(આત્મીય સાથે પ્રાણપ્રેષ્ઠની વાર્તાનું અવતરણ)
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિંદ

(આત્મીય સાથે પ્રાણપ્રેષ્ઠની વાર્તાનું અવતરણ)
 
સ્નેહી ભાઈશ્રી, સપ્રેમ શ્રીસ્મરણ
 
શ્રીપૂર્ણ પુરુષોત્તમનો ભૂવિમાં પ્રાદુર્ભાવ નિઃસાધન જનોના ઉદ્ધાર માટેજ થાય છે. આવી મર્યાદા છે. નિઃસાધનના ઉદ્ધારમાં પોતાના પૂર્ણ પ્રમેય બળવાળો અનુગ્રહ રહેલો છે. પ્રમેયબલ સાધનની અપેક્ષા રાખતું નથી. આવા પૂર્ણ પ્રમેયબલ વાળા (દેવગુહ્ય) અનુગ્રહને અષ્ટાક્ષર મહામંત્રમાં સ્થાપીને મહાકારૂણિક સ્વામિએ લીલાધામથી વિછુરેલા પુષ્ટિ દૈવી જીવોને દાન કરેલું છે. “અનુગ્રહ કાળ – કર્મ – સ્વભાવને પણ અન્યથા (નિરાસ) કરીને દેવી જીવનો ઉદ્ધાર કરે છે.” આ પુષ્ટિ પ્રભુના મહાન વિરુદ્ધ ધર્માશ્રયી ઐશ્વર્યને “કર્તુમ્, અન્યથા-કર્તુમ્” શબ્દોથી ઓળખાવેલ છે. અહીં “ઉદ્ધાર” શબ્દનો અર્થ વિષયાનંદ અને બ્રહ્માનંદમાંથી પણ ઉદ્ધાર કરીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપાનંદરૂપી ભજનાનંદમાં પ્રવેશ કરાવે છે. આવા ઉદ્ધારનું સામર્થ્ય અષ્ટાક્ષર મહામંત્રમાં સ્થાપેલું છે.
 
જેમ પ્રભુ સ્વરૂપથી દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે, તેમ પોતાના નામ સ્વરૂપથી પણ કરે છે. સંયોગમા, અથવા પ્રભુના પ્રાગટય કાળમાં સ્વરૂપથી, અને પરોક્ષ અપ્રાગટય કાળમાં નામથી ઉદ્ધાર કરે છે. વેણુગીત-યુગલગીત-ગોપીગીત-ભ્રમરગીતમાં નામાત્મક ગુણગાન દ્વારા સ્વરૂપાનંદનો અનુભવ શ્રી ગોપીજનોને કરાવ્યો છે. આ નામનું સ્વરૂપ ભાવાત્મક-રસાત્મક હોય છે. તે ભક્તના હૃદયમાં પ્રગટ થઈ ભાવાત્મક પ્રકારે અનુભવ કરાવે છે.
 
સુ. 3-12-46 માં શ્રીમદાચાર્યવર્ય આજ્ઞા કરે છે. “શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો પ્રકાશ કરે છે.” “પરબ્રહ્મ” પ્રેમ-સુધારૂપ-રસરૂપ-આનંદરૂપ છે. તે શબ્દ બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં પ્રાદુર્ભૂત થઈને, ભક્તના હૃદયમાં પ્રવેશ કરીને, વિપ્રયોગ કાળમાં ભાવાત્મક સ્વરૂપથી અનુભવ કરાવે છે. આ વિપ્રયોગાત્મક ભાવાત્મક સ્વરૂપથી અનુભવાતો આનંદ અગણિત છે. અને સંયોગથી અનુભવા તો આનંદ પરિમિત છે. અવતાર કાળમાં સ્વરૂપથી, અને અનવતાર કાળમાં નામથી ઉદ્ધાર કરે છે. “સ્મૃતિમાત્રાર્તિનાશનઃ” આ નામનો ભાવાર્થ અનવતાર કાળમાં નામ સ્મરણ માત્રથી ઉદ્ધાર કરવામાં પ્રયુક્ત થાય છે. નામથી ઉદ્ધાર કરવામાં શ્રી સુબોધિનીજી આદિ ગ્રંથાવલોકન, અષ્ટાક્ષર-પંચાક્ષરનું સ્મરણ, શ્રીસર્વોત્તમજી આદિ સ્તોત્રોનું સ્તવન, અને અષ્ટસખાદિ મહાનુભાવોના પદોના ગુણગાનનો સમાવેશ થાય છે.
 
