પ્રશ્નોત્તર
spacer
spacer

લેખક : ‘મધુકર’

સ્નેહી ભાઈશ્રી, સપ્રેમ શ્રીસ્મરણ.
આપે કરેલા પ્રશ્નનો પ્રત્યુત્તર નીચે મુજબ :
 
પ્રશ્ન – શરીરની અપંગતા શ્રીહરિ-ગુરૂ-વૈષ્ણવની સેવામાં બાધક બની ગઈ છે. આ દોષ કે શ્રાપથી પ્રાપ્ત થયેલા દુઃખની નિવૃત્તિ કેવી રીતે થાય ?
 
ઉત્તર – કદાચ દોષ અગર શ્રાપથી આવું દુઃખ આપણને ભોગવવાનું આવ્યું હોય તો પણ આર્ત ભાવ પૂર્વક સર્વ પ્રકારના દુઃખોને હરનારા શ્રી હરિના નામનું સ્મરણ જ તે દુઃખની નિવૃત્તિમાં ઉપાય છે (જેમ ગજેન્દ્રે આપત્તિ કાળમાં હરિના નામનું આર્ત-ભાવ પૂર્વક સ્મરણ કર્યું. તેમ સ્મરણ કરવું.) અથવા નિઃસાધન અને આર્ત ભાવથી પ્રભુનું શરણજ વિચારવું.
 
શરણમાં અકિંચનનો અધિકાર છે. અકિંચન એટલે બધા પ્રકારે નિઃસાધનતાને પ્રાપ્ત થયેલ જીવને અકિંચન કહેવાય છે, અથવા પ્રભુનું ધર્મી સ્વરૂપ એજ જેના જીવનના આધાર રૂપ છે, તે અકિંચન કહેવાય છે. અને આવી નિઃસાધનતા-અકિંચનતા સ્વયં પ્રભુજ ઉત્પન્ન કરતા હોય છે. કારણ કે શરણની એવી મર્યાદા છે.
ભગદીય, શરીરના દુઃખો તો સહન કરી લે છે પરન્તુ આપના લખ્યા મુજબ હરિ-ગુરૂ-વૈષ્ણવની ટહેલ ન બને તેનું દુઃખ ભગવદીયને અસહ્ય હોય છે આવું દુઃખ પણ આર્ત ભાવની પ્રાપ્તિ માટે હોય છે.
 
શરણ પ્રભુ જબ લેત હે કરત શ્રિવિધ દુઃખ દૂર ।
શોકાદિક તે કાઢીકે દેત હે આનંદ ભરપૂર ।।
 
સર્વ પ્રકારે નિઃસાધન બને છે ત્યારે જીવમાં દીન ભાવ પ્રગટ થાય છે. આવા દીન જનની ઉપેક્ષા (ત્યાગ) પ્રભુ કરી શકતા નહી હોવાથી તે જીવના હૃદયમાં પ્રભુ દિવ્ય પ્રેમ સ્વરૂપથી પ્રગટ થઈ જાય છે. અને પ્રભુનું હૃદયનાં પ્રાગટય થતાંજ ત્રિવિધ પ્રકારની માયાથી થતાં ત્રિવિધ દુઃખો [ભૌતિક-આધ્યાત્મિક-આધિદૈવિક]ની તેજ સમયે નિવૃતિ થઈ જાય છે. અને આપના સ્વરૂપમાં રહેલા અગણિત આનંદમાં શરણસ્થ જીવને નિમગ્ન કરે છે. આવું દાન જેને માટે વિચાર્યું છે, તેને સર્વ પ્રકારથી નિઃસાધન બનાવે છે. નિઃસાધનતાનું આ રહસ્ય ભાગ્યવાન દૈવી જીવોએ વિચારવા યોગ્ય છે.
 
