‘ચતુઃશ્લોકી’ પ્રાક્ટય હેતુ
spacer
spacer

- પ.ભ. શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

પ્રાક્ટયના પ્રારંભથી મહારાસ સુધી લીલા કરી જે સ્વરૂપ શ્રી વ્રજરત્નાઓમાં સિદ્ધ થયું, તેજ સ્વરૂપ નિજજનોમા સિદ્ધ થાય તેવો ઉપદેશ ચતુઃશ્લોકીમાં આપે કરેલો છે. આપ સ્વયં શ્રી સ્વામીનીજીના ભાવાત્મક સ્વરૂપથી જે પરમ પુરુષાર્થનો અનુભવ કરી રહેલા છે તેજ પુરુષાર્થ નિજજનોને પ્રાપ્ત કરાવવા ચતુઃશ્લોકી પ્રગટ કરેલ છે. તેમા નિજજનોના કર્તવ્યનો નિર્દેશ કરેલો છે, તેમાં પદ ઘરેલું છે. ‘‘સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધીપઃ’’ સર્વદા નિજજનોનું આજ કર્તવ્ય છે કે નિઃસાધનના સ્વામિ પ્રભુના સ્વરૂપનું નિરંતર, સર્વ ભાવે કરીને ધ્યાન કરવું ‘‘યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ’’ આ પંક્તિથી નિરંતર ધ્યાને કરીને પ્રભુ સ્વરૂપ રૂપી ફલનું સ્વાધિનપણું જતાવેલું છે જેમ એક ચિત્રકાર ધ્યાન મગ્ન બનીને ચિત્રને તૈયાર કરે છે, તેમ ધ્યાન દ્વારા પ્રભુનું સ્વરૂપ હૃદયમાં અંકીત થતું જાય છે. જ્યારે ધ્યાનથી સ્વરૂપ હૃદયમાં સ્થાયી થાય છે ત્યારે ફલનું સ્વાધિનપણુ સિદ્ધ થયુ તેમ કહેવાય છે. નિજજનોમાં આ પરમ પુરુષાર્થ કે જે અતિ દુર્લભ છે તેને સિદ્ધ કરવા માટે નિરંતર સર્વ ભાવે આપ સ્વરૂપ ધ્યાનનો ઉપદેશ કરે છે. ‘‘અતઃ સર્વાત્મના શશ્વદ્ ગોકુલેશ્વર પાદયોઃ’’ જો સર્વાત્મભાવે કરીને પ્રભુનું સ્વરૂપ હૃદય રૂઢ થયું પછી બાકી પ્રાપ્ત કરવાનું શું રહે છે ? આ પંક્તિથી સ્વાધિન ફલના નિરંતર અનુભવનુ સૂચન કરેલું છે. તાત્પર્ય એ છે કે, આ ચતુઃશ્લોકીમાં જણાવેલો પુરુષાર્થ, મૂલધામસ્થ સ્વરૂપાનંદના અનુભવમા સ્થિતિ કરાવનારો હોવાથી અન્તીમમાં ‘‘સ્મરણં ભજનં ચાપિ નત્યાજ્યમિતિ મે મતિઃ’’ એમ આપે આજ્ઞા કરી છે. અનેક પ્રકારની રસાત્મક લીલાનો વિચાર-મનન તે સ્મરણરૂપ છે અને કોટિકંદપૈ લાવણ્ય પ્રભુના સ્વરૂપનું ધ્યાન એ ભજનરૂપ છે. આ બન્નેનો ત્યાગ નહિ કરવો એમ નિજજનો પ્રતિ, આપ આજ્ઞા કરે છે. આ રીતે પ્રભુના સ્વરૂપનું નિરંતર ધ્યાન તેનું નામ જ અનન્યતા છે. અનન્યતાના આગ્રહમાં શ્રીગોકુલેશ પ્રભુ ચતુઃશ્લોકીના પ્રથમ શ્લોકની પ્રથમ પંક્તિનો નિજજનોને સંકેત કરે છે. લીલા સમુદ્રના મથનના સારરૂપે આ ચતુઃશ્લોકી પ્રક્ટ કરેલ છે. જન્મ પ્રકરણથી લઈને મહારાસ સુધીના લીલા સાગરનું દોહન કરીને જે સ્વતઃસિદ્ધ રસ પ્રક્ટ કર્યો છે તે આપે ચતુઃશ્લોકીમાં ધરી દીધેલો છે ‘‘હરિના હરિ’’ થવું એ આ માર્ગના શિખર અધિકાર રૂપ છે અને આવો શિખરનો અધિકાર મેળવવા માટે ચતુઃશ્લોકીના આશયને હૃદયમાં ધારણ કરી નિરંતર સ્વરૂપ ધ્યાનમાં નિજજનોએ સ્થિત થવું યોગ્ય છે. ‘‘અનન્યાશ્ચિન્તયન્તે’’માં યે જનાઃ પર્યુપાસતે, તેષાં નિત્યાભિયુક્તાનામ્ યોગક્ષેમં વહામ્યહમ્ ।।
 
