દિવ્ય – પ્રેમ – પથ
spacer
spacer

લેખક : “પથિક”

કોઉ મરે જુર રોગ સુ,
કોઉ અવસ્થા પાય ।
પ્રીત પીરમેં તન તજે,
તે ધન્ય જગમે આય ।।
 
કોઈક તો દેહના રોગથી મરે છે. કોઈ વળી જિંદગી પુરી થતાં મરે છે. આવા જીવતા હોવા છતાં મરેલા જેવા જ છે. ત્યારે જીવી જાણ્યું કોને કહેવાય ? એવો પ્રશ્ન થાય તેના જવાબમાં-પ્રભુ સાથે પ્રેમ જોડીને પ્રિય પ્રભુ માટે જીવન જેણે ન્યોછાવર કર્યું તેણેજ જીવી જાણ્યું કહેવાય છે. પ્રભુ પ્રેમ વિનાનું દૈવી માનવ જીવન-પશુ પક્ષી કરતા પણ વધારે નીંદનીય છે. કારણકે મનુષ્ય જીવન મેળવીને દિવ્ય પ્રેમની કદર ન કરી અને પ્રભુ પ્રેમમાં જીવન ન્યોછાવર કર્યું નહી. ભલે કદાચ પ્રભુમાં પ્રેમ કરનાર સાધક આ જન્મે પ્રભુને મેળવી ન શકે. છતાં પ્રભુ પ્રેમ માટે જિંદગી હોમી દેનારને બીજા જન્મે પણ પ્રભુનો પ્રેમજ વરે છે. સૃષ્ટિ સર્જનહારનો આ અબાધિત નિયમ છે. તેથી બીજા જન્મે તે પ્રેમ પુર ઝડપથી વધે છે. અને છેવટે પ્રભુને મેળવીનેજ આ પ્રેમી સાધક જંપ લે છે આવા પ્રભુ પ્રેમ માટે જીવન ન્યોછાવર કરી દેનારાએજ આ દુનીયામાં જીવી જાણ્યું છે. પ્રભુમાં પ્રેમ થયો તેની નિશાની શું ? તે નીચેના દોહામાં કહે છે.
 
નવલ લાલસો લગ્ન કર
વિરહની વ્યાપ્યો તાય ।
બિનુ લાગે નિકસે નહી
દ્રગ અસુવા મુખ હાય ।।
 
પ્રાણ વલ્લભમાં પ્રેમ થયો તેની નિશાની પ્રિયતમના વિરહમાં આ પ્રેમીજન તપ્યો રહે છે. પ્રેમની ચોંટ લાગ્યા વિના નેત્રોમાંથી અશ્રુની ધારા અને મુખમાંથી વિરહની દર્દભરી હાય કેવી રીતે નીકળે ? પ્રેમ થયાની એજ નિશાની છે કે પ્રિયતમની ક્ષણ ક્ષણની યાદથી અશ્રુસલિલની ધારા અને મધુર દર્દભરી હાય નીકળતીજ રહે.
 
પ્યારે તેરે વિરહમેં
સુકત સબ શરીર ।
દો નેના સુકત નહી
ભરિ ભરિ ડારત નીર ।।
 
પ્રિયતમના વિયોગે પ્રેમીજનના શરીરના માંસ લોહી સુકાય જાય છે. દેહ હાડપીંજર વત બની ગયો હોય છે. પરન્તુ તેના બે નેત્રોમાંથી વિરહના અશ્રુ સુકાતાં નથી.
 
અહીં કોઈ એમ શંકા કરે કે પ્રભુ સાથે પ્રેમ જોડીને તેના વિયોગ દુઃખમાં રડવું તેને કાયરતા કેમ ન માનવી ? આવી શંકા કરનારનું હૃદય સુકા કાષ્ઠ જેવું છે પ્રેમ વસ્તુ શું છે તેની તેને ખબરજ નથી જેમ પ્રસૃતિની પીડા વાંઝણી જાણી શકતી નથી તેમ પ્રેમીના વિયોગ દુઃખની પ્રેમની ચોટ લાગ્યા વિના ખબર પડતી નથી. આ પ્રભુ પ્રેમનું દુઃખ લૌકિક જેવું તો છે નહી પ્રભુ પ્રેમના દુઃખની ચાર વેદના જાણનાર, અને દુનીયાને બનાવનાર બ્રહ્માજી જેવા ચાહના કરે છે પણ તેમને આ દુઃખ મળતું નથી. તેમજ ઉદ્ધવજી પણ મહા જ્ઞાની અને ભક્ત પણ હતા, તેમને પણ આ દિવ્ય પ્રેમનું દુઃખ પ્રિય વિયોગ સમુદ્રમાં નિમગ્ન બનેલા શ્રી ગોપીજનોની કૃપાથી મળ્યું. પ્રિયતમના વિયોગ સમુદ્રમાં ડૂબેલ શ્રીગોપીજનોને જોઈને ઉદ્ધવજીનું જ્ઞાન અને ગર્વ શ્રી ગોપીજનોના અનુકૂળતાએ તેઓ 84-252 વૈષ્ણવોની વાર્તાની સપ્તાહ, શુદ્ધ નિષ્કામ ભાવથી કરતા. આ વાર્તાઓ તેમણે નવીન શૈલીમાં બહુ સરસ લખી છે.
 
