પુષ્ટિમાર્ગનો શિખર સિધ્ધાંતઃ કર્તવ્યનિષ્ઠા
spacer
spacer

લે. મધુકર

જેમ અરણ્યમાં રહેતા કેશરી સિંહની ગર્જના સાંભળી શિયાળવાના ટોળા તો પ્રાણ બચાવી ભાગે, પણ મોટા હાથી જેવા પ્રાણીઓ પણ ભાગવા લાગે છે. તેમ કર્તવ્યરૂપી કેશરી સિંહની આગળ ખોટા વિચારોરૂપી શિયાળવા અને હાથી જેવા પ્રાણીઓ નાસવા લાગે છે. અથવા વૃથા વિચારોનું સૈન્ય કર્તવ્યના તેજપુંજ અગ્નિમાં બળીને ખાખ થઈ જાય છે.
 
આપણા અલૌકિક સ્વામી શ્રીવલ્લભની આજ્ઞા સતત કર્તવ્ય પાલનની છે, ‘સિદ્ધાંત રહસ્ય’ અને ‘સિદ્ધાંત મુકતાવલી’માં ગુણગાન અને સ્વરૂપ ધ્યાન માટે. ‘નવરત્ન’માં અષ્ટાક્ષરના સતત સ્મરણ માટે. ‘ચતુઃશ્લોકી’માં ચિન્તન માટે કર્તવ્ય નિષ્ઠ થવાની જ આજ્ઞા છે.
 
સ્વામીની આજ્ઞા કર્તવ્ય પાલનની છે તે જ હર સમય અમલમાં મુકવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કર્તવ્ય આગળ કઠીન (અશક્ય) જેવું કેઈ છે જ નહી, સાંભળોઃ-
 
ગમનો પ્રસંગ હો કે ખુશીનો પ્રસંગ હો ।
કોઈને સમાધિનો કે પ્રિયાનો ઉછંગ હો ।।
કર્તવ્યમય જીવને વળી સથળ અને કાળ શું ?
હસતા રહે છે ફુલ ગમે તેવો રંગ હો ।।
 
ગમ એટલે ગ્લાની (ક્લેશ) નો પ્રસંગ આવે ત્યારે, સમાધિમાં કે પ્રિયાના ઉછંગમાં હોઈએ ત્યારે. અથવા સુખમાં કે દુઃખમાં કર્તવ્યને નહી ચુકનારો (મીથ્યા) વિચારો કરી શત્રુઓથી પરાજીત થઈ શકતો નથી. સિદ્ધાંત સમજવા છતાં કર્તવ્ય પરાયણ નહી રહેનારા અને વાચાળ બનનારાઓમાં કુતર્કોનું પાખંડપણું હોવાથી પ્રભુની અપ્રસન્નતા થાય છે અને તેથી બહિર્મૂખ બની દૈવી અનમોલ જીવનને વેડફી નાખે છે હર સમય કર્તવ્યનો ખ્યાલ રાખવાનો છે. કર્તવ્ય નિષ્ઠતા એ શ્રીમહાપ્રભુજીનો નિશ્ર્ચયાત્મક સિદ્ધાંત છે અને તે દરેકને લાગુ પડે છે
 
[ શ્રી મહાપ્રભુજીએ સ્વધામ પધારવાની ઈચ્છાથી સંન્યાસ ધારણ કરી આપ કાશી પધાર્યા તે સમયે શ્રીગોપીનાથજી અને શ્રીગુસાંઈજી શ્રીમહાપ્રભુજીના દર્શનાર્થ કાશી પધાર્યા. શ્રીમહાપ્રભુજીના દર્શન કરીને વિનંતી કરી કે – ‘અમારૂં શું કર્તવ્ય.’ આ વિનંતીના ઉત્તરમાં આપે મોન વ્રત ધારણ કરેલ હોવાથી સાડાત્રણ (શ્લોક) લખીને શ્રી પ્રભુચરણ ગુસાંઈજીને આપ્યા તે સાડાત્રણ શ્લોક ‘શિક્ષાસાર્ધત્રયી શ્લોકી’ આ નામથી પ્રસિદ્ધ છે.
 
