।। અસહાય શૂર ।।
spacer
spacer

લેખકઃ શ્રીવલ્લભપાદપદ્મમિદિન્દ

“રતિપથ પ્રગટ કરન કો પ્રગટે, કરુણાનિધિ શ્રીવલ્લભ ભૂતલ.”
 
સ્વકીયો માટે આપે રતિપથ પ્રગટ કર્યો છે. જ્ઞાનમાર્ગ નહિ. પ્રેમપંથમાં અરસ-પરસ આધીન રહેવું એ જ નિયમ હોય છે. આપ આજ્ઞા કરે છે કે, પુષ્ટિ પ્રભુનો સ્વભાવ પોતાના પ્રેમી ભક્તોને આધીન રહેવાનો છે. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન સર્વમાં નિજજનોની સાથે જ વિપ્રયોગથી તાપાત્મક સ્વરૂપથી રહેવું એવો વિલક્ષણ ભક્તિમાર્ગ આપે પોતાના પ્રેમીજનો માટે જ પ્રગટ કર્યો છે. નિત્ય સખા પ્રિય સાથે જ હોય પછી કોની સહાયતાની જરૂર રહે ? આ અસહાય શૂરનું અતિ મૌલિક રહસ્ય આપની કૃપા – પ્રેરણાના બળે હાલમાં જ સમજાયું તે મારા માટે અને સ્વકીયો માટે છે. અસહાય શૂરને સમજવા માટે દ્રષ્ટાંતઃ
 
શ્રીજીને પાટ બેસાડ્યા પછી આપે રામદાસજીને આજ્ઞા કરીઃ ‘રામદાસજી, શ્રીજીની સેવા કરો.”
 
“મહારાજ ! હું સેવામાં કેઈ સમજતો નથી, કેવી રીતે સેવા કરૂં ?”આપે આજ્ઞાકરી, “શ્રીજી બધું શીખવી દેશે.”રામદાસજીને કરેલી આજ્ઞા ભૂતલસ્થ સ્વકીયોને પણ લાગુ પડી જાય છે. જીવનમાં ખૂબ ઘૂંટવા જેવું આ અનુપમ રહસ્ય છે. આધિદૈવીક દેહને સિદ્ધ કરવા માટે જે-જે સાધનની જરૂર છે તે પ્રિય પ્રભુ નિકટ રહી પ્રેરણા દ્વારા જ સિદ્ધ કરે છે.
 
“ઉત્પનેન હી પરમ પુરૂષાર્થ, સાધનીય સ-ચ ભગવદીય ભાવ, તથા યત્ન કર્તવ્યો વ્યથા સઃ ભવતિ.”
 
ઉપરોક્ત આજ્ઞા આપે સુબોધિનીજી 10-35-27 માં કરી છે તેનું રહસ્ય ઉત્પનેન એટલે બ્રહ્મસંબંધ થયા પછી જે પરમ પુરૂષાર્થ પ્રાપ્ત કરવાનો છે તે સ્વકીય જનનું નિત્ય સિદ્ધ આધિદૈવિક સ્વરૂપ છે. આપણા જ આધિદૈવિક દેહને પ્રાપ્ત કરવા માટે સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન સાધનો છે. આ સાધનોમાં પ્રિય પ્રભુ સાથે જ રહે છે. પ્રિય પ્રભુ પોતે જ સાધનરૂપ થઈ જાય છે. અને આપણા નિત્ય સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. આપ જ સાધનરૂપ થતાં હોવાથી અન્યની સહાયતાની જરૂર નહિં રહેતી હોવાથી અસહાય શૂર કહેલ છે.
 
મર્મજ્ઞ શિરોમણિ શ્રીહરિરાયચરણના પદોમાં અને સ્તોત્રોમાં અસહાય શૂરને જણાવનારૂં ઘણું જ રહસ્ય મેળવી શકાય છે.
 
“બન જા હરિદાસા હરિદાસા રે,
મન છોડ સબન કી આશા.
સુધા સિન્ધુ કે નિકટ બસત હૈ,
ક્યોં રહત મૂઢ પ્યાસા.
 
જે સુધા સ્વરૂપ લીલાલોકના સમસ્ત લીલા પરિકરની આત્મા રૂપે રહી સમસ્તનું પોષણ કરી રહેલ છે તે જ સુધા સ્વરૂપ ભૂતલસ્થ વલ્લભજનની આત્મા રૂપે નિકટ બિરાજે છે. શ્રીહરિરાયચરણ તો આ સુધા સ્વરૂપથી વેષ્ટિત જ છે. સ્વકીયોને તેનો પરિચય કરાવે છે કે તમારી જ આત્મારૂપે નિકટ બિરાજે છે પછી કોની આશા કરવાની હોય ? સુ.3-25-41 માં ભગવદ્ વાક્ય છે.
 
