તાપાત્મક રસભર્યા ગુણગાનનું અચિન્ત્ય મહત્વ
spacer
spacer

લેખક : શ્રીવલ્લભપાદપદ્મમિલિન્દ

        “રાસલીલૈક તાત્પર્ય.”આ નામ પછી “કૃપયૈ”તત્કથાપ્રદ:”નામ છે – તેનો ભાવાર્થ રાસલીલાની કથાનું દાન આપશ્રી વલ્લભ કૃપાયુક્ત થઇને કરે છે. પ્રથમ હ્યદયમાં એ જટીત કરવું કે શ્રીવલ્લભ નામ અને સ્વરૂપ અલૌકિક આનંદમય અગ્નિરૂપ છે. શ્રીસર્વોત્તમજીના પ્રત્યેક નામમાં આપશ્રીનું અલૌકિક અગ્નિ સ્વરૂપ વ્યાપ્ત રહેલું છે. તેથી આપશ્રીની કૃપામાં પણ દિવ્ય અગ્નિ રહેલો જ છે. આ દિવ્ય અગ્નિ સહિત કથાનું જેને દાન કર્યું છે, તેવા જનો કક્ષાનું જેમ-જેમ શ્રવણ કરશે, તેમ-તેમ પ્રભુની દિવ્ય લીલાઓનાં પ્રભુના સ્વરૂપનો, દિવ્ય લીલાધામનો, ત્યાંના દિવ્ય પરિકરનો સાક્ષાત અનુભવ કરવાનો તાપકલેશ વૃદ્ધિગત થતો જાય છે. યદિ જો રસાત્મક લીલાવાળી કથા શ્રવણમાં પદે-પદે તાપકલેશ વધતો જતો નથી, તો કથા શ્રવણ કરનારને હજુ આપશ્રીની કૃપાનો પણ અભાવ રહેલો છે, એમ નિશ્ચય જાણવું. અને આવા પ્રકારની કૃપાના અભાવે પ્રભુની દિવ્ય લીલાઓનો અને પ્રભુના સ્વરૂપનો સાક્ષાત અનુભવ પણ થઇ શકતો નથી. તો કથા શ્રવણનું શું ફલ ?
         બહુધા રસાત્મક લીલા કથાનું અને અષ્ટસખાના પદોનું શ્રવણ કરીને, ગાન કરીને આનંદનો અનુભવ કરી લે છે, પરંતુ આવો આનંદ વાસ્તવિક નથી. વાસ્તવિક આનંદ તિરોહિત થઇ જતો નથી. કારણ કે આ આનંદમાં અલૌકિક અગ્નિ વ્યાપ્ત રહેતો હોય છે, તેથી તેના અનુભવમાં તૃપ્તતા થતી નથી. અથવા વાસ્તવિક આનંદ આત્માનંદ સમુદ્રમાંથી પ્રગટ થાય છે. તેથી તેનો પ્રવાહ અખંડિત ચાલતો હોય છે. તેમાં તાપાત્મક સ્વરૂપ રહેલું હોવાથી તૃપ્તતા થતી નથી. અને ક્ષણે-ક્ષણે નૂતનતાનો અનુભવ કરાવે છે. અથવા વાસ્તવિક આનંદ ભક્તને આધિદૈવિકતા પ્રાપ્ત થયા પછી અનુભવાય છે, ભૌતિક દશામાં નહીં. ભૌતિક દશાના કારણે જ શ્રવણાદિથી પ્રાપ્ત થતો આનંદ તિરોહિત થઇ જાય છે. આનંદ તિરોહિત થઇ જવાથી તેમાં કૃત્રિમતા અનુભવાય છે.
 
પ્રશ્ન : તો આ વાસ્તવિક આનંદની પ્રાપ્તિ થાય કેવી રીતે ?
 
