પત્રોત્તર
spacer
spacer

લેખક : શ્રીવલ્લપાદપદ્મમિલિન્દ

સ્નેહી ભાઇશ્રી.....સપ્રેમ શ્રી સ્મરણ.....

આપના પ્રશ્નોનો પ્રત્યુત્તર નીચે મુજબ
          (1) “તસ્કર મનને કાબુમાં લેવા માટે પ્રયત્ન અને ભગવદ્ કૃપાને અવલંબીને રહેવું જોઇએ કે ઇત્તર સાધનો હોય ખરાં ?”
          આ પ્રશ્નના સમાધાનમાં – પ્રભુની કૃપા અવ્યક્ત છે. આ કૃપાને પહેલા આપણે પહેચાનીએ. પ્રભુ પ્રાપ્તિ માટે જે જે સાધનો, પ્રયત્નો થઇ રહ્યા છે, તેમાં ભગવદ્કૃપા વ્યાપ્ત જ રહે છે. અથવા સેવા-સ્મરણ, ગુણગાન, લીલાશ્રવણ વિ. જે જે સાધનો આપણે કરીએ છીએ તે પ્રભુ કૃપાની પ્રેરણાથી જ થાય છે. પ્રભુએ આપણો સ્વકીયત્વે અંગીકાર કર્યો છે તેનું એજ લક્ષણ છે કે સેવા-સ્મરણ આદિ સાધનોમાં આપણી અબિરૂચી છે, આપણો જ્યારથી અંગીકાર કર્યો છે તેનું એ જ લક્ષણ છે કે સેવા-સ્મરણ આદિ સાધનોમાં આપણી અભિરૂચી છે. આપણો જ્યારથી અંગીકાર કર્યો છે ત્યારથીજ પોતાની કૃપા શક્તિનો આપણા હ્યદયમાં પ્રવેશ કરાવ્યો છે અને પ્રિયતમને યોગ્ય બનીએ તેવી પાત્રતા સેવા સ્મરણાદિ સાધનો દ્વારા આ કૃપા શક્તિ સિદ્ધ કરી રહેલ છે. આ કથનની સંગતિમાં શિ. 1ના શ્લોક 8-9 બંને અવલોકશો.
 
          સંસાર સાગરમાં પડેલા અને સ્વરૂપથી અણુ એવા જીવમાં એવી કઇ શક્તિ છે કે પ્રભુની કૃપા વીના પ્રભુ પ્રાપ્તિના સાધનો કરી શકે ? સ્વકીયત્વે આપણો અંગીકાર કરેલો હોવાથી પોતાની કૃપા શક્તિનો આપણા હ્યદયમાં પ્રવેશ કરાવી પોતાની પ્રાપ્તિ માટે સાધનો કરાવી રહેલ છે તેમ નિશ્ચય અવધારવું. જેમ આપણા પરમ પ્રિય મિત્રે સંદેશો પાઠવ્યો હોય કે આજે હું તમારે ત્યાં પ્રસાદ લેવા આવવાનો છું. આ સંદેશ પ્રાપ્ત થતાં આપણે ઉત્સાહ પૂર્વક સામગ્રી સિદ્ધ કરવા તત્પર થઇ જઇએ છીએ. કારણ કે પરમ મિત્રનું પ્રસાદ નિમિત્તે મિલન થવાનું છે. તેમ નિત્ય સખા પ્રિયતમ પ્રભુ આપણા હ્યદયમાં ભાવાત્મક – રસાત્મક સ્વરૂપથી પધારવાની અર્થાત પ્રગટ થવાની ઇચ્છા કરે છે ત્યારે કૃપા શક્તિ દ્વારા સેવા-સ્મરણાદિ સાધનો કરાવે છે.
 
