કર્મત્યાગ અથવા શુદ્ધ પુષ્ટિ ભક્તનું સ્વરૂપ
spacer
spacer

શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

(શ્રીગોકુલેશ વચનામૃત) (ગતાંકથી ચાલુ)

દિવ્યપ્રેમની દુનિયાના નિયમો શુદ્ધ પુષ્ટિ ભક્તિના ઉપાસકોએ સારી રીતે સમજી લીધેલ છે. મનસા, વાચા – કર્મણા સંપૂર્ણ જીવન પ્રિય પ્રભુના ચરણ કમલમાં સમર્પિત ન થાય ત્યાં સુધી શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થઈ શકતો નથી. આવા અધિકારી ભક્તો માટે શ્રીગોકુલેશ આજ્ઞા કરે છે કે તેને અન્ય કર્મ કરવાનો આગ્રહ કેમ કરાય ? આવા અધિકારવાળો ભક્ત ભલે મુગ્ધ હોય છતાં મહાપુરુષો તેના વરણની. પહેચાન કરીને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનો જ બોધ કરે છે. કારણકે મહાપુરુષો સ્વભાવથી જ કરુણાળુ હોય છે. વળી આવા મહાપુરુષોનું ભૂતલ પ્રાગટય લીલા મધ્યપાતિ મુગ્ધ જનોને નિત્ય લીલાસ્થ હરિનો સાક્ષાત સંબંધ કરાવવા માટે છે.
 
‘‘શ્રીમહાપ્રભુજી કો શુદ્ધ પુષ્ટિમાર્ગ પ્રગટ કરવેકો આગ્રહ હે, મર્યાદા ઔર કર્મમાર્ગ પ્રગટ કરવેકો કછુ હુ પ્રયોજન યા આગ્રહ નહી હૈ’’
 
શ્રીમદાચાર્યચરણે ધર્મીમાર્ગ પ્રગટ કર્યો છે. નિત્ય લીલાત્થ નિકુજનાયક ગોવર્ધનધરને વૈષ્ણવોના ગૃહમાં પધરાવી આપી રાસસ્થભક્તોએ જે સુખ લીધું તેવા જ સુખનો અનુભવ કરાવવા માટે ધર્મી સ્વરૂપનું દાન કરેલું છે. ‘‘સેવા રીત પ્રિત વ્રજજનકી જન હિત જગ પ્રગટાઈ.’’ આપશ્રી શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે કે – ‘બ્રહ્મભાવ કરતા ભગવદીયનું ઘર ઉત્તમ છે. સર્વમાં ભગવાનને જોવા એવા બ્રહ્મભાવ કરતા ભગવદીયને પોતાના ગૃહમાં બિરાજતા ધર્મી સ્વરૂપના સેવનથી સ્વરૂપાનંદનો અનુભવ થાય છે, તેથી ભગવદીયના ઘરને ઉત્તમ કહ્યુ છે.’
 
ગૃહમાં બિરાજતા મહાન દિવ્ય સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નહી હોવાથી આપણે દિવ્ય સુખનો અનુભવ કરી શકતા નથી. નિરવધિ સુખના દાતા પોતાના ગૃહમાં જ બિરાજતા હોવા છતાં આપણે અન્યત્ર આનંદની ભિક્ષા માંગીએ છીએ. ચોરાસી, બસો બાવને સેવ્ય સ્વરૂપમાં જ સર્વસ્વતા માની છે. તેથી તેઓ સ્વરૂપાનંદનો અનુભવ કરી શક્યા. આધુનિકને અનુભવ નથી તેનું આ જ કારણ હોવું જોઈએ. વાસ્તવિક તો આ માર્ગના ફલનો તેમને જ અનુભવ થાય છે કે જેઓ લીલાધામથી વિછુરેલા છે. આ જીવો માટે જ શ્રીમદાચાર્ય ચરણનું ભૂતલ પ્રાગટ્ય થયું છે. (શ્રીયમુના ઓર પ્રાણપતિ, પ્રાણ ઓર પ્રાણ સુત, ચહુ જન જીવ પર દયા વિચારી) શ્રીમદાચાર્યચરણે પદ્મારાવળને શ્રીરણછોડજી સ્વરૂપે દર્શન આપ્યાં. કારણકે તે મર્યાદા જીવ હોવાથી તેમની આશક્તિ શ્રીરણછોડજીમાં હતી. આપશ્રીએ બ્રહ્મસંબંધ પણ રણછોડજી સ્વરૂપે આપ્યું. અને પદ્મરાવળનો પ્રવેશ દ્વારકાલીલામાં થયો. આ પદ્મારાવળનો અંગીકાર કરી આપશ્રીએ એ જતાવ્યું કે ભવિષ્યમાં પુષ્ટિમાર્ગમાં આવા મર્યાદાજીવોની સંખ્યા વધી જશે. સાંપ્રત સ્થિતિ જોતાં પુષ્ટિમાર્ગમાં પ્રવાહી અને મર્યાદા જીવોની સંખ્યા પણ વધતી જાય છે. પુષ્ટિ પ્રવાહ અને પુષ્ટિ મર્યાદાથી ઉપરોક્ત મર્યાદા અને પ્રવાહી જીવો ભિન્ન છે. જેમ સ્વર્ગના દેવતાઓ પણ દેવતાઓ કહેવાય છે અને તેઓ વિષયાનંદના જ ભોકતા છે. તેમ પુષ્ટિમાર્ગમાં પ્રવાહી જીવો પ્રવેશેલા છે. પુષ્ટિમાર્ગીય કહેવાય છે. પરંતુ પુષ્ટિ પ્રભુનો સંબંધ તેમને થતો નથી. આ જીવો વિષયાનંદનો જ અનુભવ પ્રભુના સંબંધમાં કરતા હોય છે. કેવલ મર્યાદા જીવોમાં પુષ્ટિ સ્વરૂપ સંબંધ હોતો નથી, તેઓનો મર્યાદા સ્વરૂપ લીલામાં પ્રવેશ થાય છે.
 
