દિવ્ય લીલા કર્તાહર્તા શ્રીવલ્લભ
spacer
spacer

- શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

શ્રીજીના આત્માસ્વરૂપ મુખ્ય શ્રીસ્વામિનીજી શ્રીરાધિકાજી છે. તે શ્રીસ્વામિનાજી સ્વરૂપ શ્રીવલ્લભ નામથી ભુતળમાં પ્રક્ટ થયા છે. આ શ્રીવલ્લભ બહાર પુરુષ રૂપે છે, ભીતર શ્રીસ્વામિનીજી સ્વરૂપે છે. હવે આપનું શ્રીવલ્લભ નામ કેમ તે સંબંધમાં કહે છે :
 
શ્રી એટલે શ્રીસ્વામિનીજી. કૃષ્ણ એટલે શ્રીઠાકુરજી. આ બંને સ્વરૂપોને પણ અત્યંત વહાલા શ્રીવલ્લભ હોવાથી, શ્રીવલ્લભ નામ ધરાયું છે. ગોલોક ધામમાં કોટાનકોટિ ભક્તો છે. કોટાનકોટિ કુંજો અને નિકુંજો છે. દરેક ભક્તની કુંજમાં ભક્તના ભાવાત્મક શ્રીઠાકુરજીના સ્વરૂપો બીરાજે છે. એટલે કોટાનકોટિ ભક્તો અને કોટાનકોટિ શ્રીઠાકુરજીના સ્વરૂપોને પણ દિવ્યપ્રેમસુધાનું દાન કરી આનંદ કરાવનાર શ્રીવલ્લભ હોવાથી અતિ વહાલા હોય છે. તે સર્વના આત્મારૂપ શ્રીવલ્લભ છે. તેથી અતિ વહાલા કહ્યા છે. અહીં શ્રીવલ્લભનું મુળ સુધા-સ્વરૂપ કે જે સર્વના આત્મામાં ભોકતા દાતારૂપે અથવા સાક્ષી સ્વરૂપે બિરાજી રહેલ છે તેનું વર્ણન કરેલું છે. આ સુધા સ્વરૂપ શ્રીવલ્લભ વિના ભગવાન અને ભક્તોની રસક્રીડા થઈ શકતી નથી. હવે જ્યારે ગોલોક ધામમાં પણ ભગવાન અને ભક્તોને પ્રેમસુધાનું દાન કરી દિવ્ય લીલા કરાવનાર શ્રીવલ્લભ છે. તો ભુતળમાં રહેલા દૈવીજીવોને શ્રીવલ્લભની કૃપાથી પ્રેમદાન ન થાય તો ભગવાનને કેવી રીતે મેળવે અને રીઝવી શકે ? તેથી દૈવીજીવોને પણ જ્યારે શ્રીવલ્લભજીના સાનિધ્યથી પ્રેમદાન થાય ત્યારે જ કોટિ કામદેવથી અધિક સૌંદર્યવાળા પુષ્ટિપ્રભુને દૈવી જીવ રીઝવી શકે છે.
 
શ્રીવલ્લભના સાન્નિધ્યથી અથવા શ્રીવલ્લભના સ્મરણ, ભજન, ગુણગાન, ધ્યાનથી દૈવી જીવમાં ભગવાનને પ્રાપ્ત કરવાને તાપકલેશ પ્રગટ થાય છે. કારણકે શ્રીવલ્લભ તાપાત્મક સ્વરૂપ છે. આ તાપકલેશ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ પ્રભુનો સાક્ષાત્કાર કરવામાં ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યારૂપ પ્રપંચ-આવરણ સર્વ પ્રકારથી ભસ્મીભુત થાય છે. ત્યારે દૈવીજીવ પોતાના આધિદૈવિક સ્વરૂપમાં સ્થીત થાય છે. આ સમયે શ્રીવલ્લભ તેને નિત્યલીલા સંબંધી પ્રેમનું દાન કરે છે, ત્યારે પ્રભુને રીઝવે તેવી સર્વ પ્રકારની દિવ્ય-સમ્પતિ તેને પ્રાપ્ત થાય છે. અહી ‘સાન્નિધ્ય-માત્રદત્તશ્રીકૃષ્ણપ્રેમા’ આ નામનો ભાવાર્થ વિચારવો. આગળનું નામ ‘વિમુક્તિદઃ છે. તેથી શ્રીકૃષ્ણપ્રેમામૃતનું જેને શ્રીવલ્લભે દાન કરેલું છે તેવા દૈવીજીવનો લીલાધામમાં પ્રવેશ થાય છે. એટલે લીલાધામમાં પ્રવેશ કરી નિત્યલીલા-સ્વરૂપનો નિત્ય-અખંડ આનંદ અનુભવ કરવો તેને વિમુક્તિ કહેવાય છે. અથવા વિમુક્તિદઃનો એક અર્થ એમ પણ થાય છે કે ભુતળમાં પુષ્ટિપ્રભુની નિમિત્તલીલાના આનંદમાંથી પૃથક કરીને નિત્યલીલાના નિરવધિ આનંદના અનુભવમાં પ્રવેશ કરાવવો. નિમિત્ત લીલામાં બ્રહ્મભાવથી અનુભવાતો આનંદ ગણિતાનંદરૂપ છે, સ્વરૂપાત્મક સર્વાત્મભાવ સિદ્ધ થયા પછી ભજનાનંદનો અનુભવ છે. તેથી અગણીતાનંદરૂપનું દાન ભક્તોને કર્યું તેનું સુખ ભક્તોના ભાવાત્મક પ્રભુ પણ ભોગવતા હોવાથી ભક્તને અને ભગવાનને શ્રીવલ્લભ અતી વહાલા કેમ થયા ન હોય ! થયા જ હોય. તેથી શ્રીદયારામભાઈ કહે છે કે શ્રીવલ્લભ, શ્રીસ્વામીનીજી ભાવવાળા ભક્તને અને શ્રીકૃષ્ણને અતી વહાલા છે. આવા દીવ્ય કર્તાહર્તા શ્રીવલ્લભ છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.