અનુગ્રહ માર્ગના પ્રણેતા
spacer
spacer

સંકલન : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

અચિન્ત્ય અનંત શક્તિયુક્ત ભગવાન શ્રીકૃષ્ણની દૈવીજન પ્રતિ વાત્સલ્ય ભાવેચ્છા પ્રસ્ફૂટિત થતા નિજાનુગ્રહ વિતરણ અર્થ હરિવદનં વૈશ્વાનર વિભુનો પ્રાદુર્ભાવ થયો, એટલે કે ભૂતલ ઉપર શ્રીમદાચાર્યચરણનો દિવ્યજન્મ થયો. સંવત 1535 ના ચૈત્ર વદી એકાદશીનો એ મહામંગલમય પવિત્ર દિવસ.
 
કૃપાનિધિ શ્રીમદાચાર્યચરણે નિજપ્રાદુર્ભાવાનંતર યથોચિત પ્રાપ્ત સમયે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્વરૂપે નિજ અલૌકિક વ્યવસાયનો પ્રારંભ એવં સમુદ્યમનો સુમંગલ આરંભ કર્યો. માયાવાદી કરીદ્વ દર્પદલન પૂર્વક શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપન, શ્રીવ્રજપતિ શ્રીગોપીજનવલ્લભના સેવા રસાબ્ધિનું અને ભગવદ્ ઈચ્છા અનુસાર શ્રીમદ્ ભાગવત ગૂઢાર્થનો પ્રકાશ એમ ત્રિવિધ મુખ્ય પ્રયોજનની સિદ્ધિ સ્વરૂપ પુષ્ટિમાર્ગ પ્રવર્તમાન થયો, અને શરણ સમર્પણ દીક્ષા દ્વારા દૈવી જીવોદ્ધારનું પરમોત્કૃષ્ટ કાર્ય સુસંપન્ન થયું. લોકોત્તર એવં સર્વ વિલક્ષણ એતન્નમાર્ગની દિવ્ય જ્યોતિ સદા પ્રકાશિત રહે તદર્થ અને તદ્અનુરૂપ સાહિત્યનું નિર્માણ અનિવાર્ય હોઈને દેવગીરા – સંસ્કૃત ભાષામાં આપશ્રીએ પુષ્કળ સાહિત્ય નિર્માણ કર્યું. મુખ્યત્વે બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય, શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ એમ ત્રિવિધ પ્રકરણ યુક્ત સપ્રકાશ તત્વાર્થ દીપનિબંધ તથા શ્રીમદ્ ભાગવતના ગૂઢ આશયને પ્રકાશ અર્પતા શ્રીસુબોધિનીજીનું પણ પ્રાકટ્ય થયું. શ્રીમાન રશ્મિકારના અભિપ્રાયથી શ્રીમદાચાર્યચરણના આવી રીતે ક્રમશઃ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક મતનું નિદર્શન ઉપરોક્ત ત્રણ ગ્રંથોથી થઈ રહે છે. તદુપરાંત ષોડશગ્રંથથી પ્રાપ્ત ક્રમાનુસાર શ્રીયમુનાષ્ટકથી આરંભી સેવા ફલ પર્યંતના સોળ ગ્રંથો બિરાજે છે, તેમાં આપશ્રીનો નિર્ગુણ મત નિહીત હોવાનું પણ શ્રીમાન રશ્મિકાર જણાવે છે.
 
યદ્યપિ જનકલ્યાણ લોક નિઃશ્રેયસના ઉત્તમ હેતુને સિદ્ધ કરી આપતા સત્શાસ્ત્રો અને સન્માર્ગો વિદ્યમાન હોવા છતાં આચાર્યચરણે સ્વતઃ કથિત, સર્વથી વિલક્ષણ પુષ્ટિમાર્ગ નામથી સ્વસંપ્રદાય પ્રવર્તવાનો વિશેષ હેતુ શું હશે ? એનો ખુલાસો – ‘‘જીવા પુષ્ટિ માર્ગે ભિન્ના એવ નં સંશયઃ પુષ્ટિ કાયેન નિશ્ચય’’ એ આપશ્રીના વાક્યથી થઈ રહે છે. શ્રુતિ ઉક્ત રર્સૌવૈસઃ પરમાત્માની પ્રાપ્તિ વરણેકલભ્ય હોવાનું પણ ભગવતી શ્રુતિનું કથન વિચારણીય છે. યમે વૈસ વૃણુ તે તેન લભ્યઃ એમ સ્પષ્ટ શ્રુત્યાજ્ઞા છે. અત એવ શ્રીમદાચાર્યચરણે અનુગ્રહઃ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિઃ એમ સ્વ સિદ્ધાંત વિદિત કરતા ભગવાન શ્રીકૃષ્ણના અનુગ્રહની નિયામકતા પ્રતિપાદન કરી બ્રહ્મ શ્રુત્યાદિ દુરાપચરણરેણુ ભગવાન શ્રીકૃષ્ણના અનુગ્રહની દુર્લભતા દૂર કરી તેને સુલભ બનાવી આપતા શ્રીમદાચાર્યચરણે નિજનું પણ કૃપાનિધિત્વ સિદ્ધ કર્યું.
 