વિયોગ – સમુદ્રના અશ્રુપ્રવાહમાં તણાઈ ગયા. પ્રભુ પ્રેમીઓના અશ્રુઓની કદર ઉદ્ધવજીએ કરી. ત્યારે આવા મધુર દર્દ ભર્યા દુઃખની કણીકાની ચાહના ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્ત કરવા લાગ્યા, અને શ્રી ગોપીજનોની કૃપાથી તે મધુર દુઃખની કણીકા મળી. આ મધુર દુઃખની કણીકા પ્રાપ્ત કરવી અતિ દુર્લભ હોવાથી શ્રી હરિરાય પ્રભુ પદમાં આજ્ઞા કરે છે કે “રસિક ચરણરજ વ્રજ યુવતિનકી અતિ દુર્લભ જીય જાન” પ્રિય વિયોગ સમુદ્રમાં નિમગ્ન થયેલા શ્રી ગોપીજનની ચરણ રજને અતિ દુર્લભ કહી છે. આ રજમાં મધુર વ્યથા ભરી છે સંયોગના કોટિ કોટિ સુખોમાં જે આસ્વાદ ન મળે તે પ્રિયના વિયોગની માધુરી વ્યથામાં અનુભવાય છે. આવી મધુર વ્યથા ભરી ચરણરજ અતિ દુર્લભ છે. તે પ્રિયનો સંદેશ લઈને આવનાર ઉદ્ધવજીને શ્રીગોપીજનોની કૃપાથી પ્રાપ્ત થઈ છે. દિવ્ય પ્રેમ માર્ગના ગુરૂ શ્રી ગોપીજન છે, પ્રેમ પ્રાપ્તિની પ્રણાલી શ્રી ગોપીજનોના જીવનમાંથી શિખવી. શ્રી ગોપીજનોની પ્રણયલીલાને અષ્ટ સખા આદિ મહાનુભાવોએ હિલગ આદિ પદોમાં ગાઈ છે તેમાંથી જાણી શકાય છે. વિરહ દુઃખની કીમત કરનાર પ્રેમીજનો પ્રિય વિયોગના મધુર દુઃખની ચાહના કરે છે તે નીચેના દોહામાં કહે છે –
 
કાહુકો દીયો કછુ
કાહુ લંક લુટાય ।
મોહી મયા કર દીજીયે
જબ નિકસે તબ હાય ।।
 
પ્રભુની ભક્તિ કરનારને જેવી જેની ચાહના તેવું ફલ પ્રભુ આપે છે. કોઈને ધનની ચાહના કોઈને મોક્ષની ચાહના અને કોઈને લૌકિક-અલૌકિક સંસારમાં માન-બડાઈની ચાહના હોય છે. જેને જેવી ચાહના તેવું ભગવાન આપે છે. પરન્તુ દિવ્ય પ્રેમના સુખની અને તેના મધુર દુઃખની જે પ્રેમીજન કદર કરે છે, તેવો ચતુર પ્રેમી માન બડાઈની કે બીજા કોઈપણ સુખોની ચાહના કરતો નથી. પણ પ્રિયતમના વિયોગની હાય સદા નીકળ્યા કરે તેજ ચાહે છે.
 
