પ્રશ્નોત્તર
spacer
spacer

લેખક : ‘મધુકર’

[ગતાંકથી ચાલુ]
“પ્રભુ એક બાજુ કૃપા વિચારે છે જ્યારે બીજી તરફ ાવા ઇન્દ્રિયજનિત સુખો-આનંદો તરફ મનને ચંચલ બનાવી ગતિમાન કરે છે. આ લીલા વૈચિત્ર્યથી ચોક્કસ હૃદયમાં દૈન્ય જન્મે છે. અને પ્રભુ જો આમાંથી બચાવે તોજ બચી શકાય એવી નિઃસાધનતાનો ભાવ ઉદભવે છે.”
 
આ કથનના સંદર્ભમાં-આપણને બ્રહ્મસંબંધ થયું. તેજ સમયે પ્રભુએ પોતાની કૃપા શક્તિનું સ્થાપન આપણા હૃદયમાં કરેલું છે અને આ કૃપા શક્તિ સેવા સ્મરણાદિથી પ્રભુ સન્મુખ રાખવા પ્રેરણા કરતીજ રહે છે. પરન્તુ અનેક જન્મોની એકઠી થયેલી વાસનાનો ઉદગમ થતો રહેવાથી પ્રભુથી વિમુખ કરે છે. મહાભારતમાં કૌરવ પાંડવનો સંગ્રામ ઐતિહાસિક દ્રષ્ટિથી કહેવાયો છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ દૈવી જીવની હૃદય ભૂમિમાં દૈવી અને આસુરી ભાવોનો (સાધન દશામાં) સંગ્રામ ખેલાતો હોય છે. તેનું રૂપક આ પ્રમાણે છે કે-દૈવી જીવ અર્જુનના સ્થાને છે અને દેહ રથ છે. જેમ અર્જુન રથમાં બેઠેલ છે તેમ દૈવી જીવાત્મા દેહની ભીતર હૃદયમાં રહે છે. ઇન્દ્રિયો અશ્વો છે. અર્જુનના સારથી પ્રભુ બન્યા છે. તેમ આપણી બુદ્ધિમાં અલૌકિક ભાવોની પ્રેરણા પ્રભુ કરે છે. અર્જુને આ ઘોર-ભિષણ સંગ્રામમાં ઘણી વખત નિરાશા પણ અનુભવી, પણ પ્રભુ નિક્ટ રહી તેને બલ પ્રદાન કરતા રહ્યા છે. તેમ આપણી પ્રણય સાધનમાં નિરાશા ઉત્પન્ન થતાં પુનઃ પુનઃ પ્રભુ અંતરયામી રૂપથી પ્રેરણાનું બલ આપતાજ રહે છે. (આ મારો અનુભૂત વિષય છે) પ્રભુ જ્યારે ઉપરોક્ત પ્રકારે આપણા દૈવી જીવનને પુરુષાર્થના શિખરે પહોંચાડવા પ્રેરક (સારથી) બન્યા છે. તો આપણે એમ કહી શકતા નથી કે “પ્રભુ એક તરફ કૃપા વિચારે છે જ્યારે બીજી તરફ ઇન્દ્રિય જનિત સુખો તરફ મનને ચંચલ બનાવી ગતિમાન કરે છે.” પ્રભુની અહેતુકી કૃપાને જો આપણે ન વિચારીયે તો કૃતઘ્નતાનો દોષ થાય છે. આપણો અંગીકાર કર્યો ત્યારથીજ આપની કૃપા શક્તિ આપણને પ્રભુ સન્મુખ રાખવા સેવા સ્મરણાદિ સાધનોની પ્રેરણા કરતીજ રહે છે. પરન્તુ અનેક જન્મોથી વાસના આપણને વિમુખ કરવા જોર કરી રહી છે તેમજ માનવુ યોગ્ય છે.
 