શ્રીમદાચાર્યચરણ શ્રીગુસાંઈજીને ઉદેશીને નિજજનોને સ્વકીય અત્યંત ગોપ્ય સિદ્ધાંત શિખવવા ઉપદેશે છેઃ
 
યદા બહિર્મૂખા યૂયં ભવિષ્યથ કંથચન ।
તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા ધ્યોપ્યુન ।।
સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિ ર્મમ 1 ½
 
શ્લોકાર્થ – જ્યારે કોઈ પણ પ્રકારે બહિર્મૂખ થશો ત્યારે કાલ અને પ્રવાહમાં રહેલા દેહ ચિત્ત વિગેરે પણ તમારૂં ભક્ષણ કરશે. અર્થાત્ તમારા અલૌકિક દેહ ચિત્તાદિક લૌકિક થઈ જશે. માટે પ્રભુ સન્મુખ રહેજો એવો મારો અભિપ્રાય છે. ‘ભક્તિવર્ધિ ની’માં શ્રીમદાચાર્યચરણે આજ્ઞા કરી છે કે –
 
સેવાયાં વા કથાયાં વા યસ્યાસક્તિ ર્દ્રઢા ભવેત્ ।
યાવજ્જીવં તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ ।।
 
ઉપરોક્ત શ્લોકની આજ્ઞા મુજબ સતત પ્રભુ સન્મુખ રહેવાથી, કાળનો પ્રવેશ નહી થવાથી, આપણામાં પુષ્ટિ પ્રભુનો જે અલૌકિક સંબંધ છે, તે તિરોહિત થઈ શકતો નથી. અથવા પ્રભુથી બર્હિમુખતા પ્રાપ્ત થતી નથી. શ્રી સર્વોત્તમજીમાં ‘સ્વવંશે’ સ્થાપિતા શેષ સ્વ માહાત્મ્યઃ ।। આ નામાનુસાર શ્રીમહાપ્રભુજીએ સ્વવંશમાં પોતાનું અશેષ ભાવવાળું મહાત્મ્ય સ્થાપન કર્યું છે. આ ‘અશેષ’ભાવ અલૌકિક છે તેમજ વૈષ્ણવ સૃષ્ટિમાં બ્રહ્મસંબંધ દ્વારા પ્રભુનો સંબંધ સ્થાપીત કર્યો છે. આ બન્ને સૃષ્ટિમાં રહેલો અલૌકિક સંબંધ પ્રભુથી કોઈપણ પ્રકારે વિમુખ થવાથી, તેમાં કાળનો પ્રવેશ થવાથી, બર્હિમૂખતા થતાં અલૌકિક સંબંધ તિરોહિત થઈ જાય છે. ભૂતલ એ કોઈ લીલા ધામ નથી કે જ્યાં કાળ માયાનો પ્રવેશ ન થઈ શકે. કાળની સત્તાવાળા ભૂતલમાં સતત પ્રભુ સન્મુખ (સેવાદિથી) રહેવું તેજ આપણું કર્તવ્ય છે. આ કર્તવ્યનો આપે શિક્ષાશ્લોકીમાં જે ઉપદેશ કરેલો છે તે અત્યંત ગોપ્ય અને મહત્વથી ભરેલો છે. આપે અન્તીમમાં આ શિક્ષા કરેલી હોવાથી નિજ વંશ માટે અને લીલા ધામથી વિછુરેલા  દૈવી જીવો માટે આપશ્રીની આ આજ્ઞાનું પાલન અવશ્ય-કર્તવ્ય છે ]
 