(1) શ્રી સર્વોત્તમજી વેણુનાદની સુધાથી પૂર્ણ છે, તેનાં પ્રત્યેક અક્ષરમાં સુધા વ્યાપ્ત છે.
(2) અષ્ટાક્ષર-પંચાક્ષર-ઉભય મંત્રો સુધા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના શ્રીમુખથી પ્રગટ થયેલા હોવાથી તે મંત્રો પણ સુધા રૂપજ છે.
(3) અષ્ટસખાદિ મહાનુભાવોના પદોમાં “ભક્તિમાર્ગાબ્જમાર્તંડ”ના કિરણોનો પ્રવેશ થયેલો હોવાથી તે પદ-સાહિત્ય પણ સુધાથી પ્લાવીત છે.
 
સુધાનો સહજ પ્રભાવ આધિદૈવિક સ્ત્રીદેહ-ભગવદીય ભાવને પ્રાપ્ત કરાવનાર છે.
પ્રથમ ચિન્તાની નિવૃત્તિ માટે નવરત્ન ગ્રંથના પ્રથમ શ્લોકોમાં આપશ્રીએ આજ્ઞા કરી –
 
ચિન્તા કાપિ ન કાર્યાનિવેદિતાત્મભિઃ કદાપીતિ
ભગવાનપિ પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીય ગતિમ્
 
અક્ષય પ્રદાતા આપશ્રીના ચરણ કમલનું ધ્યાન કરીને આ પ્રથમ શ્લોકનો ગંભીરતાથી વિચાર કરીયે તો કોઈ પણ પ્રકારની ચિન્તા થવા સંભવ નથી. જેને આપણે નિવેદન કર્યું છે તે ભગવાન પુષ્ટિસ્થ છે. એટલે કર્તુમ્-અકર્તુમ્-અન્યતાકર્તુમ્ સ્વતંત્ર સામર્થ્યવાળા છે. આ પ્રકારના પોતાના સામર્થ્યથીજ શરણસ્થ જીવનો આપ ઉદ્ધાર કરે છે. અથવા પુષ્ટિ પ્રભુ પૂર્ણ પ્રમેય બળવાળા હોવાથી જીવના સાધનની અપેક્ષા રાખ્યા વિનાજ તેનો ઉદ્ધાર કરે છે. શાસ્ત્રોક્ત નિયમથી, અને ભક્તિમાર્ગીય નિયમથી વિરુદ્ધ આચરણવાળા દૈવી જીવોનો પોતાના અચિન્ત્ય પ્રમેય બલથીજ ઉદ્ધાર કરીને શ્રી...જીએ પોતાનું પુષ્ટિસ્થ સ્વરૂપ જણાવ્યું છે. “પુષ્ટિ પ્રભુનો પ્રાદુર્ભાવ નિઃસાધન જનોના ઉદ્ધાર માટેજ થાય છે, સાધન બળવાળા માટે નહી.” પુતના સર્વ પ્રકારથી વિપરિત આચરણવાળી દુષ્ટજ હતી. આસુરભાવના આવેશથી વ્યાપ્ત હતી, છતાં પોતાના સંબંધમાં આવવાથી પ્રભુએ તેનો પ્રમેય બળથી ઉદ્ધાર કર્યો છે. આ વિષયમાં શ્રીગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે પુતનાનો ઉદ્ધાર વાસુદેવ વ્યુહથી નથી થયો, પરન્તુ પુષ્ટિ લીલા જગતના નાયક પૂર્ણ પુરુષોત્તમથીજ થયો છે.
 
