‘મધુકર’
spacer
spacer

પ્રશ્નોત્તર -

(6) “બે વિરુદ્ધ પાટે ગાડી ચાલેજ કેમ ? હૃદયમાંથી “કામ” શત્રુ ન જાય ત્યાં સુધી- ઇંન્દ્રિયો જનિતસુખ ભોગની લાલસા-જીજ્ઞાસા-ઇચ્છા ન જાય ત્યાં સુધી-પ્રભુ સ્મરણ કે ચિંતનની અખંડિતતા જળવાય કેમ ?” આ તમારું કથન તમારા મનને (કામના પિતાને) ઉપદેશ કરવા માટેજ પ્રિયતમે પ્રેરણા કરી સમજાવ્યું છે. “ભાવ સાધક બાધક” નામનો શ્રી હરિરાય પ્રભુનો એક ગ્રંથ “શ્રી હરિરાય વાંગમુક્તાવલી”ના પહેલા ભાગમાં છે. તેમાં અન્તીમ આપ આજ્ઞા કરે છે કે હે જીવ ! તું પોતેજ કહે કે જો મનથી વૈરાગ્ય અને પ્રભુમાં ચિત્તનો પ્રવેશ ન થાય તો પછી પ્રિય પ્રભુમાં દ્રઢ ભાવ શી રીતે સ્થિર રહી શકે ? અહીં શ્રી હરિરાય પ્રભુ જીવના પોતાના કર્તવ્યનો બોધ કરી રહ્યા છે. પોતાનું કર્તવ્ય જીવ ન કરે તો પ્રભુ પ્રાપ્તિ કેમ થાય ? પોતાના કર્તવ્યને કૃતિમાં નહી મુકવું અને પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર મુકવો આવી સમજ સ્વભાવથી દુષ્ટ થયેલા મનમાં રહેલી હોય છે. આવા દુષ્ટ મનનો પક્ષ કરવાથી સ્નેહમાર્ગથી ચ્યુત થઈ જવાય છે.
 
ઘણા જન્મોની પ્રાકૃત વાસનાઓના ભોગથી પુષ્ટ થયેલું મન દુષ્ટ સ્વભાવી બનેલું હોય છે. તેને વિષયમાં પ્રીતિ છે. પ્રભુમાં પ્રીતિ થતી નથી. આવા મનને પોતાનો શત્રુ જાણી તેનો પક્ષ નહીં કરતાં, બલાત્ વિષયોમાંથી ખેંચીને પ્રભુ સન્મુખ વારંવાર કરતા રહેવું. ‘મન તેં બહુવિધ પોલ ચલાઈ.’ જીવ જ્યારે જાગૃત થઈ જાય છે ત્યારે મનની કપટ ભરેલી ચાલને સમજી લે છે કે તેને પ્રભુ ગમતા નથી, પણ વિષયમાં રાચવું છે. જીવ જાગૃત ક્યારે થાય છે ! એક કમરામાં ગાઢ નીદ્રામાં મનુષ્ય સુતેલો છે, તે કમરામાં આગ લાગી. આ આગની જ્વાલાનો તાપ લાગતાંજ ગાઢ નીદ્રામાં સુતેલો જીવ પણ જાગૃત થઈ જાય છે. તેમ જ્યારે પ્રિયતમની પ્રાપ્તિની વિરહાગ્નિ હરદમ હૃદયમાં જલતી રહે છે ત્યારે અવિદ્યા રૂપ ગાઢ નીદ્રામાં સુતેલો દૈવી જીવ જાગૃત થઈ જાય છે. (સાક્ષાત્ ધર્મી સ્વરૂપ સિવાય અન્ય અલ્પ (ધર્મ સમૂહના) આનંદોમાં ડૂબ્યા રહેવું તેને પણ ગાઢ નીદ્રા સમજી લેવી.)
 