‘‘જેસો પ્રભુકો સ્વરૂપ હે, તેસેહી ઉનકી સૃષ્ટિ હૈ’’ જ્યાં જેવી સૃષ્ટિ ત્યાં તેવી લીલા. અને જ્યાં જેવી લીલા ત્યાં ત્યાં તેવું પ્રભુનું સ્વરૂપ હોય છે. લીલા ભેદે સ્વરૂપનો ભેદ થાય છે. વ્રજ, મથુરા, દ્વારકા ત્રણેય સ્થાને કૃષ્ણસ્વરૂપ એકજ પણ ત્રણેય સ્થાનની લીલા જુદી જુદી તેથી એક જ સ્વરૂપ હોવા છતાં લીલા ભેદે સ્વરૂપ ભેદ સમજવો. વ્રજમાં આધિદૈવિક, મથુરા આધ્યાત્મિક અને દ્વારિકા આધિભૌતિક તથા આધ્યાત્મિક ઉભયવિધ. આ રીતે જ્યાં જેવી સૃષ્ટિ ત્યાં તેવી લીલા અને જ્યાં જેવી લીલા ત્યાં પ્રભુનું સ્વરૂપ પણ લીલાનુસાર હોય છે.
 
વ્રજમાં પણ પ્રતિબંધોની નિવૃત્તિ માટે વ્યુહ સ્વરૂપથી લીલા અને વ્રજભક્તોના અનુરાગની વૃદ્ધિ માટે શુદ્ધ રસાત્મક સ્વરૂપથી લીલા કરી છે. અગ્નિકુમારિકાજીને વસ્ત્ર દાન કર્યા બાદ ભગવાન સખાઓ સાથે વનમાં પધારે છે ત્યાં વૃક્ષોના વમાયા સખાઓને પરમાર્થ ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાંની શ્રીસુબોધિનીજીમાં આપશ્રી આજ્ઞા કરે છે કે – ‘દંપતિ વૃન્દાવન સે દુર ચલે ગયે.’ આનું તાત્પર્ય આપશ્રી જતાવે છે કે વૃન્દાવનસ્થ શ્રીસ્વામીનીજીઓ (શ્રીગોપીજનો) તો એમ જ સમજે છે કે અમારું સંપૂર્ણ જીવન સાક્ષાત ધર્મી સ્વરૂપ માટે જ છે. અર્થાત પરમાર્થ આ સ્વામિનીજીઓ માટે નથી. સખાઓને પરમાર્થનો ઉપદેશ અનિરૂદ્ધ વ્યુહ સ્વરૂપના આવેશથી પ્રભુ કરી રહ્યા છે. આમ, વ્રજમાં પણ વ્યુહ અને શુદ્ધ રસાત્મક સ્વરૂપની પહેચાન મર્મજ્ઞ શિરોમણી શ્રીહરિરાય પ્રભુએ શિ. 38-9માં કરાવી છે કે ‘શ્રીકૃષ્ણસ્તુ કેવલ લીલાં કરોતિ રસરૂપીણીમ્’ શ્રીકૃષ્ણનું આધિદૈવિક સ્વરૂપ તો કેવલ રસરૂપ જ લીલા કરે છે. ‘જૈસે વિપ્રયોગી વ્રજભક્તો કો પ્રભુન કે સાક્ષાત સ્વરૂપકો સંયોગ નહી હે. સો કહા સ્વરૂપકી અપ્રાપ્તિકે સમયમેં અન્ય મર્યાદા ધર્મ કે વિશે અનુસરેંગે ?
 
