પ્રશ્નોત્તર
spacer
spacer

- ‘મધુકર’

(અંક 3 થી ચાલુ)
(10) “હું ચોક્કસ પણે માનું છું કે દેહ ધર્મ અને આત્મ ધર્મ ભિન્ન છે. પણ હાલમાં એવી નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું કે દેહ ધર્મો આત્માના ધર્મને રૂંધીને નાશ કરવા તત્પર બન્યા ન હોય ?” । આ તમારા વક્તવ્યના અનુસંધાનમાં સમાધાન.
 
દેહ અને આત્મ ધર્મની ભિન્નતા તમને સમજાણી તે શ્રી વલ્લભ ભાનુની કૃપાથીજ. જ્યારે દેહથી આત્મા ભિન્ન છે તેવું સમજાય ત્યારે દેહમાં અને દેહના સંબંધી સમસ્ત ભૌતિક પ્રપંચમાં અનાસકિત અને વૈરાગ્ય થાય છે. આ સમયે દૈવી જીવને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી દૈવી જીવને પોતાના નિત્ય સખા પ્રિય પ્રભુ સાથે તેનો સંબંધ કેવો છે તેનું પણ જ્ઞાન થાય છે. મારા સાચા સંબંધી તો પ્રિયતમ પ્રભુજ છે. તે પ્રિયથી અનંત કાલથી વિછુરેલો છુ તેમ જાણવાથી નિત્ય સખા પ્રભુની પ્રાપ્તિનો પ્રચૂર વિરહ ઉત્પન્ન થઈ જાય છે. દૈવી ગુણમય માયાના અંધકારને લીધે પ્રભુ સાથેના શાશ્વત (નિત્ય) સંબંધને જીવ ભૂલી ગયો હતો. શ્રીવલ્લભ ભાનુના પ્રકાશથી દેહ અને આત્માની ભિન્નતા સમજાણી તેથી વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત થયાં હવે દૈવી જીવ પોતાના નિત્ય સખા પ્રભુને પ્રાપ્ત કરવાજ સર્વ પ્રકારથી નિરંતર પ્રયત્નશીલ રહે છે.
 
તમને શ્રી વલ્લભની કૃપાથી દેહ અને આત્મ ધર્મની ભિન્નતા સમજાણી, છતાં દેહના ધર્મો આત્માના ધર્મને રૂંધીને નાશ કરવા તત્પર બન્યા છે. તેનું કારણ અનેક જન્મોથી મન દેહના ધર્મોમાંજ રાચ્યું છે, તેથી આત્મ ધર્મ સમજાય છતાં મન દેહના ધર્મોમાં જીવને ખેંચી જાય છે. (જેમ ગ્રાહ ગજેન્દ્રને ખેંચતો તેમ) આવી પરિસ્થિતિમાં વારંવાર દેહ અને આત્મ ધર્મની ભિન્નતાનો વિચાર કર્યા કરવો. આવા વિચારથી દેહના ધર્મમાંથી મન નિવૃત્ત થશે. દૈવી જીવને અનેક પ્રકારની ઉપાધી અને દુઃખનો અનુભવ દેહમાં પોતાપણાના “અહં અને મમ”થીજ થાય છે. જીવાત્મા તો દેહથી અને દેહના પ્રાકૃત ધર્મોથી ભિન્નજ છે. પરન્તુ પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન નહી હોવાથી અને દેહમાં અહં-મમનો અધ્યાસ થવાથી અનેક ઉપાધી અને દુઃખનો અનુભવ કરવો પડે છે. સંસારનું સુખ એ દુઃખના બીજોની વાવણી કરનારું છે. ભક્તજનો સંસાર સુખની ફાંસીમાં ફસાતા નથી. પ્રભુના વિયોગ દુઃખને સુખ સમજે છે. આવા પ્રકારનો નિરંતર વિચાર કરતા રહેવાથી મન દેહના ધર્મોમાંથી નિવૃત્ત થતું જાય છે અને આત્મધર્મોમાં રૂચિ વાળું બનતું જાય છે. જ્યારે દૈવી જીવને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે સર્વત્ર વૈરાગ્યવાળો બની જાય છે. એને સર્વત્ર તુચ્છતા ભાસે છે.
 