          નંદાલયમાં પ્રભુ પ્રગટ થયા તે અંતરંગ યોગમાયા સહિત પ્રકટ થયા છે. અંતરંગ યોગમાયામાં અસંખ્ય આધિદૈવિક સ્વરૂપો રહેલા છે. પ્રભુની લીલાને સિધ્ધ કરવા માટે આ અદિદૈવિક સ્વરૂપોએ વ્રજના ભક્તોમાં પ્રવેશ કર્યો અને શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી વૃદ્ધ ગોપ ગોપીમાં વાત્સલ્ય સ્નેહ પ્રકટ કર્યો, સંખ્યાઓમાં પ્રવેશ કરી સખ્ય ભાવનો સ્નેહ પ્રકટ કર્યો, અને શ્રી ગોપીજનોમાં પ્રવેશ કરી માધુર્ય કાન્તભાવનો સ્નેહ પ્રકટ કર્યો. યથાધિકાર સ્નેહ પ્રકટ કરીને વ્રજના ભક્તોનો પ્રભુના સ્વરૂપમાં નિરોધ સિદ્ધ કર્યો. આજ પ્રકારે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે આપશ્રીએ લીલાધામથી વિછુરેલા દૈવી જીવોમાં બ્રહ્મસંબંધ સમયે જીવોના અધિકારનુસાર આધિદૈવિક સ્વરૂપોનો પ્રવેશ કરાવ્યો છે. આ આધિદૈવિક સ્વરૂપો તે કૃપાશક્તિનાજ સ્વરૂપો છે, અને શ્રીહરિરાય પ્રભુના મંતવ્યમાં ભૂતલમાં રહેલા ભક્તોના લીલાધામ સંબંધી આ આધિદૈવિક સ્વરૂપો છે તે બ્રહ્મસંબંધ સમયે ભૂતલના ભક્તોના ભૌતિક સ્વરૂપમાં પ્રવેશ કરી સેવા સ્મરણાદિ સાધનો દ્વારા ભૌતિકતાનો સંસ્કાર કરીને આધિદૈવિક્તા સિધ્ધ કરે છે.
 
          આપણને આ આપણા આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થવું અત્યંત આવશ્યક છે. હું અમુકનો પિતા, અમુકનો પુત્ર, અમુકનો પતિ, અમુકનો બન્ધુ. આવા અનેક સંબંધોના બંધનમાં માયાના આવરણથી બંધાયેલું આપણું ભૌતિક સ્વરૂપ મિથ્યા સંબંધવાળુ છે. જીંદગી પુરી થતાં સુધી આ સંબંધના બંધનોમાંથી મુક્ત ન થઇએ તો દૈવી જીવનની વ્યર્થતા થઇ જાય છે.
મહાકારૂણિક સ્વામીએ નિવેદનના સ્મરણની જે આજ્ઞા કરી છે તેમાં આપણા આધિદૈવિક સ્વરૂપનો વિચાર કરવાનો છે. આપે નિવેદન સ્મરણમાં “સર્વથા” પદ ધર્યું છે. “સર્વથા” એટલે અત્યંત આવશ્યક પ્રભુને ભુલાવી દેનારો દેહના સંબંધવાળો પરિકર આત્માના નાશની સેના રૂપ છે એમ શ્રી મહાપ્રભુજીએ બીજા સ્કંધના શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરી છે. આ આત્માના નાશની સેના વચ્ચે આપણે રહેવું છે. તે બ્રહ્મસંબંધને મિથ્યા કરી દેશે. અર્થાત બ્રહ્મસંબંધને ફલીત થવા નહી દે પ્રભુ મારા આત્માના પતિ છે, આવા પ્રભુ સાથે પુનઃસંબંધ અવિચલ આપણે જોડવો છે તે નહિ બની શકે. પ્રભુ સર્વ સમર્થ છે. આમ પ્રભુના સામર્થ્યનો વિચાર કરી સ્વછંદતા રાખશું તો આસુર ભાવોનો પ્રવેશ થઇ જશે આવું અનિષ્ટ આપણા હ્યદયમાં પેસી ન જાય તે માટે ચેતવણી આપનારો “સર્વથા” શબ્દ રાખ્યો છે.
 
