પુષ્ટમાર્ગિનો શિખર સિધ્ધાંતઃ કર્તવ્ય નિષ્ઠા
spacer
spacer

શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

જેમ અરણ્યમાં રહેતા કેસરી સિંહની ગર્જના સાંભળી શિયાળવાના ટોળા તો પ્રાણ બચાવી ભાગે પણ મોટા હાથી જેવા પ્રાણીઓ પણ ભાગવા લાગે છે. તેમ કર્તવ્યરૂપી કેશરી સિંહ આગળ ખોટા વિચારોરૂપી (કુસૃષ્ટિરૂપી) શિયાળવા અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ નાસવા લાગે છે. અથવા વૃથા વિચારોનું સૈન્ય કર્તવ્યના તેજપુંજ અગ્નિમાં બળી જાય છે.
 
આપણા અલૌકિક સ્વામી શ્રીવલ્લભની આજ્ઞા સતત કર્તવ્ય પાલનની છે. “સિદ્ધાન્તરહસ્ય” તથા “સિદ્ધાન્ત મુકતાવલી”માં તનુ-વિત્તજા સેવા માટે,“નિરોધલક્ષણ”ગુણગાન અને ધ્યાન માટે, “નવરત્ન”માં અષ્ટાક્ષરના સ્મરણ માટે,“ચતુઃશ્લોકી”માં ચિંતન માટે કર્તવ્યનિષ્ઠ થવાની જ આજ્ઞા છે.
 
સ્વામીની આજ્ઞા કર્તવ્યપાલનની છે તે જ હર સમય અમલમાં મૂકવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કર્તવ્ય આગળ કઠીન-અશક્ય જેવું કંઈ છે જ નહિં, સાંભળો...
 
“ગમનો પ્રસંગ હો કે ખુશીનો પ્રસંગ હો,
કોઈને સમાધિનો કે પ્રિયાનો ઉછંગ હો,
કર્તવ્યમય જીવને વળી, સ્થળ અને કાળ શું ?
હસતા રહે છે ફૂલ ગમે તેવા રંગ હો.”
 
“ગમ”એટલે ગ્લાની (ક્લેશ) નો પ્રસંગ આવે ત્યારે, સમાધિમાં કે પ્રિયાના ઉછંગમાં હોઈએ ત્યારે અથવા સુખમાં કે દુઃખમાં કર્તવ્યને નહીં ચૂકનારાનો મિથ્યા વિચારોરૂપી શત્રુઓથી પરાજય થઈ શકતો નથી. સિદ્ધાન્ત સમજવા છતાં પણ કર્તવ્ય પરાયણ નહીં રહેનારા અને લાચાળ બનનારાઓમાં કુતકોંનું પાખંડપણું હોવાથી પ્રભુની પ્રસન્નતા થતી નથી. અથવા અપ્રસન્ન રહે છે. પ્રભુની અપ્રસન્નતા થવાથી બહિર્મુખ બની પુષ્ટિ અનમોલ જીવન વેડફી નાખે છે. હર સમય કર્તવ્યનો ખ્યાલ રાખવાનો છે. કર્તવ્ય નિષ્ઠતા શ્રીમહાપ્રભુજીનો નિશ્ર્ચયાત્મક સિદ્ધાન્ત છે. અને તે બિન્દુ તથા નાદ ઉભય સૃષ્ટિ માટે છે; ન કે માત્ર નાદ સૃષ્ટિ માટે.
 