મન લોભી મન લાલચી
મન કપટી મન ચોર ।
મનકે મતે ન ચાલીયે
હોત હે ક્ષણ ક્ષણ ઓર ।।
 
મહાનુભાવ ભગવદીયો જીવ ઉપર દયા વિચારીને મનની દુષ્ટતાને ઓળખાવી રહ્યા છે. તેને ઓળખીને કર્તવ્યનો જ વિચાર કરવામાં આવે ત્યારે એમ ઉપાલંભ આપવાનો રહેતો નથી કે ભગવાનને મન તો રમત હશે.
 
(7) “પ્રભુ અને તમારી જેવા ભગવદીયો કંઈક કૃપા વિચારે તો આ માનસીક રોગ દૂર થઈ શકે” । આ તમારી અપેક્ષા કૃત કથનના જવાબમાં-શ્રી હરિરાય વાંગમુક્તાવલીના પ્રથમ ખંડમાં “કાર્પણ્યોક્તિ” નામનો ગ્રંથ છે. તેમાં આપ આજ્ઞા કરે છે કે “હે નાથ ! આપની જે હમારી ઉપર કૃપા છે તે કૃપાને અમો ઓળખીયે તેવી કૃપા કરો” । આ આપના કથનથી પ્રભુની અને ભગવદીયોના દ્વાર ભૂત કૃપા તો થતીજ રહેતી હોય છે, પણ બહિર્મુખતાના કારણે અથવા અંતરમુખતાના અભાવે પ્રભુની અને ભગવદીયોના નિમિત્તે થતી કૃપાને પહેચાની શકાતી નથી. જેમ પાતળમાં ધરેલા પ્રસાદને પીઠ દઈને બેઠેલો પ્રસાદ માટે પોકારતો હોય છે, તેવીજ સ્થિતિ બહિર્મુખ સ્વભાવી મનની હોય છે. આ પણ મનની કપટ ભરેલી ચાલબાજી જ છે. તેથી આવા મનને ઓળખીને કર્તવ્ય ચ્યુત નહી થવું જોઈએ. કૃપાની યાચના કરવા કરતાં વર્તમાન થતી કૃપાને પહેચાનવી વધારે યોગ્ય ગણાય. “વિવેકધૈર્યાશ્રય”માં આપશ્રીએ પ્રભુને પ્રાર્થના નહી કરવી એમ જે આજ્ઞા કરી છે તેનું કારણ કપટ ભરેલા મનની તેવી પ્રાર્થનામાં પક્ષપાત થતો હોય છે. અથવા મન કર્તવ્ય પરાયણ થવા ચાહતું નથી. પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર રાખવા ચાહે છે. મનના આવા કાપટ્યને આપ જાણતા હોવાથી, પ્રાર્થના નહી કરતા કર્તવ્ય પરાયણ થવાનો ઉપદેશ આપ શ્રી વલ્લભ કરી રહ્યા છે.
 
ગોપી ગીતના ચોથા શ્લોકવાળા શ્રી ગોપીજન નિર્ગુણ છે. નિર્ગુણ ભક્તો મુખ્ય પ્રકારે તત્સુખીજ હોય છે. તે પ્રિયને પોતાની ભાવના નિવેદન કરે છે કે “હે પ્રેષ્ઠ ! (અત્યંત પ્રિય) આ બીજા ભક્તો જેમ આપને ઉપાલંભ આપે છે તેમ મારે આપને કંઈજ કહેવાનું નથી. આપના સુભગ સંગમનો તાપ કલેશ મારામાં હશે તો આપ પ્રક્ટ થઈ સ્વરૂપાનંદ દાન કરશોજ.” આ તત્સુખ – સુખી શ્રી ગોપીજન કૃપાની પણ યાચના કરતા નથી. પરંતુ પોતાના કર્તવ્યનોજ વિચાર કરે છે. તત્સુખ સાગર શ્રી વલ્લભને આવા તત્સુખી ભક્તો પ્રિય છે. અને આપશ્રીનો સિદ્ધાંત પણ તત્સુખતાજ છે. સ્વસુખની જેમાં ગંધ પણ નથી. અને પ્રિયને સુખરૂપ થવાની સ્થિતિને પ્રાપ્ત કરવા અસહ્ય વિરહ વ્યથાને જે સહન કરે છે તેવા “સ્વાર્થોજજીત” ભક્તો જ શ્રી વલ્લભને પ્રાણ સમાન પ્રિય છે.
 