ઉત્તર : પ્રથમ અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રીવલ્લભના પદામ્બુજનો એકાંગી અનન્ય આશ્રય કરવો. એકાંગી આશ્રયથી આપશ્રીના પદામ્બુજનો હ્યદયમાં જ્યારે આવિર્ભાવ થાય ત્યારે જ વાસ્તવિક આનંદ કે જેના અનુભવમાં તૃપ્તતા થતી નથી અને પ્રતિક્ષણ વર્ધમાન થતો જાય છે, તેની પ્રાપ્તિ થાય છે. આથી કૃપાપાત્ર નિજ્જનોએ પ્રારંભમાં શ્રીસર્વોત્તમજીના સતત યશોગાનથી આપનો એકાંગી આશ્રય સિદ્ધ કરવો હિતાવહ છે. પશ્ચાદ શ્રીદયારામભાઈના કથનાનુસાર “શ્રીવલ્લભ શરણ થકી સહું પડે સહેલું” થઇ જશે. શ્રી સર્વોત્તમજીના યશોગાનથી પ્રભુની અનંત લીલાઓનો અને પ્રભુના સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરવામાં જેટલા દષ્ટ કે અદષ્ટ આવરણો (પ્રતિબંધો) છે તેનો મૂળમાંથી નાશ થઇ જાય છે. પશ્ચાદ આપશ્રીના પદામ્બુજનો સ્થાયી પ્રાદુર્ભાવ થાય છે. પ્રતિબંધો નષ્ટ થતાં ભક્તને આધિદૈવિકતા પ્રાપ્ત થાય છે. ત્યારે આપના પદામ્બુજ નિજ્જનના હ્યદયમાં સ્થાયી બિરાજે છે. ભૌતિકતાની નિવૃત્તિ “હુતાશ”તાપાત્મક સ્વરૂપના આશ્રય વિના દૂર થતી નથી. તેથી જ શ્રીમત્પ્રભચરણોએ હુતાશની શરણાગતિનો ઉપદેશ (પ્રાર્થના વ્યાજે) શ્રીવલ્લભાષ્ટકનાં પ્રથમ શ્લોકમાં કરેલો છે. પુષ્ટિમાર્ગીય શરણસ્થને પુષ્ટિ પરમ ફલનો અનુભવ શ્રીવલ્લભાગ્નિના આશ્રય વિના સર્વથા શક્ય નથી કારણ કે, પુષ્ટિમાર્ગના અધિષ્ઠાતા દેવ શ્રીવલ્લભ છે. અને દેવથી જ ફલની પ્રાપ્તિ થાય છે. તેથી સર્વપ્રથમ શ્રીવલ્લભાગ્નિનો આશ્રય સિદ્ધ કરવો હિતાવહ છે.
         આપશ્રી વલ્લભના પદામ્બુજ લીલા ધામરૂપ છે અને લીલાધામમાં જ અનંત લીલાઓ અનંત યુગલો કરી રહ્યાં છે. અને લીલાધામ રૂપ પદામ્બુજ સીમા રહિત વ્યાપક હોવાથી આ પદામ્બુજને ધારણ કરનારનું હ્યદય પણ સીમા રહિત વ્યાપક થવું જોઇએ. તે શ્રીસર્વોત્તમજીના યશોગાનથી સિદ્ધ થાય છે. શ્રીસર્વોત્તમજીમાં આપનું નામ ‘વિભુ’છે. ‘વિભુ’એટલે વ્યાપક. આ નામનું સ્વરૂપ સાગર સમાન પણ છે. અને વ્યાપક પણ છે. શ્રીસર્વોત્તમજીના યશોગાન કરનાર નિજ્જનના હ્યદયને આ નામ વિભુ એટલે વ્યાપક બનાવે છે. આ નામની લીલા જ વ્યાપકતાને પ્રગટ કરનારી છે. અહીં વ્યાપકનો અર્થ નિરાકાર નહીં સમજજો, પણ સાકાર વ્યાપકતાને પ્રગટ કરે છે તેમ જાણવું. આથી શ્રીસર્વોત્તમજીના પ્રત્યેક નામનો મહિમા અનિર્વચનીય – ગૂઢ – નિગૂઢ છે.
         ભૌતિક દશામાં આનંદની લાલસા રાખીને ભગવદ્ સંબંધમાં જ્યાં ત્યાંથી અલ્પ આનંદ મેળવી તૃપ્ત થઇ જાય છે. તેવાઓ નિરવધિ આનંદ સુધી પહોંચી શકતા નથી. આવા જીવોનો પ્રવેશ કાં તો વિષયાનંદમાં થાય છે, કાં તો બ્રહ્માનંદમાં થાય છે. ભજનાનંદ સાક્ષાત સ્વરૂપાનંદના તેઓ અધિકારી બનતા નથી. નિરવધિ (અગણિત) આનંદને તો તે જ મેળવી શકે છે કે જેણે તાપકલશને પરમનિધિ રૂપ ગણેલ છે. “રાજ યહ મારગ તાપ-કલેશ કો હૈ, હાંસી-ખેલ કો નહીં હૈ ।’’
યહ મારગ તાપાત્મક સ્વરૂપ શ્રીવલ્લભાગ્નિએ પ્રકટ કર્યો છે, તે સાધન દશામાં અને ફલદશામાં પણ પ્રચુર તાપ-કલેશથી જ ભરેલો છે.
 
