પુષ્ટિ પથ-પથિક
spacer
spacer

- મધુકર

પ્રશ્ન : વૈષ્ણવવાણી માસિકના દિપોત્સવી અંકમાં વેણુગીત પ્રસંગમાં અ. 12-16માં ગોપાલોના નિરોધનું વર્ણન શ્રી ગોપીજનોના નિરોધ માટે કરેલું છે. તથા રાત્રિ-દિવસ બન્ને લીલાઓના ગાન માટે રાત્રે ગોપાલો રાત્રિ લીલાનું વર્ણન સમાન શીલ ગોપીજનો સાથે કરે છે તે અતિ ગોપ્ય છે. તે જાણવામાં આપણો અધિકાર હોય શકે કે નહી ?
 
ઉત્તર : આ તમારી જીજ્ઞાસામાં યથામતિ સમાધાન એ છે કે, ગોપાલોનો નિરોધ શ્રીગોપીજનોના નિરોધમાં સહકારી રહે તે માટે કરેલો છે. આ ગોપાલો અંતરંગ છે. બીજા બહિરંગ ગોપાલો ગૌચારણમાં સહકારી છે, તેમનો અંતરંગ લીલામાં અંગીકાર કર્યો નથી. અ. 12 થી 16માં અંતરંગ ગોપાલોનો નિરોધ સિદ્ધ કર્યો તેનું તાત્પર્ય આ ગોપાલોમાં ‘‘પું’’ ભાવને દુર કરીને તેના અન્તઃકરણમાં રસરૂપ ‘‘સ્ત્રી’’ ભાવ ઉત્પન્ન કર્યો. એટલે આ અંતરંગ ગોપાલો બહારથી પુરુષ આકૃતિવાળા છે, પરંતુ તેમનું અન્તઃકરણ (લિંગદેહ) સ્ત્રી ભાવ વાળું છે. જો આવો સ્ત્રી ભાવ તેમનામાં ન હોય તો રહસ્ય લીલામાં વિકાર ઉત્પન્ન થાય. આવો વિકાર ઉત્પન્ન ન થાય માટે સ્ત્રી ભાવ વાળું અન્તઃકરણ બનાવ્યું છે. પ્રભુ સાથે રહીને આ ગોપાલોને શ્રીયમુનાજીના જલનું પાન કરાવે છે તે એટલા માટે કે આ જલપાનથી તેમનામાં સ્ત્રી ભાવની ઉત્પત્તિ થાય. શ્રીયમુનાજી-‘‘તનુ નવત્વનું’’ દાન કરનારા છે, તેજ ભક્તોનો આધિદૈવિક સ્ત્રી ભાવ છે. ગોપાલોમાં તે ભાવ સિદ્ધ કરાવ્યો છે. રાત્રિ લીલામાં આ ગોપાલોના સહકારીત્વનું વર્ણન શ્રીશુકે ભાગવતમાં કર્યું નથી, તેમજ શ્રીમદાચાર્યચરણે પણ શ્રીસુબોધિનીજીમાં વર્ણન કર્યું નથી તેને અહીં લેખનીમાં ઉતારતા મહત સ્વરૂપોનો અતિક્રમ થાય છે. અને આ અતિક્રમ મહાન અપરાધ રૂપ હોવાથી અહીં તેનું સ્પષ્ટીકરણ કરવું સર્વથા યોગ્ય નથી. શ્રીમદાચાર્યચરણની કૃપાએ જ્યારે અલૌકિક સ્ત્રીભાવ પ્રાપ્ત થશે, પુરુષ ભાવની ઠસકનું નામ-નિશાન નહી રહે ત્યારે રાત્રિ લીલા સહજ સ્ફુરીત થશે.
 
પૂર્ણગુણ વિગ્રહ-પુર્ણ નિર્દોષ પ્રભુની લોક વેદથી વિરૂદ્ધ રસશાસ્ત્ર અનુસારી લીલાઓ સ્વકીયોના નિરોધને સિદ્ધ કરી પોતાના સ્વરૂપાનંદના દાન માટે છે. દુર્ભાગી આસુરી જીવોને પ્રભુની આ લીલામાં દોષ દ્રષ્ટિ થાય છે.
 
અને તેથી અંધતમ નરકમાં પાત થાય છે. આવું અનિષ્ટ ન થાય તે માટે શ્રી શુકે તે લીલાને પ્રગટ કરી નથી.
 