(ગીતાજી)
 
કેવલ મારા સ્વરૂપનો જ આશ્રય કરીને મારા સ્વરૂપનું જે ચિન્તન (ધ્યાન) કરે છે તેવા અનન્ય જનને ‘‘યોગ’’ એટલે મારા સ્વરૂપની પ્રાપ્તિમાં જે રસાત્મક ભાવ સંપદાની આવશ્યકતા છે તેનું દાન હુ જ કરું છું. અથવા હૃદયમાં રહીને રસાત્મક ભાવ સંપદાનો પ્રવાહ-પ્રેરણા દ્વારા વહેવડાવીને મારા સ્વરૂપમાં સ્થિત થવા રૂપી યોગ હું જ સિદ્ધ કરું છું. અને આ મહાન દિવ્ય ભાવ સંપદાનું જે હું દાન કરું છું તેનું ચારે કોરથી રક્ષણ પણ હું જ કરું છું. અનન્યજનો માટે આપ આટલી બધી બાંહેધરી આપી રહ્યા છે છતાં આવા પ્રભુની આવી મહાન કરૂણા તરફ કેમ લક્ષ નહિ અપાતું હોય એ એક આશ્ચર્ય છે ! અનંત ગુણ ગંભીર પરમ ઉદાર પોતાના મહારસનું દાન કરવા ઉત્સુક, આવા પ્રભુને છોડીને અન્ય આનંદની ભીક્ષા માગવાની કેમ વૃત્તી થતી હશે ?
 
‘‘સ્વદાસાર્થ કૃતાશેષ સાધનઃ’’ સ્વદાસના અર્થે સ્વયંની પ્રાપ્તિ કરાવવા શ્રી વલ્લભ સમસ્ત સાધનો કરી રહેલા છે, પછી કોની આશા કરવાની રહે ? મહાસાગરનું જ્ઞાન થયા પછી કૂપ, સરોવર, સરિતાની કોણ આશા કરે ? ‘‘છાંડ સાગર કોન મુરખ, ભજે છીલ્લર નીર, રસિકમનકી મીટી અવિદ્યા, પરસ ચરણ સમીર.’’ પરમ કારૂણીક મહાનુભાવોએ સ્વરૂપાનુભવ કરીને માર્ગદર્શન આપેલું હોવા છતાં તે તરફ કેમ લક્ષ પહોંચતું નથી ?
 
જેમ શ્રી શુકે પરીક્ષિતને અન્તીમ ઉપદેશમાં પ્રભુના સ્વરૂપના ધ્યાનનો જ નિર્દેશ કરેલો છે, તેમ આપણે પણ જે કરવાનું છે તેના સાધનનો નિચોડ બહુજ વિચારના મંથનપૂર્વક અત્રે નિવેદન કરેલો છે.
 
વિરહભાવાત્મક યુગલોમાં વિરહભાવાત્મક શ્રી વલ્લભનો વિલાસ છે. શ્રી વલ્લભ વિરહાગ્નિથી આ યુગલો તદ્રુપ છે. વિરહભાવાત્મક સુધાનોજ અરસપરસની વિરહ અનુભવ કરી રહ્યા છે તેવા યુગલ સ્વરૂપના ભાવનું આ અષ્ટાક્ષર નામ છે, તેવી ભાવના રાખી અષ્ટાક્ષરનું સ્મરણ કરવું તે શ્રીવલ્લભનું જ સ્મરણ છે !
 
શ્રી વલ્લભ, શ્રીજી, શ્રી યમુનાજી અને જેટલા ભગવદ્ સ્વરૂપો બિરાજે છે તે બધાં રસાત્મક જ હોવાથી રસાત્મકપણાથી ભિન્નતા નથી, પરંતુ લીલાનો ભેદ રહેલો છે, અને આ લીલાનો ભેદ વિવિધ રસના અનુભવ માટે પ્રભુએ જ રાખેલો છે !
 
રસાત્મક સ્વરૂપનો આપણે અનુભવ કરવો હોય તો આ સ્વરૂપને બે પ્રકારે સમજવું જોઈએ. તે એવી રીતે કે સેવ્ય સ્વરૂપ ‘‘ભોક્તારૂપ’’ છે, અને આજ સેવ્ય સ્વરૂપ શ્રી આચાર્ય ભાવથી રસાત્મક ભાવ સિદ્ધ કરે છે. તે સેવ્ય સ્વરૂપનું જ ‘‘યજ્ઞ કર્તા’’ સ્વરૂપ છે, આવી જ રીતે શ્રી વલ્લભવંશ, રસાત્મક સાહિત્ય, અને ભગવદિયો દ્વારા જે રસાત્મક ભાવ પ્રાપ્ત થાય છે તે સર્વમાં સેવ્ય સ્વરૂપનુંજ ‘‘યજ્ઞકર્તા’’ સ્વરૂપ રહેલું છે. શ્રી યમુનાજી ભક્તોમાં રસાત્મક ભાવ પ્રક્ટ કરી ભક્તોમાં આધિદૈવિકતા સિદ્ધ કરનારા હોવાથી ‘‘યજ્ઞકર્તા’’ સ્વરૂપ છે.
 