તોફાની અશ્વ ઉપર સ્વાર થનારો લગામ હાથમાં લઈ સાવધાની ન રાખે તો અશ્વ તેને ઈષ્ટ માર્ગેથી અનિષ્ટ માર્ગે ચઢાવી દે. ઈષ્ટ રાહમાં પણ બીજા ઘણાં રાહો નીકળતા હોય છે. તે અવળા માર્ગે ન ચાલે તે માટે કર્તવ્યરૂપી ધ્યેયને માર્ગે ચલાવવો. કર્તવ્ય ચાબુકનું અથવા મદોન્મત હસ્તીને કાબુમાં લાવવા અંકુશનું કામ કરનાર છે. કર્તવ્યનિષ્ઠને સ્થળ અને કાળ બાધક થઈ શકતું નથી. અષ્ટાક્ષરનું સ્મરણ નોકરી ધંધામાં કે કોઈપણ સમયે અને કોઈપણ સ્થાને થઈ શકે છે. સતત નામ સ્મરણની આજ્ઞા નવરત્નમાં કરી છે. આ સતત સ્મરણરૂપી કર્તવ્યના મહાન યજ્ઞ (અગ્નિ) માં મિથ્યા વિચારોમા મોટા મોટા સૈન્ય હોમાતા જાય છે. હદયરૂપ કુરુક્ષેત્ર શત્રુ વગરનું બની જાય છે. પછી હદય કુરુક્ષેત્ર નહી રહેતા પ્યારાને સ્થાયી બિરાજવાની નિકુંજ – નિભૃત નિકુંજ બની જાય છે. કર્તવ્યના અદભૂત સામર્થ્યનું આથી વધારે શું વર્ણન થઈ શકે ?
 
મનુષ્ય કાલ્પનિક મુશ્કેલીઓથી ડરી ડરીને જીવનનો પંથ કાપે ઢે. એટલે જીવનના કર્તવ્યનો ખ્યાલ એને આવતો નથી. ખોટી કલ્પના, ચકરાવા ખાતી બુદ્ધિ, અધિરતા, અસ્થિરતા અંતરાયરૂપ બને અને સાધકને નાહિંમત બનાવી દે. પણ જેણે એકસરખા પ્રકાશવાળું ખરું કર્તવ્ય જોયું હોય (જાણ્યું હોય) તેવો સાધક મુશ્કેલીઓનો અનુભવ કરીને પણ કદીયે પીછેહઠ કરતો નથી.
 
શુદ્ધ અને પવિત્ર કાર્યો સાધકને નવીન શક્તિ આપે છે. “શુદ્ધ અને પવિત્ર કાર્ય”એટલે તત્સુખાત્મક મહાન દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરવો. આ દિવ્ય પ્રેમને પ્રાપ્ત કરવો એ જ તેનું (સાધકનું) ખરૂં કર્તવ્ય છે. આ દિવ્ય પ્રેમમાં પ્રિયતમ તરફથી મને સુખમળે તેવા સ્વાર્થ ભાવની ગંધ પણ હોતી નથી. પ્રિયતમના સુખમાં સુખી એ જ તત્સુખી પ્રેમી સાધકનો અટલ નિયમ હોય છે. “શુદ્ધ અને પવિત્ર કાર્યો સાધકને નવિન શક્તિ આપે છે.”આ વાક્યનું સ્વારસ્ય એ છે કે દિવ્ય પ્રેમની ઉત્કૃષ્ટ અવસ્થા પર પહોંચવા માટે નિત્ય સખા પ્રિય પ્રભુ આ તત્સુખી પ્રેમી સાધકને બહારના પ્રકટ સ્વરૂપથી સંયોગ સુખ આપતા નથી. અથવા સંયોગ સુખમાં સ્થિત થવા દેતા નથી. તેનું કારણ સંયોગ સુખથી પણ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી અનુભવાતું સ્વરૂપાનંદનું સુખ અગણિત છે. પોતાના પ્રેમપાત્રને અગણિત સુખનો અનુભવ કરાવવા પ્રાણવલ્લભ વિપ્રયોગનું દાન કરે છે.
 
