્વનો વિચાર કરીનેજ આપના સ્વરૂપાનંદનું દાન કરો !”
 
બીજા શ્લોકનો ભાવાર્થ = “અંગીકૃત જનોના અનેક અપરાધોને ક્ષમા કરવા, અથવા તે અપરાધના દોષોનો નાશ કરવો, એ તો જેનો એક વિનોદજ છે. અને આવા અપરાધોને નહી માનતા પોતાની નિત્ય અંગીકૃતિને જે નિભાવી રહેલ છે, આવા પ્રભુના ઐશ્વર્યની અને દયાળુતાની કોણ સામ્યતા કરી શકે ?”
 
અહીં એક પ્રશ્ન થાય છે કે પાપાસક્ત જીવોનો ઉદ્ધાર તો અન્ય ભક્તિમાર્ગીય આચાર્યોએ પણ કરેલો છે. તો પુષ્ટિપથાચાર્ય શ્રી મહાપ્રભુજીના ઉદ્ધારમાં શું વિશેષતા છે ? સમાધાનમાં અન્ય આચાર્યોના ઉદ્ધારમાં તેના સેવક જનોને મુક્તિ પ્રાપ્ત થાય છે. નહી કે સાક્ષાત્ ભગવદ્ સ્વરૂપાનંદનો અનુભવ. પુષ્ટિ પથાચાર્ય શ્રી મહાપ્રભુજીના ઉદ્ધારમાં નિજ સેવકોને અદેયતમ સાક્ષાત સ્વરૂપાનંદનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સામર્થ્ય અન્ય આચાર્યોમાં નથી.
 
પ્રિય ભાઈ ! આપે પત્રમાં જણાવ્યું કે અમેરીકા રહેતા મારા પુત્રને અકસ્માત થવાથી ભગવદ્ ચરણને પ્રાપ્ત થયો તેનો ચિત્તમાં ઉવ્દેગ રહી આવે છે. આ વિષયમાં સમાધાનઃ આપ જેવા સુજ્ઞ ભગવદીયને તેનો શોક ન થવો જોઈએ. કારણ કે જગત સર્જનારાએ પોતાના માટે સર્જેલું છે તેમની સત્તાનીજ સર્વ જડ ચૈતન્ય વસ્તુ છે. આપણી પાસેથી લઈને બીજાને આપે. બીજે સ્થળે મુકી દે કે પોતાની નિકટ રાખે તેમાં આપણને શોક શા માટે હોય ? અહીં એક સાંભળેલો પ્રસંગ લખું છું.
 
શ્રીમદ્ ગોકુલમાં અર્ધ સૈકા પહેલા બે વૈષ્ણવો પિતા-પુત્ર રહેતા હતા. બન્નેનું પ્રભુમય જીવન હતું. પુત્ર પણ પિતાને સત્સંગ રૂપ હતો. ભગવદ્ ઇચ્છાએ પુત્ર બિમાર થયો, ખાટલા વશ થઈ ગયો. પિતાએ તેની રાત્રિ-દિન પરિચર્યા કરી છતાં પુત્ર ન બન્ચો-ભગવત્ ચરણને પ્રાપ્ત થયો. પિતા અને અન્ય વૈષ્ણવો પુત્રનો અગ્નિ સંસ્કાર કરવા જાય છે. સંસ્કાર કરી પાછા આવે છે તે સમયે વૈષ્ણવોએ પુત્રના પિતાને પ્રશ્ન કર્યો કે તમને પુત્ર વિયોગનો શોક દેખાતો નથી. નેત્રોમાં અશ્રુનું એક બિન્દુ જોવાતું નથી ! વળી પુત્ર તમને પણ સત્સંગ રૂપ હતો. આવા ગુણીયલ ભગવદીય પુત્રના વિયોગનો તમને શોક થતો નથી તેનું શું કારણ છે ?
 