         નિત્યલીલાસ્થ સ્વરૂપનો સાક્ષાત અનુભવ આપણા આધિદૈવિક દેહથીજ થાય છે. અને આ આધિદૈવિક દેહ તાપ કલેશથી સિદ્ધ થાય છે. અથવા બ્રહ્મસંબંધ સમયે આપણા આધિદૈવિક સ્વરૂપનું દાન થયું છે તેમાં પ્રવેશ તાપ કલેશથીજ થાય છે. નિવેદનનું નિરંતર સ્મરણ તાપકલેશને વધારતું રહે છે. આ તાપકલેશથી ભૌતિક પ્રપંચ અથવા ભૌતિક આધ્યાત્મિક અવિદ્યાની જેમ જેમ નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ આપણા આધિદૈવિક સ્વરૂપનો પ્રકાશ થતો જાય છે, અને છેવટે જ્યારે આધિદૈવિક સ્વરૂપમાં આપણી સ્થિતિ થાય છે, ત્યારે નિત્ય લીલાસ્થ સ્વરૂપનો. નિત્યલીલા ધામનો અને આપની લીલાઓનો સાક્ષાત્કાર થાય છે. અને ત્યારે દૈવીજીવનની કૃતાર્થતા માની શકાય છે. આ સ્થિતિએ પહોંચવા માટેજ સતત નિવેદનનું અનુસંધાન કરવાનું છે. સેવા-સ્મરણ ગુણગાન ધ્યાન વિગેરે અલૌકિક સાધનોથી સતત સન્મુખ રહેવું તે પણ નિવેદનનું સ્મરણ છે.
          હવે વિવેક ધૈર્યાશ્રયમાં પ્રભુને પ્રાર્થના નહી કરવી એવી આપે આજ્ઞા કરી છે તેનું સ્વારસ્ય એમ જણાય છે કે, મારી સાધન દશામાં મારૂં તસ્કર મન મને ઠગે નહિ. પ્રભુની કૃપા ઉપર બધુ છોડી દઇને તસ્કર મન ભગવદ્ પ્રાપ્તિના સાધનોમાં તત્પરતા રાખતું નથી. આ તેની ઠગાઇ છે. તેથી જ પ્રાર્થના નહીં કરવાની આજ્ઞા કરી છે. તેનો હેતુ એ જ કે દાસત્વ ભાવે આપણે કર્તવ્ય પરાયણ રહેવું. આ મોક્ષમાર્ગ નથી. સાક્ષાત સ્વરૂપાનંદના અનુભવનો માર્ગ છે તેમાં સ્વસ્થતા અને સ્વછંદતા આત્મ પુરૂષાર્થમાં બાધક-ઘાતક બને છે.
         સાધન દશામાં પ્રભુ સ્વરૂપ સિવાય અન્ય પ્રપંચ મનમાં રહેલો હો.ય છે. આ અન્ય પ્રપંચમાં મન જ્યાં સુધી રૂચિવાળું હોય ત્યાં સુધી ભગવદ્ સ્વરૂપમાં સ્નેહ પ્રગટ થતો નથી. તેથી મનમાં રહેલા અન્ય પ્રપંચ ભાવોને દગ્ધ કરવા સેવા સ્મરણાદિ અલૌકિક સાધનો રૂપી અગ્નિમાં તેને શુદ્ધ કરતા રહેવાનું છે.
 