વિપ્રયોગથી પ્રેમી સાધકના મનને બહારનું અવલંબન નહીં મળવાથી આંતર આત્મગામી બને છે. “આત્મગામી”એટલે દૈવી જીવનો પોતાના નિત્ય સિદ્ધ આધિદૈવિક (આત્મ) સ્વરૂપમાં તેના મનનો પ્રવેશ થવો. પ્રેમી ભક્તનું આ નિત્ય સિદ્ધ સ્વરૂપ કેવું છે ? સ્વયં પ્રકાશ, સ્વયં સૃષ્ટા, સર્વભવન સમર્થ, અચિંન્ત્ય, અનંતશક્તિ યુક્ત, અગણિતાનંદ રૂપ આવા પોતાના જ દિવ્ય સ્વરૂપમાં મનનો પ્રવેશ થવો તેનું નામ આત્મગામીતા. પ્રેમી સાધકનું આ આત્મ સ્વરૂપ અગણિત આનંદરૂપ છે. તેને પ્રાપ્ત કરીને પોતાના પ્રિયતમને અગણિત રસાનંદનો અનુભવ કરાવે છે. આ પ્રેમી ભક્તની સાધન દશામાં પ્રાકૃત અધ્યાસ જે દેહ, પ્રાણ, ઈન્દ્રિયો, અંતઃકરણમાં રહેલા છે તેને અપ્રાકૃત બનાવવા ભારે આત્મમંથન કરવું પડે છે. દૈવી અને આસુરી ભાવનું આ મંથન છે. જેમ દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું તેમાં ઝેર અને અમૃત બંને નિકળ્યા. તેમ વિરહાનુભવમાં આ આત્મમંથન થાય છે. તેમાં પ્રાકૃતભાવો રૂપી વિષ બહાર નિકળે છે. પછી આત્માના અંતઃસ્તલમાં ગૂઢરૂપે રહેલા દિવ્ય પ્રેમરૂપી અમૃત પ્રાપ્ત થાય છે ત્યારે તે જ સમયે તનવત્વતા પ્રાપ્ત થાય છે. આ તનુનવત્વતા તે જ દૈવી જીવનું નિત્ય સિદ્ધ આધિદૈવિક સ્વરૂપ છે, તેમાંજ અગણિતાનંદ સ્વરૂપથી પ્રિયતમની તત્સુખાત્મક સેવા કરે છે. વિપ્રયોગના અનુભવમાં આ પ્રેમી સાધકને સર્વાત્મભાવ સિદ્ધ થાય છે. તેથી તેને “સેવાફલ”માં કહેલ “અલૌકિક સામર્થ્ય”પ્રાપ્ત થાય છે. અને આ સામર્થ્યથી પોતાના દિવ્ય સ્વરૂપમાંથી કોટાનકોટિ સ્વરૂપો પ્રગટ કરી પ્રિયતમને રસનંદનો અનુભવ કરાવે છે. આ સર્વ શ્રીવલ્લભાગ્નિની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આ તથ્યને ભૂલવું નહીં જોઈએ.
 
જેને સ્નેહનો ગર્વ નથી એને સ્નેહનો શોક પણ નથી. એટલે પ્રિયના સુખમાંજ જે સાધક સુખી છે તેને પ્રિયના વિયોગનો શોક થતો નથી. કારણકે તત્સુખી પ્રેમીજનમાં વિરહની અસહ્ય વ્યથાને સહન કરવાનું સામર્થ્ય તેના નિત્ય સિદ્ધ આત્મસ્વરૂપમાંથી જ પ્રાપ્ત થતું રહે છે. આ તેનું આત્મ સ્વરૂપ તેના ભૌતિક સ્વરૂપની ભીતર જ હોય છે. સામર્થ્ય પ્રાપ્ત થવાથી પોતાની ચિંતાનો કે બીજા કોઈપણ પ્રકારનો બોજ પ્રિય પાત્ર ઉપર રાખતો નથી.

તત્સુખી પ્રેમીજન હરિનો પણ હરિ બની જાય છે. ભાગવતાર્થ નિબંધમાં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે, ‘કૃપા જીવનું કાર્ય કરે છે. જ્યારે ભક્તિ (પ્રેમ) ભગવાનનું કાર્ય કરે છે.’એટલે આ તત્સુખી પ્રેમી ભક્તને પ્રભુની કૃપા પણ અપેક્ષિત નથી. તે તો સ્વયં કૃપાનું જ સ્વરૂપ બનીને પ્રિયતમની નિરવધિ તત્સુખાત્મક સેવા કરે છે. એક ક્ષણમાં કરોડો રસાત્મક બ્રહ્માંડોને ઉત્પન્ન કરે તેવું અંતરંગ યોગમાયાનું સામર્થ્ય છે. તેવું જ આ તત્સુખી પ્રેમી ભક્તને પ્રાપ્ત થતું દિવ્ય મહાન સૌભાગ્ય કે જેમાં તત્સુખાત્મક દિવ્ય પ્રેમનો મહાસાગર લહેરાય છે, તેને પ્રાપ્ત કરવાનો જ હર સમય વિચાર તત્સુખી પ્રેમીજનોએ કરવો તે જ તેનું ગૌરવભર્યું મહત્વ અને કર્તવ્ય.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.