હરિનામ – રસાયન
spacer
spacer

પ્રેષક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

(રાગ – ખ્યાલની દેશી)

હરિનું નામ રસાયન સેવે, પણ જો પથ્ય પળાય નહિ ।
નામ રટણનું ફળ નવ પામે, ને ભવરોગ ટળાય નહિ ।।
પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ ।
નિજ વખાણ કરવા નહિ સુણવા, વ્યશન કશુય કરાય નહિ ।।
હરિજનને દુભવાય ન જરીયે, હરિજન નિંદા થાય નહિ ।
ખલ આગળ હરિનામ તણા ગુણ, ભૂલે પણ વર્ણવાય નહિ ।।
હરિ-ગુરૂ-વૈષ્ણવમાં ભેદ ગણીને, વિતર્ક વાદ વદાય નહિ ।
વેદશાસ્ત્ર આચાર્ય વરોનાં, વચનો ઉંલઘાય નહિ ।।
નામ તણા અતુલિત મહિમાને, વ્યર્થ વખાણ મનાય નહિ ।
છે હરિનામ હવે ડર શો, એમ નિજ કર્તવ્ય તજાય નહિ ।।
છે હરિનામ હવે ડર શો, એમ જાણી પાપ કરાય નહિ ।
નિજ વર્ણાશ્રમ ધર્મ સાચવી, દુર્જન સંગ સજાય નહિ ।।
પરનારી માતા સમ લેખી, કદી કુ દષ્ટિ થાય નહિ ।
ત્યમ પરધન પાષાણ ગણીને, મન અભિલાષ ધરાય નહિ ।।
જીવ સકલ હરિના જાણીને, કશુંયે કષ્ટ અપાય નહિ ।
મન વાણી કાયાથી કોઈનું, કિંચિત કુડું થાય નહિ ।।
હું હરિનો હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ ।
જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ ।।
ઈતર નામ સરખું સાધારણ, હરિનું નામ ગણાય નહિ ।
લૌકિક ધર્મો સાથ નામને, કદીયે સરખાવાય નહિ ।।
કર્યુ કરૂં છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ ।
હું મોટો મુજને સૌ પૂજે, એ અભિમાન ધરાય નહિ ।।
આ સહુ પથ્ય હૃદયમાં રાખે, કદીયે પણ ભૂલાય નહિ ।
નામ રસાયન સુખથી સેવે, તો તે એળે જાય નહિ ।।
અલ્પ સમયમાં સિદ્ધિ મેળવે, ત્યાં સંદેહ જરાય નહિ ।
‘શ્રીહરિદાસ’ તણાં સ્વામિને, મળતા વાર જરાય નહિ ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.