“હું સર્વ પ્રાણીઓનો આત્મા છું.”આત્મા જ તેનો સંસાર દૂર કરવાનો ઉપકાર કરે છે. કારણકે, સ્વાર્થ વિના એક ઉપર બીજો ઉપકાર કરતો નથી. તેથી ભગવાન જ જ્ઞાન વિગેરે રૂપ હોવાથી સંસાર દૂર કરનારા છે. પ્રકૃતિ વિગેરેને અટકાવનાર હોવાથી ફરી સંસાર થવા દેતાં નથી. અને આત્મા હોવાથી અવશ્ય હિત કરનારા છે અને તેથી બીજાથી ભય દૂર ન થાય તે યોગ્ય જ છે.
 
તીવ્ર એટલે તરત આવનારો, નજીક રહેનાર, ભયને અટકાવનારથી જ ભય દૂર થાય તેવો ભગવાન આત્મા હોવાથી નજીક રહેનાર હોવાનું સિદ્ધ થયું છે. શ્રીવલ્લભાગ્નિનો ઉગ્ર મહિમા શ્રીગોકુલેશ પ્રભુએ શ્રીસર્વોત્તમજીની સ્નતંત્ર ટીકા અંતર્ગત “વિરહાનુભવેકાર્થ સર્વત્યાગો પદેશકઃ।”નામમાં જતાવ્યો છે. શ્રીવલ્લભાગ્નિના સાનિધ્યથી એક ક્ષણમાં નિજજન પોતાના નિત્ય સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરીને મુલધામમાં પ્રાણવલ્લભની તત્સુખાત્મક અખંડ સેવામાં પ્રવેશ કરે છે. અહીં પણ અસહાય શૂરના રહસ્યને વિચારવું. હદયમાં બિરાજતું વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ જ પૂર્ણ છે અને સ્વકીયોએ તે સ્વરૂપમાં જ વિરહાનુભવથી પ્રવેશ કરવાનો છે. આ સ્વરૂપ સિવાય બાહ્ય કોઈનો પણ સંબંધ પૂર્ણનો આશ્રય સિદ્ધ કરવામાં વિલંબ કરે છે. તેથી વિરહ ભાવાત્મક સ્વરૂપમાં પ્રવેશ માટે તે સ્વરૂપનો જ અનન્ય આશ્રય –સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાનના સાધનથી સિદ્ધ કરવાનો રહે છે. આ પ્રકારને અસહાય શૂર કહેલ છે. પોતાના દેહમાં જ અંતર્યાંમીનું ભજન કરવાથી તેમની પ્રાપ્તિ થાય છે. સ્કંધ-3 માં સર્ગલીલા છે. સર્ગ એટલે નિજજનોને તેના આધિદૈવિક દેહની પ્રાપ્તિ કરાવનારી લીલા તે સર્ગ લીલા. વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ નિજજનોના હદયમાં જ બિરાજે છે . તેનું જ ભજન, સેવા, સ્મરણ, ગુણગાનની આજ્ઞા કરે છે. સ્વતંત્ર ભક્તિનું બીજું નામ અસહાય શૂર જ પ્રવેશ કરી શકે છે. પૂર્ણમાં આશ્ર.નું દ્રષ્ટાંત છે-મહાવનના ક્ષત્રાણીજી નિત્ય શ્રીયમુનાજીની ગાગર ભરવા જતા હતા. એક દિવસ ગાગર ભરવા ગયા ત્યારે શ્રીયમુનાજીમાં શ્રીઠાકુરજીના જ સ્વરૂપો ખેલતા હતા. તે સ્વરૂપોએ ક્ષત્રાણીજને કહ્યું, “હમકો તેરે ઘર પધરાઈ જા.”ક્ષત્રાણીજીએ કહ્યું, “ઘર મેં બિરાજત સ્વરૂપ આજ્ઞા કરેંગે તબ પધરાઈ જાઉંગી.”ક્ષત્રાણીના ઘરમાં શ્રીમહાપ્રભુજી બિરાજતા હતા. શ્રીવલ્લભના જનને બીજા ભગવદ્ સ્વરૂપની પણ અપેક્ષા નથી હોતી. “મારો જન મારા સિવાય અન્ય સ્વરૂપનો પણ અપેક્ષિત નથી.”
 