જેમ અષ્ટ સખાઓ બહારથી ‘‘પુરુષ’’ આકૃતિવાળા છે અને તેમના અન્તઃકરણો (લિંગદેહો) ‘‘સ્ત્રી’’ ભાવવાળા છે. ત્રણ જન્મની વાર્તાના ભાવ પ્રકાશમાં શ્રીહરિરાય પ્રભુએ અષ્ટ સખા તથા ચોરાશી બસોબાવનના આધિદૈવિક સખીભાવવાળા સ્વરૂપોનું નામ સહિત વર્ણન કરેલું છે. તેમ આ અંતરંગ ગોપાલો પણ બહારથી પુરુષ આકૃતિ વાળા અને તેમના અન્તઃકરણ સ્ત્રી ભાવ વાળા છે. આ સ્ત્રીભાવવાળા તેમનાં આધિદૈવિક સ્વરૂપો ભાવાત્મક છે. અને તે ભાવાત્મક સ્વરૂપો તેમની ભીતર અન્તઃકરણમાં રહેલ છે. આ જ પ્રકારે લીલાધામથી વિછુરેલા આધુનિક દૈવીજીવોના આધિદૈવિક સ્ત્રીભાવાત્મક સ્વરૂપોને બ્રહ્મસંબંધ સમયેજ શ્રીમદાચાર્યચરણ કૃપા દ્રષ્ટિ દ્વારા તેમના અન્તઃકરણમાં સ્થાપીત કરે છે. ભક્તોના આ આધિદૈવિક સ્વરૂપની પ્રેરણાથી જ ભૂતલ સ્થિત દૈવીજીવ પ્રભુના સેવા સ્મરણાદિ પ્રક્રિયા દ્વારા સાનિધ્યતાનો અનુભવ કરે છે. આધુનિક દૈવીજીવ પોતાના જ આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન મેળવી તે સ્વરૂપમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી લીલા ધામમાં તેનો પ્રવેશ થઈ શકતો નથી.
 
ખરી રીતે સેવા, સ્મરણ, ગુણગાન આદિ જેટલા ભગવદ્ ધર્મોનું આચરણ કરવામાં આવે છે તે દૈવીજીવને પોતાના નિત્ય સિદ્ધ આધિદૈવિક સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જ છે. અથવા સાધનાત્મક પુરુષાર્થની સમાપ્તિ આ આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિમાં જ થઈ જાય છે.
 
અહીં એક અતિ આવશ્યક બાબતને સમજી લઈએ કે આ પ્રભુની રહસ્ય લીલા શ્રવણનો અધિકારી કોણ ? શ્રીમહાપ્રભુજી તામસ પ્રમાણ પ્રકરણના શ્રીસુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે, જ્યાં સુધી અન્તઃકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી ગોપીજનો સાથેની રહસ્ય લીલાઓનું શ્રવણ ન કરવું. પ્રભુની બાલલીલા-સખાઓ સાથેની વનમાં થતી સખ્યલીલાઓનું શ્રવણ કરવું. ‘‘અન્તઃકરણની શુદ્ધિ’’ એટલે પ્રભુમાં પતિભાવવાળા સ્ત્રી ભાવની પ્રાપ્તિ. આવો સ્ત્રીભાવ શ્રવણ કરનાર પુરુષ-દેહધારીને ન થાય અને પ્રાકૃત કામનું જોર હશે તો રહસ્યલીલાના શ્રવણથી વિકાર ઉત્પન્ન થશે અને તેથી તેનું મહતઅનિષ્ટ થશે. આ હેતુથી રહસ્યલીલાનું શ્રવણ નહી કરવું તેવી આપશ્રીએ આજ્ઞા કરી છે.
 
લીલા ધામથી વિછુરેલા દૈવીજીવોના ઉદ્ધારની ચિન્તાને હૃદયમાં ધરી મહાકારૂણિક સ્વામી ભૂતલમાં પ્રાદુર્ભૂત થયા છે.
 
આ કલિકાલમાં દુસંગથી બચવા હર પલે સાવધાન રહેવાનું છે. પ્રભુ સન્મુખ રહી ભાવ રૂપ નિધિ પ્રાપ્ત કરી હશે તેનો દુસંગથી નાશ થઈ જાય છે. ઘરમાં બીરાજતા પ્રભુ આપણા ઉદ્ધારની ચિન્તા લઈને બિરાજી રહ્યા છે. તે સ્વરૂપમાં કંઈ ન્યુનતા નથી કે બીજાના સંગની કે બીજા કોઈ પ્રકારની આશા કરવી પડે. સેવ્ય સ્વરૂપનો આશ્રય-વિશ્વાસ છુટે છે અને બીજાની આશા થાય છે ત્યારે લક્ષ્મણ રેખાનું ઉલંઘન કરી સિતાજી રાવણને ભીક્ષા દેવા ગયા અને સિતાજીને ઉપાડી તે દાનવની નગરી લંકામાં લઈ ગયો. દૈવીજીવની પ્રભુ સંબંધી બુદ્ધિ સતી સિતાજી જેવી છે. તે નિજસ્વામીનાં આશ્રયને છોડી બીજાની આશા કરતા આસુરી ભાવનો પ્રવેશ થતા હૃદય લંકા બની જાય છે. અને આસુરી ભાવોરૂપ દાનવોથી ઘેરાયેલી ભગવદ્ સંબંધી બુદ્ધિ, દુઃખનો અનુભવ કરતી થઈ જાય છે.
પ્રસંગવસાત આ હિતકારી સૂચનોના પ્રેરક કરૂણાસાગર શ્રીમહાપ્રભુજીની પ્રેરણાને આપણા હિત માટે હૃદયમાં ધારણ કરવા યોગ્ય છે. દિવ્ય પ્રભુ પ્રેમ પ્રાપ્તિમાં ઘણા વિઘ્નો આવે છે તેથી સાવધાનતાની જરૂર છે. (ક્રમશઃ)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.