સ્વતંત્ર પ્રમેય બલ
spacer
spacer

- મધુરમ્

શ્રીવલ્લભ ચાહે સોઈ કરે ।।
જો ઈનકે પદ દ્રઢ કરિ પકરે, મહારસ સિન્ધુ ભરે ।। 1 ।।
વેદ પુરાણ, સુધડતા સીમા, યે બાતન ન સરે ।।
શ્રી વલ્લભકે પદરજ ભજકે, ભવસાગર તે તરે ।। 2 ।।
નાથકે નાથ, અનાથકે બધુ, અવગુણ ચિત ન ધરે ।।
‘પદ્મનાભકો’ અપનો જાનકે, ડૂબત કર પકરે ।। 3 ।।
 
આપ શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, એમ કહેવાનો ભાવાર્થ એવો છે કે, આપ સ્વતંત્ર છે. સ્વતંત્ર હોય તે પોતાની ઈચ્છા મુજબ કરે. વેદની મર્યાદા, અથવા પુષ્ટિની મર્યાદાથી પણ વિપરિત કરવામાં આપને કોઈ રોકી શકે નહીં. અથવા આ બન્ને મર્યાદાઓમાં આપનું સ્વતંત્ર સ્વરૂપ બંધાયેલું નથી.
 
હવે વેદની મર્યાદા બ્રહ્મભાવરૂપ છે. આ બ્રહ્મભાવની મર્યાદાનું આપ સ્વકીયોને ઉલંઘન કરાવે છે. તે ક્યારે કે જ્યારે આપ પોતાના સ્વરૂપાનંદના દાનની ઈચ્છા કરે ત્યારે આપની ઈચ્છા થાય તો આ મર્યાદાનું પણ સ્વકીયોને ઉલંઘન કરાવે છે, તેનું પ્રમાણ આપની જ વાણીમાં ‘‘બ્રહ્માનન્દાત્સમૃદ્ધત્ય ભજનાનન્દ યોજને’’ શ્રી ગોપીજનોને બ્રહ્મનંદમાંથી બહાર કાઢીને પોતાના સ્વરૂપાનંદના અનુભવમાં જોડયા. આ આપની વાણીનું એક પ્રમાણ. હવે બીજું પ્રમાણ ભજનાનંદનો અનુભવ કરાવવામાં ગોપીજનનું નીચે મુજબ પદ છે કે :
 
કેસે કીજે વેદ કહ્યો ।।
હરિ મુખ નિરખત વિધિ નિષેધકો
નાહીન ઠોર રહ્યો ।।1।।
દુઃખકો મૂલ, સ્નેહ સખીરી
સો ઉર પેઠ રહ્યો ।।
‘‘પરમાનંદ’’ પ્રેમ સાગરગે,
પર્યો સો લીન ભયો ।।2।।
 
આ પદમાં ભજનાનંદ (સ્વરૂપાનંદ)નો અનુભવ કરનાર ગોપીજનોએ વેદની મર્યાદાનું ઉલંઘન કરેલું છે. બ્રહ્મભાવથી મળતા આનંદને ‘બ્રહ્માનંદ’ કહેવાય છે. આ બ્રહ્માનંદમાં જન્મ-મરણનાં દુઃખની નિવૃત્તિ થઈ જાય છે અને સર્વત્ર આત્મ ભાવના, લીલા ભાવના રહેવાથી વ્યાપક બ્રહ્મના આનંદનો અનુભવ થાય છે. જેમ કે ગીતાજીના એક શ્લોકમાં આ બ્રહ્માનંદનો પરિચય કરાવ્યો છે કે, ‘‘બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચયતિ, ન કાક્ષયતિ’’ જેને બ્રહ્મભાવ પ્રાપ્ત થાય છે તેને સંસારના અહંતા મમતાત્મક દુઃખની નિવૃત્તિ થવાથી સદા પ્રસન્ન રહે છે. પરંતુ આવા બ્રહ્માનંદમાં પ્રભુના સ્વરૂપનો જે અનિર્વચનીય આનંદ છે તે મળતો નથી. તેથી સ્વકીયજનોને આવા બ્રહ્માનંદમાંથી આપ કાઢીને ‘ભજનાનંદ’માં સ્થિત કરે છે. આ આપના સ્વતંત્ર પ્રમેયબલથી થાય છે. હવે પુષ્ટિની મર્યાદાનું પણ ઉલંઘન કરીને આપ સ્વતંત્ર પ્રમેય બલથી પોતાના જ સ્વરૂપનું સ્વકીયોને દાન કરે છે, તેનું પ્રમાણ નીચે મુજબ છે,
 