હવે બીજો પ્રકાર : કૃપા શક્તિની પ્રેરણાથી ભગવદ્ સન્મુખ રહેવાથી આપણે ભગવદ્ માર્ગમા આગળ વધીયે તેમાં અભિમાન (મારા સાધન બળથી આ પ્રાપ્ત કર્યું છે તે) ન થાય તે માટે મનને ચંચલ કરી પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. જેમકે રાણાવ્યાસને વિદ્યાનું ગૌરવ તેમજ ઇન્દ્રિયજીતનું અભિમાન હતું તે દૂર કરવા પ્રભુએ તેમને એક માવતની સ્ત્રીમાં સ્નેહ કરાવ્યો. આ કાર્ય અન્યાયનું જાણી હાકીમે તેમને પકડવા માણસને મોકલ્યા. તે સમયે રાણા વ્યાસના મિત્ર જગન્નાથ જોષીએ રાણા વ્યાસને બીજે સ્થળે મોકલી દીધા. આ કાર્યથી રાણા વ્યાસનું અભિમાન દૂર થયું. પ્રભુએ પ્રતિબંધ ઉભો કરી અભિમાન દૂર કરી, ઉંચી કક્ષાએ ચઢાવ્યા. અભિમાન ઉંચે ચઢવામાં અવરોધ કરે છે, તેથી કોઈપણ કારણ ઉત્પન્ન કરી નિજજનોના અભિમાનને દયાળુ પ્રભુ દૂર કરતાજ રહે છે. અથવા અભિમાનથી પ્રભુનો આશ્રય છુટી જાય છે. ત્યારે ઉંચે ચઢવાનું સામર્થ્ય રહી શકતું નથી. કારણ કે ભગવદ આશ્રયથીજ ભગવાનનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. ત્યારેજ ઉંચી કક્ષાએ ચઢવા જીવ પ્રયત્ન કરે છે. ।। હરિ ભક્તનકું ગર્વ ન કરનો ।। યહ અપરાધ પરમ પદ હુતે, ઉતર નરકમેં પરનો ।।1।।
 
ત્રીજો પ્રકાર – આપણી પરીક્ષા કરવા માટે પણ પ્રભુ પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. કે જીવને મારી પ્રાપ્તિની ચાહના કેટલી છે ? કાલિયનાગના દમનમાં પ્રભુએ વ્રજસ્થ ભક્તોના સ્નેહની પરીક્ષા કરી છે.
ચોથો પ્રકાર – પ્રભુ પ્રાપ્તિ કરવી એજ જેના જીવનનું ધ્યેય છે તેવા પ્રણય સાધકને જેમ જેમ પ્રતિબંધો ઉત્પન્ન થાય છે તેમ તેમ પ્રભુ તરફની આસકિત વધતીજ જાય છે અને પ્રભુ પ્રાપ્તિ માટે વિશેષ દ્રઢ બની સાધનમાં તત્પર રહે છે. જેમ જેમ વીર પુરુષને બાણના પ્રહારો લાગતા જાય છે તેમ તેમ તેને શૂરાતન વધતું જતું હોય છે.
 
સન્મુખ માંડે મોરચો, ધરી બરછી હથીયાર ।
પ્રેમી ‘પ્રણ’ છાંડે નહીં, શીર દેવા તૈયાર ।।
 
ભગવાન પ્રતિબંધો એટલા માટે ઉત્પન્ન કરે છે કે આપણે પ્રિય પ્રાપ્તિની સાધનામાં અલૌકિક – અલ્પ આનંદમાં શીથીલ ન બનીયે. વ્રજસ્થ ભક્તોમાં જ્યારે જ્યારે શીથીલતા થતી ત્યારે ત્યારે પ્રભુ પુતના, સકટાસુર, તૃણાવર્ત, આદિ અસુરોનું મિષ કરી વ્રજસ્થ ભક્તોને સન્મુખ રાખવા જાગૃતિ આપતાજ રહેતા. આમ અનેક પ્રકારે અંગીકૃત જનના હિતનીજ કૃતિમાં જાગરૂક પ્રિય પ્રભુને આપણે ઉવાલજી કેમ આપી શકીયે ? પ્રભુ અંગીકૃત જનોના ઉધ્ધારની ચિન્તાથી વ્યાપ્ત રહે છે. તેમ શ્રી હરિરાય પ્રભુએ શિ. છઠ્ઠામાં જણાવેલ છે. આપણા પ્યારા પ્રાણવલ્લભનું નામ “દૈવોદ્ધારપ્રયત્નામા” છે-તેનો અર્થ નિજજનોના ઉદ્ધારમાં સદૈવ આપ પ્રયત્નશીલ જ રહે શ્રી સર્વોત્તમજીના 108 નામ નિત્યલીલાના સંબંધવાળા છે, અને જે જે નામની જેવી લીલા છે, તે લીલા પણ નિરંતર અખંડ થઈ રહી છે. આપના નામ નિત્ય હોવાથી દૈવી જીવોના ઉદ્ધારની કાર્યમાં સદૈવ પ્રયત્ન શીલજ રહે છે. સેવસ્મરણ, ગુણગાન, ધ્યાન, ગ્રંથાવલોકન આદિમાં આપ પ્રેરક બની ભાવની વૃદ્ધિ કરી વિદ્યમાન પણ દૈવી જીવોના ઉદ્ધારમાં પ્રયત્નશીલ છે. આવા મહાકારૂણિક સ્વામિની ઉપકૃતિનુ વિસ્મરણ કેમ કરાય ?
 
