આસક્તિનું સ્વરૂપ-
spacer
spacer

લે. શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ

વેણુગીતમાં વેણુજીમાંથી જે સુધા પ્રકટ થાય છે તે વેણુની ઉચ્છિષ્ટ સુધાએ ગોપીજનોમાં પ્રવેશ નથી કર્યો શ્રી ગોપીજનો અનન્યતાની સિદ્ધિવાળા છે અને પોતાના પ્રિયતમનાજ અધરામૃતને ગ્રહણ કરનારાં છે તેમ શ્રી મત્પ્રભુચરણોએ તે પ્રસંગના સ્વતંત્ર લેખમાં આજ્ઞા કરી છે. આનો અર્થ એ થયો કે સેવ્ય સ્વરૂપથી જ જેનુ પોષણ થઈ રહ્યું છે તે સર્વોત્કુષ્ટ અધિકારી છે. આસક્તિ અને અનન્યતા જુદી ચીજ નથી. આસક્તિ કુંભનદાસજીની અને વ્યસન અવસ્થા ગજજન ધાવનજીની જ્યારે તન્મયતા આસકરણજીમાં સિધ્ધ થઈ છે. પ્રિયના વિયોગની એક ક્ષણ શતયુગ જેવી વ્યથા ઉત્પન્ન કરનારી હતી, આ છે આસક્તિનું સ્વપૂુ.
 
સુન્દરદાસજી શ્રીમહાપ્રભુજીના સેવક હતા શ્રી વલ્લભ વિના કોઈ તત્વની સુન્દરતાએ તેમના હદયમાં સ્થાન લીધેલું નહીં. આ સુન્દરદાસજીને એક સમયે શ્રીમહાપ્રભુચરણોએ મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરેલી, બીજા વૈષ્ણવો સાથે સુન્દરદાસજી મહાપ્રસાદ લઈ રહ્યા છે, તે સમયે શ્રી પ્રભુચરણોએ આજ્ઞા કરી કે “સુંદરદાસજી ! મહાપ્રસાદ કેસો હે ?” ત્યારે સુંદરદાસજીએ વીનતી કરી કે “રાજ બહોત સુન્દર.” ત્યારે આપે આજ્ઞા કરી કે “સુંન્દરદાસ તમારી અનન્યતા ચૂકી ગયા “ ત્યારે સુન્દરદાસે વીનતી કરી કે “રાજ, અનન્યતા તો આપ રખાવો તો રહે પરન્તુ મારી અનન્યતા કેવી રીતે હું ચુક્યો છું તો આપ આજ્ઞા કરો તો મારા જાણવામાં આવે.” ત્યારે આપે આજ્ઞા કરી કે તમારી અનન્યતા શ્રી મહાપ્રભુજીમાં છે, અને શ્રી મહાપ્રભુજી વિના તમે બીજા કોઈને ‘સુન્દર’માનતા નથી, તો મહાપ્રસાદને સુન્દર કેમ કહ્યો ? ત્યારે સુન્દરદાસે વીનતી કરી કે રાજ, મહાપ્રસાદમાં તો મારૂં ચિત્ત નહીં હતું. પણ કૃષ્ણદેવરાજાની સભામાંથી મારા પ્રાણાધાર મંદગતિથી પધારી રહયા છે તે સમયના આપનાં સૌન્દર્ય લાવણ્યનું હું પાન કરી રહ્યો હતો. તે ધ્યાનમાં જ આપને કહ્યું કે “બહોત સુન્દર.”
 
અહી વિચારણીય વાત એ છે કે શ્રી પ્રભુનું અધરામૃત અને શ્રીપ્રભુચરણ સન્મુખ બિરાજી રહ્યા છે આ પ્રકારમાં સુન્દરદાસજીનુ ચિત્ત અટકેલું નથી, અને શ્રીવલ્લભના સોન્દર્ય પાનમાંજ ડૂબેલા છે. તો શું શ્રી પ્રભુચરણ અને પ્રભુનું અધરામૃતએ કંઈ ન્યૂનતત્વ છે વસ્તુતઃ તેમાં ન્યુનતા નથી, પરંતુ આસક્તિનું સ્વરૂપ કેવું હોય તે સમજાવવા શ્રીમહાપ્રભુચરણે આ ચરિત્ર રચેલું છે.
 