આટલા ઉપક્રમ પછી હરિ ભાવાત્માનં તદખિંલ વિહારાનપિ ત્થા સમસ્તાં સામગ્રી મનુજ પશુપક્ષી આદિ સહિતામ્ કૃપા માત્રેણાત્ર પ્રક્ટયતિ એમ શ્રીહરિરાય મહાપ્રભુ પુષ્ટિમાર્ગની ભાવાત્મકતા નિરૂપણ કરે છે. એ જ પુષ્ટિમાર્ગનું વૈલક્ષણ્ય ભાવાત્મા શ્રીહરિ, તેના અખિલ ભાવાત્મક વિહારો, સમસ્ત ભાવાત્મક સામગ્રી અને તે મુજબ પશુ પક્ષ્યાદિ સહિત કેવલ કૃપામાત્રથી અત્રે પ્રક્ટ કરે છે. તે જ સ્વરૂપ શ્રીમદાચાર્યચરણ શ્રીમદ્ વલ્લભાધીશ મહાપ્રભુ પ્રક્ટ થયા છે. ‘‘પ્રક્ટ સબ લીલા દિખાવત નંદનંદન જે કરી.’’

આ સમગ્ર પુષ્ટિમાર્ગીય પ્રકાર શબ્દાલેખનથી તેમ વાણીના વિલાસથી સુગમ છે એમ ફલાત્મક સ્થિતિ એ પુષ્ટિમાર્ગ ભજનાનંદ રસમાર્ગ છે. આ દિવ્ય અલૌકિક ભજનાનંદ રસ સહજમાં પ્રાપ્ત નથી. એ વાત ‘‘યહ સુખ રમા તનક નહીં પાયો.’’‘‘સુપને યહ કૃપા કમલા ન પાવે.’’ ઈત્યાદિ અષ્ટ સખાદિ મહાનુભાવોએ અનુભવિત વર્ણિત વાણીથી સિદ્ધ થાય છે. આ પ્રકારના દિવ્ય સુખને પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય શ્રીમદાચાર્યચરણ ચરણનલિનનો સમાશ્રય અને એઓશ્રીના ચરણકમલનું આરાધન એ જ છે. અંગીકૃત પુષ્ટિ જીવને આ અત્યંત દુર્લભ રસ કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિનો ઉપાય કૃપાસિન્ધુ પરમદયાલુ શ્રીમત્ પ્રભુચરણ આપશ્રીએ વિચાર્યો અને ઉદારતાથી અતીવ કરૂણાવશ થઈ પુષ્ટિ દૈવી જીવોને શ્રીમદાચાર્યચરણ સ્વરૂપ જ્ઞાન થાય અને તેથી તેઓશ્રીના ચરણકમલનું આરાધન કરી કૃતકૃત્યતાનો અનુભવ કરે તેટલા માટે સૌન્દર્ય પદ્ય, શ્રીવલ્લભાષ્ટક, સ્ફૂરિત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર પ્રક્ટ કર્યા, અને શ્રીમદાચાર્યચરણના સેવન આરાધન માટે અનુકૂળતા અર્પી પુષ્ટિ (જનો) જીવોનું ભાગ્ય સિદ્ધ કરી આપ્યું. આથી આપણું સર્વપ્રથમ કર્તવ્ય ઉપરોક્ત ગ્રંથ ચતુષ્ટયના સતત અધ્યયન અનુશીલનમાં ચિત્તને સંલગ્ન કરવાનું અને તેના જપ, પાઠાદિના (શ્રીસર્વોત્તમજીના) ક્રમને મહદ્ કૃપાથી જાણી લઈ તત્પરાયણ થવાનું રહે છે. કાલ કર્માદિના ભય-ત્રાસને હટાવવા-મિટાવવા અને પુષ્ટિમાર્ગીય પરમ ફલ પ્રાપ્તિના આ અમોઘ ઉપાયને હૃદયમાં ધારણ કરી લઈએ પ્રમેય બલ એમાં જ નિહિત છે. ‘‘પ્રમેય બલમાં સાદ્યકિમ અસાધ્યંતદા ભવેત્ ।’’ પ્રમેય બલની પ્રાપ્તિ થતાં શું અસાધ્ય રહે ?

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.