હું કોણ ?
spacer
spacer

સંકલન : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

           હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? શા માટે આવ્યો ? શું કરી રહ્યો છું ? શું કરવાનું છે ? મારું અહિં કોણ છે ? પહેલા કોણ હતું ? હવે મારું કોણ હશે ? મારું સ્વરૂપ કેવું ?

          દેહ, ઈન્દ્રિયો, બુદ્ધિ, પ્રાણ વિગેરેનો સંબંધ ક્યાં સુધી ? કોની સાથે ?
          આ બધા પ્રશ્નોનો સાચો ઉકેલ ન થાય ત્યાં સુધી શાંત ચિત્તે સવાર, સાંજ એકાંતમાં બેસીને હૃદયના ઉંડાણમાં ડુબકી મારીને પોતાના અસલી (આત્મા) સ્વરૂપનો વિચાર કરવો. મન, વાણી, ઈન્દ્રિયોથી પર એવા આત્મ સ્વરૂપમાં વારંવાર સ્થિતિ ટકાવી રાખવાની ટેવ પાડવી. એ નિષ્કામ જ્ઞાની ભક્તનું ન ભુલી શકાય તેવું પ્રથમ કર્તવ્ય છે.
         જીવનો સાચો સંબંધ તો માત્ર એક તેના નિત્ય સખા ભગવાન સાથે જ છે. કારણ કે એ એમનો અંશ છે. અને એ રીતે દુનિયામાં જન્મ ધારણ કરીને જેની સાથે નિત્યનો – કાયમનો સંબંધ છે, તે સંબંધ તાજો કરી સ્મરણમાં રાખી સંબંધને જાળવી રાખવો અને તેનું ભાન સતત રાખવું એ દૈવી જીવે પ્રથમ વિચારવાનું છે. આથી જ જ્ઞાની ભક્તે પ્રભુ સાથેનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભગવાન સાથેનો અતુટ સંબંધ સ્થાપિત કર્યા વિના આ દેહ છોડીને ચાલ્યા જવું જન્મનું સાર્થક્ય ન ગણાય. આયુષ્ય વૃથા ગયું એમ માનવું.
         આયુષ્ય પ્રભુ સાથેનો યોગ કરવા (નિત્ય સંબંધ જોડવા) મળેલું છે. જીવ એવો અભાગી છે કે પોતાનો સંબંધ જેની સાથે જ છે જ નહિં તેની સાથે સંબંધ બાંધી રહ્યો છે. અનેક યોનિમાં સુખ – દુઃખના વમળમાં તણાતો રહી અહીંથી તહીં પવનમાં તણખલાની માફક આમતેમ અથડાયા કરે છે.
        શ્રીમહાપ્રભુજીએ સુબોધીનીજીમાં આજ્ઞા કરી છે કે ભગવાનને ભુલાવે તેવો દેહના સંબંધવાળો પરિવાર આત્માનો નાશ કરનારો છે. આ દેહના સંબંધી પરિવારમાં આ મારા છે, તેવો સંબંધ બાંધી દૈવી જીવ ભગવાન સાથેના સંબંધને ભુલી દૈવી જીવન બરબાદ કરી રહ્યો છે. દૈવી જીવન ઈચ્છનારે ક્યાંય ક્યારેય અહંતા – મમતા કરવાની નથી. અહંતા – મમતા કરવા જેવું છે પણ શું ? દરેક ક્રિયાને કરનાર કોણ ? આ બધું કોનું છે ? પ્રભુ સિવાય બીજું છે પણ શું ? આપણે કોણ ? આપણે ક્યું કાર્ય કરવાની અહંતા પોષી શકીએ ? બધું ભગવાનનું જ છે. આવી ભાવના કાયમ હૃદયમાં રાખવાની જ, તો પછી મમતા કઈ ચીજમાં રાખી શકીએ ? આપણી માલિકીની કોઈ વસ્તુ હોય તો જ મમતા સંભવી શકે. પરંતુ જે છે તે તો પ્રભુનું જ છે. એ જ એક તેના માલિક છે. તો પછી આપણે મમતા કેમ કરી શકીએ ? અજ્ઞાનવશ જીવ અહંતા – મમતા કરી દુઃખી થઈ રહ્યો છે. અને આમથી તેમ રાત – દિવસ આથડે છે. અને તેથી ક્યાંય શાંતિ પામતો નથી. જો જીવ કંઈ કરવા શક્તિમાન નથી તો સ્વાભાવિક રીતે તેનામાં દીનતા આવવાની જ. દીનતા એ ભગવદ્ ભક્તનું મુખ્ય ભૂષણ છે. દીનતા ન રાખે તો આસુરી ભાવ ઉત્પન્ન થાય છે. નોકર-દાસ મટીને પોતે શેઠ હોવાની ભાવના ઉત્તેજીત થાય અને આમ દીનતા અદ્રશ્ય થાય તો જીવ સુખ દુઃખના પંજામાં સપડાય જાય, ભાન ભૂલી જાય, પ્રભુનું દાસપણું ગુમાવી બેસે. પ્રત્યેક પ્રસંગે દીનતાનો આશ્રય ત્યજવો નહિં. હર હંમેશ હું કંઈ નથી, મારું કશું નથી, હું કંઈપણ કરવા અસમર્થ છું, અને મારાથી કંઈ પણ બનતું નથી, જે કંઈ બને છે તે અને હવે પછી જે કંઈ બનશે તે કેવળ પ્રભુની ઈચ્છાશક્તિથી જ થાય છે, અને થશે. આવો ભાવ રાખવો તેને દીનતા કહે છે. દીનતા પ્રભુને પ્રસન્ન કરવાનું મુખ્ય સાધન છે. સંસારમાં રહેવું, વિષયોની મધ્યમાં રહેવું છતાં તેનાથી ન લેપાવું, લેપાયા વિના રહી શકે તેમ મનને કેળવવું. હરિનો આવેશ થવા માટે મનને કેળવવું. હરિના આવેશ માટે ચિત્તને સદાય વૈરાગ્ય વાળું રાખવું. વિષય તો ઝેર જેવા જ છે. તેનો ત્યાગ કરવાની ભાવના કેળવવી.
          શ્રીમહાપ્રભુજીના અનન્ય સેવક પરમાનંદદાસજી શ્રીગોપીજનવલ્લભ પાસે મનુષ્ય જન્મની માંગણી કરે છે. શ્રીહરિની સેવા કૃપા કરીને આપો. વ્રજમાં સદા વાસ સુલભ થાય તેવી કૃપા કરો. વિશેષમાં વલ્લભકુળનો ચેલો (દાસ) બનું અને તદીય ભગવદીયોનો દાસ બનું. વિશેષ અભિલાષા કરે છે કે શ્રીયમુનાજીના પાન કરું અને મન, વચન, કર્મથી શ્રીકૃષ્ણના ગુણાનુવાદ ગાતો રહું તેવી ભાવના શ્રીપરમાનંદજી કરે છે. તેમજ તેઓ વિશેષમાં કહે છે કે શ્રીમદ્ ભાગવતનું શ્રવણ એકાગ્ર ચિત્ત રાખીને કરું જેથી મારું ચિત્ત અન્યમાં જતું સર્વથા અટકે. પરમાનંદદાસજી કહે છે કે ઉપર જણાવેલ ભગવત સંબંધી સેવા, સ્મરણ, સત્સંગ કરતા તૃપ્તિ ન થાય, તેવા જીવનની માંગણી કરે છે. માનવ જીવનની સાર્થકતા શાથી છે ? અને જીવનનું મુલ્ય કોને કહેવાય ? ‘‘જીવન કો લે કહા કરે, જો નહિં જીવનમુલ.’’ જીવન જીવ્યા તેને કહેવાય કે જે માર્ગની રીતમાં તત્પર રહીને શ્રીમહાપ્રભુજીનો દઢતાપૂર્વક અનન્ય આશ્રય રાખવાથી આલોક અને પરલોકના બંને કાર્યો શ્રીમહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય છે. પુષ્ટિમાર્ગ કૃપા સાધ્ય છે. સાધન – સાધ્ય નથી. સાધનમાં અને ફલમાં શ્રીકૃષ્ણની સેવા સ્મરણ છે. ફલ એ જ સેવા છે. અને સાધનમાં પણ સેવા છે. ‘‘સદા – સર્વદા વ્રજના અધિપતિ શ્રીકૃષ્ણની સેવા અને સ્મરણ, ગુણગાન અને સ્વરૂપનું ધ્યાન કરવું, એ જ ધર્મ છે.’’
