દિવ્ય પ્રેમની એકાંગી સાધના
spacer
spacer

લે. ‘‘મધુકર’’

શ્રી સર્વોત્તમજીમાં આપ શ્રી વલ્લભનું નામ ‘‘નિખિલેષ્ટક’’ છે. ‘‘ખિલ’’ એટલે અલ્પ. અને ‘‘નિખિલ’’ એટલે અમાપ અથવા અગણિત. અગણિત આનંદરૂપ પ્રભુનું, મહાકારૂણિક શ્રીવલ્લભે નિજજનોને દાન કરેલું છે. તેજ આપણા મસ્તકે બિરાજતું સેવ્ય સ્વરૂપ છે.
 
આ અગણિત આનંદ સ્વરૂપને આપણે હૃદયમાં ક્યારે ધારણ કરી શકીએ ? સેવ્ય સ્વરૂપમાં જ જ્યારે એકાંગી પ્રીતિ થાય તેમાંજ આસકિત-વ્યસન અને તન્મય અવસ્થા પ્રાપ્ત થયે અગણિત આનંદ સ્વરૂપને ધારણ કરી શકાય. એકાંગી પ્રીતિ વિના આગળની કક્ષા આસકિત, વ્યસન-તન્મયતા સિદ્ધ થતી નથી. ચતુરોની ચતુરાઈ આ એકાંગી પ્રીતિમાં જ રહેલી છે તેમ શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી સર્વોત્તમજીની બ્રહદ્ ટીકામાં ‘‘વિબુધેશ્વરઃ’’ નામમાં જણાવેલ છે. હિલગના પદોમાં–
 
‘‘મન મૃગ વેધ્યો મોહન, નયન બાનસો’’
 
ભલા ! જેનું મન-મૃગ પ્રિયતમના રસ ભર્યાં કટાક્ષથી વીંધાઈ ગયું તે બીજાના કામનો રહી શકે ખરો ? પુષ્ટિ માર્ગના પ્રવેશ કરીને કંઈ જાણવા જેવું અને કંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો પ્રભુ પ્રત્યેની તત્સુખાત્મક-એકાંગી પ્રીતિ જ છે. આ પ્રીતિને જો ન જાણી તો કંઈજ જાણ્યું નથી. અને આના એક બિન્દુને પણ જો પ્રાપ્ત ન કરીએ તો કંઈજ પ્રાપ્ત કર્યું નથી. દિવ્ય પ્રેમ માર્ગની ધ્વજા રૂપ શ્રી ગોપીજનો મહાજ્ઞાની ઉદ્ધવજીને કહી રહ્યા છે કે –
 
પ્રેમ વિના સબ પચિમરે, વિષય વાસના રોગ, સખા સુન શ્યામકે.
 
દિવ્ય પ્રેમ તો સોલ્યુસન જેવો મહાન સ્નિગ્ધ છે-તેમાં ચીપકેલું મન કોટિ ઉપાયે છુટી શકતું નથી
 
અતિ અટપટો ચટપટો વ્રજકો પ્રેમ સંજોગ
અજહુંલો સુરઝે નહી, અરૂઝે બડે બડે લોગ
પ્રાન વલ્લભકે પ્રેમમેં રહે વિરહી લપટાય
અજહુંલો સુરઝે નહી દિન દિન અધિક બઢાય
 
આ દિવ્ય પ્રેમ પ્રાપ્તિની સાધના કેવા પ્રકારની છે તે રસિક મહાનુભાવ નંદદાસજી કહે છે –
 