          (2)  “આના માટે વારંવાર ભગવદ્ લીલાનું શ્રવણ, સાધન માનીને કર્યા કરવું હિતાવહ ગણાય ?” આ પ્રશ્નના જવાબમાં: વારંવાર ભગવદ્ લીલાનું શ્રવણ કે ગુણગાન કરતી વખતે પ્રિય પ્રભુના ભાવાત્મક સ્વરૂપનું વિસ્મરણ નહી થવા દેવું. લીલા શ્રવણમાંથી જે જે રસ ભાવો પ્રગટ થાય તે તે ભાવો પ્રિયતમના ભાવાત્મક સ્વરૂપમાં સમર્પી પ્રિયતમનો સાક્ષાત અનુભવ નથી તેની વ્યથાને વધારતા જવું. જેમકે નવમાં શિ.ના પહેલા શ્લોકમાં ‘બધ્ધબર્હશિખં નીલ’ આ વાક્યમાં શ્રી હરિરાય પ્રભુ જતાવે છે કે- “મુકુટ ધારણ કરિવેકો અભિપ્રાય યહ જો મુકુટકો શ્રૃંગાર શ્રીસ્વામિનીજીનું રસ દાનાર્થ ધારણ કરત હે. સો મુકુટ ધારણ તરીકે શ્રીસ્વામિનીજીકો પરમ અલૌકિક કોટિ કામ રસરૂપ હોય, રતિરસ દાન કરત હે તેસેઇ મોપે કૃપા કરી મુખ્ય રસ સ્વરૂપસું મુકુટ ધારણ કરી કબ રસદાન કરોગે. કબ દર્શન દોંગે ?” આ પ્રકારે લીલા શ્રવણના ભાવો પ્રિય પ્રભુના ભાવાત્મક સ્વરૂપમાં સમર્પી આપના સાક્ષાત સ્વરૂપના અનુભવ માટેની આર્તિ વધારતા જવી. લીલા શ્રવણ આવા પ્રકારનું આર્તિ સહિત થાય તો એક તરફ વિજાતીય ભાવ પ્રપંચ દગ્ઘ થતો જાય છે, અને બીજી તરફ પ્રિયતમના પરોક્ષ અને અપરોક્ષ (સેવ્ય) સ્વરૂપમાં સ્નેહભાવ જાગૃત થતો જાય છે.
           શ્રવણમાં ધર્મી સ્વરૂપના ધર્મો રહેલા છે. તેનો સંબંધ ધર્મી સ્વરૂપ સાથે થતાં સ્વરૂપના પ્રમેય બ્રલથી મન તરત જ વશીભૂત થઇ જાય છે. જેમ કે, “મન મૃગ વેધ્યો, મોહન નયન બાનસો” અને બીજા પદમાં “કમલસી અખીયાં લાલ તિહારી, તિનસો તકી તકી તીર ચલાવત વેધત છતીયાં હમારી.” અથવા
 
મન પંખી તબ લગ ઉડે,
વિષય વાસના માંહી ।
પ્રેમ બાજકી ઝપટમેં
જબલગ આયો નાહીં ।।
 
         લીલા શ્રવણના ભાવોનો ધર્મી સ્વરૂપ સાથે સંબંધ થતાં મન સ્વરૂપમાં રૂચિવાળું થાય છે અને પ્રિયતમની સૌંદર્યતામાં મોહિત થઇ જાય છે. પ્રિયતમના નેત્ર કટાક્ષથી ઘાયલ થયેલું મન અન્યત્ર પ્રપંચમાં પરિભ્રમણ કરવાને સમર્થ રહેતું નથી. “વૈધત છતીયાં હમારી” પ્રિયતમનું નેત્રરૂપી બાણ હ્યદયને વેધીને આરપાર નીકળી જતું નથી પણ હ્યદયમાં ખુંચેલું જ રહી આવે છે, અને તેની માધુરી વ્યથાના સ્વાદમાં મન ડૂબેલું રહે છે. પ્રિયતમનું નેત્રકમલ ક્ષણે ક્ષણે નૂતન નૂતન લાવણ્યામૃતને પ્રગટ કરતું હોય છે. કારણ નેત્ર કમલમાં લાવણ્યામૃતનો સિન્ધુ ભરેલો હોય છે. આ લાવણ્યામૃત સુધા સ્વાદમાં મન ડુબેલું રહે છે. અને સુધા સ્વાદમાં તૃપ્તિ નહી થવાથી પુનઃતપેલું રહે છે. એટલે કે ઘાયલ થયેલું મન પુનઃ પુનઃ નેત્ર કટાક્ષથી ઘાયલ થવાની જ ચાહના કરે છે. આ પ્રકારે તસ્કર મનને વશીભૂત કરી લેવામાં સ્વરૂપનું અદભૂત પ્રમેય બલ રહેલું છે. તેથી શ્રવણ સમયે પ્રિયતમના ભાવાત્મક-માનસી સ્વરૂપને ભુલવું નહી. પ્રિયતમના નેત્રકટાક્ષથી ઘાયલ થયેલું મન જે મધુર વ્યથાનો અનુભવ કરી રહ્યું છે તે વ્યથાની મૌલિકતા રસિક ભક્ત રસખાનજીના હ્યદયમાં કેવા પ્રકારની રહેલી છે, તે નીચેની પંક્તિમાં જોઇએ :
 