:: પદ ::
શ્રીવલ્લભ વર કો મારગ બાંકો ।
તામે ચલે રસિક વિરહી જન,
બીચ મેં કઠીન પ્રેમ કો નાકો.....।।1।।
ક્ષણુ ક્ષણુ પ્રાણ અકોર દેત હે,
તોઉં નહીં સંતોષ હિયા કો ।
‘રસિકદાસ’શ્રીવલ્લભ વર હે,
ફલરૂપ વિરહ જિન જાકો....।।2।।
 
ઉપરોક્ત પદાનુસાર આપશ્રીએ વિરહાત્મક માર્ગ પ્રકટ કર્યો છે. ફલદશાવાળા શ્રીસ્વામિજીઓને લીલા-લોકમાં અગણિત આનંદનો જે અનુભવ થાય છે, તે આપશ્રીના તાપાત્મક સ્વરૂપના આશ્રયથી જ થાય છે. હવે જ્યારે ફલદશામાં પણ આપશ્રીના તાપાત્મક સ્વરૂપના આશ્રયની પરમ આવશ્યકતા છે, તો સાધનદશામાં તેની અતિ જરૂર હોય તેમાં કહેવું જ શું ? લીલા લોકની શ્રીસ્વામિનીજીઓને તાપાત્મક સ્વરૂપના આશ્રયથી જ નિરવધિ આનંદનો અનુભવ થાય છે. તેનું પ્રમાણ શ્રીહરિરાય- ચરણોકત “શ્રીમદાચાર્ય ચિંતન સ્તોત્ર માં, તસ્માત શ્રીવલ્લભાચાર્ય પ્રભુરેવહિ ચિન્તયતામ્ । સર્વલીલા કૃત સર્વ લીલા ભોગાશ્રય-સદા ।।
 
         શ્રીમદ દમલાજીએ શ્રીગુસાંઇજીને વિનંતી કરી : “રાજ ! યહ મારગ હાંસી ખેલ કો નહીં તાપ-કલેશ કો હૈ”। શ્રીગુસાંઇજી પ્રતિ આ વિનંતી થયેલી હોવાથી શ્રીવિઠ્ઠલ કલ્પદ્રુમની શાખાને (નિજવંશને) પણ તાપકલેશની આવશ્યકતા સૂચિત થઇ જ ગઇ. “સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મય”‘સ્વ’એટલે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રીવલ્લભ. આપમાંથી પ્રગટ થયેલ વંશરૂપ અગ્નિકુમાર શ્રીગુસાંઇજી. અગ્નિકુમારમાંથી પ્રકટ થયેલ વંશ – અગ્નિવંશ. તેમાં અગ્નિ જ વ્યાપ્ત હોય ને ! આ નામમાં ઉપરોક્ત પ્રકારે ‘સ્વ’ શબ્દ પરામર્શનીય છે.
         હવે જ્યારે નિજવંશને (ગોસ્વામી બાલકોને) પણ શ્રીવલ્લભાગ્નિના તાપાત્મક સ્વરૂપના આશ્રય વિના નિત્ય લીલાસ્થ સ્વરૂપના નિરવધિ આનંદની પ્રાપ્તિ અસંભવિત છે, તો સંસાર પ્રપંચમાં રચ્યા-પચ્યા રહેલા દૈવીજીવ (વૈષ્ણવ સૃષ્ટિ) ને તાપાત્મક સ્વરૂપના આશ્રય વિના તાપાત્મક માર્ગના નિરવધિ આનંદની પ્રાપ્તિ કેમ થાય ?
 
અધોધ તમસાવૃતં કલિભુજંગમાસાદિતમ્ ।
જગત વિષય સાગરે પતિતમ્ સ્વધર્મે રતમ્ ।।
 
તાપાત્મક સ્વરૂપના આશ્રય વિના સંસાર સાગરમાં ડૂબેલા જીવોનો નિસ્તાર થવો શક્ય નથી. શ્રીવલ્લભ વડવાનલ અગ્નિરૂપ છે. તેથી કૃપાભરી દષ્ટિ માત્રથી સંસારસાગરનું શોષણ કરી જીવને નિરાવરણ બનાવી પોતાનો તાપાત્મક સ્વરૂપનો આશ્રય આપી નિરવધિ આનંદની પ્રાપ્તિ કરાવે છે : “યહ મારગ તાપકલેશ કો હૈ ।“ તેથી સેવા સ્મરણ ગુણગાન આદિ સર્વ સાધનો તાપભાવ પૂર્વક થવા જોઇએ. અથવા તાપાત્મક સ્વરૂપના આશ્રયથી જ સેવા સ્મરણાદિ સાધનો તાપભાવપૂર્વક થાય છે.
        શ્રીવલ્લભ કેવા જીવોનો અંગીકાર કરે છે ? અંગીકારમાં મર્યાદા કેવાં પ્રકારની છે, તેને જાણવા માટે શ્રીગોકુલેશકૃત શ્રીસર્વોત્તમજીની ટીકામાં “અંગીકૃતૌ સમર્યાદા” આ નામ જોવું.
 
