શ્રીવલ્લભનો દ્રઢ આશ્રય
spacer
spacer

- લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

          જે જનને શ્રીમહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે. તેની કોઈપણ સારી કૃતિ ન હોય છતાં તેમને વિના શ્રમે ગોલોકધામની દિવ્ય લીલાનું સુખ પ્રાપ્ત થાય છે, અને આવા શ્રીવલ્લભ-આશ્રિતજનને શ્રીઠાકુરજી ધન્ય માને છે. સારાં કામો ન કર્યા હોય છતાં વિના શ્રમે ગોલોકધામની લીલાનું સુખ પ્રાપ્ત થાય છે તે, શ્રીમહાપ્રભુજીના સેવક શ્રીઅચ્યુતદાસની વાર્તાના પ્રસંગથી જાણવામાં આવે છે. આ શ્રીઅચ્યુતદાસજી શ્રીમહાપ્રભુજીને શરણે થયા પછી આપે આજ્ઞા કરી કે શ્રીઠાકુરજીની સેવા કરો ત્યારે શ્રીઅચ્યુતદાસજીએ વિનંતી કરી કે મને આપ માનસી સેવાનું દાન કરો કે જેથી માનસીમાં લીલાનો અનુભવ કરૂં. ત્યારે આપ મહાકારૂણિક હોવાથી પોતાના મહાઉદાર ચરિત્રનો નિજ સૃષ્ટિને અનુભવ કરાવતા તનુજા વિત્તજા સેવા (શુભકૃતિ) કર્યા વગર અચ્યુતદાસજીને માનસી સેવાનું દાન કર્યું. તેથી શ્રીઅચ્યુતદાસજી માનસીમાં લીલાસુખનો અનુભવ કરવા લાગ્યા. આ શ્રીઅચ્યુતદાસજીના નેત્રોમાં શ્રીમહાપ્રભુજી સદૈવ બિરાજતા હતા.
 
          હવે બીજી બાબતઃ શ્રીહરિ, શ્રીમહાપ્રભુજીના આશ્રિતજનને ધન્ય કેમ માને છે તે પ્રસંગ શ્રીદામોદરદાસ હરસાનીજીના વાર્તાપ્રસંગમાં આ પ્રકારે છે. એક સમયે શ્રીગુસાંઈજી બેઠકમાં બિરાજી રહ્યા હતા ત્યાં શ્રીકુંભનદાસજી અને શ્રીગોવિંદસ્વામી આદિ બે ચાર ભગવદિયો સાથે આપ હાંસી-ખેલ કરી રહ્યા હતા.  તે સમયે શ્રીદામોદરદાસજી ત્યાં આવ્યા અને શ્રીગુસાંઈજીને ભગવદિયો સાથે હાંસી-ખેલ કરતા જોઈને વિનંતી કરી કે ‘રાજ, યહ મારગ હાંસી ખેલકો નાહિ હૈ તાપ કલેશકો હે, અથવા યહ માર્ગ નિશ્ચિંતતા કો નાહિ હે, અત્યંત કષ્ટ આતુરતા કો હે.’ તબ શ્રીગુસાંઈજી સ્વરૂપ શ્રીહરિએ, શ્રીમહાપ્રભુજીના દ્રઢ અનન્ય આશ્રિત શ્રીદામોદરદાસજીને ધન્ય કહ્યા છે. શ્રીગુસાંઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે. તેથી શ્રીગુસાંઈજીએ જે ધન્ય કહ્યા તે શ્રીહરિએ જ કહ્યા છે એમ જાણવામાં આવે છે. હવે શ્રીહરિ જેને ધન્ય માને તેમાં નિર્ગુણ રહસ્ય રહેલું હોય છે. કારણ કે સાધારણ જનમાં શ્રીહરિને ધન્ય કહેવાનું હોય નહી. તો ધન્ય કહેવામાં કોઈ અસાધારણતા રહેલી છે. શ્રીવલ્લભજીનો અનન્ય આશ્રય જે કૃપાપાત્ર જનોને થયો છે, તેના હૃદયમાં શ્રીવલ્લભ અનંતલીલા સહિત સ્થાયી નિવાસ કરે છે. શ્રીવલ્લભ સ્વરૂપના એક એક રોમમાં શ્રીહરિ શ્રીગોવર્ધનધરણના કોટિ – કોટિ સ્વરૂપ બિરાજી રહ્યા છે. તેવા શ્રીવલ્લભને જેણે હૃદયમાં વસાવ્યા તેવા જનના મહિમાનું શું કહેવું ? એમ વિચારીને શ્રીહરિ તેને ધન્ય માને છે. વળી શ્રીવલ્લભમાં જે અપાર રાસાદિ લીલા સમુદ્રો છે. તે સર્વ આનંદનો અનુભવ શ્રીવલ્લભનો હોવાથી તે શ્રીવલ્લભ જેના હૃદયમાં બિરાજી રહ્યા છે તેમને શ્રીહરિ ધન્ય માને છે. આ શ્રીવલ્લભનું સ્વરૂપ તાપાત્મક છે. અને તાપભાવાત્મક સ્વરૂપમાં જ અનંત રાસાદિલીલા સમુદ્રો રહેલા છે. આવા તાપાત્મક સ્વરૂપનો આશ્રય શ્રીદામોદરદાસજીમાં હોવાથી શ્રીગુસાંઈજીએ ‘તુમ ધન્ય હો’ એમ આજ્ઞા કરે છે. આવું શ્રીવલ્લભનું સ્વરૂપ જાણ્યા પછી એવો ક્યો હીનભાગી જીવ હોય કે એક ક્ષણ પણ શ્રીવલ્લભનું સ્મરણ ભજન છોડી દે ! અહીં કહેવાનું એ છે કે આપણા મહા ભાગ્યે શ્રીવલ્લભનું સેવન, સ્મરણ, ગુણગાન કરવાનું મળેલું છે તે શ્રીનાથજી સ્વરૂપ શ્રીગુસાંઈજીની અપાર કરૂણ દયાથી જ પ્રાપ્ત થયું છે. તેથી એક ક્ષણ પણ શ્રીવલ્લભનું ભજન, સ્મરણ, ગુણગાન, ધ્યાન, છોડવું નહિં. આ જ જન્મમાં શ્રીવલ્લભવરને પ્રાપ્ત કરી લેવા સતત સન્મુખ રહેવું.
 