એક ડોકરી શ્રી મદનમોહનજીનું સેવન કરતી હતી. તેણે શ્રી મદનમોહનજી સીવાય બીજા સ્વરૂપને જીવનભર જોયેલું નહી. તેને ત્યાં વિરક્ત વૈષ્ણવે પોતાના શ્રી બાલકૃષ્ણજી પધરાવેલા. આ બાલકૃષ્ણજીને તે ડોકરીએ શ્રીમદનમોહનજી કરી દીધા. બસો બાવન માં આ પ્રસંગ છે આ ચરિત્ર પણ શ્રીમત્પ્રભુચરણનું જ છે, અને તે અનન્યતાને શીખવા માટેઃ
 
પંચમ ઘરના એક બાલક જયપુરમાં બિરાજતા હતા. તેઓશ્રીની આસક્તિ શ્રી ચંદ્રમાજીમાં હતી. આ બાલક એક સમય શ્રીજીની સેવા કરવા પધાર્યા રાજભોગ પછી શ્રીજીને વેણુજી ધરાવે છે શ્રીજીનો એક શ્રીહસ્ત કટી પર, અને બીજો શ્રીહસ્ત ઉંચો છે, તેથી શ્રી હસ્તમાં જેમ શ્રી ચંદ્રમાજીને વેણુજી ધરાય છે તેમ ધરાવી શકતા નથી.ત્યારે આ બાલક વિચારે છે કે આજ મારો ક્યો એવો અપરાધ થયો છે કે શ્રીચંદ્રમાજી વેણુજી ધરતા નથી ? આમ અપરાધના વિચારે અશ્રુની ધારા ચાલવા લાગી. શ્રીજીથી આ દુઃખ સહન ન થયુ અને શ્રીજીએ શ્રીચંદ્રમાજીનુ સ્વરૂપ ધારણ કરીને શ્રી વેણુજી શ્રી હસ્તમાં ધારણ કરી લીધા. “આ બાલકનું અંતઃકરણ શ્રી ચંદ્રમાજીના સ્વરૂપની આકૃતિવાળું થઈ ગયું હતું તેથી શ્રી ચંદ્રમાજીના સ્વરૂપ વિના બીજા કોઈ તત્વનું તેમને સ્મરણ જ નહિ હતું.” અનન્યતાના આવા પ્રસંગોના શ્રવણથી હદય જો સદા ઘવાયેલું રહી આવે તો આસક્તિ અને અનન્યતા વિજયની માળાથી સત્કાર કરવા સામે ચાલીને આવશે.
 
શ્રીજી કાંઈ શ્રી ચંદ્રમાજીથી ન્યૂનતત્વ નથી, પરંતુ આસક્તિનું તત્વ એવું જ છે, અને જેમાં આસક્તિ છે તેમાંજ પુષ્ટિના સમસ્તલીલા સ્વરૂપોનો સમાવેશ છે એમ આ પ્રસંગથી જાણવું.
 
શ્રી પદ્મનાભદાસજીનો અનન્ય ભાવ શ્રીવલ્લભમાંજ હતો, તેથી પુષ્ટિની દ્વિધા શ્રૃંગાર રસાત્મક લીલાને શ્રીવલ્લભ વિગ્રહમાંજ નીહાળી રહેલા; શ્રીવલ્લભથી જુદી રીતે નહી આવી અનન્યતાના શીખરે શ્રીપદ્મનાભદાસજી પહોંચેલા હોવાથી “કોટીમાં વિરલા” એ બિરદને પ્રાપ્ત થયા છે.
 
અનન્યત અથવા આસક્તિ એ સાધારણ વાત નથી. પરમ કાષ્ટાપન્ન વ્યથાના અનુભવે આસક્તિ સિધ્ધ થાય છે. આવી આસક્તિ સિધ્ધ કરવામાં એક રસિક વ્યથા ભોગવી રહેલ છે તેના આ પ્રમાણેના શબ્દો છે કે-
 
કઠિન હે રસિક અનન્યતા,રહત તન મન એક ઠોર, રાઈકે લમ ચલતહી હોત ઓરકી ઓર ।। “સૂઈમાં દોરો પરોવાયેલો રહે તેમ મન જ્યારે પ્રિયતમના સ્વરૂપમાં નિરંતર પરોવાઈ જાય, ત્યારે અનન્યતા સિદ્ધ થાય છે”. પ્રિયતમના સ્વરૂપમાંથી રંચક પણ મન અલગ થયું કે અનન્યતા ચુકાઈ ગઈ.
 
પ્રેમ એક, એક ચિત્તસો, એકહી સંગ સમાય, ગાંધીકો સોદા નહિ, જન જન હાટ બીકાય.
 
મારી જેવા વંચક, સિધ્ધાંતની ગડમથલ કરનારને પ્રેમતત્વની અનિર્વચનીય માધુર્યતાનું આસ્વાદ ક્યાંથી પ્રાપ્ત થાય ? મારી તો જગતમાં પૂજાવાની લાલસા છે, તેવા પામરને આ ‘મધુ’કેમ મળે ?
 