તોફાની અશ્વ ઉપર સ્વાર થનારો લગામ હાથમાં લઈને સાવધાની ન રાખે તો ઉન્મત બનેલું મનરૂપી અશ્વ તેને ઈષ્ટ રાહમાં પણ બીજા ઘણા માર્ગો નીકળતા હોય છે તે અવળા માર્ગે ન ચાલે તે માટે કર્તવ્યરૂપી ધ્યેયને માર્ગે ચલાવવો. (પ્રભુથી વિમુખ કરે એવી આસુરી મનની અનેક વૃતિઓ અનિષ્ટ માર્ગરૂપ છે.) કર્તવ્ય ચાબુકનું અથવા મદોન્મત હસ્તી જેવા મનને કાબુમાં લાવવા અંકુશનું કામ કરે છે. કર્તવ્યનિષ્ઠને કાળ અને સ્થળ બાધક થઈ શકતા નથી.અષ્ટાક્ષરનું સતત સ્મરણ નોકરી-ધંધામાં કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને થઈ શકે ઠે. સતત નામ સ્મરણની આજ્ઞા ‘નવરત્ન’માં કરી છે. આ સ્મરણ રૂપી કર્તવ્યના મહાન યજ્ઞ (અગ્નિ) માં મિથ્યા વિચારોના મોટા સૈન્યો હોમાતા જાય છે. હદયરૂપી કુરૂક્ષેત્ર શત્રુ વગરનુ બની જાય છે. પછી હદય કુરૂક્ષેત્ર નહી રહેતા પ્રિય પ્રભુને સ્થાયિ (નિત્ય) બિરાજવા માટેની નિકુંજ બની જાય છે. કર્તવ્યના અદભૂત સામર્થ્યનું આથી વિશેષ શું કથવું ?
 
મનુષ્ય કાલ્પનિક મુશ્કેલીઓથી ડરી ડરીને જીવનનો પંથ કાપે છે. એટલે દૈવી મહાન જીવનના કર્તવ્યનો ખ્યાલ એને આવતો નથી. ખોટી કલ્પના, ચક્રાવા ખાતી બુદ્ધિ, અધીરતા, અસ્થિરતા, અંતરાય રૂપ બને અને પ્રભુપ્રાપ્તિનો સાધક નાહિમત બની જાય. પરંતુ જેણે એક સરખા પ્રકાશવાળું (શ્રીવલ્લભભાનુના પ્રકાશથી) ખરૂં કર્તવ્ય જોયું હોય (વિચાર્યું હોય) તેવો સાધક મુશ્કેલીઓના આવા દર્શન કરીને કદીયે પીછેહઠ કરતો નથી. શુદ્ધ અને પવિત્ર કાર્યો સાધકને નવીન શક્તિ આપે છે. ‘શુદ્ધ અને પવિત્ર કાર્યો એટલે તત્સુખાત્મક મહાન દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરવો શ્રીવલ્લભના આશ્રિત જનોને જ શ્રીવલ્લભની કૃપાથી મહાન દિવ્ય તત્સુખાત્મક પ્રેમને પ્રાપ્ત કરવાની ભાવના જાગૃત થાય છે અને આ પ્રેમ પ્રાપ્ત કરવો તે જ તેનું કર્તવ્ય બની જાય છે.) આ પ્રેમમાં પ્રિયતમ તરફથી મને સુખ મળે તેવા સ્વાર્થ ભાવની ગંધપણ હોતી નથી. પ્રિયતમના સુખમાં સુખી એ જ તત્સુખી પ્રેમીજનનો નિયમ હોય છે.
 
‘શુદ્ધ અને પવિત્ર કાર્યો સાધકને નવીન શક્તિ આપે છે’ આ વાક્યનું રહસ્ય એ છે કે દિવ્ય પ્રેમની ઉત્કૃષ્ટ અવસ્થા પર પહોંચાડવા માટે નિત્ય સખા પ્રિય પ્રભુ આ તત્સુખી પ્રેમી સાધકને બહારના પ્રગટ સ્વરૂપથી સંયોગ સુખ આપતા નથી અથવા સંયોગ સુખમાં સ્થિત થવા દેતા નથી. તેનું કારણ સંયોગ સુખથી પણ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી અનુભવાતું સ્વરૂપાનંદનું સુખ અનિર્વચનીય અને અગણિત છે પોતાના પ્રેમી પાત્રને અગણિત સુખનો અનુભવ કરાવવા પ્રિયતમ વિપ્રયોગનું દાન કરે છે.
 