          શ્રીવલ્લભની આજ્ઞા મુજબ શ્રીદમલાજીનું સ્વરૂપ શ્રીવલ્લભનાં સ્વરૂપથી જરા પણ ન્યૂન નથી તેથી બેજ સંભાવનાઓ રહે છે. કાં તો શ્રીવલ્લભનું સ્વરૂપ અને શ્રીદમલાજીનાં સ્વરૂપમાં સામ્ય છે. અથવા તો શ્રીદમલાજીનું સ્વરૂપ અધિક છે. જે સ્વરૂપ પોતાનાં રોમ-રોમમાં અસંખ્ય શ્રીવલ્લભનાં સ્વરૂપોને વિલસાવી શકે છે, ત્યારે ક્યું સ્વરૂપ અધિક તેનો ન્યાય કરવાનું આપના પર છોડું છું.
         પોતાના પ્રિય શ્રીવલ્લભનાં સુખાર્થે સાક્ષાત નિકુંજનાયક શ્રીપ્રભુને શ્રીદમલાજી જ રોકી શકે તેવું સામર્થ્યનું મુખ્ય કારણ પોતાના પ્રિય શ્રીવલ્લભ પ્રત્યેનો તત્સુખાત્મક સ્નેહભાવ છે.
 
         શ્રીદમલાજીની વાર્તામાં એક પ્રશ્ન છે કે દાન મોટું કે દાતા ? ઉત્તર પણ સહજ છે કે દાતા હમેશા મોટો હોય, કારણ કે દાન તો દાતા જ્યાં આપે ત્યાં જાય. જે રીતે શ્રીપ્રભુનું દાન શ્રીવલ્લભ કરે છે ત્યા શ્રીપ્રભુ જાય છે. તેથી જ શ્રીવલ્લભ દાતા તરીકે મોટા છે, તે જ રીતે શ્રીવલ્લભનું દાન શ્રીદમલાજી કરે છે. તેથી શ્રીદમલાજી જેના પર કૃપા કરે તેને શ્રીવલ્લભ મળે છે. એટલે કે શ્રીવલ્લભ દાન છે અને શ્રીદમલા દાતા છે. તેથી મોટુ કોણ ? અનુગ્રહમાર્ગ અને પ્રેમમાર્ગમાં સ્નેહથી કરેલ સમર્પણ સર્વશ્રેષ્ઠ છે. તેથી સમર્પણ કરનાર મહાન ગણાય છે. શ્રીવલ્લભ પોતાનાં પ્રાણપ્રિય શ્રીપ્રભુને સ્નેહપૂર્વક સર્વ સમર્પણ કરે છે. તેથી જેને આપ અદેયદાન દેવા માંગે છે તેને પોતાનાં પ્રાણપ્રિય શ્રીપ્રભુનું દાન કરી દે છે. અને પોતે દાતા બની મહાન બને છે. તે જ રીતે શ્રીદમલાજી જેના પર કૃપા કરી અદેયદાન દેવા માંગે છે તેને પોતાના પ્રાણપ્રિય શ્રીવલ્લભનું દાન કરે છે અને પોતે દાતા બની જાય છે. ક્યારેક એવું પણ બને છે કે પોતાની સ્વતંત્ર કૃપા શક્તિથી કોઈક બડભાગી જીવોને પોતાના નિજ સ્વરૂપનું દાન કરી દે છે.
 
