શ્રીકૃષ્ણદાસ મેઘનજીની વાર્તાજી (ભાવસિંધુ)
spacer
spacer

સંકલન – ‘મધુકર’

        ત્યારબાદ કૃષ્ણદાસજીએ ફરીને પ્રશ્ન કરતાં વિનંતીથી પૂછ્યું કે, રાજ ! વૈષ્ણવ થઇને પ્રભુની લીલાનો ભેદ જાણતા નથી તેનું શું કારણ ? કૃષ્ણદાસજીએ પૂછેલા આ પ્રશ્નનાં જવાબમાં શ્રીમહાપ્રભુજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવો વિધિપૂર્વક આત્મ નિવેદન કરે તો પ્રભુની લીલાનો ભેદ જાણે.
 
        હવે શ્રીમહાપ્રભુજીએ કરેલી આ આજ્ઞાથી એ સ્પષ્ટ સમજાય છે કે જીવ સર્વ સમર્પણ કરીને માર્ગમાં આવેલ હોવા છતાંય પોતામાં રહેલી અહંતા-મમતાના આધારે પોતે પોતાનું સ્વરૂપ, ભગવદભક્તનું સ્વરૂપ તેમજ શ્રીઠાકોરજીના સ્વરૂપને જાણી શક્યો નહી. કારણ કે વિધિપૂર્વક શરણ ભાવને વિચારતો નથી. વળી માર્ગની રીતે ચાલતો નહિ હોવા છતાંય પોતાની યોગ્યતા માનીને સ્વમાર્ગીય ભગવદ્ ભક્તનો સંબંધ કરતો નથી અને કદાચ કંઇપણ કરતો હોય છે તો તે અંતઃકરણ પૂર્વક કરતો નથી. આ માર્ગ દીનતાનો છે છતાંય જોઇએ તેવી દીનતા તેનામાં હોતી નથી. સ્વમાર્ગીય સેવાનો પ્રકાર જાણીને સેવા કરતો નથી અને કંઇ કરે છે તે માર્ગની રીત પ્રમાણે કરતો નથી. પોતાની ઉપર પધરાવેલ શ્રીઠાકોરજીનાં સ્વરૂપને ભૂલી જઇને જ્યાં ત્યાં ભટક્યાં કરે છે એટલે કે પોતાની ઉપર પધરાવેલા શ્રીઠાકોરજી પ્રત્યે જે “અનન્યતા” રાખવી જોઇએ તે નહિ રાખતા અન્યને ત્યાં જઇને ન કરવાનું કરે છે તેમજ પોતાની ઉપર પધરાવેલ શ્રીઠાકુરજીને પોતાનું સ્વરૂપ માનીને પોતાનો અનન્યભાવ ટકાવી રાખતો નથી. એટલે કે પોતાના આવા વર્તનના આધારે શ્રીઠાકોરજીની લીલાનો ભેદ ક્યાંથી જાણે ? પરંતુ આવું કરવાને બદલે પોતે કરેલ આત્મનિવેદન મુજબ પોતાના અંતઃકરણથી ખરેખર પોતાનું દાસત્વ માનીને વિચારે કે મારામાં કાંઇ નથી; હું તો કેવળ દાસ છુ, શ્રીઠાકોરજીને આધીન છું. વળી મને જે કાંઇ પ્રાપ્ત થયું છે તે મારું નથી પરંતુ તે બધુંય શ્રીઠાકોરજીનું છે. આવી રીતે નિત્ય વિચારી વિચારીને પોતાનામાં ઘર કરીને બેસી રહેલી અહંતા-મમતા રૂપેની ખોટી સત્તા છોડી દઇને અન્ય સૌની સાથે દીનતા રાખીને વર્તે, સ્વમાર્ગીય ગ્રંથો નિરંતર વાંચીને મનન કર્યા કરે, અને પોતાની ‘યોગ્યતા કંઇ જ નથી’ એવું માનીને અનન્યતાનો પ્રભાવ બતાવનાર ભગવદ્ ભક્તોના સ્વરૂપ પ્રત્યે અલૌકિક દ્રષ્ટિ રાખીને અને તેઓના જ સહવાસમાં નિરંતર રહીને નિરંતર સત્સંગમાં ડૂબ્યો રહે, આમ આટલું કરે તો સમર્પણ કરેલા પોતાના પદાર્થનું પોતાને જ્ઞાન થાય છે. કે જે દ્વારા પોતાના સ્વરૂપનો વિચાર કરે કે હું કોણ હતો ? ભગવદ્ સંબંધ થયા પછી હવે હું કોનો થયો ? આ માર્ગમાં હું શા માટે આવ્યો છું અને હવે મારે શું કરવાનું છે.
         આમ આવી રીતે જ્યારે ખરા અંતઃકરણથી તાપ કલેશ રહે ત્યારે તે જાણ્યા પછી પોતાનામાં ભગવદભાવ પ્રગટ થતાં ભગવદ ભક્તના સ્વરૂપને જાણે એ પછી તે ભગવદ્ ભક્તની કૃપા દ્વારા અનન્યતા રૂપેની સેવાનો પ્રકાર જાણીને પોતાના શ્રીઠોકોરજીમાં ચિત્ત રાખીને જ્યારે અનન્યતા ભાવે સેવા કરે ત્યારે શ્રીઠાકોરજીના સ્વરૂપને જાણે અને ત્યારે જ લીલાનો ભેદ પણ જાણે !
       સેવા કરનારાઓને પોતાની દૈવી જીવનને સફળ બનાવવામાં શું શું ખામીઓ રહેલી છે તેનો પ્રકાશ કરતો આ લેખ અવશ્ય મનનીય છે.
       “વિધિપૂર્વક” એટલે પોતે કાંઇક વાચિક માનસીક જે-જે કરે તે પ્રભુને અર્પણ કરે અને પ્રસાદી રૂપે તે સર્વ ગ્રહણ કરે, પ્રભુના અધરામૃતથી જ નિર્વાહ કરવો આ સેવા માર્ગનું પ્રથમ સોપાન છે, અને તે જ વિધિથી આગળ ચઢી શકાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.