રતિ પથ પથિકોનો ‘‘સર્વાત્મભાવ’’
spacer
spacer

- પ. ભ. મધુકર

નાહીન રહ્યો મનમેં ઠોર,
નંદનંદન બિન કાસુ કર, આનીયે ચિત્ત ઓર.
ચલત ચિતવત દ્યોસ જાગત, સ્વપ્ન સોવત રાત,
હૃદયતે યહ મદન મૂરતિ, છિન ન ઇત ઉત જાત.
કહત કથા અનેક ઉધો, લોભ લાખ દિખાય,
કહા કરે ઘટ પ્રેમ પૂરણ, સિન્ધુ નાહિ સમાય.
શ્યામ ગાત સરોજ આનન, લલિત ગતિ મૃદુ હાસ,
‘‘સૂર’’ એસે દરસકો યહ, મરત લોચન પ્યાસ.
 
શ્રી મદાચાર્યવર્યે સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરી – ‘‘જ્ઞાનિનામપિ વાક્યેન ન ભક્તં મોહયિષ્યતિ’’
 
આપશ્રીની આ આજ્ઞામાં રહેલા રહસ્યને મહાનુભાવ શ્રી સૂરદાસજીએ ઉપરના પદમાં પ્રક્ટ કર્યું છે.
 
શ્રીમાન ઉદ્ધવજી પ્રિયતમનો સંદેશ લઈને વ્રજમાં આવ્યા પછી વ્રજવલ્લભા-શ્રીગોપીજનો સાથે સંવાદ ચાલે છે. શ્રી ઉદ્ધવજી જ્ઞાન માર્ગીયોના નિરાકાર-સર્વત્ર આત્મજ્યોતિ રૂપે રહેલા બ્રહ્મનું અથવા નિરાકાર-સર્વાત્મભાવનું નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે :
 
જાકે રૂપ રેખ કછુ નાંહી, નયન મુંદિ ચિતવહુ ચિત્ત માંહી
હૃદે કમલમેં જ્યોતિ બિરાજે, અનાહત નાદ નિરંતર બાજે
ઇંડા પિંગલા સુષમના નારી, સૂન્ય સહજમેં વસે મુરારિ
માતા પિતા નહિ દારા ભાઈ, જલ થલ ઘટ ઘટ રહે સમાઈ
યહિ પ્રકાર ભવ દુસ્તર તરિ હો, યોગ પથ ક્રમ ક્રમ અનુસરિ હો
 
‘‘જાકે રૂપરેખ કછુ નાહીં’’ આ કથનમાં નિરાકારતા અને ‘‘જલ થલ ઘટ રહે સમાઈ’’ આ કથનમાં સર્વત્ર આત્મા રૂપે સ્થિતિ. આમ નિરાકાર-બ્રહ્મભાવ-સર્વાત્મ ભાવનું શ્રીઉદ્ધવજી જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મનું પ્રતિપાદન કરી રહ્યા છે.
 
અને શ્રી ગોપીજનો રતિપથ પથિકોના અથવા દિવ્ય પ્રેમમાર્ગના પ્રેમ સ્વરૂપ પરબ્રહ્મના સાકાર-સર્વાત્મભાવનું પ્રતિપાદન કરી રહ્યા છે. જેનુ શ્રી સૂરે ‘‘નાહીન રહ્યો મનમેં ઠોર’’ આ પદમાં વર્ણન કરેલું છે.
 
દિવ્ય પ્રેમ પથિકોનો સર્વાત્મભાવ, સ્થાવર જંગમમાં પ્રિયતમના સ્વરૂપની ભાવના કરવી તેવો નથી. પરન્તુ સ્થાવર-જંગમની જગ્યાએ અર્થાત્ સર્વત્ર વિશ્વમાં તેમને પ્રિયતમના ભાવાત્મક સાકાર સ્વરૂપનોજ અનુભવ થાય છે. અને જેમ સર્વત્ર પ્રિયના સ્વરૂપનોજ અનુભવ થાય છે. તેમ જાગૃત-સ્વપ્ન-સુષુપ્ત, આ ત્રણે અવસ્થામાં પણ પ્રિયના સ્વરૂપનોજ અનુભવ થઈ રહ્યો છે. તેથી કહ્યું –
 
ચલત, ચિત્તવત, દ્યોસ, જાગત, સ્વપ્ન, સોવત, રાત,
હૃદયતેં યહ મદન મૂરતિ, છિન ન ઇત ઉન જાત.
 
મતલબ કે, ત્રણે અવસ્થામાં અને વિશ્વમાં સર્વત્ર પ્રિયતમના ભાવાત્મક સાકાર સ્વરૂપનોજ અનુભવ કરી રહ્યા છે. આ અવસ્થાને ‘‘ધર્મીવિપ્રયોગ’’ કહેવાય છે.
 