(11) તમે કહેશો કે તેનો જવાબ પત્રમાં છે. “વીરને કાયરતા કેમ ઉત્પન્ન થાય ?” તમે ખરેખર કૃપા વિચારીને પ્રેમવીરનું તથા સંગ્રામ વીરનું દ્રષ્ટાંત મૂલતઃ સિદ્ધાંત સ્પષ્ટ કરી બતાવ્યું છે કે પ્રેમી, વીર હોય છે, અને તે દરેક આફતો સામે ઝઝુમતો હોય છે. તેથી તે દુઃખોના કારણે દુઃખી બની કાયરતા ન પોકારે. પણ આ જીવ પર વલ્લભે એવી દ્રઢાસકિત અથવા દ્રઢ સ્વરૂપાસકિતના બલનું દાન કરી સ્વતઃ પ્રેમી બનાવ્યો નથી, માટે “વીર” નથી. તેથી દુઃખથી કાયર બની મનમાં કાયરતા ઉદભવે છે, જે તમારી આગળ સ્પષ્ટ કરું છું” । આ તમારું નિષ્કપટ કથન આત્મસંતોષના હેતુ રૂપ બન્યું. હવે તમારા કથનનું સમાધાન નીચે મુજબ છે –
 
શ્રીવલ્લભે વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરી છે – “અશૂરેણાઅપિ કર્તવ્ય: સ્વસ્યાડસા મર્થ્ય ભાવનાત્” ઉપરોક્ત શ્લોકમાં આપે કરેલી આજ્ઞાના તાત્પર્યને સરલતાથી સમજી શકાય તે માટે “શ્રીગોકુલેશ હાસ્યામૃત”નો એક પ્રસંગ અહીં જણાવું છું –
 
શ્રીગોકુલેશ પ્રભુ એક સમયે એક કમરામાં બિરાજી રહ્યા હતા. ત્યાં આપનો એક સેવક બેઠેલ હતો. આપ જે કમરામાં બિરાજી રહ્યા હતા તેની દીવાલ ઉપર એક મકોડો ચઢતો અને પડતો. એમ વારંવાર ચઢતા અને નીચે પડતા મકોડાને જોઈને સેવકને હસવું આવ્યું. ત્યારે શ્રીગોકુલેશ પ્રભુએ સેવકને કહ્યું કે તમને હસવું કેમ આવ્યું ? ત્યારે સેવકે કહ્યું રાજ ! આ મકોડો દીવાલ ઉપર ચઢે છે અને પડે છે, પડે છે છતાં ચઢવાનું છોડતો નથી. તેથી તેની મૂર્ખાઈ ઉપર મને હસવું આવ્યું. ત્યારે શ્રી ગોકુલેશ પ્રભુએ સેવકને કહ્યું કે તે સમજુ અને વીર છે કે પડે છે છતાં ચઢવાનું છોડતો નથી. ઉપરોક્ત વિ.ધૈ.ના શ્લોકનું સ્વારસ્ય આ ટુંકા હાસ્ય પ્રસંગમાં આપે જણાવેલું છે. આ હાસ્ય પ્રસંગના તાત્પર્યને હૃદયમાં ધારણ કરવાથી આપણે લીલા ધામમાં પ્રવેશ થાય ત્યાં સુધી સાહસીકતાજ બની રહે તેવું તેનું રહસ્ય છે.
 
