આનંદના મહોદધિ શ્રીવલ્લભ
spacer
spacer

લે. પ.ભ. શ્રી... ચરણરજ કિંકર

“દાતા ભોકતા ઓર ન દુજા સાચા ત્રિભુવન રાય વહાં” આ ચોખરામાં ગોપાલદાસજીએ જે ગાયું છે તેનો ભાવાર્થ એવો થાય છે કે. ગોલોકધામની અનંત પ્રકારની લીલાઓ છે, અને તે લીલાઓમાં જે દિવ્ય આનંદ રહેલો છે, તે આનંદના દાતા શ્રીવલ્લભપ્રભુ છે. લીલાધામમાં કોટાનકોટી (જેની ગણત્રી ન થઈ શકે તેટલી) દિવ્યકુંજો, નિકુંજો છે. પ્રત્યેક કુંજ નિકુંજોમાં તેટલાજ શ્રી સ્વામિનીજીઓ બિરાજી રહ્યા છે. અને જેટલા શ્રી સ્વામિનીજીઓ છે, તેટલાજ તેમના ભાવાત્મક નિકુંજ નાયક શ્રીજીનાં સ્વરૂપો છે આ જેટલા શ્રી સ્વામિનીજીઓ, અને તેમના ભાવાત્મક શ્રીજીના સ્વરૂપો છે. તે સર્વને આનંદનું દાન કરનાર શ્રીવલ્લભ છે. અને જેવી રીતે લીલાધામના પરિકરમાં શ્રીવલ્લભ જ આનંદના દાતા છે, તેમ ભૂતલના પરિકરમાં પણ શ્રીવલ્લભજ આનંદના દાતા છે શ્રીવલ્લભ વિના પુષ્ટિ પ્રભુની કોઈપણ લીલા થઈ શકતીજ નથી. શ્રી સર્વોત્તમજીનું પ્રથમ નામ જે “આનંદ”છે તે સ્વરૂપમાંથી લીલાલોકના પરિકરમાં આનંદ પહોચે છે. આપ આનંદના મહાસાગર સ્વરૂપ છે, તેનો નિરંતર પ્રવાહ લીલાલોકના પરિકરમાં પ્રવાહિત થઈને, સર્વ પરિકરને આનંદ કરાવે છે. તેવી જ રીતે ભૂતલના પરિકર માટે સમજવું.
 
આ પ્રકારેશ્રીવલ્લભની કૃપા વિના દિવ્ય આનંદનો અનુભવ સર્વથા થઈ શકતો નહી હોવાથી શ્રીવલ્લભનો જ અનન્ય આશ્રય કરવા શ્રીગુસાંઈજી, શ્રીગોકુલેશપ્રભુ, શ્રીહરિરાયચરણ અને શ્રીપદ્મનાભદાસજી, આદિ મહાનુભાવોએ અત્યંત આગ્રહ કરેલો છે શ્રીહરિરાયચરણોએ તો શિક્ષાપત્રના પાને પાને શ્રીવલ્લભ ચરણકમલનો જ દ્રઢ આશ્રય રાખવા માટે ભાર પૂર્વક આગ્રહ કરેલો છે, અને “શ્રીવલ્લભાષ્ટક” નામના સ્તોત્રમાં તો શ્રીહરિરાયચરણોએ સર્વ પ્રકારથી શ્રીવલ્લભના જ આશ્રયનો નિર્દેશ કરેલો છે.
 
દયારામભાઈ પણ મહાનુભાવ હતા. શ્રીજીની અતિ કૃપા તેમની ઉપર થઈ, અને શ્રીવલ્લભ નામના રટનની આજ્ઞા કરી. શ્રીવલ્લભ નામ શ્રીજીનુ પણ પરમ ગુપ્ત ધન છે. તે ગુપ્ત ધનનું શ્રીજીએ કૃપા કરીને દયારામભાઈને દાન કર્યું છે.

જ્યારથી શ્રીજીની કૃપાએ શ્રીવલ્લભ નામ રૂપી પરમ ધન દયારામભાઈને પ્રાપ્ત થયું, ત્યારપછી શ્રીવલ્લભના જ યશોગાનમાં દયારામભાઈ નિમગ્ન રહ્યા છે. જેને શ્રીવલ્લભ નામની સુધા પ્રાપ્ત થઈ, તેને બીજુ બધુય ફીક્કું લાગે છે. લીલા લોકમાં કોટાનકોટી યુગલ સ્વરૂપોમાં જે લીલા-આનંદ-સમુદ્રો રહેલા છે, તે સર્વ આનંદ સમુદ્રોનો પ્રવાહ મહાસમુદ્રરૂપ શ્રીવલ્લભમાં જ સમાય જાય છે, અને આ સર્વ આનંદ શ્રીવલ્લભનામમાં પણ સમાયેલો જ છે. આવા પ્રકારના ગૂઢ રહસ્યથી ભરેલું શ્રીવલ્લભ નામ હોવાથી શ્રીજીએ અતિશય કૃપાથી દયારામભાઈને શ્રી વલ્લભના યશોગાનમાં નિમગ્ન રહેવાની આજ્ઞા કરી છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.