મથુરા પધાર્યા પશ્ચાદ્ વ્રજભક્તોને પ્રિય પ્રભુનો સાક્ષાત બહાર સ્વરૂપનો સંબંધ નથી, તેઓ વિપ્રયોગમાં સ્થિત છે. તે સમયે ઉદ્ધવજી વ્રજમાં આવી ભગવાન સર્વત્ર વ્યાપક બિરાજે છે એનો જ્ઞાનોપદેશ આપે છે તોપણ શ્રીવ્રજજનો આ ઉપદેશનો સ્વીકાર કરતા નથી. આ જ આશયની સંગતિથી શ્રીમદાચાર્યચરણ સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે :
 
‘જ્ઞાનિનામપિ વાક્યેન ન ભક્ત મોહયિષ્યતિ’ વિષ્ણુની માયા જ્ઞાનીને મોહ કરે છે પરંતુ સાક્ષાત ધર્મી સ્વરૂપમાં નિષ્ઠાવાળા (આસકત) પ્રેમી ભક્તોને મોહ કરી શકતી નથી. (શબ્દ બ્રહ્મના નિષ્ણાત જ્ઞાનીનો પ્રેમસ્વરૂપ પરબ્રહ્મમાં પ્રવેશ થતો નથી. તેવા જ્ઞાનીને ભગવતી માયા પ્રતિષ્ઠાના પ્રલોભનથી મોહ ઉત્પન્ન કરે છે. પ્રેમીઓ પ્રતિષ્ઠાને સ્વીકારતા નથી. મોહ અંધકારરૂપ છે તેથી જ્ઞાનીને પ્રેમમાર્ગ સુઝતો નથી.) આવા પ્રેમી ભક્તો વિપ્રયોગકાલમાં પણ મર્યાદા ધર્મરૂપ વ્યાપક બ્રહ્મને પોતાના ઈષ્ટ સ્વરૂપે સ્વીકાર કરતા નથી.
 
શ્રીમદાચાર્યચરણ ભાગવતાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે : સ્વકીયજનો વિશ્વની માયાને હટાવે અને લોકોને વંદન કરવા યોગ્ય ભગવાનના પરમ ધામને પ્રાપ્ત કરે તે માટે જ (ભગવાને) પોતાના ગુરૂ શ્રીહરિએ જ અહીં આ પ્રકરણ અને પહેલાના ત્રણે [રાજસ – તામસ - સાત્વિક] પ્રકરણો પૂર્ણ કરેલા છે. (અથવા પોતાના ધામમાં લઈ જવા માટે પ્રિય પ્રભુએ વિશ્વમાયા મોહમાંથી નિજજનોનું રક્ષણ કર્યું છે.) (ભા.નિ. 10-87 કા 467)
 
રતિપથના આચાર્ય શ્રીમહાપ્રભુજીને જે શુદ્ધાદ્વૈત ભાવ અપેક્ષિત છે તેનું વર્ણન વેણુગીતમાં-‘અક્ષણ્યવતા ફલમિદંન પરમ વિદામ્’
 
આ શ્લોકમાં અને ભ્રમરગીતમાં ઉદ્ધવજી અને શ્રીગોપીજનોના સંવાદમાં કરેલુ છે. આ સંવાદના આશયને મહાનુભાવ શ્રીસૂરદાસજી એક પદમાં જણાવે છે.
 
પદ
 
નાહીન રહ્યો મનમેં ઠોર ।
નંદનંદન બીન કાસુકર,
આનીયે ચિત ઓર ।।1।।
ચલત ચિત્તવત દ્યોસ જાગત,
સ્વપ્ન સોવત રાત ।
હૃદય તે યહ મદન મુરતિ,
છિન ન ઈત ઉત જાત ।।2।।
કહત ક્યા અનેક ઉધ્ધો,
લોભ લાખ દિખાય ।
કહાં કરે ઘટ પ્રેમ પૂરણ,
સિન્ધુ નાહી સમાય ।।3।।
શ્યામ ગાત્ર સરોજ આનન,
લલિત ગતિ મૃદુ હાસ ।
‘‘સૂર’’ એસે દરશકો,
યહ મરત લોચન પ્યાસ ।।4।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.