કોઉ યાહી ફાંસી કહત,
કોઉ કહત તલવાર ।
નેની ભાલા તીર કોઉ –
કહત અનોખી ઢાર ।।
પે મીઠાસ યા મારકી,
રોમ રોમ ભરપૂર ।
મરત જીયે ઝૂકતો ફીરે –
બને સુ ચકનાચૂર ।।
 
          “યે મીઠાસ યા મારકી રોમ રોમ ભરપૂર” પ્રિયતમના ત્રિબાણના મારની મીઠાસ રોમ રોમમાં વ્યાપી જાય છે, અને પ્રિય લાવણ્યામૃત સુધા આસવતું પાન કરી મત્ત બની જાય છે. પ્રભુ જેમ સાકાર અને વ્યાપક છે, તેમ આપનો આનંદ પણ વ્યાપક ધર્મવાળો છે. તેથી ભક્તોના સર્વાંગમાં અથવા રોમરોમમાં ભગવદ આનંદ વ્યાપી જાય છે. “લીલામૃત રસાર્દ્ધાર્દ્ધી કૃતાખીલ શરીરભૂત” આ નામની સંગતિ થઇ શકે. પ્રેમીજન પ્રાકૃત દુનિયામાં મરેલો અને દિવ્ય દુનિયામાં જીવતો, પ્રિયતમના રૂપાસવનું પાન કરી ચકચૂર બનેલો રહે છે, અહો કેવી મીઠાસ હશે આ “માર”ની ?
 
          (3) “પ્રેમ પ્રાપ્ત થાય, અથવા પ્રેમથી સેવા સ્મરણ કરવા માટે દૈવી પ્રેમ કેવી રીતે સધાય ? હ્યદયમાં આવેલો ઉમળકો અને તેથી સંકળાતું જોડાતું મન એ દૈવી પ્રેમની પ્રાથમીક દશા માની તે તરફ વલણ-ધ્યેય રાખીએ તો ફલ સિદ્ધિ સુધી પહોંચવું શક્ય બને ખરૂં ?” આ પ્રશ્નના જવાબમાં :
           સેવા સ્મરણાદિથી પ્રગટ થતો પ્રભુ પ્રત્યેનો પ્રેમ દૈવી ગણાય છે, અથવા પ્રાથમીક દશાનો મનાય છે. આ પ્રેમને ગાઢ બનાવવા માટે પ્રિય સ્વરૂપને જીવન ધ્યેય બનાવીને સેવા સ્મરણાદિમાં મનને જોડી રાખવું. પ્રભુ પ્રત્યે પ્રગટ થયેલો પ્રેમભાવ નિધિ છે અને પ્રાથમિક દશામાં બાલક જેવો છે, તેનું જતન કરવું એટલે કે પ્રેમ ભાવનું અનુસંધાન છુટી ન જાય તેવી રીતે સેવા સ્મરણાદિમાં મનને જોડી રાખવું. પ્રેમ ભાવના જતનથી ઉત્તરોત્તર પ્રેમ વૃદ્ધિગત થતો વ્યસન અવસ્થાએ પહોંચે છે ત્યારે આ પ્રેમ પથિકનું જીવન કૃતાર્થ બની જાય છે.
 