હવે તે ભગવદીય જવાબ આપે છે કે, પિતા રૂપે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો હતો. આ ક્રીડાભાંડ જગતમાં પિતાનો પાઠ મને આપ્યો હતો-તે વસ્તુ તો પ્રભુની હતી તેમાં મારે મમતા કરવી કેમ ઘટે ? પરિચર્યા કરી તે તો મારી ફરજ બજાવી. તેમાં કંઈ મેં ઉપકાર કર્યો નથી. વળી પુત્ર સત્સંગરૂપ હતો તેનો પણ શોક કરવો કેમ ઘટે ? કારણ કે હું પ્રભુનો છુ. તેથી મારા નિર્વાહની ચિન્તા પ્રભુને છેજ. એક નહી તો બીજા પ્રકારે પ્રભુ અંગીકૃતોનું પોષણ કરેજ છે. તેથી મને શોક થતો નથી. આ શોક નહીં થવાનુ કારણ ભગવદ્ આશ્રય દ્રઢ છે. દ્રઢ આશ્રયથી મીથ્યા ભાવ સૃષ્ટિને ઉત્પન્ન કરનારી અવિદ્યા દૂર થઈ ગઈ હોય છે. તેથી દ્રઢાશ્રયી ભગવદીયોને મહાન વિપત્તિમાં પણ અવિદ્યા દુઃખનું કારણ બની શકતી નથી. એક પુરાણમાં લખ્યું છે કે વૈષ્ણવોને કર્મનું બંધન થતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે વૈષ્ણવોના ઉંચા નીચા સર્વ કર્મો પ્રભુની ક્રીડામાં ઉપયોગી થતાં હોય છે, તેથી વૈષ્ણવો જાણે કે ન જાણે છતાં તેને કર્મનું બંધન નથી. યાદવોની પ્રભાસ લીલા વિપરિતજ હતી તે પ્રભુની ઇચ્છાથી થયેલી તે એટલા માટે કે આ વિપરિત લીલા રચીને યાદવોને વૈકુંઠમાં પહોંચાડવા હતા. યાદવો દેવતા હતા. પ્રભુની ભૂતલ અવતાર લીલામાં ઉપયોગી થવા માટે આવ્યા હતા. તેમાં ઉંચા નીચે કર્મોથી પ્રભુજ લીલા કરી રહ્યા હતા. તેને કર્મનું બંધન કેમ ઘટે ? તેથી દયારામભાઈ એક પદમાં કહે છે કે – “સંચિતને ક્રિયમાણ દોષ પ્રારબ્ધ ન સંભવે જેનેરે”
 
ત્રણે પ્રકારનાં કર્મોનું બંધન શરણસ્થ દૈવી જીવોને થતું નથી. કારણ કે તેના સર્વ કર્મો પ્રભુની લીલામાં જ ઉપયોગી થાય છે. વધારે શું કહેવુ ? કર્મો રૂપ પણ પ્રભુજ છે. પોતાને જેવી ક્રીડા કરવી છે તેવા કર્મોની પ્રેરણા કરે છે અને ક્રીડામાં નિમિત બનીને જીવ તેવાં કર્મ કરે છે, તેથી પુરાણમાં કહ્યું છે કે વૈષ્ણવોને કર્મના બંધન નથી.
 
જેમ યાદવો માટે તેમ લીલા ધામથી ભૂતલમાં આવેલા પુષ્ટિ દૈવી જીવો સાથે ઉંચ નીચ કર્મથી પુષ્ટિ પ્રભુજ ક્રીડા કરી રહ્યા છે જે દૈવી જીવ સાથે પ્રભુને ભૂતલમાં ક્રીડા કરવી હોય ત્યાં સુધી તે લીલાના જીવોને ભૂતલમાં રાખે છે. આ દૈવી જીવો પોતાની ક્રીડામાં ઉપયોગી થયેલા હોવાથી તેના કર્મોનું તેને બંધન નથી. પ્રભુની આ વિરુદ્ધ ધર્માશ્રયવાળી લીલા આપણને સમજાતી નહી હોવાથી જ ચિન્તા થાય છે અજ્ઞાનતાથી ચિન્તા થાય છતાં લીલાના જીવોની અંતમાં ગતિ લીલા લોકમાં જ થવાની છે. જેમ પતંગ ચઢાવનારના હાથમાં પતંગનો દોર રહે છે, તેમ પુષ્ટિના દૈવી જીવોનો દોર પ્રભુના શ્રી હસ્તમાં છે, માટે કોઈ પણ પ્રકારની ચિન્તા નહી કરવી.
 