આ ભૂતલ સ્થિતિમાં તનુજા-વિત્તજા સેવા ચાહે તેવા વૈભવોથી થતી હોય તો પણ નિત્ય લીલાસ્થ મહાન અલૌકિક પ્રિય પ્રભુના સ્વરૂપની, તત્સુખાત્મક સેવાની યોગ્યતા, આધિદૈવિક દેહને પ્રાપ્ત કર્યા વગર થઈ શકતી નથી. અને આધિદૈવિકતા વિરહાનુભવ વિના સિદ્ધ થતી નથી. શ્રી ગોપીજનોના નિરોધમાં પણ પ્રિય પ્રભુએ સંયોગ વિયોગ બન્ને અવસ્થાનો અનુભવ, બાલ લીલાથી પ્રારંભ કરીને મહારાસમાં પ્રવેશ કરાવ્યો ત્યાં સુધી કરાવતા જ રહ્યા છે. અને મહારાસ પછી પણ વિરહની પરમ ફલાત્મક અવસ્થામાંજ સ્થિત કર્યા છે.
 
(8) “તમારા પત્રમાં “ત્રિદુઃખ સહનં ધૈર્ય”માં શ્રી વલ્લભે ત્રણે પ્રકારના દુઃખોને મરણ પર્યંત સહન કરવાની આજ્ઞા કરી છે, તો આ ભૌતિક દુઃખ (કામરોગ) ને સહન કરતા જવું કે કોઈ દવા ઈલાજ કરવો ?” આ તમારા પ્રશ્નના જવાબમાં કામના આવેગને સહન કરવો, તેમાં પ્રવૃત્ત ન થવું. કામ સંકલ્પ રૂપે પ્રક્ટ થાય છે. જ્યારે કામના સંકલ્પો-વિચારો ઉત્પન્ન થાય ત્યારે ઠંડા જલની એક લોટી પી જવી. પછી શૈયામાં નિવેશ નહીં કરવો. એક આસન ઉપર બેસી જવું. અને એકાગ્ર ચિત્તથી પદોની લીલા ભાવનામાં, મનના સંકલ્પો જોડી દેવા. રાત્રિના સમયે એકાન્ત તો હોયજ. આ એકાન્તનો લીલા ચિંતનમાં ઉપયોગ કરવો. ભૌતિક કામના સંકલ્પો-વિચારોને અલૌકિક લીલા ભાવનામાં જોડી દેવાથી કામ-સંકલ્પોનો લય અલૌકિકમાં થઈ જાય છે.
 