અહીં એમ પ્રશ્ન થાય કે ભગવાનની દિવ્ય સુખની ચાહના નહી કરતા વિયોગ દુઃખની ચાહના પ્રેમીજન કેમ કરતા હશે ? જવાબમાં દિવ્ય પ્રેમ કેવા પ્રકારનો છે અને તે કેવા પાત્રમાં રહે છે, તે આ દુઃખની ચાહના કરનારા પ્રેમીજને જાણી લીધેલ હોય છે એટલે પ્રિયતમના વિયોગ દુઃખનો અનુભવ કર્યા વિના દિવ્ય પ્રેમનું પાત્ર બની શકાતું નથી. તેથી ચતુર પ્રેમી પ્રથમ પ્રિય પ્રભુથી સુખની ચાહના નહી કરતાં વિયોગ દુઃખની ચાહના કરે છે. નિરોધ લક્ષણ ગ્રંથમા શ્રી મહાપ્રભુજીએ પ્રથમ વિયોગ દુઃખ દાનની પ્રાર્થના પ્રભુને કરી છે. તેનું કારણ વિયોગ દુઃખથીજ અગણિત પ્રેમાનંદને ધારણ કરવાની પાત્રતા સિદ્ધ થાય છે. તેથી પ્રથમ વિયોગ દુઃખની પ્રાર્થના કરી છે. રજના કાચા ઘડામાં જો જલ ભરવામાં આવે તો ઘડાને ઓગાળીને જલ બહાર નીકળી જાય છે. તેમ દિવ્ય પ્રેમ જો દેહનાં ઇન્દ્રિયોના, અન્તકરણના અધ્યાસ અને લોક-લાજ, લૌકિક પ્રપંચ, માન, બડાઈ-આ બધાની હયાતીમાં દિવ્ય પ્રેમ કદાચ મળે તો કાચા ઘડાની જેમ હૃદય ઘટમાં સ્થિર નહી રહેતાં દેહના સુખમાં, લૌકિક-અલૌકિક-માન-બડાઈમાં આ દિવ્ય પ્રેમ વહેંચાય જાય છે. આનું નામજ દિવ્ય પ્રેમનું પ્રેમીજનના હૃદય ઘટમાંથી બહાર નીકળી જવું. તેથીજ નંદદાસજીએ કહ્યું છે કે –
 
પ્રેમ એક, એક ચિત્તસો,
એકહી સંગ સમાય ।
ગાંધીકો સોદા નહી,
જન જન હાથ બિકાય ।।
 
દિવ્ય પ્રેમ એકમાંજ સિદ્ધ થાય છે. જેમ સોયામાં દોરો પરોવાયેલો રહે તેમ ચિત્ત સતત પ્રિયતમ પ્રભુમાં પરોવાયેલું રહે ત્યારે દિવ્ય પ્રેમ સિદ્ધ થાય છે. આવી સ્થિતિને સમજવા માટે નીચેનો દોહો છે :
 
મનકી ગતિ પિયપે એક તારા
સમુદ્ર મિલી જેસે ગગકી ધારા
 
ગંગાજીની અવિરત ધારા જેમ સમુદ્રમાં મળી જતાં જુદી દેખાતી નથી. તેમ મન-ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ નિરંતર પ્રિયતમના સ્વરૂપમાં લાગેલો રહે ત્યારે દિવ્ય પ્રેમ સિદ્ધ થયો કહેવાય. અથવા પ્રિય પ્રભુના એકજ સ્વરૂપમાં પ્રેમ-આસક્તિ-વ્યસન ભાવ સિદ્ધ કરીને અન્તીમ પ્રિય સ્વરૂપથી જ્યારે તદાત્મકતા થાય ત્યારે દિવ્ય પ્રેમ સિદ્ધ થયો કહેવાય. આવી તદાત્મક અવસ્થા વિરહાનુભવ વિના સિદ્ધ થતી નથી તેથી કહે છે :
 
