અવગાહનીય પત્ર
spacer
spacer

પ્રિય શ્રમની નિવૃત્તિ

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

જ્યાં સુધી દેહના અધ્યાસો ભૂખ,પ્યાસ, ટાઢ, તડકો, રોગાદિક બાધક બને છે ત્યાં સુધી આપણી સાધન દશા કહેવાય છે. આ અધ્યાસ અવિદ્યા – માયાના લીધે રહેલ છે. આ માયાની નિવૃત્તિ પ્રિય પ્રભુની નિઃસાધન દૈન્યભાવે શરણગતિથી થાય છે. મારા પ્રિયને હું સુખરૂપ ક્યારે બનીશ ? તેવો (તત્સુખભાવ) તત્સુખાત્મક તાપભાવ રાખી સેવા-સ્મરણ, ગુણગાન, ધ્યાન કરતા રહેવાથી નિઃસાધન દૈન્યભાવ પ્રગટ થાય છે. “નિઃસાધનતા”એટલે કાયિક, વાયિક, માનસિક જે કંઈ ભગવદ્ સંબંધી બને, તેમાં “હું કરૂં છું” તે હું પણું નીકળી જાય અને “પ્રિય પ્રભુ જ પ્રેરણા કરીને બધું કરાવે છે’તેવો ભાવ રહે તેને નિઃસાધનતા કહેવાય.
 
હું પણું નીકળી જાય ત્યારે પ્રિય પ્રભુનો જ સંબંધ રહેવાથી અનેક જન્મોથી ભૂલા પડેલા દૈવી જીવને પ્રિયતમના સાક્ષાત મિલન માટે પ્રચુર તાપ ક્લેશ વધી જાય છે. આવા તાપ ક્લેશથી હદય અત્યંત કોમલ-દીનતાવાળું બને છે ત્યારે પ્રેમ સ્વરૂપ પ્રિયતમ હદયમાં પ્રગટ થઈ જાય છે ત્યારે માયાના બંધનમાંથી જીવ છુટ્ટો થાય છે. દેહાદિના અધ્યાસ રહેતા નથી. આ પછીની આપણી અવસ્થા પ્રેમમય હોય છે. હદયમાં પ્રેમ સ્વરૂપ પ્રભુ પ્રગટ થવાથી જે અવસ્થા થાય છે તે નીચેના દોહામાં કહે છેઃ
 
પ્રેમ પ્રગટ જબ હોય હે, ભૂલે જગત કો ભાન ।
તું તું તું રહી જાય હે, હું કો મીટે નિશાન ।।
 
દિવ્ય પ્રેમ આપણા ભૌતિક દેહને અને ભૌતિક જગતને ભૂલાવી દે છે અને તું-તું –તું એટલે પ્રાણવલ્લભનું ભાવાત્મક (માનસી) સ્વરૂપ સર્વત્ર લાવણ્યામૃતની વર્ષા કરતું અનુભવાય છે.
 
“પીત્વા મુકુંદ મુખ સાર ધમક્ષિ ભૃંગેઃ।”
 
મધપુડામાં મધમાખી ચીપકીને જેમ મધુપાનમાં નિમગ્ન બની જાય છે તેમ શ્રીગોપીજનોની નેત્રરૂપી ભ્રમરીઓ સર્વત્ર પ્રિયતમના લાવણ્યામૃતનું મધુપાન કરી રહી છે. ભૌતિક દેહના અધ્યાસ નિવૃત્ત થવાથી ભૌતિક દેહનું વિસ્મરણ થઈ જાય છે. ભૌતિક દેહના વિસ્મરણ સાથે ભૌતિક દેહના સંબંધી પતિ- પુત્રાદિક પરિવાર અને ભૌતિક જગતનું પણ વિસ્મરણ થઈ જાય છે, અને આપણાં અલૌકિક દેહથી લાવણ્યામૃત પાન નિરંતર થાય છે. આપણી દુનિયા જ અલૌકિક બની જાય છે અલૌકિક જગત સાથે જ આપણી જ અલૌકિક દેહથી સંબંધ રહી આવે છે. પરંતુ પ્રેમ સ્વરૂપ હદયમાં પ્રગટ થયા પછી ઉપરોક્ત અવસ્થા બને છે. આ પ્રેમ સ્વરૂપનું પ્રાગટ્ય નિઃસાધન દૈન્ય ભાવથી થાય છે. હું મારા દિવ્ય દેહને પ્રાપ્ત કરી પ્રાણવલ્લભની સુખદ સેવા ક્યારે કરીશ ? આ પ્રકારના તાપભાવ પૂર્વક આપણા માનસી દિવ્ય સ્વરૂપનુ ધ્યાન કરવું અને શ્રીસર્વોત્તમજીથી આપશ્રીનું ગુણગાન અને નામ-સ્મરણ પણ તાપભાવપૂર્વક કરવાથી નિઃસાધન દૈન્ય ભાવ પ્રાપ્ત થતાં માયાના ટેરાને હટાવીને આપણા પ્રિયતમ હદયમાં પ્રગટ થઈ જાય છે.
 
આપણી સાધન દશામાં બીજાનાં રાગ અને દ્વેષના આસુરીભાવો અવિદ્યા માયા ઉત્પન્ન કરે છે. આ ભાવો આપણાંમાં હોય ત્યાં સુધી પ્રેમ સ્વરૂપનું પ્રાગટ્ય હદયમાં થતું નથી. પ્રાણવલ્લભ ભાગવતાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કેઃ પ્રાણી માત્ર પ્રત્યેથી દ્વેષભાવ નિવૃત્ત થાય ત્યારે જ ભગવાનમાં ભક્તિ (પ્રેમ) થાય છે. દ્વેષ ભાવ આસુરી હોવાથી હૃદયને કઠોર બનાવે છે. આપશ્રીની આ આજ્ઞાનુસાર આપણા ભાવ સ્વજાતિ વલ્લભીજન સિવાય કોઈમાં રાગ નહીં કરવો અને બીજાના દોષ જોઈને દ્વેષ પણ નહીં કરવો. ઊંચ-નીચમાં પ્રભુની લીલા ભાવના વિચારી મનને રાગ દ્વેષની ખટપટમાંથી નિવૃત્ત કરતાં રહેવું. આવા જ આશયથી આપશ્રીએ સ્વકીય હિતાર્થ નવરત્નમાં આજ્ઞા કરી છે.
 
