અલૌકિક સામર્થ્ય
spacer
spacer

-શ્રી...ચરણ રજકિંકર

‘અલૌકિક સામર્થ્ય’ એટલે આત્યંતિક ફલદાનની ઈચ્છા થવામાં તાપ સ્વરૂપ હૃદયમાં પ્રવેશ કરે, તે સ્વરૂપના વિરહનો અનુભવ કરવાનું સામર્થ્ય તે ‘‘અલૌકિક સામર્થ્ય’’ છે. આથી તેવા શરીરની પ્રાપ્તિને ખોળવી. તેની પ્રાપ્તિ શ્રી વલ્લભાચાર્યજીની અતિ કરૂણાથી જ થાય. સાક્ષાત્ હુતાશ દત્ત અગ્ન્યાત્મક દેહ તેનું અધિષ્ઠાન છે.
 
અનંત શ્રી સ્વામિનીજીઓનો તાપ ભાવરૂપ, મધુર તેજ-પ્રકાશ વાળા, કોટિ સૂર્યનાં એકીભૂત સ્વરૂપ ‘‘હુતાશ’’ સ્વરૂપના અનુભવનું મહાન સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આવા મુખ્ય ફળ, ‘‘અલૌકિક સામર્થ્યની’’ પ્રાપ્તિમાં સાધન પ્રમેય છે. રાસસ્થ ભક્તોને રાસનો સુખાનુભવ સદા છે, પરંતુ ઉપરોક્ત અલૌકિક સામર્થ્યનું દાન તો મૂળ ધામની પ્રાપ્તિ પશ્ચાતજ થાય છે. નિજધામના ભક્તોના ભાવરૂપ વ્રજભક્તો, જેઓ રાસલીલા પછી વ્રજમાં પાછા પધાર્યા, અને ત્યાં પ્રતિકૃતિ રૂપે સ્થાયી રૂપથી જેઓની સ્થિતિ રહેલી, તે ભક્તોને ભ્રમરગીતમાં જણાવ્યા પ્રમાણે જે દાન થયું, જે સુખાનુભવ થયો તેમાં પણ તારતમ્ય છે, પરંતુ ‘હુતાશ’ સ્વરૂપ શ્રી વલ્લભની સન્નિધાનમાં તાપભાવ અનુભવાર્થ જે દાન થાય છે તે તો અત્યંત સામર્થ્યવાન છે.
 
આ દેહદાન પછી માનસી સેવા છુટી નથી જતી. જો માનસી સેવા છુટી જાય તો માનસી ફલરૂપા ન કહેવાય. કેમકે ફલ મલવાથી સાધન છુટી જાય તે બરોબર છે, પરંતુ અહિં તો ફલની જ પરંપરા છે.
 
માનસી અને વિરહાનુભવ આ દેહ વિના ન થઈ શકે. કાચા રજના ઘડાને જેમ નિંભાડાની અગ્નિથી પકવ કરવામાં આવે છે, તેમ વિરહ તાપથી પૂર્વના દેહનો પલટો કરવામાં આવે છે. વિરહના અનુભવમાં સતત સ્વરૂપ-ધ્યાન બન્યું રહે છે, તેથી વિરહી ભક્તના દેહ, ઇન્દ્રિયો અને અન્તઃકરણ વિ માં ‘હુતાશ’ સ્વરૂપનું સ્થાપન થાય છે. કીડો જેમ ભ્રમરીના સતત ધ્યાનથી ભ્રમરીરૂપ બની જાય છે, તેમ અહી સતત સ્વરૂપ ભાવના કરવાથી ‘‘હુતાશ’’ સ્વરૂપથી તાદાત્મ્ય પ્રાપ્ત થાય છે.

ઉત્તમ ભક્તોને બ્રહ્મ સંબંધ થતાં જ આ દાન થાય, મધ્યમ અધિકારીને એજ જન્મમાં સત્સંગની અભિલાષાથી થાય અને હીન અધિકારીને પણ જેમ તેમ થાય આપણે હીન અધિકારીને હજુ સુધી તો તેવો અનુભવ નથી, તો પણ શ્રી વલ્લભભાગ્નિનો અનન્ય-દ્રઢ આશ્રય રાખી પૂર્ણ પ્રમેય બલવાળી આપની કૃપાની રાહ જોવી અથવા આવી કૃપા થવા માટે અન્ય સાધનોની નિષ્ઠા છોડીને આપનો જ અનન્ય આશ્રય રાખવો, તો હીન અધિકારીને પણ મહોદાર-મહા કારૂણિક સ્વામિ પોતાના સ્વતંત્ર પ્રમેય બલથી ઉપરોક્ત ફલનું દાન નિઃસંદેહ કરશે જ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.