જા ઘટ વિરહ અવા અનલ,
પરિપક ભયે સુભાય ।
તાહી ઘટ મધ્ય નંદ હો,
પ્રેમ અમી ઠહેરાય ।।
 
વિરહના અનુભવથી દિવ્ય પ્રેમનું પાત્ર સિદ્ધ થાય છે ત્યારે તદાત્મક અવસ્થા વાળો સિદ્ધ પ્રેમ ઠહેરી શકે છે. દિવ્ય પ્રેમની કદર કરનારો ચતુર પ્રેમીજન પોતાની દશા જાણતો હોવાથી પ્રિયતમ પ્રભુની સુખની ચાહના નહી કરતાં વિરહ દુઃખની ચાહના કરે છે, તેનું કારણ વિરહની અગ્નિથી હૃદયમાં રહેલો પ્રિયતમ સીવાયનો બીજો ભાવ-પ્રપંચ નિવૃત્ત ન થાય તો તદાત્મક અવસ્થા વાળા દિવ્ય પ્રેમને ધારણ કરી શકાતો નથી. તેથીજ ચતુર પ્રેમીઓ વિરહના દુઃખની ચાહના કરે છે.
ભગવાનની દૈવી ગુણમય-માયા જ્ઞાનીઓને ઠગી લે છે પુષ્ટિ પ્રેમ – માર્ગનું જ્ઞાન ધરાવી સાક્ષાત્ પ્રિય સ્વરૂપને મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન જે કરતા નથી અને દિવ્ય પ્રેમના ઉપદેશક બને છે, અને માન – બડાઈની ચાહના કરે છે તેવા ઉપદેશકોને ભગવતી માયા ઠગી લે છે. તેથીજ “કૃષ્ણાશ્રય”માં શ્રીવલ્લભ પોતાના જનને સાવધાન કરે છે : “લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ.”
 
“લાભ” એટલે ભૌતિક સ્વાર્થ. અને “પૂજા” એટલે માન બડાઈની ચાહના. આ બન્નેનો ત્યાગ કરો તેમ નિજજનોને સાવધાનતા આપે છે લાભ અને પૂજાવાનો ત્યાગ નહી થાય તો પ્રિયતમના સાક્ષાત સ્વરૂપને મેળવવાનો પ્રયત્ન નહી થાય. ચતુર પ્રેમીજન લાભ-પૂજામાં ફસાતો નથી. આ પ્રેમીજન ભગવતી માયાને શ્રીવલ્લભની કૃપાથી ઓળખે છે કે સાક્ષાત પ્રિયતમના સ્વરૂપથી કોઈપણ કારણે વિમુખ થવું તે દૈવી ગુણમય માયાનું જ કાર્ય છે, તેમ ચતુર પ્રેમીજન જાણે છે.
 
જે પ્રેમીજનમાં પ્રિય વિયોગની અગ્નિ દાવાનળ જેવી સળગી રહી છે, ત્યાં માયા કેમ રહી શકે ? આજ કારણે ચતુર પ્રેમીઓ પોતાની કાચી દશામાં પ્રિયતમથી પોતાના સુખની ચાહના નહીં કરતા વિયોગ દુઃખને ચાહે છે માન-બડાઈની ચાહના કરનારને માયા ઠગતી હોય છે તેનું પણ તેને જ્ઞાન હોતું નથી તેનું કારણ તત્સુખી દિવ્ય પ્રેમ પ્રભુમાં ઉત્પન્ન થયો નથી. દિવ્ય પ્રેમ એટલે – પ્રિયથી પોતાના સુખની જેમાં ચાહના નથી, પરન્તુ પ્રિયતમના સુખ માટેજ પ્રિયમાં પ્રેમ કરી રહેલ છે તેને દિવ્ય’ પ્રેમ કહેવાય છે આવો પ્રેમ જેમનામાં નથી તેવાને માન-બડાઈમાં અને બીજા પણ ધર્મ સમૂહના આનંદમાં અટકાવી દઈ માયા, ધર્મી સાક્ષાત પ્રિય સ્વરૂપનો અનુભવ કરાવનાર પ્રેમમાર્ગમાં ચાલવા દેતી નથી. તેથીજ આગળ કહે છે કે –
 
રસિકન કે રસ્તા કઠીન,
ચલત હરિજન શૂર ।
સુનત ભેદ ભય પાયકે,
કપટી કાયર ક્રૂર ।।
 
“રસિક” શબ્દનો અર્થ-રસિક શબ્દમાં બે પદ છે, “રસ” અને “ઇક.” સંસ્કૃત, હિન્દી અને વ્રજભાષામાં “ઈક”ને શેરડી કહેવાય છે. શેરડી જેમ થડથી પીછાના આગળના ભાગ સુધી રસથીજ ભરેલી છે તેમ જેના સર્વાંગમાં પ્રિયતમના સુખનો દિવ્ય પ્રેમ રસ ભરેલો રહે છે તેને “રસિક” કહેવાય છે. આવા રસિકની સ્થિતિ કેવા પ્રકારની હોય છે તે જોઈએ : રસિકનકો રસ યહી બાતનમેં નેન બહે મુખ બેન ન આવે.”
 