નિઃસાધન બનાવવા માટે પ્રભુ સ્વયં નિજજનોમાં વિવિધ પ્રકારના તાપો ઉત્પન્ન કરે છે. તેનું પ્રમાણ સુ. 3-25-24-25-26ની કારિકાજીમાં નીચે મુજબ આપેલું છે :
 
વિવિધા અપિ તે તાપ ।
સોઢવ્યા સ્તાપ સત્વતઃ ।।24।।
બલાત્કૃત્વા તપત્યન્તે તતઃ
પ્રાપ્તાઃ સ્વતોવરા ।
ભજનાપક્ષેયા તે વૈ
ભગવદ્ પ્રીતિ હેતવા ।।25।।
દુઃખેષુ ભગવાંચ્ચાપિ
નિત્યં સાક્ષાત્ ક્રિવતૈવ ।
દેહાદિ વિષયાંસ્ત્યકત્વા ચિત્તં
તદગતમેવ યત્ ।।26।।
 
શ્લોકાર્થ-જાત જાતના તાપોને સહન કરવા યોગ્ય છે. ભક્તપણાને લીધે, ત્યાગ કરીને બલથી તે તાપોને સહન કરવા (આવા તાપો દોષોના સમૂહને દગ્ધ કરીને નિઃસાધનતા ઉત્પન્ન કરે છે.) પછી પ્રભુની પ્રસન્નતા થતાં વિપ્રયોગનું દાન કરે છે.
 
ભજન કરતાં પણ તે વિવિધ તાપો ખરેખર ભગવાનની અધિક પ્રીતિ ઉપજાવનારા છે (તેનું કારણ વિવિધ તાપોથી જીવમાં દીન ભાવ આવે છે. અને આવા દીન ભાવવાળા જીવોમાં પ્રભુની અધિક પ્રીતિ થાય છે.) દુઃખોમાંથી વળી ભગવાનનો સદા સાક્ષાત્કાર થાય છે જ. 24-25-26 ।।
 
જન્મ પ્રકરણના શ્રીસુબોધિનીજીમાં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે, સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમનું જે સાક્ષાત પ્રાગટ્ય થયું તે ભક્તોના દુઃખોથી જ થયું છે. તેથી પ્રભુ પોતાના સ્વરૂપનો સાક્ષાત અનુભવ કરાવવા માટેજ વિવિધ દુઃખોને ઉત્પન્ન કરી દૈવી જીવમાં નિઃસાધન-દીન ભાવના ઉત્પન્ન કરે છે. આપણે અલ્પજ્ઞ જીવો પ્રભુના આવા હિતકૃત્ કાર્યોને સમજી શકતા નતી, તેથી દુઃખમાં ધીરજ વગરના બની જઈએ છીએ. તદપિ “વિનતી ન મનમાં લાવું રે” અને “શ્રીવલ્લભ જન નહી દુભવું ધ્રુવવાણી રે” દયારામભાઈના આ કથન મુજબ આપણી અજ્ઞાનતાથી થતી વિનતીનો પ્રભુ સ્વીકાર કરતા નથી. અને આપે ઇચ્છેલું મહાન ફલનું દાન કરે છે તેથી કહ્યું : “શ્રી વલ્લભ જન નહી દુભવું ધ્રુવ વાણી રે” દેહમાં મહા વ્યાધી ઉત્પન્ન કરવાનું એક કારણ દૈવી જીવ અનેક જન્મોથી પ્રભુથી વિછુરેલો હોવાથી પોતાના દિવ્ય આત્મ સ્વરૂપને ભૂલી ગયો છે, અને નાશવંત દેહમાં પોતા પણાની ગ્રંથી દ્રઢ બની ગઈ છે, તેથી દેહમાંથી મમતા બલાત્ કઢાવવા માટે પ્રભુ મહા વ્યાધીઓ ઉત્પન્ન કરે છે. દૈવી જીવને અનેક પ્રકારના માયા જન્ય બંધનોતો દેહના સંબંધથીજ છે. દેહના સંબંધથી અહં-મમનુ સંસાર વૃક્ષ ફાલ્યું ફુલ્યું છે (પતિ-પુત્રાદિક વિગેરેનું) તેનું મુળમાંથી છેદન કરવા દયાળુ પ્રભુ મહા વ્યાધીઓ ઉત્પન્ન કરે છે. ત્યારે દુઃખ દેનારા દેહના સંબંધથી જીવ મુક્ત થાય છે પછી પ્રભુના સંબંધ વાળો બને છે. આમ દેહના દુઃખો પણ પ્રભુએ હિત વિચારીને મુકેલા છે, તેમ ભાગ્યવાનોએ નિશ્ચય જાણવું.
 