          “અન્ય સંબંધ ગંધૌપિ કંધરામેવ બાધતે” શ્રી પ્રભુચરણ શ્રી ગુસાંઇજી આજ્ઞા કરે છે કે પ્રભુ પ્રેમીઓ માટે અન્ય સંબંધ ની ગંધ માત્ર પણ મૃત્યુ સમાન બની જાય છે. આવો દુઃસંગ વ્યસન અવસ્થામાં બાધક થઇ શકતો નથી. કારણ કે વ્યસન અવસ્થામાં વિકલતા અને અસ્વસ્થતા સહજ બની રહે છે અને આ વિકલતા અને અસ્વસ્થતા પ્રિયતમની મહાન ભુજા રૂપ બની પ્રેમીજનનું ચોતરફથી રક્ષણ કરે છે.
          પ્રિય પ્રભુમાં પ્રેમ પ્રગટ થતાંની સાથેજ પ્રાથમીક દશામાંજ પ્રેમીજનોએ આ દુનીયાથી ખૂબ સાવધાન થઇ જવાનું છે. કારણકે પ્રેમીઓ માટે આ દુનિયા લુંટેરાની છે. દિવ્ય પ્રેમરૂપી મહાન નિધિને લુંટી લે છે. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીના પદમાં છે કે,
 
સુનો વ્રજ્જન મારગકી બાતે ।।
ઉલટ બાટ લુંટત પંથી સબ,
કહીયત હોં તાતે ।।1।।
 
          લુંટેરાઓથી બચવા માટે પ્રભુ પ્રેમની પ્રાથમીક દશામાંજ પ્રિય સ્વરૂપ સિવાય કોઇનો પણ સંગ નહી રાખવો.
          પ્રેમી પરિચય ના કરે એક શ્યામ વિન અન્ય, જગમાં સુતાં જાગતાં પ્રભુમાં પ્રેમ અનન્ય. દુઃસંગથી બચીને પ્રભુ પ્રેમની આ સાધનામાં રહેલા પ્રેમી જનની અવસ્થાનું ચિત્રણ એક રસિકે નીચે મુજબ આપેલું છે :
 
જીતે જી મરજાય, કરે ન તનકી આસા ।
આશિક્કા દિનરાત રહે શૂલી પે વાસા ।।
માન બડાઇ ખોય, નીંદભર નાહીન સોના ।
તીલભર રક્ત ન માંસ,
નહીં આશિક્કો રોના ।।
 
         “નહીં આશીક્કો રોના” આ કથનમાં અને “રહે શૂલી પે વાસા” તેમાં પ્રેમ પથીકની વીરતા ભરેલી છે. જેમ મહારથી ભીષ્મપિતામહે બાણની શૈયા બનાવી, તેમ પ્રેમ સંગ્રામમાં ખેલતા પ્રેમ વીરો પ્રિય વિયોગ વ્યથાની શૂલી પર શયન કરતા હોય છે. પ્રેમીઓને નીંદ કેવી ? એક વ્રજભક્ત કહે છે કે: “નીંદ તોહી બેચુંગીબીન મોલ” જો કોઇ ખરીદનાર મળે તો વિના મૂલ્યે તેને આપી દઉં. વળી એમ પણ કહ્યું છે કે “નીંદ તો તાહી આવે, જાહી શ્યામ ન ભાવે” પ્રાકૃત માનવને નીંદ ન આવે તો પોતે પાગલ બનવાના ભયથી નીંદની ઔષધિ સેવન કરે છે. ખરેજ પ્રેમીઓની રાહ જગત માનવથી ઊલટી જ છે.
         શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે, જેમ માતા ડાકિનીથી પોતાના બાલકનું રક્ષણ કરે છે તેમ બાલક જેવા પ્રાથમિક પ્રેમભાવનું દુઃસંગથી રક્ષણ કરવું. અથવા પ્રેમીજનો માટે ‘માન-બડાઇ’ ડાકિની જેવા જ છે, તેનાથી રક્ષણ કરવું.
         શ્રી હરિરાય પ્રભુએ આ ધ્યેય પ્રાપ્તિ માટે આદિથી અંત સુધી વર્તન કેવા પ્રકારનું રાખવું તે પહેલા શિક્ષાપત્રમાં જ જતાવી દીધું છે. તેમજ “ભાવ પોષક” અને “ભાવ સાધક બાધક” નામના ગ્રંથોમાં પણ જતાવેલું છે. તદનુફૂલ વર્તન રાખવાથી ફલસિદ્ધિ સુધી પહોંચી શકાય છે.
 
