।। શ્રીવલ્લભ ચરણ કમલ મહિમા ।।
spacer
spacer

શ્રી હરિરાય મહાપ્રભુકૃત પદની ભાવાર્થ ટીકા

લેખક – શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ
પ્રશ્ન –શ્રી વલ્લભ નામ સ્મરણ અથવા સેવા સ્મરણાદિ સાધનો સિવાય બીજા સાધનો કરવા કે નહિ. જેમને શાસ્ત્રોમાં બતાવેલા તપ-તીરથ-નેમ-ધરમ-વ્રત-દાન વગેરેથી પણ હદયની શુદ્ધિ થાય છે તો આવા સાધનો કરવા કે નહીં ?
ઉત્તર – માં શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે –
“સાધન કર સાધો જિન કોઉ,
સબ સુખ સુગમ લહે” ।।2।।
 
શ્રીવલ્લભના જ સેવા-સ્મરણ ગુણગાન ધ્યાન આદિ સાધનોથી જ લીલા ધામનું મહાન દિવ્ય સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે. સેવા-ગુણગાન-ધ્યાનના સાધનો ન બને તો માત્ર શ્રીવલ્લભ નામના સ્મરણથી પણ પુષ્ટિ પ્રભુનું દિવ્ય લીલા સુખ પ્રાપ્ત થાય છે. આવો પ્રકાર મર્યાદામાં નથી. કારણકે પુષ્ટિ સૃષ્ટિ પોતાની શ્રી અંગમાંથી પ્રભુએ પ્રગટ કરેલી હોવાથી પુષ્ટિ પ્રભુ પુષ્ટિ સૃષ્ટિનો પ્રભુ સાથે સંબંધ સ્નેહનો છે. સ્નેહ સંબંધમાં પ્રભુ નિજ દાસો માટે સાધનરૂપ થાય છે. પોતે જ સાધનરૂપ થઈને પોતાની પ્રાપ્તિ કરાવે છે. શ્રી ગોપીજનોના નિરોધ માટે પ્રભુએ અનેક પ્રકારની લીલા કરી તેમાં પોતે સાધનરૂપ થઈ ભક્તોનો નિરોધ સિદ્ધ કર્યો. તેમ શ્રી વલ્લભનામ સ્મરણથી નિરોધ સિદ્ધ થાય છે.
 
પોતાના નામ સ્મરણમાં પોતેજ સાધન રૂપ થાય છે તેથી શ્રી વલ્લભ નામનું જ નિરંતર સ્મરણ કરવું. શાસ્ત્રોમાં બતાવેલા મર્યાદા માર્ગના સાધનોમાં મનને જવા નહીં દેવું. આપશ્રી પોતાના નામમાં પોતાનું સામર્થ્ય પ્રગટ કરીને નિજજનોના સર્વ દુઃખો દૂર કરી લીલા ધામનું સુખ સુગમતાથી પ્રાપ્ત કરાવે છે. આવો આપના નામનો પ્રભાવ હોવાથી શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે-
 
“સાધન કર સાધો જિન કોઉ,
સબ સુખ સુગમ લહે”
 
આપશ્રી વલ્લભના નામ સ્મરણ માત્રથી જ લીલા ધામનું સુખ સુગમતાથી પ્રાપ્ત થાય છે, તેનું કારણ નામનું સ્વરૂપ ધર્મી છે, આ ધર્મી સ્વરૂપ નામની ભીતર ભાવાત્મકરૂપે રહેલું છે. બહારનું પ્રગટ સ્વરૂપ ધર્મરૂપ કહેવાય છે, ધર્મરૂપ કરતા ધર્મી સ્વરૂપમાં વિશેષ સામર્થ્ય રહેલું છે જેમ બીજમાં વૃક્ષ રહેલું છે. તેમ નામમાં ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. તેને ધર્મી કહેવાય છે તે નામમાં રહેલા ધર્મી સ્વરૂપનું અદભૂત સામર્થ્ય શ્રી હરિરાય પ્રભુ જાણતા હોવાથી કહે છે કે શ્રીવલ્લભને પ્રાપ્ત કરવા શ્રી વલ્લભ નામ સ્મરણ વિના બીજા મર્યાદા માર્ગીય સાધનો કરવાની જરૂર નથી. શાસ્ત્રોમાં કહેલા તપ-તીરથ વગેર મર્યાદા માર્ગીય સાધનો છે અને શ્રી વલ્લભ નામનું સ્મરણ પુષ્ટિ માર્ગીય સાધન છે. પુષ્ટિમાર્ગમાં પ્રભુ પોતે જ સાધનરૂપ થાય છે તેવો પુષ્ટિ માર્ગનો નિયમ છે. તેથી કહ્યું – “સબ સુખ સુગમ લહે” તેમ કહેવાનું કારણ એ છે કે શ્રીવલ્લભ નામની ભીતરજ લીલાધામ રહેલું છે. શ્રીવલ્લભજનને લીલાધામમાં જવું પડતું નથી, પણ તેના હદયમાં જ લીલાધામ પ્રગટ થઈ જાય છે.
 
