નિત્યલીલા અનુભવના સ્થાયીભાવનું અધિષ્ઠાન
spacer
spacer

શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ

આપે પત્રમાં જણાવ્યું કે “નિત્યલીલા, નિકુંજ લીલા, વ્રજલીલા, અને આજની લીલાનું સ્વરૂપ એક છે, પ્રકાર ભીન્ન છે, એમ સમજાય છે.” આ વિષયનો આ રીતે વિચાર કરવો જોઈએ કે, સેવા પ્રણાલીમાં અને મહત્ સ્વરૂપોની વાણીમાં તેમજ અષ્ટસખાદિની વાણીમાં આપના લખવા પ્રમાણે નિત્ય લીલાનો સંબંધ રહેલો છે તે બરાબર છે. પરંતુ તેનો આપણને આધિદૈવીક પ્રકારે પ્રત્યક્ષ અનુભવ નહિ હોવાથી, આ સર્વલીલાઓ નિત્યલીલાની સ્મારીકા બનીને નિત્યલીલાના પ્રત્યક્ષ અનુભવ માટે પ્રચુર તાપભાવને ઉત્પન્ન કરવાના કારણરૂપ થવી જોઈએ. ઉદાહરણ રૂપે, જેમકે “મહાદાનના મનોરથની સજાવટમાં નિકુંજલીલાની સજાવટના દર્શન કરાવ્યા,” તેમ આપે જણાવ્યું.
 
આ નિકુજલીલાની સજાવટમાં આષિદૈવિક નિકુંજની પ્રત્યક્ષતા, તે સમયે દાનની યાચના કરતા પ્રિયતમ, અને શ્રી સ્વામિની વૃન્દના આપણને ‘પ્રત્યક્ષ’ દર્શન નથી કેવલ અલૌકિક ભાવ આવા મનોરથોમાં ઉત્પન્ન થાય છે, અને અલ્પ કાલિન તેનો ભાવથી જ અનુભવ અને આવેગ પણ રહે છે. પરન્તુ આપણા પોતામાં આધિદૈવિકતા સિદ્ધ થયેલી નહી હોવાથી સ્વરૂપ, લીલા, અને લીલા સ્થાનનો પ્રત્યક્ષ અનુભવ આધિદૈવિક પ્રકારે થઈ શકતો નથી. જેમ કૃષ્ણભટ્ટજીએ શ્રીજીને વિનંતી કરી કે મને લીલાનાં દર્શન કરાવો, ત્યારે શ્રીજીએ આજ્ઞા કરી કે તે તો આ દેહથી ન થાય. અલૌકિક સ્ત્રી ભાવાત્મક દેહથી લીલાનાં પ્રત્યક્ષ દર્શન થાય. પછી શ્રી ગુસાંઈજીએ પ્રમેય બલથી દર્શન કરાવ્યાં છે. તેજ પ્રમાણે લીલાનાં પ્રત્યક્ષ દર્શન આપણી આધિદૈવિક અવસ્થામાં થાય છે તેથી ભૂતલની સેવા પ્રણાલીમાં અને સાહિત્યમાં નિત્ય લીલાનો જે અનુભવ થાય છે તે નિત્ય લીલાનાં સ્મારકરૂપ છે, તેમ સમજી નિત્યલીલાના પ્રત્યક્ષ અનુભવ માટે પ્રચૂર તાપભાવ પ્રકટ થાય તો, આ તાપભાવે કરીને પ્રપંચનું વિસ્મરણ થતાં આપણામાં આધિદૈવિકતા સિધ્ધ થયે પ્રત્યક્ષ અનુભવ થઈ શકે.
 
આવા પ્રકારનો વિચાર લીલા મધ્યપાતિ જનમાંજ ઉત્પન્ન થાય છે, અન્યને તો સ્વલ્પકાલિન આનંદના અનુભવ પછી સ્વસ્થતા જ પ્રાપ્ત થાય છે તેમાં નિત્ય લીલા સ્વરૂપના અનુભવનું અધિષ્ઠાન સિદ્ધ થતું નથી. કારણકે ભૌતિક દશામાં તે આનંદનો અનુભવ કરી લીધો. આવો જીવ નિત્યલીલાનો અધિકારી નહી હોવાથી તેનામાં તાપભાવ ઉત્પન્ન થતો નથી. ભૌતિક દશાનો આનંદ અલ્પકાલિન છે અને મેળવેલો આનંદ તિરોધાન પણ થઈ જાય છે. જ્યારે આધિદૈવિક દશામાં અનુભવાતો આનંદ સ્થાયી રૂપમાં હોય છે. કારણકે આધિદૈવિક અવસ્થા સર્વાત્મભાવરૂપ છે, અને આત્મા અપરિણામી છે, એટલે કે આત્મ-સંઘાતથી અનુભવાતો દિવ્ય આનંદ તિરોહિત થઈ જતો નથી પરંતુ તેનો આવેશ નિરંતર બન્યો રહે છે, ઉલટ પ્રતિક્ષણ વૃધ્ધિગત થતો જાય છે.
 