પ્રભુ પ્રાપ્તિ કરવી એજ જેના જીવનનુ ધ્યેય છે, તેમાં પ્રતિબંધો ઉત્પન્ન થવાથી નિઃસાધનતા, દીનભાવ, પ્રક્ટ થાય છે. આ દીન-ભાવ સમસ્ત દોષ સમૂહનો શત્રુ છે એટલે કે સમસ્ત દોષોનો નાશ કરનાર આ દીન-ભાવ છે. (અંતઃગૃહગતા ગોપીજનોમાં આ પ્રકાર જણાવ્યો છે.) પ્રભુ દીન જનોની  ક્યારેય ઉપેક્ષા કરતા નથી. દીન ભાવ પ્રભુને પ્રગટ કરી દેવાનું અમોઘ સાધન છે. સહજ સ્નેહ સાધન નહીં, કરૂણાહીકી બાત મહોદાર પ્રાણેશ જુ, દીન દેખી ઢરી જાત દીન ભાવ વશ હોત હે, સો મોમેં નહીં નેક સબહી રાવરે બિરદકી, નાથ નિભાવે ટેક ।
 
જેનું જીવન કેવળ પ્રભુ છે અને પ્રભુ જ્યારે પ્રાપ્ત થતા નથી ત્યારે તેવા પ્રણય સાધકમાં “દીનભાવ” (દૈન્ય) પ્રગટ થાય છે. આવા દીનજન તરફ પ્રભુની ઢરન થાય છે. અથવા પ્રભુ પ્રગટ થઈ જાય છે. તેનું કારણ આપની કરૂણાશક્તિ આપને પણ પરવશ બનાવી દે છે. આવો દીનભાવ ઉત્પન્ન કરવા માટે પ્રતિબંધો થતા હોય છે.
 
દીનભાવનું વાસ્તવિક સ્વરૂપ સમજવાની આવશ્યકતા છે. પ્રભુ પ્રાપ્તિના સાધન સેવા સ્મરણાદિ થતાંજ રહે છતાં સાક્ષાત્ સ્વરૂપનો અનુભવ ન થાય ત્યારે પ્રચૂર આર્તિ રહી આવે, અને તેથી જે દીનભાવ પ્રગટ થાય તે દીનભાવનું વાસ્તવિક સ્વરૂપ છે. જેમ શ્રી વ્રજવલ્લભાઓના માન – મદથી પ્રિયતમ અંતર્હિત થયા પછી પ્રિયતમના સાક્ષાત્ મિલન માટે પ્રચૂર આર્તિપૂર્વક તેઓ ગુણગાન કરી રહ્યાં છે, તેવા સમયે તેમને જે દીનભાવ પ્રગટ થયો તે દીનભાવનું વાસ્તવિક સ્વરૂપ છે. આવો દીનભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રિય પ્રભુ હૃદયમાં અને હૃદયમાંથી બહાર પ્રગટ થઈ જતાં સમસ્ત પ્રતિબંધો નિવૃત્ત થઈ જાય છે, અને ત્રિવિધ માયાનું બંધન કાપીને પ્રભુ નિત્યલીલામાં પ્રવેશ કરાવે છે.
 
પ્રભુની અપ્રાપ્તિથી ઉત્પન્ન થતો દીનભાવ લૌકિક જીવોની સમાન ‘રાંકડાપણું’ જતાવનારો નથી. પરન્તુ અચિન્ત્ય-અનંત શક્તિવાળા અને અજીત એવા પ્રભુને પરવશ બનાવે તેવો આ દીનભાવ છે. તેથીજ આપ “દીનબંધુ” કહેવાય છે. “બંધુ” એટલે બંધાઈને રહેનાર. આવો દીનભાવ જે શૂર હોય છે તેજ પ્રાપ્ત કરી શકે છે. અથવા વિરહના અનુભવથી દીનભાવ પ્રાપ્ત થાય છે, અને વિરહની અસહ્ય વેદના સહન કરવી તે શૂરાનું જ કાર્ય છે. એટલે દીનભાવ એ વૈવિક જેવું ‘રાંકડાપણું’ નથી પણ શૂરપણું છે. શ્રી યમુનાષ્ટકમાં “સુરાસુરસુપુજીત” એ પંક્તિમાં દીનભાવવાળાને “શૂર” કહ્યા છે.
 