“ ભોર ભયો ભાવસો લે શ્રી વલ્લભ નામ,
હરિ વશ છિનહીમેં હોત,
સ્ફુરત સગરો ભક્તિ મારગ
રૂપ હદય વસે રસ સમૂહ ધામ”
 
ઉપરોક્ત પદ પંક્તિમાં નિજજનોના હદયમાં ‘રસ સમૂહ ધામ’ પ્રગટ થઈ જાય છે, અર્થાત નિજજનોના હદયને જ લીલાધામ રૂપ બનાવી દે છે તેને લીલા ધામમાં પ્રવેશ કરવો પડતો નથી. ઉક્ત વિષય, કથનમાં સરલ દેખાય છે. પરંતુ સિદ્ધ કરવો અતિ કઠીન છે. નિરંતર વિરહના અનુભવથી વિરહની કષ્ટ સાધ્ય અવસ્થાનો અનુભવ કર્યા પછી સર્વાત્મભાવ જ્યારે સિધ્ધ થાય છે. ત્યારે ભક્તનું હદય જ લીલાધામરૂપ બની જાય છે. બ્રહ્માંડનું ભેદન કરીને લીલાધામમાં જવાનું રહેતું નથી.
 
સેવા-ગુણગાન-ધ્યાન બને તો તે પણ કરવા અને સ્મરણ પણ કરવું. સેવા સમયે સેવા કરવી. સેવા-ગુણગાન-ધ્યાન અષ્ય પ્રહર તો ન બની શકે. પરંતુ નામ સ્મરણ તો અષ્ટ પ્રહર થઈ શકે. પરંતુ નામ સ્મરણનો આગ્રહ કર્યો છે. વળી કલિયુગમાં સેવા-ગુણગાન-ધ્યાન-સત્સંગ વગેરે સાધનો સર્વ કોઈ માટે સુગમતાથી થઈ શકતા નથી. તેમ વિચારી કરૂણાસાગર શ્રી વલ્લભ પ્રભુએ નવરત્ન ગ્રંથમાં અષ્ટાક્ષર મહામંત્રનું સતત સ્મરણ કરવું તેવી આજ્ઞા કરી છે. નામ સ્મરણ સાથે સ્વરૂપ ધ્યાન કરવાથી સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થાય છે. તેથી સ્વરૂપ ધ્યાન પણ કરવું. કદાચ સ્વરૂપ ધ્યાનમાં ન આવે તો સતત નામ સ્મરણથી હદય જ્યારે શુદ્ધ થાય છે ત્યારે નામનું ભાવાત્મક સ્વરૂપ ભક્ત હદયમાં પ્રગટ થઈ જાય છે, ત્યારે નામ સ્મરણ સાથે સ્વતઃસ્વરૂપ ધ્યાન પણ થવા લાગે છે. જેમ ગોપીજનોના નેત્રો પ્રિય પ્રભુના શ્રીમુખ લાવણ્યનું પાન સર્વત્ર કરતા હતા. શ્રી ગોપીજનોને પ્રિયતમનું ભાવાત્મક-માનસી સ્વરૂપ, આગળ-પાછળ, ઉપર-નીચે, બહાર-ભીતર એમ સર્વત્ર દર્શન આપતું હતું. કારણકે તેમના નેત્રોમાં પ્રિયતમનુ સ્વરૂપ વસી ગયું હતું. તેથી તેમને માનસી ભાવાત્મક સ્વરૂપના જીવન જ પ્રભુનું સ્વરૂપ હતું. તેથી સ્વરૂપ સંહંધ વિના એક ક્ષણ રહી શકતા નહીં. તેવી રીતે પ્રાણ પ્રિય શ્રીવલ્લભના સ્મરણથી જ્યારે હદય શુદ્ધ થાય છે, ત્યારે નામનું સ્વરૂપ હદયમાં દિવ્ય પ્રેમ પણ પ્રગટ થઈ જાય છે. પ્રેમ પ્રગટ થતા જ આપણા ભૌતિક જીવનને પલટાવી નાખે છે. અથવા અલૌકિક બનાવી દે છે, તેથી કહ્યું છે કે-
 
“પ્રેમ પ્રગટ જબ હોય હે,ભૂલે જગત કો ભાન;
તુ તુ તુ રહી જાય છે, હું કો મિટે નિશાન.”
 