જા ઘટ વિરહ અવા અનલ, પરિપક ભયે સુભાવ ।
તાહી ઘટ મધ્ય નંદહો, પ્રેમ અમી ઠહરાય ।।
 
દિવ્ય પ્રેમ આત્માના અંતઃસ્થલમા ગૂઢ તત્વ રૂપે રહેલો છે તેને પ્રાપ્ત કરવા માટે જેમ દેવ દાનવોએ અમૃત માટે સમુદ્રનું મથન કર્યું. તેમાં પ્રથમ તો કાલકૂટ વિષજ નીકળ્યું. પછી અમૃત પ્રાપ્ત કર્યું. તેમ વિરહના અનુભવથી જ્યારે હૃદયનું મંથન થાય છે ત્યારે પ્રથમ તો વિજાતીય ભાવો રૂપી વિષ બહાર નીકળે છે. પછીજ દુર્લભ દિવ્ય પ્રેમ રૂપી અમૃત આત્માના અંતઃસ્થલમાંથી પ્રાપ્ત થાય છે. આને જ દિવ્ય પ્રેમ સમજવો. આપણા મનના વિલાસરૂપ જવા ત્યાં પ્રેમ વંટાયેલો છે તે પ્રેમ દિવ્ય નથી. દિવ્ય પ્રેમનું એક બિન્દુ પ્રાપ્ત થતાં કેવી સ્થિતિ થાય છે તેનો પરિચય પ્રણય પથિક નીચે મુજબ કરાવે છે –
 
તૃણ સમ સબ વ્હે જાહી પ્રભુતા સુખ ત્રિલોકકે
યહ આવે મનમ હી, રંચક ઉપજે પ્રેમ જબ
પ્રેમ પ્રગટ જબ હોય હે ભૂલે જગતકો ભાન
તુ તુ તુ રહી જાય હે હું કો મીટે નિશાન
 
સ્વર્ગ-મૃત્યુ-પાતાલ આ ત્રણ લોક બ્રહ્માજીએ બનાવ્યા. આ ત્રણ લોકમાં રહેલુ સુખ દિવ્ય પ્રેમના એક બિન્દુ સામે તૃણ, ઘાસના તણખલા જેવું તુચ્છ ભાસે છે. અને આ પ્રેમનું એક બિન્દુ પ્રાપ્ત થતાંજ જગતનું અને પોતાનુ ભાન ભૂલાવી દે છે. આટલુંજ નહી પરન્તુ દિવ્ય પ્રેમનું એક બિન્દુ મેળવી લીધા પછી તેના અનિર્વચનીય આસ્વાદમાં પ્રેમીજન ડૂબ્યો રહે છે, અને તપતો પણ રહે છે. ‘‘દિવ્ય પ્રેમને આવા પ્રકારનો જાણી લીધા પછી સમજી શકાશે કે આપણા મનના વિલાસ રૂપે જ્યાં ત્યાં ભટકીએ છીએ, તે દિવ્ય પ્રેમ નથી પરંતુ વાસનાના વિકારોજ છે.’’
 
દિવ્ય પ્રેમની એકાંગી સાધનામાં રસિક કવિઓએ ચાતકને બિરદાવેલ છે. દિવ્ય પ્રેમને જાણી લીધા પછી તેના એક બિન્દુને પ્રાપ્ત કરવા જીવનને પ્રણય વેદીમાં હોમી દેનારા પ્રણય સાધક ચાતકના માર્ગનેજ અનુસરનારા હોય છે. ચાતકની આ એકાંગી સાધનાને સમજવાની વિપુલ સામગ્રી વ્યાસબાવાકૃત ‘‘પંચામૃત’’ ગ્રંથના ‘‘ઘનચાતક’’ નામના પ્રકરણમાં જોવા મળશે. ચાતકની પ્રતિજ્ઞા –
 
સબતે મનજુ નિકાસીકે લીયો અનન્ય વ્રત એક
પ્રાણ જાઓ પ્રણ ન જાઓ, યહ ચાતકકી ટેક.
 
દુનીયાથી બાતલ થઈ જવું, આ દિવ્ય પ્રેમ પથનું પ્રથમ સોપાન છે. કારણ કે દિવ્ય પ્રેમ બીજી દુનિયાની વસ્તુ છે. તેથી દ્રશ્યમાન દુનીયામાં રચ્યા પચ્યા રહેનારને તે ન મળે –
 
પ્રેમામૃત પીવા ચહે, કરે વિષયથી નેહ ।
વિષ વ્યાપે બાળે હૃદય, કરે જર્જરીત દેહ ।।
મન વિષયોમા રમી રહે, કરે પ્રેમની વાત ।
એ મીથ્યા વાદી સદા, કરે જીવનની ઘાત ।।
ભવ સાગર તરવા ચહે, ચઢે વિષયની નાવ ।
સહસા ડૂબે મધ્યમાં લેશ ન લાગે દાવ ।।
દંભી દ્રોહી, સ્વારથી, વાદી, માની, પાચ ।
એ ખલ કદી ન સહી શકે, પ્રેમ અનલકી આંચ ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.