આપણે પ્રેમ વીર બન્યા નથી, પરન્તુ બનવું છે. ભલે દ્રઢ સ્વરૂપાશક્તિ ન હોય, અને આસક્તિનું બલ પ્રાપ્ત કર્યું ન હોય છતાં વીર બની દ્રઢ સ્વરૂપાસક્તિ સિદ્ધ કરવી જ છે. મારું આ કર્તવ્યજ છે. આવા કર્તવ્યનો નિશ્ચય થતાંની સાથેજ દરેક આફતો સામે ઝઝુમવાની શક્તિનો સ્રોત્ર હૃદયમાંથી વહન થવા લાગશે. આપણે જેવી ભાવના કરીએ છીએ તેવાજ બનીએ છીએ. આ ભાવનાના રહસ્યને જે જાણે છે તેવો પ્રણય સાધક કાયરતાની ભાવના કેમ કરે ? કાયરતાને સ્થાન કેમ આપે ? આમ વિચાર કરી કૃતિ પરાયણ થતાંજ વીરતા પ્રગટ થઈ જશે. વીરતાની ભાવનાનાં અનેક ઝરણા હૃદય કંદરામાંથી પ્રગટ થઈ જશે. તારી પ્રણય સાધનામાં તું અસફલ થા છતાં તારા કર્તવ્યનો વિચાર કરી કૃતિ પરાયણ થઈશ ત્યારે “યેયથામામ્ પ્રપદ્યન્તે” પ્રતિજ્ઞા મુજબ પ્રભુજ તારા હૃદયમાં વીરતાની ભાવનાને પ્રગટ કરી દેશે, અથવા બલ પ્રદાન કરશે તેવો આપણા પ્યારા પ્રાણવલ્લભનો કહેવાનો આશય. વિ-ધૈ.ના શ્લોકનો જાણી લ્યો.
 
અહીં આ રહસ્ય વિચારવાનું છે કે શ્રી વાકપતિની વાણી સ્વતઃ સિદ્ધ છે. એટલે આપશ્રીએ ભગવદ્ પ્રાપ્તિ માટે જે જે સાધનો બતાવ્યાં છે તેમાં પોતાનું સામર્થ્ય ધરેલું છે. જેવું આપના સ્વરૂપનું સામર્થ્ય છે તેવુંજ આપની વાણીમાં રહેલું છે. આપે જતાવેલ સાધનામાં સતત કર્તવ્ય નિષ્ઠ છતાં સ્વરૂપાનંદનો અનુભવ નિશ્ચય થાય છે જ. કારણ, આપે પ્રથમ વિચાર્યું હોય છે કે આ સાધન કરાવીને હું સ્વરૂપાનંદનું દાન કરીશ. આથી આ અનુગ્રહાત્મક પુષ્ટિ માર્ગમાં સર્વ સાધનો સફલજ પ્રગટ કર્યાં છે. અથવા સાધન અને ફલની અભેદતા માની છે. આપની વાણી સત્યપ્રતિજ્ઞ છે. અને તેમાં પોતાનું સ્વરૂપાત્મક સામર્થ્ય ધરેલું છે. તેથી આપ પોતેજ સાધન રૂપ થઈ ફલનો અનુભવ કરાવે છે.
 
આ વિષયને અનુરૂપ એક કવિની સુકિત નીચે મુજબ –
 
ગમનો પ્રસંગ હો કે
ખુશીનો પ્રસંગ હો ।
કોઈને સમાધી કે
પ્રિયાનો ઉછંગ હો ।।
કર્તવ્યમય જીવને વળી
સ્થળ અને કાળ શું ?।
હસતાં રહે છે ફુલ
ગમે તેવો રંગ હો ।।
 
આજ જન્મે પ્રિયતમને શાશ્વત ગાઢ આલિંગન કરવું છે તેવો નિશ્ચય કરીને જે સાધનામાં તત્પર થઈ જાય છે તે પ્રતિબંધોના પહાડને સહેલાઈથી ઓળંગી જાય છે.
 
પ્રણય પથના સાધકનો એક અનુભૂત વિષય મને પ્રાપ્ત થયો છે જે ચાલુ પ્રસંગમાં ઉપયોગી-સહકારી હોવાથી અહીં જણાવું છું :
 
લાંબી સફર :- માણસ કાલ્પનીક મુશ્કેલીઓથી ડરી ડરીને જીવનનો પંથ કાપે છે. એટલે જીવનના કર્તવ્યનો ખ્યાલ તેને આવતો નથી. ખોટી કલ્પના, ચક્રાવા ખાતી બુદ્ધિ, અધીરતા, અસ્થીરતા અંતરાય રૂપ બને. અને તેથી સાધક ના-હિમ્મત બની જાય. પરંતુ જેણે એક સરખું પ્રકાશવાળુ કર્તવ્ય જોયું હોય તે માણસ કલ્પનાથી વરેલી મુશ્કેલીઓના દર્શન કરીને કદીયે પાછો હઠતો નથી.
 