શ્રી હરિરાયચરણોકત, “બ્રહ્મસંબંધ વાક્ય કઠીનાંશ વિવેચન” નામના ગ્રંથમાં કામભાવ અને સર્વાત્મ-ભાવના અનુભવનું તારતમ્ય બતાવવાં આપ આજ્ઞા કરે છે કે, કામથી ઉત્પન્ન થનારો જે ક્લેશ છે તે ઈષ્ટ વસ્તુ સ્પર્શથી અગર દર્શન વગેરેથી શાન્ત થઈ જાય છે, જ્યારે સર્વાત્મભાવથી ઉત્પન્ન થનારો ક્લેશ સ્પર્શ વગેરેથી બમણો, અથવા અધિક વૃધ્ધિગત થતો જાય છે. કામથી ઉત્પન્ન થયેલા ક્લેશથી પ્રભુમાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે, અને સર્વાત્મભાવ તાપાત્મક હોવાથી તેમાં મળતાં આનંદથી તૃપ્તી થવાને બદલે તાપભાવ અને વ્યાકુળતા વધતીજ રહે છે. સર્વાત્મ ભાવમાં તાપાત્મક સ્વરૂપનું સ્થાયીત્વ અને ઉદબોધકત્વ હોવાથી અગ્નિમાં ધૃતની આહુતિ દેતાં જેમ અગ્નિ પ્રજવલીત બનતો જાય છે, તેમ સર્વાત્મભાવની અવસ્થાનો આનંદ વૃધ્ધિગત જ થતો જાય છે. અથવા આ આનંદ અતૃપ્ત સ્વભાવ વાળો છે. અગણીતાનંદનો અનુભવ આપના તાપાત્મક સ્વરૂપના દાનથી જ લભ્ય છે.
 
આ સર્વ લખવાનો હેતુ એ છે કે, નિજજનોએ અલ્પકાલીન આનંદમાં સ્વસ્થતાનો અનુભવ નહી કરવો જોઈએ કામભાવથી મળતા આનંદનું અને સર્વાત્મ ભાવથી મળતાં આનંદનું તારત્મય વિચારીને સર્વાત્મભાવની અવસ્થાને સિધ્ધ કરવા શ્રીવલ્લભના તાપત્મક “હુતાશ” સ્વરૂપની પ્રસન્નતા નિરંતર યાચતા રહેવું. આપણું લક્ષતાપાત્મક સ્વરૂપ હોવું જોઈએ જેમ શ્રુગાર રસનો સ્થાયી ભાવ રતિ છે. આ સ્થાયી ભાવ રતિમાંથી જ વિભાવ, અનુભાવ અને સંચારી ભાવોની ઉત્પત્તિ થાય છે. અને તેનાથી શ્રુંગાર રસનો અનુભવ થાય છે. તેમ સર્વાત્મભાવનો સ્થાયી ભાવ તાપાત્મક રતિ યુક્ત છે, તેથી તેના અનુભવાનંદમાં તૃપ્તતા થતી નથી.
 
કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી
ભૂલીરી ભવન હોં તો બાવરી ભઈરી
 
નામના સ્મરણ માત્રથી આવી દશા કેમ થઈ ? તેનું કારણ એમ છે કે આ ગોપીજનમાં સર્વાત્મભાવનું અધિષ્ઠાન હોવાથી, નામના શ્રવણ માત્રથી તાપાત્મક રતિ પ્રજવલીત થઈ ગઈ, રસાત્મક સ્વરૂપનો તેના હદયમાં પ્રાદુર્ભાવ હોવાથી ફલાત્મક કૃષ્ણ નામ શ્રવણ દ્વારા તેના મન ચિત્તમાં રસાત્મક સ્વરૂપે પ્રવેશ કર્યો, રસ સ્વરૂપે તેનામાં વિકલતા ઉત્પન્ન કરી, તેથી દેહ ગેહનું વિસ્મણ થઈ ગયું, નામ સ્મરણથી આવી દશા થવાનો હેતું આ ગોપીજન સર્વાત્મભાવની અવસ્થાવાળા છે, અને સર્વાત્મભાવ તાપાત્મક હોવાથી કૃષ્ણ નામ શ્રવણથી પણ આ સ્થિતિ થઈ, તો રૂપ માધુરીના અનુભવમાં શું શું ન થાય ?
 