દિવ્ય પ્રેમ પ્રગટ થતાં જ જગત પ્રપંચને અને પોતાને ભૂલાવી દે છે અને સર્વત્ર પ્રાણ વલ્લભના સ્વરૂપનાં જ દર્શન થાય છે.
 
પ્રશ્ન –ભૌતિક દશાવાળો જીવ અનેક અપરાધોથી ભરેલો છે. વળી આસુરભાવના આવેશે અપરાધો કરતા રહેવા એવો સ્વભાવ બની ગયો છે. શ્રી હરિરાય પ્રભુએ એક પદમાં કહ્યુ છે-“ક્ષણક્ષણમેં અપરાધ પરત હે, ગીનત ન આવે લેખો, શ્રાવલ્લભ મેરી કૃતિ જિન દેખો.” આવા અપરાધી જીવને મહાન અલૌકિક શ્રી વલ્લભ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થશે ?
ઉત્તર –પરમકૃપાળુ શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભના મહાન ઉદાર ગુણોનો નિજજનોને પરિચય કરાવે છે-
 
“કોટિ કોટિ અપરાધ ક્ષમા કર, સદા નેહ નિભહે”
 
આપણો પ્રભુ સાથે જે સંબંધ થયો છે તે ‘સ્નેહ લગ્ન’ જેવો છે. એટલે કે બ્રહ્મસંબંધથી પ્રભુને આપણે વર્યા તે સંબંધ સ્નેહ લગ્ન જેવો છે. શ્રી હરિરાય પ્રભુએ બ્રહ્મસંબંધને સ્વયંવરની ઉપમા આપી છે. એટલે કે જેમ રાજકુમારી સ્વયંવરની રચનામાં પોતાના પસંદગીના રાજકુમારને વરમાળા પહેરાવે છે. આ સ્વયંવર પ્રેમલગ્ન કહેવાય છે. આવું પ્રેમલગ્ન દૈવી જીવનું પ્રભુ સાથે થયેલું છે. વળી પુષ્ટિ માર્ગ તો દિવ્ય પ્રેમનો જ છે. વધાઈમાં ગાયું છે કે-
 
“ રતિપથ પ્રગટ કરનકું પ્રગટે,
કરૂણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ”
 
આ રતિપથમાં પ્રેમનો જ સંબંધ હોય છે. જ્યારે માર્ગ જ પ્રેમરૂપ છે તો તેમાં પ્રવેશ કરેલા દૈવી જીવનો પ્રભુ સાથે સંબંધ પણ પ્રેમનો જ હોઈ શકે. લીલાલોકમાં પણ આ દિવ્ય પ્રેમનો જ સંબંધ અને સર્વ વ્યવહારમાં, સર્વ લીલામાં, સર્વ પરિકરમાં દિવ્ય પ્રેમજ રહેલો છે.
 
લીલાધામમાં કુંજો નિકુંજો પશુ, પક્ષી આદિ લીલા સામગ્રી પ્રેમરૂપ જ છે. પ્રેમનાજ બનેલા છે જેમ સાકર રસની મૂર્તિમાં સર્વાંગ રસ જ રહેલો છે તેમ લીલાધામમાં સર્વ દિવ્ય પ્રેમ રૂપ જ છે. પરંતુ દૈવી જીવ લીલા ધામમાંથી ભૂતલમાં આવવાથી પોતાના દિવ્ય પ્રેમ સ્વરૂપને અને પ્રભુ સાથે દિવ્ય પ્રેમના સંબંધને ભૂલિ ગયેલ છે. બ્રહ્મસંબંધથી આ દિવ્ય પ્રેમનો સંબંધ પ્રભુ સાથે જોડાવી દિવ્ય પ્રેમના સંબંધનું જ્ઞાન કરાવ્યું છે.
 