“પ્રભુની લીલા વૈચિત્ર્યતાની અકળતા મને તો કોક વખત ખરેખર અકળાવી મૂકે છે. “મૂનિ હસે હેર હેર, હરિ હસે હર હર” આ ઇન્દ્રમાન ભંગના કીર્તનાનુસાર “તેને મન તો રમત હશે, પણ મને તો મુંઝવણ ઉભી થાય છે.”
 
તમારા ઉપરોક્ત કથનનું સમાધાન એ છે કે પુષ્ટિ સૃષ્ટિ પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે અને તેથી પોતાના અંગમાં જેમ મનુષ્યને મમત્વ હોય તેમ પોતાના અંગરૂપ પુષ્ટિજીવોમાં પ્રભુને ગાઢ મમત્વ રહેલું છે. આવા મમત્વથી પ્રભુ જે જે કરતા હશે તે આપણા હિત માટેજ હોય છે. આપણી અજ્ઞાનતાને કારણે પ્રભુના આવા ગૂઢ મમત્વને પહેચાની શકતા નથી. તેથીજ “તેને મન તો રમત હશે”, તેવા ઉપાલંભના શબ્દો કથાય છે પ્રિયને આવો ઉપાલંભ દેવાનો અધિકાર આપણા જેવા જીવોનો નથી. કારણ કે આપણું જીવન સંપૂર્ણ પ્રભુને અર્પીત થયું નથી. પ્રભુ પ્રાણરૂપ બન્યા નથી. પ્રભુના સુખનાજ મનોરથો થતા નથી. આવી સ્થિતિમાં ઉપાલંભ કેમ આપી શકાય ? ઉપાલંભ દેવાનો અધિકાર તો વ્રજ ભક્તોનો છે. તેમણે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું છે. પ્રભુ માટેજ જીવન નીભાવે છે. પ્રીયને સુખરૂપ થવાના જ મનોરથો કરે છે.
 
ત્વયિ ધૃતાસવ હે પ્રિય ! આપની સ્વરૂપ સેવા કરવાની આશાએજ અમોએ પ્રાણ ધારણ કરી રાખ્યાં છે. આમ શ્રીવ્રજપ્રિયાઓનું જીવન પ્રિયને સુખ આપવા માટે જ છે. અને પ્રિય મળતા નથી તેથી ઉપાલંભ આપે છે. આવા ઉપાલંભના શબ્દોમાં પણ રસ જ ભરેલો હોય છે. કારણ કે તેમના દિવ્ય શરીરો “રસાકાર” જ બનેલા છે. આપણી આવી સ્થિતિ નથી તેથી આપણે ઉપાલંભ ન આપી શકીએ પરંતુ લીલા વૈચિત્ર્યમાં એ પ્રિયની કરૂણાનાં જ દર્શન કરવા યોગ્ય છે. પુષ્ટિ પ્રભુના કરૂણાળુ સ્વભાવની પહેચાન શ્રી સૂરદાસજીએ નીચેના પદમાં કરાવેલી છે.
 
દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ ।
અતિ ગંભીર ઉદાર ઉદધિ પ્રભુ,
જાન શિરોમણિ રાવ ।।1।।
દાસ અપરાધ જાન સિંન્ધુસમ,
બુંદ ન એકો માન ।
રાઈ જીતના સેવાકો ફલ,
માનત મેરૂ સમાન ।।2।।

વિરહી જનોના સિન્ધુ સમાન અપરાધને એક બિન્દુ સમાન પણ માનતા નથી. અને રાઈના દાણા જેટલી હાર્દિક અને તત્સુખવાળી સેવાને મેરૂ સમાન માની લે છે. વળી વિરહ દુઃખથી દીન બનેલા જનનું રક્ષણ કરવા પાછળ પાછળ ડોલી રહ્યા છે એવા મહા કારૂણિક પ્રીયતમને હે જીવ તું “પીઠ ન દઈશ” પીઠ ન દઈશ એટલે વીરહ દુઃખથી કાયર બનીને સાધનશીથીલ ન કરીશ. અથવા આવા કરૂણાળુ પ્રભુને ઉપાલંભ અપાવની ધૃષ્ટતા ન કરીશ. “પાછળ પાછળ ડોલે છે,” તેનો અર્થ – પરમ પુરુષાર્થ રૂપ વિરહભાવનું રક્ષણ અને વિરહ ભાવની વૃદ્ધ માટે હૃદયમાં રહી પ્રેરણા કર્યાજ કરવી, તેથી પાછળ પાછળ ડોલવાનું કહ્યું છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.