શુદ્ધ અને પવિત્ર કાર્યો મનુષ્યને નવીન શક્તિ આપે છે. જુની પ્રાકૃત પ્રકૃતિ-સ્વભાવ ફેરવીને નવી અપ્રાકૃત અલૌકિક-દિવ્ય પ્રભુ સંબંધી પ્રકૃતિને ઉપજાવવા જતાં દરેક સાધકને જબરૂં આત્મ મંથન અનુભવવું પડે છે. આવા આંતર તોફાનોને તરી જવા માટે કવિ કહે છે કે જેણે ખરેખર કર્તવ્ય દીઠું હોય, અથવા કર્તવ્યનો નિશ્ચય કરી સાધનામાં તત્પર થયા હોય તેને કોઈ મુશ્કેલીઓ નડતી નથી. અને મુશ્કેલીઓ આવે તો તેથી તે પોતાના ધ્યેયને સિદ્ધ કરવામાં પાછો હઠતો નથી ।”
 
આપણું કર્તવ્ય દિવ્ય તત્સુખી પ્રેમને પ્રાપ્ત કરી પ્રિયતમને સુખદ બનવાનું છે. “શુદ્ધ અને પવિત્ર કાર્ય” દિવ્ય પ્રેમને મેળવવા સાધનો કરવાં તેજ છે. આવી ભાવનાથી કર્તવ્ય પરાયણ થતાં નૂતન દિવ્ય શક્તિઓ આત્માના અખુટ ખજાનામાંથી પ્રાપ્ત થતીજ રહે છે.
 
પ્રેમ રસાયન પાનથી,
પ્રગટી શક્તિ અપાર ।
કામ ક્રોધ મદ લોભ અરી,
ભાગ્યા સરહદ પાર ।।
 
પ્રિય પ્રભુ માટેજ પ્રભુમાં પ્રેમ રાખીને, અથવા પ્રિયને સુખરૂપ થવા માટે જ જે પ્રણય સાધક સાધના કરી રહેલ છે તેને દિવ્ય શક્તિઓ પોતાના આત્મામાંથી જે પ્રાપ્ત થતી રહે છે. પ્રિય પ્રભુના સ્વરૂપમાં અનંત શક્તિઓ છે, અને તે પણ અચિન્ત્ય છે. અચિન્ત્ય એટલે જેના અદભૂત સામર્થ્યની કલ્પના જીવની બુદ્ધિમાં આવી ન શકે, સમજી ન શકાય. જેમકે પ્રભુની યોગમાયા શક્તિ એક ક્ષણમાં કોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરે છે. આવી અનંત શક્તિઓને આપણા પ્રિય વલ્લભે પોતાના સ્વરૂપમાં ધારણ કરી રાખી છે. તેથી શ્રી સર્વોત્તમજીમાં આપનું “સર્વશક્તિધૃક્” એવું નામ છે. આ સર્વ શક્તિઓ દિવ્ય પ્રેમ રૂપ જ છે. તત્સુખી પ્રણય સાધક આ શક્તિઓને મેળવી લે છે. આવો સાધક કદી ના – હિમ્મત કેમ બને ? શુદ્ધ અને પવિત્ર કાર્યો તેને જ કહેવાય કે જેમાં આપણા સુખ-સ્વારથની ગંધ માત્ર પણ ન હોય. સ્વાર્થ નિર્બળતા લાવે છે. સ્વાર્થી જીવને આત્મબલ પ્રાપ્ત થતું નથી. પોતાના સુખની ઇચ્છેલી વસ્તુ નહી મળવાથી આવા સાધકને શોક થાય છે. અને તેથી સાધનામાં ઉત્સાહ રહિત બને છે. તેથીજ કહ્યું છે કે સાપેક્ષિતમ સમર્થો ભવતિ પ્રિયથી સ્વસુખનો સ્વારથ રાખનાર પ્રણય સાધક અસમર્થ બને છે, જ્યારે તત્ સુખી નિરપેક્ષ સાધક પોતાની સાધનાની અસફલતામાં કદીયે ના હિમ્મત બનતો નથી નિષ્કામ સ્નેહથીજ પ્રભુની પ્રસન્નતા થાય છે. ત્યારે પ્રિય પ્રભુની પ્રાપ્તિમાં આવરણભૂત માયા હટી જાય છે. એટલું જ નહીં પ્રિયતમ વશીભૂત થઈ જાય છે. તેથી પ્રણય સાધકોએ નિરપેક્ષ તત્સુખી પ્રેમ ભાવનું બીજ પોતાની હૃદય ભૂમિમાં બોઈને સાધના જોઈએ તો સાધનાની સફલતામાં સંદેહજ નથી. આવો તત્સુખી સાધક પ્રિયતમ પ્રભુની પ્રશન્નતા તો પ્રાપ્ત કરેજ છે પરન્તુ લીલા લોકના શ્રી સ્વામિનીજીઓની પણ પ્રસન્નતા પ્રાપ્ત કરી લે છે. શ્રીસ્વામિનીજીઓની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ બહુ મહત્વનો વિષય છે.
 