બીજો પ્રકાર : ભૌતિક કામના સંકલ્પ ઉઠે ત્યારે આપણા આધિદૈવિક – સ્ત્રીભાવ સ્વરૂપનું ધ્યાન કરવું. આ અભ્યાસ વધતા, ભૌતિક કામ પીડા કરવા સમર્થ રહી શકતો નથી. “નિકુંજ વૈભવ દામોદરદાસ દેખિ ચાહત હે, સખિયનમેં ટહલ કરન હીત”
આ શ્રી પદ્મનાભદાસજીના પદમાં નિત્યલીલા સ્વરૂપ, ત્યાંનો દિવ્ય પરિકર, લીલાધામ અને શ્રીદમલાજીનું લીલા સંબંધી [શ્રીલલીતાજીનુ] સ્વરૂપ, આ ચારે પ્રકારનું વર્ણન કરેલું છે તે પદની ભાવના વિચારી આપણા પોતાના આધિદૈવિક સ્ત્રી ભાવ સ્વરૂપનું ધ્યાન કરી આ પદમાં કહેલી લીલા ભાવનામાં મનના સંકલ્પોને જોડવા. આ પદ અગર બીજા પદોમાં જણાવેલી લીલાની ભાવનામાં મનના સંકલ્પોને જોડવાનો અભ્યાસ નિરંતર થતાં આ ભાવનાનો આવેશ હૃદયમાં બનવાથી હર સમયે આનું જ અનુસંધાન રહી આવે છે અને જીવનનો પલટો કરી નાખે છે. “ભાવો ભાવનીયા સિદ્ધ” જેવી ભાવના કરીયે તેવો ભાવ સિદ્ધ થાય છે. ભગવદ ગીતાજીમાં મનને અને મનમાંથી ઉત્પન્ન થતા કામ સંકલ્પોને જીતવા માટે વૈરાગ્ય અને અભ્યાસનો બોધ ભગવાને અર્જુનને કરેલો છે.
 
(9) “આ દેહ ઇન્દ્રિયોના ક્ષણિક આવેગોથી ઉત્પન્ન થતું દુઃખ અને પશ્ચાતાપ ઈષ્ટમાર્ગને રૂંધનારા સાબિત થતાં હોય તો પણ ક્યાં સુધી આવા દુઃખોને સાથે વિંઢાળવા ?” આ તમારું આર્ત કથન તમારા મનને ઉપદેશ દેવા માટે જ છે આ પ્રકારનો ઉપદેશ વારંવાર મનને દેતા રહેવાથી અને ઇન્દ્રિયોના વિષયો તરફ ગ્લાની રહી આવવાથી વૈરાગ્ય ઉત્પન્ન થશે. વૈરાગ્યને ઉત્પન્ન કરાવવા માટેજ વાકપતિએ તમારામાં ઉપરોક્ત વિચારો પ્રગટ કર્યા છે. વૈરાગ્યથી મન જ્યારે ભૌતિક વિષયોથી છુટુ પડે ત્યારે તેને બીજા અલૌકિક વિચારોનું અવલંબન નહી મળે તો મન સંકલ્પ કર્યા વગરનું રહી શકતું નહી હોવાથી પુનઃ ભૌતિક વિષયને જ ગ્રહણ કરશે. આમ ન બને તે માટે વૈરાગ્યથી છુટા પડેલા મનને અલૌકિક લીલા ભાવનામાં જોડવું. વારંવાર લીલા ભાવનામાં જોડવું તેનું નામ “અભ્યાસ” છે. આ પ્રકારે વૈરાગ્ય અને અભ્યાસથી દુર્જય મન ઉપર વિજય મેળવી લેવાય છે. ‘કામ’ મનમાંથી જ ઉત્પન્ન થાય છે તેથી ‘મનોજ’ કહેવાય છે. મન ઉપર વિજય મેળવવાથી કામ ઉપર વિજ્ય પણ થયો જ.
 
“બિન વૈરાગ્ય નહી પાઈએ ગિરધરકો અનુરાગ” વૈરાગ્ય વિના પ્રભુમાં અનુરાગ થતો નથી. પુષ્ટિ પ્રભુની લીલામાં પ્રભુના છ ધર્મો ‘ઐશ્વર્ય-વીર્ય-યશ-શ્રી-જ્ઞાન અને વૈરાગ્ય’નો ઉલટા ક્રમથી પ્રવેશ થાય છે. એટલે કે પ્રથમ વૈરાગ્ય થાય છે પછી જ્ઞાન એમ ઉલટો ક્રમ છે. પુષ્ટિમાર્ગ ઠોર – મઠડીમાં રાચવાનો નથી, ત્યાગથી ભરપૂર છે. જેઓ વૈરાગ્યને અપનાવતા નથી તેઓ પુષ્ટિ ફલથી વંચીત રહી આવે છે.
 