પ્રિયતમની ક્ષણ ક્ષણની યાદથી જેનાં નેત્રોમાં અખડ અશ્રુધારા ચાલી રહી છે, અને વાણી જેની બંધ પડી ગઈ છે, તેને અહીં રસિક કહેલ છે. અથવા “રસિકા કામ વર્જીતા-“રસિકમાં કામ હોતો નથી. પરન્તુ દિવ્ય તત્સુખી પ્રેમ ભરેલો હોય છે. જ્યાં સુધી દેહ પ્રાણ ઇન્દ્રિયો અને અન્તઃકરણમાં ભૌતિક પ્રપંચના અધ્યાસો વ્યાપેલા છે, ત્યાં સુધી કામનું રાજ્ય ચાલી રહ્યું છે. આવા કામના રાજ્યમાં દિવ્ય તત્સુખી પ્રેમ પ્રગટ થઈ શકતો નથી. કામ, ગંધ-શૂન્ય થયા વિના દિવ્ય પ્રેમ રાજ્યના પ્રદેશમાં પ્રવેશ થઈ શકતોજ નથી.
 
પ્રભુએ વ્રજમાં પ્રગટ થઈને બાલ લીલાથી ભક્તોનો પોતાનામાં પ્રેમ ઉત્પન્ન કરી ભક્તોના દેહના ભૌતિક અધ્યાસો રૂપી ભૌતિક અવિદ્યા દૂર કરી. (પ્રિયને ભૂલાવી દે તેવા ભાવ પ્રપંચને અવિદ્યા કહેવાય છે) અને ગૌચારણ લીલાના મિષથી ભક્તોને વિયોગનો અનુભવ કરાવી આધ્યાત્મિક અવિદ્યા દૂર કરી આ બન્ને અવિદ્યા દૂર થતાં શ્રીગોપીજનોની કેવી અવસ્થા બની તેને સમજવા શ્રી વલ્લભ સુ. 10-16-16 માં આજ્ઞા કરે છે કે –
 
ગોપીનાં પરમાનંદ આસીદ્
ગોવિંદ દર્શને ।
ક્ષણં યુગ શતમિવ
યાસાં યેન વિના ભવત્ ।।
 
પ્રિયતમ પ્રભુના દર્શનથી શ્રીગોપીજનોને પરમાનંદનો અનુભવ થાય છે. અને પ્રિયતમના વિયોગ સમયે તેમની એક-એક ક્ષણ સો યુગ જેવી લાંબી અને વ્યથા ઉત્પન્ન કરનારી થઈ પડે છે. પ્રિય વિયોગની આવી વિરહાગ્નિથી તેમનામાં રહેલો સ્વલ્પ અંશે પણ કામ-(સ્વસુખની ભાવના) સર્વાશે દગ્ધ થઈ જાય છે, ત્યારે વેણુગીત પ્રસંગે શુદ્ધ તત્સુખી દિવ્ય પ્રેમનો અનુભવ થયો. પ્રભુથી મને સુખ મળે તેવા ભાવને “કામજ” કહેવાય પણ દિવ્ય પ્રેમ ન કહી શકાય. અહીં “પ્રેમ” શબ્દ અસાધારણ અર્થને જણાવનારો છે. જેમા પોતાના સુખની ગંધ પણ ન હોય, અને નિરંતર પ્રિયતમના સુખનીજ ભાવના રહી આવતી હોય, તેને અહીં ‘દિવ્ય-પ્રેમ’ કહેવાય છે. અથવા પોતાના સુખની ઉપાધી વગરનો અને જેની સીમા નથી તેવો, જેમાં અગણિત આનંદ ભરેલો રહે છે તેને અહીં “દિવ્ય-પ્રેમ” કહેવાય છે. એક એક ક્ષણ પ્રિય વિયોગે સો યુગ જેવી લાંબી અને વ્યથા ભરી અનુભવી લીધા પછી અગણિત પ્રેમાનંદને ધારણ કરવાની પાત્રતા શ્રીગોપીજનોમાં સિદ્ધ થઈ, આવી પાત્રતાનેજ અહીં “રસિક” શબ્દથી ઓળખાવેલ છે. વિરહ અગ્નિના સેવન વિના કામગંધશૂન્ય થઈ શકાતું નથી. અને “કામની” – એટલે પોતાના સુખની ગંધ પણ રહે તો દિવ્ય પ્રેમના પાત્ર બની શકાતું નથી. તેથી કહ્યું “રસિકનકે રસ્તા કઠીન, ચલત હરિજન સૂર” । ભૌતિક-આધ્યાત્મિક ભાવ પ્રપંચ અને પોતાના સુખના ભાવ પ્રપંચને પ્રણય વેદીમાં હોમી દઈ પ્રિય વિયોગની અસહ્ય વ્યથાને સહન કરવી તે “સૂરવીર”થીજ બની શકે છે. તેથી કહ્યું : “સુનત ભેદ ભય પાયકે કપટી કાયર ક્રુર.”
 