અચ્યુતદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે આવ્યા પછી આપે અચ્યુતદાસજીને આજ્ઞા કરી કે, ‘‘ભગવત્સેવા કરોઃ’’ ત્યારે અચ્યુતદાસજીએ વિનંતી કરી કે, ‘‘રાજ, મને આપ કૃપા કરીને માનસી સેવાનું દાન કરો’’ આવી વિનંતીથી આપે પોતાના સ્વતંત્ર પ્રમેયબલથી તેમને માનસી સેવાનું દાન કર્યું. હવે પુષ્ટિની મર્યાદા આપેજ પ્રગટ કરી છે કે તનુજા વિત્તજા સેવા કર્યા પછી માનસી સિદ્ધ થાય. આવા પ્રકારની પુષ્ટિની મર્યાદાનું પોતાના સ્વતંત્ર પ્રમેય બલથી ઉલંઘન કરી, અચ્યુતદાસજીને માનસી સેવાનું આપે દાન કર્યું. આ બન્ને પ્રમાણોથી એ સિદ્ધ થાય છે કે, આપ સ્વતંત્ર પ્રમેય બલથી ચાહે તેમ કરે. તેથી પદ્મનાભદાસજી પણ કહી રહ્યા છે કે, ‘‘શ્રીવલ્લભ ચાહે સોઈ કરે.’’ આવું આપનું ‘‘સ્વતંત્ર પ્રમેયબલ’’ વિરહી સ્વકીયામાં આપ પ્રસ્થાપિત કરે છે.
 
સ્વતંત્ર પ્રમેય બલથી નિજજનોમાં કેવું ફલ સિદ્ધ કરે છે તે પછીની તુકમ કહે છે.
 
‘‘જો ઈનકે પદ દ્રઢ કરિ પકરે મહારસ સિન્ધુ ભરે’’ આપના પદ કમલનો દ્રઢ આશ્રય કરનારમાં આપ મહા રસ-સિન્ધુ ભરી દે છે. ‘‘મહારસ’’ એટલે ધર્મી વિપ્રયોગાત્મક વિલાસ રસ. આ ધર્મી વિપ્રયોગાત્મક રસમાં કેવલ લાવણ્યામૃત સુધાનો જ અનુભવ છે.
 
રસ બે પ્રકારનો છે. એક ‘કામરસ’ અને બીજો ‘સ્નેહ રસ’. દ્વિધા શ્રૃંગાર વિલાસમાં સ્નેહ સહ કામ રસનો અનુભવ છે, અને ધર્મી વિપ્રયોગમાં કેવલ સ્નેહ રસનો અનુભવ છે. આ સ્નેહ રસને જ ‘મહારસ’ કહ્યો છે. આવા સ્નેહ રસના આપ ‘મહાસિન્ધુ’ છે. દ્વિધા શ્રૃંગાર વિલાસમાં પ્રભુ કોટી કન્દર્પની લાવણ્યતા, સૌન્દર્યતાને ધારણ કરી અનંત શ્રી સ્વામિનીજીઓને સુખ આપે છે. આવા પ્રભુનાં કોટિકન્દર્પ સૌન્દર્ય સ્વરૂપો આપ શ્રીવલ્લભના પ્રત્યેક રોમમાં બિરાજી રહ્યાં છે, તેથી આપનું સુધા સ્વરૂપ, શ્રીજીના અનંત સ્વરૂપોની સૌન્દર્યતાને ધારણ કરનારું છે. આવા મહારસના મહાસિન્ધુ સ્વરૂપની પ્રાપ્તિ કેવલ આપના પદ કમલનો દ્રઢ અનન્ય આશ્રય કરનાર વિરહી જનને જ થાય છે. શ્રી પદ્મનાભદાસજીને આપના આવા સ્વરૂપનો અનુભવ હોવાથી તેઓ કહે છે કે – ‘‘જો ઇનકે પદ દ્રઢ કરી પકરે, મહા રસ સિન્ધુ ભરે.’’
 