આ ધર્મી વિપ્રયોગમાં પ્રિયતમના સ્વરૂપનો અનુભવ કેવા પ્રકારનો થાય છે ? આ શ્રી ગોપીજનોએ પ્રિયતમના સ્વરૂપથી-તદાત્મકતા પ્રાપ્ત કરી છે અથવા પ્રિય સ્વરૂપથી અભેદતા પ્રાપ્ત કરી છે. વિપ્રયોગનો સર્વાત્મ ભાવ સિદ્ધ થતાં પ્રિયતમનું રસાત્મક, ભાવાત્મક સ્વરૂપ શ્રીગોપીજનોના નખ શિખાંત સર્વાંગમાં વ્યાપ્ત થઈ ગયેલું હોય છે. જેમ મૂર્તિમાં ભગવદ્ આવેશ થતાં મૂર્તિ ભગવદ્ રૂપ બને છે. મૂર્તિજ ભગવદ્ રૂપ મનાય છે. તેમ શ્રીગોપીજનોના સર્વાંગમાં પ્રિયનું રસાત્મક, ભાવાત્મક સ્વરૂપ વ્યાપ્ત થયેલું હોવાથી શ્રીગોપીજનોએ પ્રિયથી અભેદતા પ્રાપ્ત કરી પ્રિય રૂપજ થઈ ગયાં છે. આ અભેદ અવસ્થામાં પ્રિયતમના નિઃસીમ સૌન્દર્ય-લાવણ્ય-માધુર્ય સુધાનોજ અખંડ અનુભવ કરી રહ્યા છે. જેમ સાગરમાં સ્વતઃ તરંગો પ્રતિક્ષણ પ્રક્ટ થતા રહે છે તે રીતે ‘આત્માનન્દ સમુદ્રરથ’-સ્થાયી ગૂઢ ભાવ સ્વરૂપ દિવ્ય પ્રેમ સૌન્દર્યના સાગરરૂપ પ્રિયતમના સૌન્દર્ય માધુર્ય સુધાનો, પ્રતિક્ષણ નૂતન નૂતન અનુભવ કરે છે. આ સુધા તાપાત્મક હોવાથી તેનો અનુભવ કરવા છતાં તૃપ્તિનો અભાવ રહેતો હોવાથી કહ્યું ‘‘સૂર એસે દરસકો યહ મરત લોચન પ્યાસ.’’ આ વિષયમાં એક રસિક ભક્તના સ્વાનુભવની ઉક્તિ –
 
પીવત પીવત રૂપ રસ બઢત રહત નિત આશ,
દઈ દઈ નેહી દ્રગન, અજબ અનોખી પ્યાસ.
 
મહાનુભાવ પરમાનંદદાસજી કૃતહિલગના પદમાં-‘‘કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય ।’’ આ પદની અન્તીમ પંકિતમાં ‘‘ભજન ભેદ ન્યારો ‘‘પરમાનંદ’’ જાનત વિરલા કોય ।’’ ‘‘અખિલં મધુરમ્’’ પ્રિયતમના નિઃસીમ સૌન્દર્ય લાવણ્ય માધુર્ય-સુધાનોજ નિરંતર અનુભવ કરવો તે કોઈ વિરલાજ જાણે છે. અથવા કોઈ વિરલાજ આ પરમ પુરુષાર્થના શિખરે પહોંચી શકે છે. આ દિવ્ય પ્રેમ-સુધા સૌન્દર્યના અનુભવની દુર્લભતા કથવાનું કારણ –
 
‘‘મુખ શશિ કોટિ વિક્ટ ગઢ ગાઢે, મન નહી કરત પ્રવેશ’’
 
ઉપરોક્ત પંકિત મલારના પદની છે. ‘પ્રેમામૃતરસાયન’ સ્તોત્રમાં ‘‘કોટિકન્દર્પ લાવણ્યઃ કોટિ ઈન્દુ લલિત દ્યુતિ’’... અહીં કોટિ સંખ્યા ઉપલક્ષણ માત્ર છે. અસંખ્ય કન્દર્પથી પણ અધિક લાવણ્યતા. અને અસંખ્ય ઈન્દુઓની મનોહર પ્રભાથી યુક્ત ઘનીભૂત પ્રિયતમના શ્રીમુખની સૌન્દર્યતામાં મનનો પ્રવેશ થઈ શકતો નથી.
 
અહીં પ્રશ્ન થાય કે આ નિઃસીમ સૌન્દર્ય સ્વરૂપમાં મનનો પ્રવેશ થઈ શકતોજ નથી. તો ઉપરોક્ત કથનમાં શ્રી ગોપીજનો પ્રિયતમના સૌન્દર્ય સ્વરૂપનો અનુભવ તો કરી રહ્યા છે, તેમાં શું સ્વારસ્ય રહેલું છે ? સમાધાનમાં પ્રજવલીત અગ્નિમાંથી પ્રક્ટ થતી નીલ જ્યોતિ-શિખા તે અગ્નિની પત્નિ છે. તે અગ્નિથી વ્યાપ્તજ રહી આવે છે. તેમ નિઃસીમ સૌન્દર્ય સ્વરૂપ પ્રિયતમથી શ્રીગોપીજનોએ અભેદતા પ્રાપ્ત કરી છે. તેથી અનુભવ કરી શકે છે.
 
શ્રીમદાચાર્યવર્યના શુદ્ધાવ્દૈત સાકાર બ્રહ્મવાદની સર્વોત્કર્ષતા પ્રિયતમના નિઃસીમ સૌન્દર્ય સ્વરૂપમાં શ્રીગોપીજનોએ પ્રાપ્ત કરેલી અભેદતામાં વિરામે છે. અલમ્ અધિક કથવેમેં. (‘‘ધર્મીસંયોગ’’ એ ‘‘ભેદ સહિષ્ણુ અભેદ’’ અવસ્થા છે. અને ‘‘ધર્મીવિપ્રયોગ’’ એ ‘‘કેવલ અભેદ’’ અવસ્થા છે, આ માન્યતા કિંકરની અલ્પ મતિની છે તેની યથાર્થતા વિજ્ઞ વૃન્દે વિચારણીય – લેખક)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.