રસિકનો માર્ગ આવા ત્યાગનો અને વ્યથા ભરેલો છે. તેમ જાણી “કપટી” એટલે પોતાના સુખને માટે પ્રભુમાં જે પ્રેમ દર્શાવી રહેલ છે અને “કાયર” એટલે પોતાના સુખના ભાવોને દગ્ધ કરવામાં જે વિરહ વ્યથાને સહન કરી શકતો નથી તેવા કપટી અને કાયર કે જે બનાવટી પ્રેમીઓ છે તે રસિકના માર્ગે ચાલી શકતા નથી.
 
અથવા તત્સુખી દિવ્ય પ્રેમનો માર્ગ કઠીન છે. આ પ્રેમ માર્ગમાં સાક્ષાત્ પ્રિયતમના સ્વરૂપથી જ મળતા સુખ સિવાય અન્ય બધાય લૌકિક અલૌકિક સુખોનો ત્યાગ કરવાનો હોય છે. પાછળના દોહામાં કહ્યું કે દેહ પ્રાણ ઇન્દ્રિયો અને અન્તઃકરણથી ભોગવાતા ભૌતિક સુખો અને માન-બડાઈ તેમજ મોક્ષ સુધીના બધાય સુખ સ્વાર્થો ને પ્રેમ વેદીમાં આહૂતિ દઈને, પ્રિયતમના વિયોગ દુઃખમાં જે ડૂબેલો રહે છે તેવા “સૂર” પ્રેમીજનોજ દિવ્ય પ્રેમના માર્ગે ચાલી શકે છે. આવા ત્યાગ રૂપી કંટકના માર્ગે ચાલવાનું સાંભળીને પ્રભુથી સ્વાર્થ રાખનારા કપટીને આ માર્ગે ચાલવાનો ભયજ લાગે છે. લોક લાજનો ભય પોતાના આત્માના ઉદ્ધારનો ભય. માન-બડાઈ ખોવાઈ જવાનો ભય, આવા ભયો કપટ રાખનારને સતાવતા હોય છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં કપટ છેજ. ઉપરથી પ્રેમ બતાવવો અને ભિતર સ્વાર્થ રાખવો, તેને કપટ નહી તો બીજું શું કહેવાય ? આવા કપટીમાં ક્રુરતા પણ રહેલી હોય છે. અને પ્રેમ તો અત્યંત મૃદુલ હોય છે. મૃદુલ હૃદયમાંજ દિવ્ય પ્રેમ ઠહેરી શકે છે. દિવ્ય પ્રેમ ત્યાગનોજ ભરેલો છે. જેમ મનુષ્યની છાયા તેની સાથેજ ચાલતી હોય છે, તેમ ‘દિવ્ય પ્રેમ’ અને ‘ત્યાગ’ સાથેજ રહે છે પોતાના સર્વ સુખોને પ્રણય વેદીમાં હોમી દેનારનેજ આ દિવ્ય પ્રેમ પ્રાપ્ત થાય છે. જેણે પ્રિય પ્રભુ માટે સર્વ સુખોને છોડયા, અને પ્રિયના સુખમાંજ સુખ માનનારા પ્રેમીજનને ભય જેવું કંઈજ હોતુ નથી. સર્વથી વધારે ભય મૃત્યુનો હોય છે. આ મૃત્યુને તો પ્રેમી જનોએ પ્રિય વિયોગની અગ્નિમાં ખાખ કરી દીધેલ હોય છે. એટલે વિરહી જનથી મૃત્યુને પણ ભય થાય છે. ખરેખર દિવ્ય પ્રભુ પ્રેમ માટે ન્યોછાવર થઈ જનારાજ સાચા વીર છે. દુનીયામાં કંઈ જીવી જાણ્યું હોય તો આવા પ્રેમીજનોએજ જીવી જાણ્યું છે. આવા પ્રેમીજનોની દશા કેવા પ્રકારની હોય છે તેને કહે છે –
 