આવું પોતાના જનનું ગૌરવ બતાવવા આ ચરિત્ર શ્રીવલ્લભે જ પ્રગટ કર્યું છે. જ્યારે ભગવદ્ જનને અન્ય ભગવદ સ્વરૂપની અપેક્ષા નથી ત્યારે બિન્દુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિની અપેક્ષા રહે જ કેમ ? “જાચુ જાય કોન કે ઘર પે, શ્રીવલ્લભ સો પાય ઘની.” “ તીન લોક હું ફીર ફીર આયો, આનંદ અલ્પ ઉપાધિ ધની.”મહાનુભાવ શ્રીપદ્મનાભદાસજી પાસે શ્રીપ્રાણવલ્લભના યશોગાન શ્રવણ માટે આર્ત વલ્લભીયો આવતા જ રહેતા. એક સમયે ઉપરના પદનું ગાન કરતા હતા ત્યારે જીજ્ઞાસુ વલ્લભીયોએ પદ્મનાભદાસજીને પ્રશ્ન કર્યો કે, “શ્રીવલ્લભ જેવા ધણીને છોડીને કોની પાસે યાચના કરૂં ?” આપના આ કથનમાં શું રહસ્ય રહેલું છે તે કૃપા કરીને સમજાવો. ત્યારે પદ્મનાભદાસજી ભાવવિભોર બનીને કહેવા લાગ્યા. “પ્યારે વલ્લભીયો ! આપણા પ્રાણ વલ્લભથી તો સમસ્ત ગોલોક નભી રહ્યું છે અને આ જ પ્રાણ પ્રિય વલ્લભ આપણાં આત્મારૂપે આપણા હદયમાં અતિ નિકટ બિરાજે છે. પછી આપણે કોની પાસે યાચના કરવી ? લીલા લોકમાં સર્વત્ર સુધા સ્વરૂપનું સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. તે જ સુધા સ્વરૂપ આપણા પ્રાણ વલ્લભ છે. ભૂતલસ્થ ભગવદ્ સંબંધ વાળામાં ભગવદ્ સન્મુખતા ન હોય ત્યારે કાળની સત્તા વ્યાપે છે, તેથી ભગવદ્ સન્મુખતાથી લીધેલો આનંદ તિરોહિત થઈ જાય છે. પછી સંસારની ઉપાધિઓમાં ઉર્જાય છે. આવી સૃષ્ટિ સાથે શ્રીવલ્લભજન સંબંધ રાખી શકતો નથી. એક જ ભગવાન સર્વ પ્રાણીની અંદર પુરુષરૂપથી અને બહાર કાળરૂપથી રહેલા છે. શિક્ષા શ્લોકીમાં આપે આ જ આજ્ઞા કરી છે કે, કોઈપણ પ્રકારે પ્રભુથી વિમુખ થશો તો કાળ તમારૂં ભક્ષણ કરશે અને અંતર્મુખ હોય તો પુરુષરૂપથી પ્રફુલ કરે છે એવું પ્રયોજન છે. તેથી જ ભગવાન પોતાની માયા એટલે સર્વ થવાની શક્તિ વડે બન્ને પ્રકારના થઈ સર્વ પ્રાણીઓની સાથે સારી રીતે સંબંધમાં આવે છે. કેમ કે પ્રાણીઓ બહાર કાળમાં લય પામે છે અને અંદર પુરૂષમાં અભયરૂપ છે. એટલો ભેદ છે. “વિરહ વિના નહીં પ્રીત કી ખોજ લાગે વિના કહુ કૈસે આવે, ઈન અખિયન મેં રોજ, જબ તે દુરી ભયે નંદનંદન વેરી ભયો મનોજ, સૂરદાસ પ્રભુ નિઃશંક જે જન, સો જન રાજા ભોજ.”
 
ઉપરોક્ત પદ ભ્રમર ગીત વાળા શ્રીગોપીજનોની અવસ્થાની સંગતિમાં શ્રીસૂરદાસજીએ ગાન કર્યું છે. તેમાં પ્રીતિની ખોજ કરવાની વાત કરી અને તે વિરહાનુભવથી ખોજ થઈ શકે છે. અહીં પ્રશ્ન થાય છે કે, આ ગોપીજનોએ વ્યસનાત્મક પ્રેમને પ્રાપ્ત કર્યો છે અને વ્યસનભાવ માટે આપે “ભક્તિ વર્ધિની”માં કૃતાર્થતા કહી છે. કૃતાર્થતામાં કંઈ જ કરવાનું બાકી રહે નહીં તો શ્રીસૂર શ્રીગોપીજનો માટે પ્રીતિ ખોજવાનું કહી રહ્યા છે તો આ પ્રીતિનું સ્વરૂપ શું છે ?  આ શ્રીગોપીજનોનો વ્યસનાત્મક પ્રેમ પ્રસિદ્ધ પુરૂષોત્તમમાં થયો છે. પ્રસિદ્ધ પુરૂષોત્તમ અગણિતાનંદ રૂપ નથી. વેદાતીત નિત્ય લીલાસ્થ સ્વરૂપ જ અગણિતાનંદ રૂપ છે અને અગણિતાનંદમાં પ્રવેશ માટે જ વિરહનું દાન કર્યું છે. વિરહ આત્માનંદ સમુદ્રમાં નિમગ્ન કરે છે. અગણિતાનંદનો સાનુભવ પણ આત્માથી જ થાય છે. તેથી આપે આજ્ઞા કરી “આંતરં તું મહા ફલમ્” અસહાય શૂર આ વાક્યથી શ્રીવાકપતિ નિજજનને પ્રબોધે છે કે, મારો જન એવો શૂર છે કે તેને મારા સિવાય અન્ય કોઈપણ ઈશ્વરની જરૂર નથી. મારા યશોગાન અને ધ્યાન માતા સંપૂર્ણ સામર્થ્યને ધારણ કરી લે છે. ત્યારે તેને મારી પણ બાહ્ય અપેક્ષા રહેતી નથી, પણ મને તેની અપેક્ષા રહે છે.
 
“દમલા ઔર ભક્ત બહોત હૈં મૈં, તેરે વશ હું.”

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.