ભગવદ્ આશ્રયથી અજ્ઞાન દુર થતાં કોઈ પણ પ્રકારની ચિન્તા રહેતી નથી. આ ભગવદ્ આશ્રયને દ્રઢ કરવાનું સુગમ સાધન અષ્ટાક્ષરનું સતત સ્મરણ છે. દયારામભાઈ એક કૃતિમાં કહે છે કે –
 
રાધા કૃષ્ણ વસે હૃદયમાં, બુદ્ધિ કદા નહી વક્ર,
સાથે ફરે નિત્ય રક્ષણ કરવા, ચતુર્ભુજનું ચક્ર.
 
અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરનાર ભક્તનું ચોતરફથી રક્ષણ કરવા પ્રભુએ તે ભક્તના મસ્તક ઉપર પોતાનું અભયદાયક સુદર્શન ચક્ર રાખેલું છે. તે અવિદ્યાથી ઉત્પન્ન થતી ભાવ સૃષ્ટિનું શોષણ કરતું રહે છે. સ્મરણ કરનારનું સુદર્શન ચક્ર રક્ષણ શા માટે કરે છે તેનું કારણ : પ્રભુએ પ્રતિજ્ઞા કરી છે કે મારે શરણે આવનારને હું અભયતાનું દાન કરીશ આ પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા, શરણસ્થ જીવોનું રક્ષણ કરતું ચક્ર તે ભક્તના મસ્તકે  ફરતું રહે છે. આ ચક્ર કાલ, કર્મ અને સ્વભાવથી થતાં દુઃખોને દુર કરે છે. અવિદ્યાના અનેક ભાવોનું શોષણ કરે છે, અને શરણસ્થ જીવને ભગવદ્ સન્મુખ રાખી ભગવદ્ પ્રાપ્તિ રૂપી શરણને સિદ્ધ કરે છે.
 
આપણને દુઃખનું કારણ અથવા ચિન્તા થવાનું કારણ અવિદ્યા છે. તે પ્રભુના સ્વરૂપના અને આપણા આત્મ સ્વરૂપના જ્ઞાનને ઢાંકી દે છે. ભગવદ્ નામ આ જ્ઞાનનો (અવિદ્યાને દુર કરીને) પ્રકાશ કરે છે.
 
નામ પ્રતાપ પ્રકાશ ભયેતે, ગઈ મોહકી, સાંજ,
ત્રિમાયાકો પ્રલય કરી, હરિ મિલાવે હરિ-નામ.
 
જેમ જેમ અષ્ટાક્ષરના સતત સ્મરણથી ત્રણે પ્રકારની (ભૌતિક, આધ્યાત્મિક-આધિદૈવિક) માયાનો પ્રલય થતો રહે છે તેમ તેમ પ્રભુના અચિન્ત્ય ઐશ્વર્ય સ્વરૂપનું, આપણા પોતાના લીલા મધ્યપાતિ આધિદૈવિક સ્વરૂપનું અને પ્રભુ સાથે આપણા નિત્ય સંબંધનું જ્ઞાન થતું રહે છે. ત્યારે સમૂળ ચિન્તાની નિવૃત્તિ થઈ જાય છે. હરિનું નામ આધિદૈવિક માયાનો પણ પ્રલય કરે છે. આ માયાનો પ્રલય થતાં લીલા લોકમાં જ આપણો પ્રવેશ થઈ જાય છે. હરિ નામનું આવું અચિન્ત્ય મહત્વ ગુપ્ત રૂપે નામમાં જ રહેલું છે. અષ્ટાક્ષરનો આવો મહિમા હોવાથી નિજજનોની ચિન્તાની નિવૃત્તિ માટે, અથવા ચિન્તાના સંતાનો રૂપી સૈન્યનો નાશ કરવા માટે મહા કારૂણિક સ્વામિએ અષ્ટાક્ષર રૂપી બ્રહ્માસ્ત્ર આપેલું છે. જેમ બ્રહ્માસ્ત્ર પોતાનું કાર્ય કર્યા વિના પાછું ફરતું જ નથી, તેમ અષ્ટાક્ષરનું સ્મરણ પ્રભુની પ્રાપ્તિ અવશ્ય કરાવે જ છે. તેનું પ્રમાણ મહાનુભાવ શ્રી કૃષ્ણદાસજીના પદમાં નીચે મુજબ –
 
કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણંમમ ઉચ્ચરે ।
રેન દિન નિત્ય પ્રતિ, સદા પલ છિન ઘડી,
કરત વિધ્વંશ જન, અખિલ અઘ પરહરે ।।1।।
હોત હરિરૂપ, વ્રજભૂપ ભાવે સદા,
અગમ ભવ સિન્ધુ તે, વિના સાધન તરે ।
રહત નિશ દિવસ આનંદ ઉરમેં ભર્યો,
પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે ।।2।।
રમા અજ શેષ સનકાદિ શુક શારદા,
વ્યાસ નારદ રટે, પલક મુખ ના ટરે ।
લાલ ગિરિધરકી મહિમા અતુલ જગમગી
શરન “કૃષ્ણદાસ” નિગમ નેતિ નેતિ કરે ।।3।।
 
“હોત હરિરૂપ” – અષ્ટાક્ષનો આ અતુલિત પ્રભાવ છે કે જેમ પ્રભુ રસરૂપ છે તેવી રસરૂપતા ભક્તોમાં સિદ્ધ કરે છે. અથવા પ્રભુની સમાન ઐશ્વર્યવાળા બનાવી દે છે અથવા “હરિરૂપ” કથનનું સ્વારસ્થ એ છે કે, હરિએ પોતાનું અષ્ટ વિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં સ્થાપીત કર્યું છે. આ શ્રી યમુનાજી અષ્ટાક્ષરના પ્રથમ શબ્દમાં પોતાના ભાવાત્મક સ્વરૂપથી બીરાજી રહ્યા છે તેથી અષ્ટાક્ષરનું સ્મરણ કરનાર ભક્તમાં શ્રીયમુનાજી અષ્ટવિધ ઐશ્વર્ય અથવા અષ્ટ સિદ્ધિનું દાન કરી હરિની સમાન રસરૂપ બનાવે છે અને હરિમાં ભક્તની અને ભક્તમાં હરિની પ્રીતિ-રતિ ઉત્પન્ન કરે છે. તેથી કહ્યું “વ્રજભૂપ ભાવે સદા” ।
 
પ્રશ્ન – અષ્ટાક્ષરનો પ્રથમ શબ્દ તો મુખ્ય શ્રી સ્વામિનીજી વાચક છે. તે શ્રી યમુનામાજીમાં કેવી રીતે ઘટી શકે ?
 
સમાધાન - પરબ્રહ્મ સ્વરૂપ લક્ષણ શ્રુતિએ “સત્ય-જ્ઞાન-અનંત” કથ્યું છે. આ ‘અનંત’ પદવાચી પરબ્રહ્મ-કૃષ્ણ પોતાના સ્વરૂપથી અનંત, અને સ્વામિનીજીઓથી પણ અનંત છે. “એકોહં-બહુસ્યામ” એ શ્રુતિના પ્રમાણથી શ્રી શબ્દ એકાર્થ વાચી નથી. પણ અનંત વાચી છે. અર્થાત્ ચારો યૂથધિપતિ સહિત અસખ્ય સ્વામિની વાચક શ્રી શબ્દ છે. અષ્ટાક્ષરનું સ્મરણ કરનાર ભક્તની સાધન દશામાં લીલામધ્યપાતિ શ્રી યમુનાજી દ્રવિભૂત રસાત્મા રૂપે પ્રવેશી, તનુનવત્વતાને સિદ્ધ કરી અષ્ટ સિદ્ધિનું દાન કરે છે-આ દાનથી પૂર્ણ રસ-પાત્ર ભક્ત બનવાથી હરિની સામ્યતાને પ્રાપ્ત કરે છે. તેથી કહ્યું : “હોત હરિરૂપ” અષ્ટાક્ષરનો આવો અતુલિત-અચિન્ત્ય મહિમા હોવાથી શ્રીમત્પ્રભુચરણે વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરી જે –
 
યદુક્તં તાતચરણૈઃ શ્રીકૃષ્ણઃ શરણં મમ ।
તત એવાસ્તિ નૈ શ્ચિંત્યમૈહિકે પારલૌકિકે ।।
(વિ-2-23)

- ક્રમશઃ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.