હાય હીયે લાગી રહે,
તાકે તન નહી માંસ
કલ ન પરે પલ પ્રાનમેં,
લગી પ્રેમકી ફાંસ
 
પ્રભુ પ્રેમની ફાંસીમાં જે ફસાયો તેને એક ક્ષણ પ્રિયતમના વિયોગે ચેન પડતું નથી. પ્રિય વિયોગના મધુર દર્દની હાય ક્ષણે ક્ષણે નીકળતી રહે છે. તેનો ભૌતિક દેહ સુકાય ગયો હોય છે. આવું કષ્ટ ભોગવવા છતાં પ્રેમની ફાંસીમાંથી નીકળવાનું મન થતું જ નથી. અહો કેવી હશે આ પ્રેમની મધુર વ્યથા ભરી ફાંસી ! આવી પ્રેમની ફાંસીમાં જે ફસાયા તેવાનીજ પ્રેમી જગતમા સરાહના થાય છે. આવાનું દર્દીલું જીવન મુગ્ધ પ્રેમીઓને માર્ગ દર્શક બની રહે છે.
 
નાતો બાંધે નેહકો,
કરે પ્રીત પહેચાન
એસી શરણાગતિ લહે,
અતિ કરૂણા દાન
 
પ્યારા પ્રાણ વલ્લભથી પ્રેમનોજ નાતો બાંધે, અને પ્રિયતમ પ્રભુ દિવ્ય પ્રેમનુંજ સ્વરૂપ છે. તેને પ્રેમજ ભાવે છે, પ્રેમજ તેનો આહાર છે, અને પ્રેમથીજ તે પ્રાપ્ત થાય છે.
 
આપણને બ્રહ્મસંબંધ થયું તેથી પ્રિય પ્રભુ સાથે પ્રેમ લગ્નના સંબંધે આપણે જોડાયા. આથી પ્રભુ આપણા પ્રિયતમ અને આપણે તેની પ્રિયતમા આપણો પ્રભુ સાથે અરસ પરસનો નાતો પ્રેમનોજ છે. અથવા એમ સમજો કે આપણા પ્રેમનું પાત્ર પ્રિય પ્રભુ, અને પ્રભુના પ્રેમનું પાત્ર આપણે. આમ પ્રભુ સાથે જોડાયેલા દિવ્ય પ્રેમના નાતાને ઓળખવો. મર્યાદા માર્ગમાં જ્ઞાન મુખ્ય છે. તેથી સ્વામી-સેવકનો ભાવ તેમાં રહેલો છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રેમનીજ મુખ્યતા છે. શ્રી હરિરાયપ્રભુએ એક પદમાં પુષ્ટિ માર્ગનો પરિચય કરાવ્યો છે : “રતિ પથ પ્રગટ કરનકું પ્રગટે કરૂણા નિધિ શ્રીવલ્લભ ભૂતલ.”
 
આપ શ્રી વલ્લભ રતિ-એટલે પ્રેમ માર્ગ પ્રગટ કરવા માટે ભૂતલમાં પધાર્યા છે, ન કે જ્ઞાન માર્ગ પ્રગટ કરવા માટે પુષ્ટિમાર્ગનું નામજ પ્રેમ માર્ગ છે. જેનામાં દિવ્ય પ્રેમ પ્રગટ થયો નથી તે જીવ પુષ્ટિ માર્ગનો કહેવાતો નથી. તેથી આપણે જે માર્ગે ચાલવુ હોય તેનુ જ્ઞાન તો હોવું જ જોઈએ. અને તેથી આ દિવ્ય પ્રેમને સમજીને આ પ્રેમને પ્રાપ્ત કરવાનાજ સાધનો કરવાં જોઈએ શ્રી વલ્લભ દિવ્ય તત્સુખી પ્રેમના મહાસિન્ધુ રૂપ છે. આપની સાથે તત્સુખી પ્રેમનો નાતો જોડી પ્રેમીજન પ્રેમના મહા સિન્ધુમાં ડૂબ્યો રહે છે. આવા પ્રકારના તત્સુખી પ્રેમ ભાવથી શ્રી વલ્લભને શરણે રહેવાથી શ્રી વલ્લભ અતિ કરૂણા કરી પોતાના પ્રેમીજનને-પ્રેમ સિન્ધુ સમાન પોતાનાજ સ્વરૂપનું આપણને દાન કરે છે.
 