“ત્રિમાયાકો પ્રલય કરી
હરિ મિલાવે હરિ નામ”
 
સર્વ પ્રકારથી નિઃસાધન બનેલો દૈવી જીવ દીન ભાવથી પ્રભુને શરણે રહીને માત્ર નામ સ્મરણનું જ અવલંબન લે છે ત્યારે પ્રભુનું જે વ્રત-બિરદ છે કે શરણસ્થ જીવોને અભયતા આપવી, નવા બિરદનું પાલન કરવા, ત્રિવિધ માયાનો પ્રલય કરવા, તે શરણસ્થ જીવનાં હૃદયમાં પ્રભુ પ્રગટ થઈ જાય છે, અને અભયતાનું દાન કરે છે. “અભયતા” એટલે ત્રણે પ્રકારની માયાનો પ્રલય થવાથી દૈવી જીવને તેજ સમયે તેના આધિદૈવિક દેહની પ્રાપ્તિ થાય છે. આ આધિદૈવિક દેહ પ્રાપ્ત થતા દૈવી જીવ લીલા ધામમાં પ્રવેશ કરે છે. તેનું નામ “અભયતા” છે. આવી અભયતા પ્રાપ્ત કરવા માટે નિઃસાધન દીન ભાવથી હરિના નામનું સ્મરણ કરવું.
 
“હરિનું નામ” એટલે અષ્ટાક્ષરનું સ્મરણ. આ નામ સ્મરણ સાથેજ ભક્તના ત્રિવિધ પ્રકારના દુઃખોને હરણ કરવા-દુર કરવા તેવો જેનો સહજ પ્રભાવ અને સ્વભાવ છે, તેવા દયાળુ પ્રભુને હરિ કહેવાય છે. ત્રિવિધ દુઃખને દુર કરવા તેટલાથીજ હરિ નામની સાર્થકતા થતી નથી, પરંતુ પોતાના સ્વરૂપના અગણિત આનંદનું પણ દાન કરે છે. ‘પૂર્ણાનંદો હરિસ્તસ્માત્ કૃષ્ણ એવ ગતિર્મમ’ । સાગર સમાન જેમાં અગણિત આનંદ રહેલો છે તેને પૂર્ણ કહેવાય છે. શરણસ્થ જીવને હરિ પૂર્ણાનંદનું દાન કરે છે.
 
આ દુઃખ દાવાનળથી સળગતા સંસાર-સંબંધને છોડીને હવે મારે મારા અવિચલ લીલા ધામમાંજ જવું છે. આવું દ્રઢ લક્ષ રાખી, ફક્ત હરિના નામનું જ (સ્વલ્પ શ્રમવાળું) સ્મરણ રૂપી સાધન. જીવ જો દ્રઢતાથી ગ્રહણ કરી લે તો પોતાના નિત્ય અવિચલ લીલાધામરૂપી સ્થાનમાં નિઃસંદેહ પહોંચી શકે છે. આવા અચિન્ત્ય મહિમાવાળા હરિના નામનો, હરિના નામના સ્મરણનો અને હરિના માર્ગનો મહા કારૂણિક આપણા સ્વામી શ્રી મહાપ્રભુજીએ નિજ વાણીમાં પરિચય કરાવ્યો છે.
 
હવે આપણા દૈવી જીવનનું લક્ષ, લીલા ધામમાં નિવાસનુંજ બને, આવા લક્ષને દ્રઢ કરનારું શ્રીહરિરાય પ્રભુનું પદ નીચે મુજબ –
 
દિન દિન રોગ કરત વિશ્રામ ।
ઔષધ પાની કીયે બહુતેરે,
નેક નહીં આરામ ।।1।।
જો જીયકો સુખ ચાહે સખીરી,
લે ચલીહો વાહી ગામ ।
“રસિક પ્રીતમ” શ્રીવલ્લભવર,
મહા વૈદ્ય જાકો નામ ।।2।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.