“સ્વામિન્ શ્રીવલ્લભાગ્ને ક્ષણમષિ ભવત સન્નિધાને કૃપાતઃ” આ શ્ર્લોકમાં આપના તાપાત્મક (માધુર્યસુધા) સ્વરૂપનું વર્ણન કરેલું છે. આ સુધાસ્વરૂપમાં માધુર્ય આસ્વાદન અને અગ્નિ ઉભય ધર્મો એકી સાથે અનુસ્યૂત (વ્યાપ્ત) રહે છે, જેમ સમુદ્રમાં આ માધુર્ય અગ્નિ સ્વરૂપના દાતા ભોક્તા રૂપે રહેલ છે તે અગ્નિ સ્વરૂપના દાનથીજ નિરવધિ આનંદનો અનુભવ થઈ શકતો હોવાથી શ્રીમહાપ્રભુચરણોએ શ્રીવલ્લભાષ્ટકના પ્રથમ શ્ર્લોકમાં-
 
‘સન્મનુષ્યા કૃતિ અતિ કરૂણસ્થં પ્રપદ્યે હુતાશમ’
 
આ પંક્તિથી “હુતાશ” સ્વરૂપની શરણાગતિનો શ્રીવલ્લભના સ્વકીયજનોને બોધ કરેલો છે, તેમાં જે નિગુઢ રહસ્ય રહેલું છે તે એ છે કે, જે સ્વરૂપમાં મન-વાણી પહોંચી શકતાં નથી, જેનો વિલાસ સર્વાજ્ઞાત છે, અચિન્ત્યઅનંત આધિદૈવિક નિત્યસિધ્ધા સ્વામિનીજીઓના વિલાસના જે ભોક્તા છે તેવા આપના મૂલ સુધા સ્વરૂપનું જ લીલા લોકમાં સર્વોત્કુષ્ટત્વ રહેલું છે પ્રતિક્ષણ તરૂણાનંદરૂપથી શ્રી મત્સ્વામિનીજીઓ પ્રતિક્ષણ નૂતન સ્વરૂપાનંદનો જે અતૃપ્તતાએ અનુભવ કરી રહ્યા છે, તે આપના તાપાત્મક સ્વરૂપનું તેમના હૃદયમાં સ્થાયીત્વ હોવાથી જ થાય છે આવા પ્રકારનો નિગૂઢ આશય હોવાથી નિજજનોને “હુતાશ” ની શરણાગતિનો શ્રી મત્પ્રભુચરણ બોધ કરી રહ્યા છે. “શુદ્દા પ્રેમ્ણાતિ દુર્લભા”
કેવલ સ્વરૂપ નિષ્ઠાનેજ શુધ્ધ કહેવાય છે. આવો કેવલ સ્વરૂપનાજ અનુભવનો જે સર્વાત્મભાવ છે, તે આપના તાપાત્મક સ્વરૂપના દાનથીજ સિધ્ધ થાય છે.
 
શ્રીવલ્લભ, શ્રીવલ્લભ શ્રીવલ્લભ; દીન દ્વારેઆયો
જનમ-જનમ, શોધ-શોધ, ચરણ રેણુ પાયો
 
આ પદમાં, અનેક જન્મોએ શોધતા શોધતા તાપાત્મક માધુર્ય સ્વરૂપના ચરણ કમલરૂપી દ્વારે પહોચીને આ સ્વરૂપની ચરણ-રેણુ પ્રાપ્ત કર્યાનું સૂચન શ્રીહરિરાયચરણ કરી રહ્યા છે
 
શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે,
સદા બસો મન યહ જીવન ધન
નિજજન સોં યુ કહત હોં ટેરે ।1।
અન્તીમ પંક્તિમાં-
મધુર ચરણ કી રેણુ નિરંતર,
જનમ જનમ માંગત “હરિદાસ”-

આ પદમાં અતિ કરૂણતાથી નિજજનોને ટેરીને આપ કહી રહયા છે કે, જનમ જનમ, આ તાપાત્મક માધુર્ય સુધા સ્વરૂપની ચરણ રેણુની જ અભિલાષા કરવી. કરૂણારસનો જેમાં સાગર હીલોળી રહેલો છે તેવા શ્રીમત્પ્રભુચરણ પ્રભૂતિ સ્વરૂપોએ નિજજનો માટે અતિશ્રમ કરીને શ્રીવલ્લભાગ્નિ સ્વરૂપનું જ્ઞાન કરાવે તેવું, અને તે સ્વરૂપનો આશ્રય સિધ્ધ કરાવે તેવું સાહિત્ય પ્રગટ કર્યું છે તેનું અવગાહન આપણે અહોનિસ કરવું જોઈએ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.