જેનામાં સ્નેહનો ગર્વ નથી તેને સ્નેહનો શોક પણ હોતો નથી. એટલે સ્નેહના ગર્વથી પ્રિયની અપ્રસન્નતા થાય છે, અને પ્રિયની અપ્રસન્નતાથી દિવ્ય શક્તિઓને પ્રાપ્ત કરી શકાતી નથી. આ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત નહી થવાથી સાધના સફલ બનતી નથી તેથી સાધકને શોક થાય છે. આથી એ જાણવાનું છે કે ગમે તેવી ઉંચી કક્ષા પ્રણય સાધનામાં બનતી જતી હોય છતાં પ્રિયને હું હજુ સુખરૂપ નથી તેવો તત્સુખનો તાપકલેશ જેના હૃદયમાં જાગરૂત રહે ત્યાં ગર્વને આવકાશ કેમ રહે ? આવા સાધકમાં પ્રચંડ આફતોને સહન કરવાની શક્તિ હોય છે. પોતાની ચિન્તાનો બોજ પ્રિય ઉપર જ રખાય. પ્રિય પાસે કંઈ યાચના સ્વસુખની ન થાય. ઉચ્ચ કોટિના પ્રેમીઓમાં આવાં લક્ષણો હોય છે. આવા ઉચ્ચ કોટિના-તત્સુખી પ્રેમી ભક્તોનો સંગ મળવો બહુજ દુર્લભ છે. અને જો મલ્યો તો જાણો કે અનેક જન્મોથી પ્રિય મિલનનું દ્વાર બંધ હતું તે ખુલી ગયું. મહત ભાગ્યે આવો સંગ પ્રાપ્ત થાય છે. શિ.પ.માં શ્રી હરિરાય પ્રભુએ શ્રીવલ્લભના જનના સંગની જે અપેક્ષા દર્શાવી છે તે આવા ઉચ્ચ કોટિના તત્સુખી પ્રેમી ભક્ત છે. આવા પ્રેમી ભક્તોનો મહિમા રામદાસજીએ એક પદમાં વર્ણવ્યો છે –
 
શ્રી વલ્લભ જનકી યહ પહેચાન ।
મિલત હરત દુઃખ જનમ જનમકે
સહજ પરીયહબાન ।।1।।
અપનેસો કરલેત છિનકમેં
હૃદય ભરે રસખાન ।
“રામદાસ” શ્રીવલ્લભ કૃપાતે
દેત અભય પદ દાન ।।2।।
 