વિપ્રયોગમાં પ્રેમી સાધકના મનને બહાર સ્વરૂપનું અવલંબન નહી મળવાથી આંતર ‘આત્મગામી’ એટલે આ પ્રેમી ભક્તનું આ નિત્ય સિદ્ધ આધિદૈવિક (આત્મ) સ્વરૂપમાં તેના મનનો પ્રવેશ થવો. પ્રેમી ભક્તનું આ નિત્ય સિદ્ધ સ્વરૂપ કેવું છે ? સ્વયં પ્રકાશ- સ્વયં સૃષ્ટા, અનંત ગુણ યુક્ત-અગણિતાનંગરૂપ છે, પ્રેમી સાધકનું આ આત્મસ્વરૂપ અગણિતાનંદરૂપ છે, તેને પ્રાપ્ત કરીને પોતાના પ્રિયતમને અગણિત રસાનંદનો અનુભવ કરાવે છે
 
આ પ્રેમીભક્તની સાધન દશામાં અવિદ્યાજન્ય પ્રાકૃત અધ્યાસ દેહ-પ્રાણ-ઈન્દ્રિયો અને અન્તકરણમાં રહેલા હોય છે. તેને અપ્રાકૃત (એલૌકિક) બનાવવામાં ભારે આત્મ મંથન કરવું પડે છે દૈવી અને આસુરી ભાવોનું જ આ મંથન છે. જેમ દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાં વિષ અને અમૃત બન્ને નીકળ્યા તેમ વિરહાનુભવમાં આત્મ મંથન થાય છે, તેમાં પ્રાકૃત ભાવોરૂપી વિષ પ્રથમ બહાર નીકળે છે. પછી આત્માના અંતઃસ્થલમાં ગૂઢ રૂપે રહેલા દિવ્ય પ્રેમ રૂપી અમૃત પ્રાપ્ત થાય છે. ત્યારે તે જ સમયે તનુનવત્વતા પ્રાપ્ત થાય છે. આ તનુનવત્વતા તે જ દૈવી જીવનું નિત્ય સિદ્ધ આધિદૈવિક સ્વરૂપ છે. તેમાં જ અગણિતાનંદ ભરેલો છે. આવા પોતાના અગણિતાનંદ સ્વરૂપથી પ્રિય પ્રભુની તત્સુખાત્મક સેવા કરે છે. વિપ્રયોગના અનુભવમાં આ પ્રેમી ભક્તને સર્વાત્મભાવ સિદ્ધ થાય છે. તેથી તેને ‘સેવા ફલ’ ગ્રંથમાં કહેલ ‘અલૌકિક સામર્થ્ય’ પ્રાપ્ત થાય છે. આ સામર્થ્યથી પોતાના દિવ્ય સ્વરૂપમાંથી કોટાન કોટિ સ્વરૂપો પ્રગટ કરી પ્રિય પ્રભુને પોતાના સ્વરૂપમાં રહેવ અનિર્વચનીય લાવણ્યામૃત સુધાનો અનુભવ કરાવે છે. આ સર્વ શ્રીવલ્લભાગ્નિની કૃપાથી જ પ્રાપ્ત થાય છે તેવા તથ્યને ભૂલવું નહી જોઈએ.
 
‘વલ્લભ શરણ થકી સહુ પડે સહેલું’ (દયારામભાઈ)
 
જેને સ્નેહનો ગર્વ નથી તેને સ્નેહનું દુખ પણ નથી. એટલે પ્રિયપ્રભુના સુખમાં જ જે પ્રેમી ભક્ત સુખી છે તેને પ્રિયના વિયોગમાં દુઃખ થતું નથી. કારણકે તત્સુખી પ્રેમીજનમાં વિરહની વ્યથાને સહન કરવાનું સામર્થ્ય તેના નિત્ય સિદ્ધ આત્મ સ્વરૂપમાંથી જ મળતું રહે છે. આ તેનું આત્મ સ્વરૂપ તેના ભૌતિક સ્વરૂપની ભીતર જ હોય છે. તેથી સામર્થ્ય પ્રાપ્ત થવાથી પોતાની ચિંતાનો કે બીજા કોઈપણ પ્રકારનો બોજ પ્રિય ઉપર રાખવો નથી.
 