રસ સ્વરૂપ બે પ્રકારનું છે. ‘સંયોગાત્મક’ અને ‘વિપ્રયોગાત્મક.’ તેમાં ‘‘સંયોગાત્મક પું-ભાવાત્મક’’ સ્વરૂપ શ્રી વિઠ્ઠલેશનું, અને ‘‘વિપ્રયોગ પું-ભાવાત્મક’’ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. એટલે સેવ્ય સ્વરૂપ અને શ્રી વલ્લભ-વિઠ્ઠલની ભિન્નતા ન રહી. દ્વિદલાત્મક રસાત્મક વિલાસના ભેદે શ્રીવલ્લભ, શ્રીવિઠ્ઠલ, શ્રીજી અને શ્રી નવનીતપ્રિયાજી-આવા નામોના ભેદો રહેલા છે.
 
ગાયત્રીભાષ્યમાં શ્રીગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે કૃષ્ણ સ્વરૂપ બે પ્રકારનું છે. એક ‘‘સદાનંદરૂપ’’, અને બીજું ‘‘સચ્ચિદાનંદાત્મક’’ સ્વરૂપ. બહાર પ્રક્ટ સ્વરૂપનાં જે દર્શન થાય છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને તે પ્રગટ સ્વરૂપોની ભિતર સુધા સ્વરૂપે જે બિરાજે છે તે ‘‘સદાનંદ’’ સ્વરૂપ છે. આ ‘‘સદાનંદ’’ સ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક હોવાથી તેનેજ શ્રી વલ્લભ કહેવાય છે. આ સુધા સ્વરૂપ શ્રીવલ્લભની સચ્ચિદાનંદ સ્વરૂપની ભિતર સદા સ્થિતિ હોવાથી, સચ્ચિદાનંદ સ્વરૂપનો વિલાસ સિદ્ધ થાય છે. અથવા સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ ‘‘ક્રીયા’’ દ્વારા થાય છે, અને ‘સદાનંદ’નો અનુભવ ‘‘ભાવ’’ દ્વારા થાય છે. આ રીતે લીલા લોકમાં કે ભૂતલમાં સચ્ચિદાનંદ સ્વરૂપોમાં અને શ્રીસ્વામિનીજીઓમાં આંતરસ્થિત સદાનંદ સ્વરૂપ રહેલું છે. આવી રીતે કૃષ્ણના પણ બે સ્વરૂપ જાણવા.
 
મૂલ સુધા સ્વરૂપ શ્રી વલ્લભમાં અનંત સ્ત્રી-ભાવ અને પું-ભાવ રહેલા છે. જ્યારે આપને બહાર વિહાર કરવાની ઇચ્છા થઈ ત્યારે પોતાના ‘સ્ત્રી’ ભાવમાંથી અનત સ્વામિની ભાવાત્મક સ્વરૂપો પ્રક્ટ કર્યાં અને આપના પું-ભાવમાંથી અનંત પુરુષોત્તમ ભાવાત્મક ભગવદ્ સ્વરૂપો પ્રક્ટ કર્યાં. આથી બહારનો વિલાસ સિદ્ધ થયો. આ સર્વ સ્વરૂપો શ્રી વલ્લભમાંથી જ પ્રગટ થયા છે તેથી ‘રસો વૈ સઃ’ પ્રકારે તે સર્વ વલ્લભરૂપ જ છે. તેમ છતાં રૂપ-નામનો ભેદ રાખેલો છે તે લીલા વૈવિધ્યતાને માટે.
 
આ સર્વ બહાર પ્રક્ટ થયેલાં શ્રીસ્વામિનીજીઓમાં અને ભગવદ્ સ્વરૂપોમાં શ્રી વલ્લભ મુલ સુધા રૂપે આંતરમાં સ્થિત રહી યુગલોમાં રસાત્મક ભાવોને પ્રક્ટ કરી વિલાસ સિદ્ધ કરે છે ત્યારે આપ યજ્ઞ કર્તા રૂપે છે, અને યુગલોમાં રસવિલાસ થાય છે ત્યારે તેમાં જે સુધા પ્રક્ટ થાય છે તેના ‘‘ભોક્તા’’ પણ શ્રી વલ્લભજ છે. આમ ઉભય કાર્ય એકજ સુધા સ્વરૂપ શ્રી વલ્લભથી થાય છે. આમ શ્રી વલ્લભજ આંતર અને બહાર, અથવા સંયોગ અને વિપ્રયોગમાં વિલાસ સિદ્ધ કરીને તેના ભોક્તા પણ પોતેજ થાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.