ચોરાશી-બસોબાવનમાં પણ વિપરિત આચરણવાળા દૈવી જીવોનો પ્રમેય બલથી ઉદ્ધાર કરી શ્રીવલ્લભે પોતાના પુષ્ટિ સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. વેશ્યામાં આસક્ત થઈ ભક્તિમાર્ગથી ભ્રષ્ટ થઈ ગયેલા, હતીત પતિત, પટેલનો બેટો અને પટવારીની બેટી જે પ્રેત બનેલા, રાજનગરના શેઠ ગટરનો કીડો બનેલા, આવા જીવો કે જેનો ઉદ્ધાર થવો (વેદના નિયમાનુસાર) શક્યજ નથી તેવા જીવોનો પણ પ્રમેય બલથી પોતાના સંબંધવાળા માની પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. તેથીજ નવરત્નના પ્રથમ શ્લોકમાં આપશ્રીએ આજ્ઞા કરી છે કે, પુષ્ટિસ્થ પ્રભુને નિવેદન કરેલું હોવાથી ઉદ્ધાર માટે કોઈપણ પ્રકારની ચિન્તા જીવે ન કરવી. આવી આપશ્રીએ જે આજ્ઞા કરી છે તે પોતાના પુષ્ટિસ્થ સ્વરૂપના વિરુદ્ધ ધર્માશ્રયી ઐશ્વર્યનાં સંબંધથી કરેલી છે. આ પ્રભુનું વિરુદ્ધ ધર્માશ્રયી ઐશ્વર્ય નહી સમજવાથીજ ચિન્તા થાય છે. આવું આપનું ઐશ્વર્ય ભાવિ સૃષ્ટિને સમજાય તે માટે ભક્તિમાર્ગથી વિરુદ્ધ આચરણવાળા ભક્તોના પ્રસંગો ચોરાસી-બસોબાવનમાં લખાયા છે.
 
વસ્તુતઃ વિચારીયે તો પ્રભુની ઇચ્છાજ સર્વમાં નિયામક હોય છે. આ સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણની પ્રેરણા કરનાર પણ પ્રભુ પોતેજ છે. દૈવી જીવ પોતાની ઇચ્છાથી વિરુદ્ધ આચરણ કરતો નથી. શરણે આવ્યા પછી, વૈષ્ણવ થયા પછી, વેસ્યાગામી થવાની બુદ્ધિ કેમ થાય ? તેથી માનવુ જ પડે છે કે પ્રભુ પોતાની ઇચ્છાથીજ રીત કે વિપરિત ક્રીડા કરી રહ્યાં છે. અને નિઃસાધનના ઉદ્ધારમાં પોતાના પુષ્ટિસ્થ સ્વરૂપના અચિન્ત્ય ઐશ્વર્યને જણાવી રહ્યા છે. તેથી દયારામભાઈ કહે છે –
 
અકળ અટપટી લીલા માહે
કશું કળ્યું નવ જાયે રે
કેટલાક જનને ચલાવું અનીતે,
તદપિ દુઃખી ન થાયે રે
કરૂં ન થવાનું, થવું મટાડુ
હું સ્વતંત્ર સહુ ભાંત રે
તદપિ નિજજન અહિત કદાપિ
ન જ કરૂં કોઈ વાતે રે
મુજ ઈચ્છા નહિ શાસ્ત્ર નિયામક,
મને ગમ્યું તે ન્યાય રે
કુ-કૃતિ ભક્ત તદપિ રૂચિ માનું,
અવળું સવળું થાય રે
કૃષ્ણાશ્રયમાં શ્રીમદાચાર્યવર્ય આજ્ઞા કરે છે –
વિવેક ધૈર્ય ભકત્યાદિ રહિતસ્ય વિશેષતઃ ।
પાપાસકતસ્ય દીનસ્ય, કૃષ્ણ એવ ગતિર્મમ ।।
 
વિશેષે કરીને ભક્તિ માર્ગીય સાધન રહિત, એટલું જ નહી પરંતુ પાપમાં જ આસક્ત એવા જીવોની પણ હું મારા પ્રમેય બલથી કૃષ્ણમાંજ ગતિ કરાવીશ. મારી અંગીકૃતિમાંજ તમારો સંબંધ મેં માનેલો હોવાથી સાધનની અપેક્ષા રાખ્યા વિના મારા અદભૂત પ્રમેયબલથી જ ઉદ્ધાર કરીશ, એવો આ શ્લોકનો ભાવાર્થ જણાય છે. આ કથનનું પ્રમાણ શ્રીમત્પ્રભુચરણ કૃત વિજ્ઞપ્તિમાં પ્રાપ્ત થાય છે.

- ક્રમશઃ

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.