આવા મહારસ સ્વરૂપની પ્રાપ્તિ કોને થાય કે જેણે આપની સેવા માટે સર્વ સ્વાર્થો અને મોક્ષ પર્યંતના સુખની આકાંક્ષાઓ છોડીને કેવલ શ્રીવલ્લભની તત્સુખ સેવા માટે જે જન વિરહના દુઃખને સહન કરી રહ્યા છે તેવા વિરહી ભક્તને આપ આ ‘મહારસ’નું દાન કરે છે.
 
આવા ભક્તો વિરહમાં આપના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરે છે, આવા ધ્યાનથી વિરહીજન આપના સ્વરૂપમાં તદાકાર થઈ જાય છે, ત્યારે મહારસ સ્વરૂપને પોતાનામાં ધારણ કરી શકે છે. આવું મહાન ફલ કેવલ આપના પદકમલનો અનન્ય અને દ્રઢ આશ્રય કરવાથી જ મેળવી શકાય છે. તેથી શ્રી પદ્મનાભદાસજી કહે છે કે – ‘‘જો ઈનકે પદ દ્રઢ કરિ પકરે, મહારસ સિન્ધુ ભરે.’’
 
‘‘નાથકે નાથ અનાથકે બન્ધુ,
અવગુણ ચિત્ત ના ધરે.’’
 
‘‘નાથકે નાથ’’ એટલે શ્રીજી પુષ્ટિ સૃષ્ટિના નાથ છે. સમગ્ર પુષ્ટિ ભક્તોને શ્રીજી પોતાને વશ રાખે છે. અથવા સર્વ ભક્તોને શ્રીજી અલૌકિક સુખ આપી પાલન પોષણ કરે છે. તેથી શ્રીજી પુષ્ટિ સૃષ્ટિના ‘નાથ’ કહેવાય છે. ‘આવા શ્રીજીના પણ ‘નાથ’ શ્રી વલ્લભ પ્રભુ છે.’’ એટલે કે આવા શ્રીજીને પણ શ્રી વલ્લભે વશ કરી રાખ્યા છે. તેથી ‘‘નાથકે નાથ’’ તેમ કહ્યું. શ્રી વલ્લભ આવા સામર્થ્ય વાન હોવા છતાં પોતાના વિરહથી જે જનો દીન બન્યા છે તેવા અનાથજનોના આપ ‘બન્ધુ’ થઈને રહે છે, ‘બન્ધુ’ શબ્દનો અર્થ બંધાઈને રહેવું તેવો થાય છે. અથવા વિરહીજનોને હૃદયમાં આપ સદા બિરાજી તેમને દિવ્ય સુખ આપે છે, તેથી અનાથના બન્ધુ કહ્યા.
 
‘‘પદ્મનાભકો અપનો જાનકે, ડૂબત કર પકરે.’’ ‘‘અપનો જાનકે’’ શ્રી વલ્લભ આપણને પોતાના ક્યારે માને ? કે જ્યારે કાયાથી, વાણીથી અને મનથી, કેવલ શ્રી વલ્લભનો જ દ્રઢ અને અનન્ય આશ્રય હોય, શ્રી વલ્લભની જ આપણને આશા હોય, દિવ્ય સર્વ સુખને મેળવવા શ્રી વલ્લભનો જ એક વિશ્વાસ હોય, બીજા કોઈથી સુખની આશા ન હોય, પતિવ્રતા જેવું વ્રત શ્રી વલ્લભમાં હોય, શ્રીવલ્લભની તત્સુખ સેવા માટે પોતાના સર્વ સુખો જેણે છોડયા હોય, તેવા જનને શ્રી વલ્લભ ‘પોતાનો’ કરીને જાણે છે.

હવે ‘‘ડૂબત કર પકરે’’ એટલે આપણે લીલા ધામથી વીછુર્યા ત્યારથી શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપને ભૂલી ગયા છીએ. શ્રી વલ્લભના મહાન દિવ્ય વિલાસને, દિવ્ય લીલા ધામના વૈભવને અને ખુદ આપણા દિવ્ય સ્વરૂપને પણ આપણે ભૂલી ગયા છીએ, તેથી બીજા સુખોની લાલચમાં અજ્ઞાનતાથી આપણે ફસાતા રહીએ છીએ. શ્રી વલ્લભ આપણા મનને આ સર્વ લાલસાઓમાંથી કાઢીને સ્વરૂપાનંદનું દાન કરી ભજનાનંદમાં યોજે છે. તેથી કહ્યું જે, ‘‘ડૂબત કર પકરે.’’

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.