“લોકે સ્વાસ્થ્યં તથા વેદે, હરિસ્તુ ન કરિષ્યતિ ।
પુષ્ટિમાર્ગ સ્થિતો યસ્માત્ સાક્ષિણો ભવતા ખિલા।।”
 
“પુષ્ટિમાર્ગ”એટલે પ્રેમમાર્ગમાં સ્થિત થવા માટે સાક્ષિવત થઈ જવું. “સાક્ષિવત”એટલે કોઈમાં રાગ અને દ્વેષથી મનનો તેમાં પ્રવેશ થવા ન દેવો. ઊંચ-નીચ સર્વમાં લીલા ભાવના રાખવી. આ ભાવનામાં બીજે અટક્યા વિના પ્રભુનો સંબંધ બન્યો રહે છે અને તેથી માયા દૂર રહે છે. પ્રેમ મારગમાં મનને બધેયથી નિવૃત કરી પ્રિય પ્રભુમાં સ્થિર કરવાનું હોય છે. તે પ્રેમમાર્ગની રીત રસિક મહાનુભાવ શ્રીનંદદાસજીએ “પંચ મંજરી”માં બતાવી છેઃ
 
“પ્રેમ એક-એક ચિત્ત સો, એક હી સંગ સમાય ।
ગાંધી કો સોદા નહીં, જન-જન હાથ બિકાય ।।”
 
રાગ અને દ્વેષમાંથી મનને નિવૃત્તિ કરી સર્વત્ર ઊંચ-નીચમાં લીલા ભાવના રાખી હું મારા પ્રાણવલ્લભને સુખદ ક્યારે બનીશ ? તેવા તાપભાવપૂર્વક સેવા-સ્મરણ, ગુણગાન,ધ્યાન નિઃસાધન દૈન્યભાવે કરતા રહેવાથી પ્રિયતમ હદયમાં પ્રાદુર્ભૂત થઈ જાય છે. આ સમયે ત્રિવિધ માયાનો પ્રલય થઈ જાય છે. આપણી ભૂતલ સ્થિતિમાં સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન રૂપી અલૌકિક સાધનોથી જે પુરૂષાર્થ પ્રાપ્ત કરવાનો છે, તે આપણો અલૌકિક દેહ છે. આ અલૌકિક દેહ તત્સુખના તાપભાવથી સત્વરે સિદ્વ થાય છે, અને આ અલૌકિક દેહથી જ મૂલધામમાં પ્રવેશ થાય છે. અલૌકિક દેહ પ્રાપ્ત કરીને આપણે મૂલધામમાં પ્રવેશ ન કરીએ ત્યાં સુધી પ્રિયતમના શ્રમની નિવૃત્તિ કરી શકતા નથી. પ્રેમ સંબંધમાં આપણા દુઃખે પ્રિય દુઃખી હોય છે. અનેક ઉપાધિથી ઘેરાયેલા સંસારમાં રહેલા નિજજનને શું સુખ હોઈ શકે ? આવા નિજજનના દુઃખે પ્રિયને દુઃખ થાય છે. આપણે જો પ્રિયના શ્રમની નિવૃત્તિ કરવી હોય તો સંસારમાં વૈરાગ્ય રાખવો. વૈરાગ્યથી જ મન બધા બંધનોમાંથી છુટું થાય છે. છુટા થયેલા મનને સતત સેવા-સ્મરણ, ગુણગાન, ધ્યાનમાં લગાડવું. આ સાધનોમાં ભાવના પ્રિયને સુખદ બનવાની રાખવી.
 
સંસારમાં કેવી રીતે રહેવું તે પરમાનંદદાસજીના પદમાંથી જાણવાનું છેઃ “મેરો મન ગોવિંદ સો માન્યો, તા તે જીય ઓર ન ભાવે.”

આ પદાનુસાર સ્થિતિ બનાવવાથી પ્રિયના શ્રમની નિવૃત્તિ કરી શકાય છે. બધેયથી નિવૃત્ત થયેલું મન અવલંબન વિના રહી શકતું નથી. તેથી પ્રિયના સ્વરૂપનું જ અવલંબન લેશે. તે જ સમયે એટલે મનનો પ્રવેશ પ્રિયમાં થતાં જ ભૌતિક જગતનું અને આપણા ભૌતિક સ્વરૂપનું વિસ્મરણ સદાને માટે થઈ જાય છે. અને આપણા દિવ્ય સ્વરૂપમાં જ નિરંતર સ્થાયી સ્થિતિ બની જાય છે. જેમ જહાજ ઉપર બેઠેલું પક્ષી ચારેકોર ઘૂમે છે, પણ બેઠવાની જગ્યા નહીં મળવાથી જહાજનો જ આશ્રય લે છે, તેમ વૈરાગ્યથી મન ભૌતિક જગતમાં અવલંબન રહિત બની જવાથી પ્રિયના સ્વરૂપનું જ અવલંબન લે છે. આપણે જે પ્રિય સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ, આ સ્વરૂપ જ પ્રપંચથી નિવૃત્ત થયેલા મનનું અવલંબન બને છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.