         શરીર રોગી બની જાય, કોઈ ઉપાય ન સૂઝે ત્યારે વિચાર કરવો કે આપણા પૂર્વોપાર્જિત પાપ, ઋણમાંથી મુક્ત થવાનો આ સોનેરી અવસર છે. આ વિચારથી આપણને રોગની પીડા જણાશે નહિં. આરોગ્ય મળતી વખતે વિચાર કરવો કે આપણા શરીરથી દીન – દુઃખીની અને ભગવાનની સેવા કરવાનો અવસર મળ્યો છે.
         સત્પુરુષોનો સમાગમ થાય ત્યારે વિચાર કરો કે પ્રભુએ આ મહાપુરુષોના સમાગમ દ્વારા એમના સદગુણોનું અનુકરણ કરવાનો સુયોગ આપ્યો છે. અને એમના વિયોગે વિચાર કરવો કે આવા મહાપુરુષોનો સંગ સર્વદા દુર્લભ છે. માટે એમના પ્રત્યે પ્રેમભાવ વધારવા માટે જ આપણને પ્રભુએ વિયોગ આપ્યો છે. દુરાચારી મનુષ્યના સમાગમ વખતે વિચાર કરો કે તેના દુર્ગુણો પ્રત્યક્ષ જોવાની પ્રભુએ મને તક આપી છે. એનાથી છુટા પડતી વખતે વિચાર કરો કે પ્રભુની આ મહાન કૃપા છે કે આવા મનુષ્યના સમાગમથી આપણે દુર થયા. સ્ત્રી, પુત્ર, બંધુ, મિત્રો, આદિ સ્વજનો અને ધન, ભૂમિ, સત્તા, સંપત્તિ મળતી વખતે વિચાર કરો કે એ ભગવદ્ ઈચ્છાથી પ્રાપ્ત થયા છે. તેમાં મમતા નહીં રાખતા સુવિચાર અને સત્કર્મોમાં પ્રવૃત્તિ રાખવા માટે પ્રભુએ આપણને સાધનો આપ્યાં છે અને એના વિનાશ વખતે વિચાર કરો કે આપણા માર્ગમાં એ બાધક હતા. માટે પ્રભુએ આપણી પાસેથી ખેંચી લીધા.
         જુઓ, પ્રભુ કોઈને કોઈ દિવસ દુઃખ દેતા જ નથી. એ તો સર્વના સુહૃદ મિત્ર છે. એમના જ વાક્ય નીચેના પદમાં આ વસ્તુને સિદ્ધ કરે છે.
 
પ્રથમ હરિ ઉધ્ધોસો યોં કહીં ।
કામ, ક્રોધ, મદ, લોભ કું જીતે,
સો મેરો ભક્ત સહી ।।
શત્રુ, મિત્ર કો સમ કરી જાને,
મન કી તૃષા ગઈ ।
સદા વૈરાગ્ય રહે ઉર અંતર,
કાહું સો હાંસી કરત નહીં ।।
વિષય વાસના રહત ન જાકે,
એહ વિચાર રહત મહીં ।
સુરદાસ હોં બસુ હૃદય મેં,
આનંદ સાગર વહત તહી ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.