તત્સુખી પ્રેમનોજ પ્યારા શ્રી વલ્લભ સાથે નાતો જોડી આપના વિયોગની વ્યથાને સહન કરવી તે આગળ કહે છે.
 
પ્રીત પીર પલ પલ સહે,
આશા ઔષધિ ખાય,
પડયો રહે વા પ્રેમમેં,
મિત મિલનકી હાય.
 
પ્રિયતમના વિયોગની મધુર પીડાનો ક્ષણે ક્ષણે અનુભવ કરતો રહે. પ્રેમીજનોમાં આશાની અમરવેશ લપટાઈ ગઈ હોય છે. પ્રિય વિયોગની દારૂણ દુઃખદાઈ દશામાં પણ આ પ્રેમીજન નિરાશ થતો નથી. તેનું કારણ આશાની અમરવેલમાંથી આશા મળતીજ રહે છે. તે આશાના અવલ બને પ્રિયતમના પ્રેમમાં અને પ્રિય મિલનની હાયમાં પ્રેમીજન ડૂબ્યો રહે છે.
 
શ્રીગુસાંઈજી વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે “હે વ્રજાધીપ, આપના વિયોગ સમુદ્રને આશા રૂપી તૃણના અવલ બલે હું તરી રહી છું” અને શ્રીગોપીજનો ઉદ્ધવજીને કહે છે કે હે શ્યામ સખા ! પીંગલા નામની વેશ્યાએ પર પુરુષની આશા છોડીને કૃષ્ણની આશા કરી, પણ અમને તો કૃષ્ણનીજ આશા છે. તો કૃષ્ણ મિલનની આશાને કોની આશા ઉપર છોડીયે ! કૃષ્ણમાં અમારી આશા હદ વગરની છે તેથી તે છુટી શકતી નથી. પ્રેમદેવ શ્રીવલ્લભનો પ્રેમ મહિમા જેમ હદ વગરનો છે. તેમ તેના મિલનની આશા પણ હદ વગરની છે. એટલે પ્રભુ પ્રેમીઓમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રિય મિલનની આશા બનીજ રહેવાની તેથી વિયોગ સમયે પ્રેમીજનોને આ આશા નિરાસ થવા દેતી નથી. આશા રૂપી તણખલાના અવલંબને પ્રિયના વિયોગ સમુદ્રને તરવો આ કેવી કઠીન દશા છે ? તેથીજ દિવ્ય પ્રેમના માર્ગે કોઈ વિરલાજ ચાલી શકે છે. દિવ્ય પ્રેમ કોઈ વિરલામાંજ પ્રગટ થાય છે તે નીચેના દોહામાં કહે છે –
 
રસિક યૂથ બહુ ના મિલે,
સિંહ ટોલ નહી હોય,
વિરહ વેલ જહાં તહાં નહીં,
ઘટ ઘટ પ્રેમ ન જોય.
 
જેમ ઘેટાં-બકરાંના ટોળાં હોય છે તેમ સિંહના ટોળાં હોતાં નથી. કેશરી સિંહ અરણ્યોમાં એકાદ બેજ હોય છે. તેમ “રસિક” એટલે નખથી શિખા સુધી જેનામાં તત્સુખી દિવ્ય પ્રેમજ ભરેલો રહે છે તેવા પ્રેમીજનોના આ જગતમાં ટોળાં હોતાં નથી. દિવ્ય તત્સુખી પ્રેમની પ્રાપ્તિ વિરહના અનુભવ વિના થતી નથી, અને દિવ્ય પ્રેમ હૃદયમાં પ્રગટ થયાં વિના વિરહ થતો નથી. વિરહી ભક્તની અવસ્થા કેવા પ્રકારની હોય છે તેને સમજવા નીચેનો દોહો છે :
 
વ્રજ રત્ના વ્રજનાથસું,
કીનો સહજ સનેહ,
ક્ષણુ મરનો ક્ષણુ જીવનો,
યેહી પ્રીતકો વેશ.

પ્રિયતમના વિયોગે ક્ષણ ક્ષણમાં મૃત્યુ અને ક્ષણ ક્ષણમાં જીવન-આવી કપરી અવસ્થાને ભોગવી લીધા પછી તત્સુખી દિવ્ય પ્રેમ પ્રગટ થાય છે. તેથી આ વિરહના માર્ગે કોઈક વિરલાજ ચાલી શકે છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.