         પુષ્ટિમાર્ગ વિલક્ષણ અને વિરુદ્ધર્માશ્રયી છે. સામાન્ય રીતે દરેક સંમ્પ્રદાયમાં સ્વામિ સેવક કરતાં ચડીયાતો હોય છે. અહી ઉલ્ટુ છે. શ્રીપ્રભુ કરતા વલ્લભ અને શ્રીવલ્લભ કરતા શ્રીદમલાજી સ્વરૂપ વલ્લભીયો ચડીયાતા છે. અને તેથીજ શ્રીપ્રભુ શ્રીવલ્લભને અને શ્રીવલ્લભ દમલાજી સ્વરૂપ શ્રીવલ્લભીયોને આધિન છે. આપણાંથી જો શ્રીપ્રભુનો અપરાધ થઈ જાય તો શ્રીવલ્લભ કૃપા કરી તે દુર કરે છે. અને શ્રીવલ્લભનો અપરાધ થાય તો શ્રીદમલાજી દુર કરે છે. પરંતુ શ્રીદમલાજી સ્વરૂપ વલ્લભીયોનો અપરાધ દુર કરવાનું સામર્થ્ય કોઈનામાં નથી. તેથી દમલાજી સ્વરૂપ વલ્લભીયોનાં અપરાધો ન થાય તે માટે આપણે હમેશાં સાવચેત અને સજાગ રહેવું જોઈએ અને તેથી જ રામાનંદ પંડિત જેવાએ વલ્લભીયનો અપરાધ કર્યો તો શ્રીવલ્લભે સદૈવ માટે તેમનો ત્યાગ કર્યો છે. કારણકે આ માર્ગ વલ્લભીયો માટે છે. અને માર્ગનું મુલ પણ વલ્લભીયો સ્વરૂપે શ્રીદમલાજી છે. તેવી વલ્લભની આજ્ઞા છે.
 
         સ્નેહમાર્ગમાં ભગવદ્ સેવાનું ફળ શ્રીવલ્લભ પ્રત્યે પ્રિતી અને શ્રીવલ્લભ સેવાનું ફળ શ્રીદમલાજી સ્વરૂપ વલ્લભીયોમાં અગાધ સ્નેહ અને ભાવ છે. જ્યારે શ્રીદમલાજીનું આસ્વરૂપ સમજાય ત્યારે વલ્લભીયોની નિંદા કે દોષ જેવા અપરાધમાંથી જીવ બચી શકે છે. અને જ્યારે જીવથી આવા સ્વરૂપની તત્સુખાત્મક નિઃસ્વાર્થ સેવા થાય છે ત્યારે શ્રીદમલાજી અત્યંત પ્રસન્ન થઈને પુષ્ટિમાર્ગનું અંતિમચરણ શ્રીવલ્લભ અને શ્રીદમલાજીના સરસ સ્નેહ-વિલાસના અનુભવનું દાન કરે છે. તેથી જ આ માર્ગમાં વલ્લભીયોની નિઃસ્વાર્થ તત્સુખાત્મક સેવા તે ફળ સ્વરૂપે છે. તેથી આવી નિઃસ્વાર્થ તત્સુખાત્મક સેવાઓની કામના કરવી તે જ આ જીવનું કર્તવ્ય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.