તત્સુખી પ્રેમીજન હરિનો પણ હરિ બને છે. ‘ભાગવતાર્થ નિબંધ’માં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે, કૃપા જીવનું કાર્ય કરે છે. જ્યારે ભક્તિ (પ્રેમ) ભગવાનનું કાર્ય કરે છે. માયાના આવરણવાળો જીવ ભગવાનની કૃપા ચાહે છે. કારણકે કૃપાથી જ માયાના આવરણને દૂર કરે ત્યારે જ ભગવાનમાં પ્રેમ થાય છે. પરંતુ વિરહના અનુભવથી જેણે માયાના આવરણને દુર કરીને તત્સુખાત્મક દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરેલ છે તેને કૃપાની જરૂર નથી. તે તો સ્વયં કૃપાનું સ્વરૂપ બનીને પ્રિય પ્રભુના નિરવધિ તત્સુખાત્મક સેવા કરે છે. એક ક્ષણમાં કરોડો બ્રહ્માંડોને ઉત્પન્ન કરે તેવું સામર્થ્ય અંતરંગ યોગ માયાનું છે તેનું જ સામર્થ્ય આ તત્સુખી પ્રેમી ભક્તને પ્રાપ્ત થાય છે. આવા સામર્થ્યથી તે હરિનો પણ હરિ બને છે. કર્તવ્યની પરાકાષ્ટાથી પ્રાપ્ત થતું દિવ્ય પ્રેમનો મહાસાગર લહેરાય છે. આ પ્રેમી ભક્ત સદા તેમાં ડુબેલો રહે છે.
 
‘પરમાનંદ પ્રેમ સાગરમેં પર્યો સો લીન ભયો.’
 
જ્યાં શ્રીવલ્લભભાનુંનો પ્રકાશ નથી તેવાની બુદ્ધિમાં કાળે અંધકાર પેદા કર્યો છે, તેથી પોતાના કર્તવ્યને ભુલિને પ્રભુથી વિમુખ કરે તેવા કાળે ઉત્પન્ન કરેલા મનોરંજનના સાધનોમાં જીવો ચીપકેલા રહે છે. (પ્રભુથી વિમુખ કરે તેવા કાલકૃત મનોરંજનના સાધનોમાં ‘ટી. વી.’એ મુખ્ય સ્થાન લીધું છે.)
 
મહત વાણીનો વિચાર કરતા હવે લીલાનાં જીવો ભૂતલમાં બહુ થોડા રહેયા છે. લીલાનાં જીવો જ શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું પૂર્ણતયા પાલન કરે છે તેથી કાળની સત્તા તેવા જનોમાં પ્રવેશ કરી શકતી નથી.
 
(1)               શ્રીમદાચાર્ય કે ચરણ નખ ચિન્હકો – ધ્યાન ઉરમેં સદા રહત જીનકો
કટત સબ તીમિર મહાદુષ્ટ કલિકાલકે – ભક્તિરસગૂઢ ર્દઢ હોત તીનકે ।।
(શ્રીરઘુનાથજી)
(2)               ભરોસો ર્દઢ ઈન ચરનન કેરો ।।
શ્રીવલ્લભ નખચંદ્ર છટાબિન – સબ જુગમાં જ અંધેરો ।।
(શ્રીસૂરદાસજી)
 
શ્રીવલ્લભભાનુનો જેના હદયમાં પ્રકાશ છે તેવા લીલાધામથી વિછુરેલા દૈવી જીવનો પરિચય શ્રીહરિરાયચરણે શિ. 18-4માં કરાવ્યો છેઃ-
 
વિરહેણ હરિસ્ફૂર્ત્યા સર્વત્ર ક્લેશ ભાવનાત્ ।
લીલાતિરિક્ત સૃષ્ટૌ હિ નિરાનંદત્વ નિશ્ચયાત્ ।।
 
શ્રીવલ્લભ આશ્રિત જનને શ્રીવલ્લભકૃપાથી નિત્યલીલાસ્થ પ્રભુના સ્વરૂપનું, લીલાધામના દિવ્ય પરિકરનું જ્ઞાન થયેલું હોવાથી ઉપરોક્ત સ્વરૂપોના સાક્ષાત્કાર માટે વિરહ ક્લેશનો અનુભવ કરે છે. આવા જનને ભૂતલમાં નિરાનંદતા ભાસે છે. અથવા ભૌતિક અધ્યાસથી લેવાતા ભગવદ સંબંધના આનંદની અલ્પતા ભાસે છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.