ઇન્દ્રયાગભંગથી કોપાયમાન થયેલા ઈન્દ્રે વ્રજને ડૂબાવી દે તેવી પ્રલયકારી જલની વર્ષા કરવા માંડી. આથી વ્રજસ્થ ભક્તો ત્રાસી ગયા, પોતાના રક્ષણ માટે પ્રિય પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. આ પ્રસંગની શ્રીસુબોધિનીજીમાં, તત્સુખ સાગર શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે વ્રજભક્તોએ સ્નેહનો માર્ગ ત્યાગ કર્યો, સ્નેહ માર્ગના સિદ્ધાંતથી ચ્યુત થઈ ગયા. કેમકે સ્નેહ માર્ગમાંતો પોતાનું ચાહે તેમ થાય, પ્રિયને શ્રમ ન અપાય. વળી પ્રિય તો સાત વરસના કુમાર છે તેમનું રક્ષણ વ્રજભક્તોએ કરવું જોઈતું હતું તેના બદલે પોતાના રક્ષણની પ્રાર્થના કરી, તેથી સ્નેહ માર્ગથી ચ્યુત થઈ ગયા. જોકે વ્રજભક્તોએ રક્ષણની પ્રાર્થના એટલા માટે કરી છે કે અમારા પ્રાણ નહી રહે તો અમે આપની રસરૂપ સેવા કરી નહી શકીયે, માટે અમારું રક્ષણ કરો. વ્રજ ભક્તોનો આવો ભાવ હોવા છતાં શ્રીવલ્લભ તો અહીં સ્નેહના સર્વોત્કૃષ્ટ સિદ્ધાંતને પ્રગટ કરી રહ્યા છે કે, ગમે તેવી આપત્તિમાં પણ પ્રિયને શ્રમ આપવાની ભાવના ઉત્કૃષ્ટ સ્નેહમાં ખામી લાવી દે છે. ઉચ્ચ કોટિના સ્નેહીઓમાં કદીયે પ્રિયને શ્રમ થાય તેવી ભાવના ઉત્પન્નજ થઈ શકતી નથી. આવા ઉત્કૃષ્ટ સ્નેહ સિદ્ધાંતને સમજાવવા માટે વ્રજભક્તોને આપે “ટોક” કરી છે કે વ્રજભક્તોએ સ્નેહના માર્ગનો ત્યાગ કર્યો સ્નેહના આવા ઉત્કૃષ્ટ સિદ્ધાંતથી વિવેક ધૈર્યાશ્રયમાં પ્રાર્થના નહી કરવાની આજ્ઞા કરી છે.
 
દિવ્ય પ્રેમ એ પ્રભુનો પણ આત્મા છે. કઠીન માનીને ના હિમ્મત બની જાય તેને આ દિવ્ય પ્રેમ પ્રાપ્ત થતો નથી. દિવ્ય પ્રેમના અચિન્ત્ય મહત્વને સમજી લીધા પછી પ્રણય સાધક તેના એક બિન્દુ માટે ફકીરી લઈને કેવી કઠીન સાધના કરી રહેલ છે તેનું ઉદાહરણ ચાતક છે.
 
સબતે મનજુ નિકાસીકે
લીયો અનન્ય વ્રત એક ।
પ્રાણ જાઓ, પ્રણ ન જાઓ
યહ ચાતક કી ટેક ।।
ઝુર ઝુર કે પીંજર ભયે,
ગીરન લગી તન પાંખ ।
ચાતક નવઘન બુંદકી,
નહીં છાંડત અભિલાષ ।।
 
એક બિન્દુ દિવ્ય પ્રેમની પ્રાપ્તિની અભિલાષામાંજ સર્વ ત્યાગ પૂર્વક ચાતક પોતાના જીવનની આહૂતિ આપી રહેલ છે. નહી કે દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરીને દિવ્ય પ્રેમમાં અપાર શક્તિ હોવાથી તેને પ્રાપ્ત કરીને તો સર્વત્યાગ સહજ જ થઈ શકે, પરન્તુ તેની પ્રાપ્તિ વિના અથવા તે દિવ્ય પ્રેમના એક બિન્દુને પ્રાપ્ત કરવા માટેજ જે ત્યાગ કરવો પડે છે તે અતિ દુસહ છે આ પ્રેમની એક બિન્દુનો પ્રભાવ કેવો છે તે એક પ્રણય સાધકના શબ્દોમાં જોઈએ :
 
તૃણ સમ સબ વ્હે જાહી.
પ્રભુતા સુખ ત્રિલોકકે ।
યહ આવે મન માંહી,
રંચક ઉપજે પ્રેમ જબ ।।
પ્રેમ પ્રગટ જબ હોય હે,
ભૂલે જગતકો ભાન ।
તુ તુ તુ રહી જાય હે,
હું કો મીટે નિશાન ।।

“ઝુરી ઝુરી કે પીંજર ભયે ।” એક બિન્દુની અભિલાષામાંજ અને વિરહની કઠીન વેદનામાં શરીર હાડપીંજરવત બની ગયું છતાં પ્રણય-વીર ચાતક, પોતાની સાધનાથી વિચલીત કે ના-હિમ્મત બનતો નથી. પ્રણય માર્ગમાં ચાતકની સાધના ઉચ્ચ કોટીની મનાય છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.