દુર્લભ અને અણમોલ તત્વ
spacer
spacer

મધુકર

          કોમલ બચન, દીનતા સબસોં – બધા સાથે દીનતાભર્યો વ્યવહાર રાખવો.અહીં ‘સબસો’ શબ્દનો અર્થ હરિ-ગુરૂ-વૈષ્ણવ જાણવા. પ્રભુપ્રેમપ્રાપ્તિની ઇચ્છાવાળા સાધકે પોતાની સાધન દશામાં પ્રિય પ્રભુને ભુલાવે તેવા મનુષ્યો સાથે, ન છૂટકે જ વાણીનો વ્યવહાર રાખવો. અથવા ગૃહસ્થી આવશ્યક કાર્યમાં અને વ્યાવૃત્તિના આવશ્યક કાર્યમાં આવશ્યક હોય તેટલો વાણીનો વ્યવહાર રાખવો, અને આવા સમયે પણ પ્રિય પ્રભુના નામનું સ્મરણ કરતા જ રહેવું. પ્રેમભાવરૂપી મહાન નિધિના રક્ષણ માટે સાવધાનતાની આવશ્યક્તા જાણવી. વાણીના નિરોધથી જ સર્વ સિદ્ધ થાય છે તેમ શ્રી હરિરાયપ્રભુએ પહેલા શિક્ષાપત્રમાં આજ્ઞા કરી છે.

       દૈન્ય રાખવાનું સૂરદાસજી કહી રહ્યા છે, તેનું કારણ પ્રિય પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન દીનતા જ છે આ દીનતાની પ્રાપ્તિ માટે જ સેવા-સ્મરણાદિ અલૌકિક સાધનો કરવામાં આવે છે. એટલે કે સેવા-સ્મરણાદિ સાધનો કરતા રહેવાથી દોષોની જ્યારે નિવૃત્તિ થાય ત્યારે દીનતા પ્રાપ્ત થાય છે, અને દીનતાથી પ્રભુ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે. અહીં ‘પોતાના’ શબ્દને દેહરી દીપક ન્યાયમાં યોજવાથી, પ્રભુના સ્વરૂપનો અને ભક્તોને પોતાના આદિદૈવિક સ્વરૂપનો એમ ઉભય સ્વરૂપનો સાક્ષાત અનુભવ થાય છે. સેવા-સ્મરણાદિના અલૌકિક સાધનોના પુરૂષાર્થ રૂપે આ દીનતા પ્રાપ્ત થતી હોવાથી દૈન્ય દુર્લભ અને અનમોલ તત્વ છે. તેથી દૈન્યસાગર-મર્મજ્ઞશિરોમણિ શ્રીહરિરાય પ્રભુએ આ દૈન્યનું ‘સ્વમાર્ગસર્વસ્વ’ આવું સુંદર રહસ્યમય વિશેષણ આપ્યું છે, અને દીનતાનું મહત્વ જણાવ્યું છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.