આવો આપણો શ્રી વલ્લભવર સાથે ર્પેમનો જ જ્યાં સંબંધ હોય ત્યાં પોતાના પ્રેમી પાત્રના અપરાધોનો વિચાર જ ઉત્પન્ન થતો નથી. (દાસ અપરાધ જાન સિન્ધુ સમ, બુંદ ન એકો જાન ) દિવ્ય પ્રેમ સંબંધનો આવો સહજ સેવભાવ છે. તેથી શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભના આવા સ્નેહ સ્વરૂપને જાણતા હોવાથી આગળની તુકમાં કહે છે કે-
 
“ભૂલ જિન કરો કોઉ મન શંકા,
કરૂણા સિન્ધુ કહે”
 
તમારા દોષોથી કે અપરાધોથી શ્રી વલ્લભ તમને પ્રાપ્ત નહીં થાય તેવી ભૂલથી પણ શંકા કરશો નહીં. કારણકે શ્રી વલ્લભ કરૂણાના સાગર છે. “ કરૂણા”નો અર્થ વાત્સલ્ય સ્નેહ થાય છે. તેથી જેમ માતાનો વાત્સ્ય પ્રેમ તેના બાલકમાં હોવાથી બાલકના દોષો માતાની નજરમાં આવતા જ નથી અને વાત્સલ્ય સ્નેહના સિન્ધુ છે. તેથી તમારા દોષો આપની નજરમાં આવે તેમ નથી.
 
વળી માતા જેમ દોષવાળા બાલક તરફ એકધારા વાત્સલ્ય પ્રેમનું સિંચન કરતી હોય છે. તેમ આપણી સાથે શ્રીવલ્લભનો પ્રેમ સંબંધ હોવાથી આપણા દોષોને નહિ જોતા સદા પ્રેમ સંબંધ નિભાવે છે. આવો દૈવી જીવનો પ્રેમ સંબંધ બ્રહ્મસંબંધથી શ્રીવલ્લભ સાથે જોડાયેલો છે. તેને દૈવી જીવ ભૂલી જતો હોવાથી દુષ્ટ મન ખોટી શંકાઓ ઉત્પન્ન કરતું હોય છે. તેથી શ્રી હરિરાયજી પ્રભુ કહે છે કે-
 
‘ભૂલ જિન કરો મન શંકા કરૂણા સિન્ધુ કહે ‘
 
મહાન અલૌકિક વિરહાગ્નિ વલ્લભની પ્રાપ્તિ સર્વ ત્યાગ પૂર્વક નિતાન્ત વિરહના અનુભવથી જ થાય છે. તેથી સ્વકીયોને આપે વિરહ ભાવનું દાન કર્યું છે. આ વિરહના અનુભવમાં અન્ય સંબંધની ગંધ પણ રહે ત્યાં સુધી મહાન અલૌકિક વલ્લભ વિરહાગ્નિનો સાક્ષાત સંબંધ થતો નથી.
 
આવી સ્થિતિમાં આ વિરહી જન નિઃસાધન દીન બની ગયો હોય છે અથવા બાલક જેવી નિઃસાધન સ્થિતિ બની ગઈ હોય છે. આવા નિરહી (બાલક જેવા) સ્વકીયનું રક્ષણ પરોક્ષ રહીને કરે છે. પરોક્ષ રીતે ભાવાત્મક સ્વરૂપથી વાત્સલ્ય સ્નેહનું સીંચન કરે છે. કારણકે દીનોના આપ બન્ધુ છે. ‘બંધુ’ એટલે બંધાઈને રહેવું. ભાવાત્મક સ્વરૂપથી વિરહી સ્વકીયના હદયમાં રહીને વિરહભાવનું રક્ષણ અને વાત્સલ્ય સ્નેહ સીંચનથી પોષણ કરતાં જ રહે છે. તેથી મહાનુભાવ શ્રી સૂરદાસજીએ ગાયું છે કે.
 
“ભક્ત વિરહ કાતર કરૂણામય ડોલત પાછે લાગે ।
‘સૂર’ એસે પ્રભુનકો કયોં દીજે પીઠ અભાગે ।।
 
આપનો કરૂણા ધર્મ દીન જનો પ્રત્યેજ પ્રગટ થાય છે અને દીન ભાવ વિરહના અનુભવમાં નિઃસાધન બનેલા વિરહ સ્વકીયમાં જ હોય છે વિરહના અનુભવ વિના તો શ્રી વલ્લભ વિરહાગ્નિ સાનિધ્ય પણ પ્રાપ્ત થતું નથી. તો આપશ્રીની પ્રાપ્તિ કેમ થઈ શકે ?
 
આ પદમાં શ્રી હરિરાય પ્રભુએ જે વર્ણન કર્યું છે. તે વિરહી સ્વકીયોને અનુલક્ષીને કર્યું છે, અથવા વિરહી જનોના અધિકાર અનુસાર કર્યું છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.