આ કથનનું પ્રમાણ આપશ્રીની શ્રીમુખની જ વાણીમાં નીચે મુજબ છે.
 
આપશ્રી એક સમયે વ્રજમાં પધાર્યા તે સમયે મથુરા વિશ્રામ ઘાટ ઉપર બીરાજી રહ્યા હતા. શ્રીદમલાજી, પ્રભુદાસ જલોટાજી નિજજનો પાસે બેડા હતા. તે સમયે કૃષ્ણ ચૈતન્યનો સેવક, રૂપસનાતન આપશ્રીની પાસે આવેલ. તેમાં પ્રભુદાસ જલોટાજીના કૃષ (દુબળા) શરીરને જોઈને રૂપસનાતને શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો કે, “આપનો માર્ગ તો ‘પુષ્ટિ’ છે પણ સેવક દુબરે કર્યોં ?” ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે “હમને બહોત બરજે જો યા માર્ગમેં મત પરો પરંતુ માન્યો નહિ, તાતેં યાકો ફલ ભોક્તે હે.”

શ્રી પ્રભુદાસજી આપશ્રીની સન્નિધાનમાં પણ પ્રત્યક્ષ વિરહનોજ અનુભવ કરતા હતા. વિરહી જનોનું શરીર કૃશજ રહેતું હોય છે. દિવ્ય પ્રેમની ચરમ કક્ષા પ્રત્યક્ષ વિરહ છે. આ અવસ્થામાં પ્રભુદાસજી આરૂઢ થયેલા છે. અલ્પ મતિ રૂપસનાતન આ રહસ્યને સમજી શક્યા નહીં, પણ જ્યારે તે કૃષ્ણ ચૈતન્ય પાસે જાય છે અને આ બનેલો પ્રસંગ કહે છે ત્યારે કૃષ્ણ ચૈતન્ય; શ્રી મહાપ્રભુજીના કહેલા વચનામૃતોનું હાર્દ-રહસ્ય સમજી જાય છે. કહેવાનું તાત્પર્ય, પુષ્ટિ માર્ગ શ્રી પ્રભુને વિવિધ સામગ્રીઓ ભોગ ધરીને તે અધરામૃતના આસ્વાદનમાં કે અન્ય પણ ભગવાન સંબંધી આનંદોમાં ડૂબ્યા રહેવાનો નથી. અગ્નિ સ્વરૂપે પ્રક્ટ કરેલો માર્ગ તત્સુખનપ્રચૂર તાપાગ્નિથીજ ભરેલો છે. “રાજ ય મારગ હાંસી ખેલકો નહી હે, તાપ કલેશ કો હે” । જ્યાં તત્સુખનો તાપાગ્નિ જલતો જ રહે છે ત્યાં વૈરાગ્ય પાછળ લાગેલો જ રહે છે. પ્રણય માર્ગીઓનો વૈરાગ્ય વિરહાનુભવ રૂપ છે. વિરાહાગ્નિથી જ પ્રિયતમને સુખદ એવો આધિદૈવીક દેહ સિદ્ધ થાય છે. પ્રિયતમ અગણિત આનંદ રૂપ છે. અને અગણિત આનંદના ભોક્તા છે. આવા પ્રિયતમને સુખદ અવસ્થા વિરહાગ્નિથી સિદ્ધ થાય છે. જેમ પ્રિય પ્રભુ અગણિત આનંદરૂપ છે. તેવા અગણિત આનંદને ધારણ કરી શકે તેવો આધિદૈવિક દેહ વિરાહનુભવમાં સિદ્ધ થાય છે. તેથી કહ્યું કે ‘વિરહ અનલ યાતે કહત, સબ ગુણ પૂરણ એહ, પકવદશા કર દેત હે, ભર દે નિરવધિ નેહ.’

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.