ચઢતો મોમ તુરંગ પે, ચલનો પાવક માઉ ।
ઈસક ચમનકે બાગમેં, એસે હોતો આઉ ।।
 
મીણના અશ્વપર સવારી કરીને અગ્નીમાંથી પાર જવું જેટલું કઠીન છે, તેટલું પ્રેમતત્વ પચાવવું કઠીન છે. પરંતુ પ્રેમતત્વને મેળવવામાં ત્યાગરૂપી અગ્નીમાં ચાલનાર માટે કઠીનતા બહૂ દૂર રહે છે. જેણે સર્વ સુખોની લાલસા છોડી, પ્રિય વિયોગના દારૂણ દુઃખને અમૃત ગણ્યું, તેને માટે કોઈ વસ્તુ અસાધ્ય નથી, પ્રેમ સંગ્રામમાં કૂદી પડેલા વીરોએ ત્યાગના અમોધ શસ્ત્રથી. અજીત એવા પ્રેમ દેવ ઉપર વિજય મેળવેલો છે.
 
શ્રીવ્રજરત્નાઓએ પ્રકટ સ્વરૂપનેજ પોતાનું સર્વસ્વ માન્યું હતું, તો પ્રકટ સ્વરૂપથી જ તેમનુ પોષણ થયું. પ્રકટ સ્વરૂપ જ તેમના માટે યજ્ઞભોક્તા અને યજ્ઞકર્તા થયેલું હતું, ગોપીજનો સાથે રમણ સમયે ‘યજ્ઞભોક્તા,’ અને વેણુનાદ દ્વારા તેમનામાં આત્મિકભાવો પ્રકટ કરતી વખતે ‘યજ્ઞકર્તા’ આમ પ્રકટ સ્વરૂપથી ઉભય પ્રકારે શ્રી વ્રજરત્નાઓને અનુભવ થતો હતો. તેવી રીતે આપણું સેવ્ય સ્વરૂપ પ્રકટનીજ ભાવનાથી બિરાજી રહેલ છે, તેમાં સર્વસ્વતા થતાં પોતેજ ‘ભોક્તારૂપ’ થશે, અને સેવા કરનારમાં રસાત્મક ભાવ સંપદાઓની હદયમાં પ્રેરણા કરીને પોતે જ ‘યજ્ઞકર્તા’ સ્વરૂપે થઈ જશે.
 
અહીં એક આશંકા થાય છે કે અવતાર સમયે તો પ્રભુ સન્મુષ્યાકાર સ્વરૂપે પ્રકટ હતા, તેથી વેણુનાદ દ્વારા રસાત્મક ભાવો પ્રકટ કરી અનવતારકાળ છે, અને સેવ્ય સ્વરૂપ સન્મુષ્યાકાર સ્વરૂપે પ્રકટ નથી પરન્તુ મૂર્તિરૂપે બિરાજે છે, તો સેવ્ય સ્વરૂપમાં “યજ્ઞકર્તા” કેમ ઘટી શકે ? આ શંકાના સમાધાન એ રીતે છે કે, અનવતાર કાળમાં ભક્ત હદયમાં બિરાજતા ભાવાત્મક સ્વરૂપથી રસાત્મક ભાવોની પ્રેરણા થાય છે. આ પ્રેરણાનેજ ‘વેણુનાદ’ જાણવો. તેથી આ રીતે સેવ્યમાં “યજ્ઞકર્તા”પણું ઘટી શકે છે. જ્યારે આ રીતે સેવ્યમાં સર્વસ્વતાનો ભાવ દ્રઢ થયો અને સેવ્ય સ્વરૂપ આ રીતે સમજાણું તો પછી કોની આશા કરવાની બાકી રહે છે શ્રીવ્રજરત્નાઓ અને ચોરાસી-બસોબાવનને આજ રીતે અનુભવ થયો છે. ગીતાજીના બારમા અધ્યાયમાં પ્રભુએ જે બાંહેધરી આપેલી છે તે અને “સ્વદાસાર્થકૃતાશેષ સાધનઃ” આની સંગતી અને ભાવના સેવ્ય. સ્વરૂપમાં કરવી.
 
ઘનહી જીવન પ્રાણ, ઘનસો પ્રીત, ઘન પતિવર ।
ઘનકો સુમરણ ધ્યાન, ઘન ઘન રટતે ઘન ભયે ।।

સેવ્ય સ્વરૂપજ જીવનપ્રાણ. તેમાંજ પ્રીતિ, તેજ પતિવર, તેની પ્રણયલીલાઓનુંજ સ્મરણ અને તેમના સ્વરૂપનું જ ધ્યાન થતાં. કીટ ભ્રમર ન્યાયે તદ્રુપજ થઈ જવાય છે, પછી કયો પુરૂષાર્થ ખોજવાનો બાકી રહે ?

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.