        સપ્તશ્લોકીના 7 મા શ્લોકમાં મ સ્વધર્મેરતમ્ પદનું ગૂઢ તાત્પર્ય શ્રીહરિરાય પ્રભુએ ટીકામાં જણાવ્યું છે તે પણ વિચારવું.
        ‘પુષ્ટિ’ શબ્દ અનુગ્રહ વાચક છે, અનુગ્રહમાં પણ તારતમ્ય છે. અનુગ્રહની અતિશયતા તાપાત્મક સ્વરૂપના ધ્યાનમાં છે. કારણકે અગણિત સ્વરૂપાનંદનો અનુભવ તાપાત્મક સ્વરૂપના દાનથી જ થાય છે. તાપાત્મક સ્વરૂપ તે શ્રીવલ્લભાગ્નિનું ધર્મિ વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. જેનાથી અન્ય કોઇ તત્વ પર નથી. ‘નિરોધલક્ષણ’ ગ્રંથમાં – સર્વાનંદમયસ્યાપિ કૃપાનંદઃ સુ દુર્લભ ।“ કૃપાનંદ સ્વરૂપ તે ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે. તેનું દાન સુદુર્લભ છે. અનુગ્રહની અતિશયતા આ ‘કૃપાનંદ’ માં રહેલી છે. ‘સુદુર્લભ’ એટલા માટે કહ્યું કે, કાષ્ટાપન્ન વિરહથી તે સિદ્ધ થાય છે. નિ.લ. શ્લોક-7માં “કિલશ્ય માનાન્ જનાન્ દષ્ટવા કૃપાયુક્તૌ યદા ભવેત્ ।“ આપે આજ્ઞા કરી છે તેનો અર્થ નિરવધિ સ્વરૂપાનંદની પ્રાપ્તિ માટે (તત્સુખાત્મક સેવા માટે) વિરહકલેશનો જે જન અનુભવ કરી રહ્યાં છે તે જનોને જ કૃપાનંદનું દાન થાય છે. ગોકુલેશ પ્રભુએ “દુર્લભાંધ્રિસરોરુહ” નામમાં જતાવ્યું છે કે, સ્વકીયોને પણ શ્રીવલ્લભ પદામ્બુજની પ્રાપ્તિ સર્વ ત્યાગપૂર્વક દુઃસહ વિરહાનુભવથી જ થાય છે. શ્રીગોપીજનોએ “સંત્યજય સર્વ વિષયાન તવ પાદ મુલં પ્રાપ્તા ।’’ સર્વનો ત્યાગ કરીને રાસસ્થલીમાં પધાર્યા. પશ્ચાદ પ્રભુએ લઘુરાસથી સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો. આ ધર્મ સંયોગનો આનંદ પરિચ્છિન્ન છે. અપરિચ્છિન નથી. કારણ કે તેમાં શ્રીવલ્લભાગ્નિના તાપાત્મક સ્વરૂપનો પ્રવેશ નહીં હતો. માનમદના મીષથી વિપ્રયોગનું દાન કર્યું. આ વિપ્રયોગ દ્વારા આપના તાપાત્મક સ્વરૂપે શ્રીગોપીજનોના હ્યદયમાં પ્રવેશ કર્યો, ત્યારે દુઃસહ વિરહનો અનુભવ કરી લીધા પછી શ્રીવલ્લભાગ્નિના દુર્લભાધ્રિસરોરૂહને પ્રાપ્ત કર્યા. સર્વ ત્યાગ કરનારા શ્રીગોપીજનોને પણ દુઃસહ વિરહના અનુભવ પછી જ શ્રીવલ્લભ પદામ્બુજની પ્રાપ્તિ થઇ. અથવા આપના તાપાત્મક સ્વરૂપને પ્રાપ્ત કર્યું. આનું પ્રમાણ શ્રીપદ્મનાભદાસજીના પદમાં –
 
“વૃન્દાવન વિરહ વહિન ચરન સમીપ બીન નાહીન ।
લાલ પ્રાપ્તિ, તાકો પ્રમાણ રાસ મંડલ મે પાઇયત ।।“

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.