          એક અતિ આવશ્યક માર્મિક બાબત અહીં જાણવા જેવી એ છે કે દિવ્ય પ્રેમ એને જ કહેવાય છે કે જેમાં સ્વસુખની ગંધ પણ ન હોય. જેમાં પ્રિયતમના સુખનો જ વિચાર હોય છે તે દિવ્ય પ્રેમ છે. તત્સુખી પ્રેમભાવનું બીજ હ્યદયમાં રોપણ કરીને પ્રિય માટેની સર્વ કૃતિ કરવી. અથવા સેવા, સ્મરણ, ગુણગાન, લીલા-શ્રવણ વિગેરે સાધનો પ્રિયતમને સુખરૂપ થવા માટેની ભાવનાથી કરવાં આધિદૈવિક દેહને પ્રાપ્ત કરીને પ્રિયતમને હું સુખરૂપ ક્યારે બનીશ ? આવી વ્યથા સહ સર્વ કૃતિ કરવી. પ્રિયથી મને સુખ મળે આ ભાવ થતાની સાથે જ દિવ્ય પ્રેમનું રૂપાન્તર થઇ જાય છે. પુરૂષાર્થના શિખર રૂપ આ તત્સુખી દિવ્ય પ્રેમ, તત્સુખસાગર શ્રીવલ્લભ ચરણ નિકુંજ દ્વારેથી પ્રાપ્ત થાય છે. શ્રીજી તો કેવળ ભોક્તાજ છે. આપણે ભૂતલ જીવનમાં જેવા પ્રકારનો ભાવ સિદ્ધ કરશું તેવા ભાવ સ્વરૂપથી શ્રીજીથી લીલાધામમાં સુખાનુભવ થાય છે. પ્રભુનું સ્વરૂપ તો ભાવાત્મક છે. એટલે આપણો જેવો ભાવ છે તેવું સ્વરૂપ ધારણ કરી આપ રસાનુભવ કરાવે છે. આથી શ્રીવલ્લભ ચરણરેણુધન પ્રાપ્ત કરેલો ચતુર પ્રેમી તત્સુખી પ્રેમ ભાવના બીજનુજ પોતાના હ્યદયમાં રોપણ કરે છે.
         આ દિવ્ય પ્રેમ કે જે તત્સુખી અને મહારાજા જેવો દિલાવર છે તે કંઇ પણ લેવાનું સમજતો નથી, પણ દેવાનું જ જાણે છે. આ તેનો નૈસર્ગીક સહજ સ્વભાવ બનેલો હોય છે. શ્રીવલ્લભ ચરણકમલ અનુરાગી જન ઉપરોક્ત સ્વભાવથી પહેચાની શકાય છે. “શ્રીવલ્લભ ચરણરેણુધનનો જ એવો વિલક્ષણ પ્રભાવ છે કે આ રેણુધન પ્રાપ્ત કરેલો જન યાચક નથી બનતો પણ દાતા બને છે.” જાચું જાય કોનકે ઘરપે, શ્રીવલ્લભસે પાય ધની ।। તીન લોકહું ફિર ફિર આયો, આનંદ અલ્પ ઉપાધિ ઘની ।। શ્રીવલ્લભ વાક્માધુરીની ગહનતા અવલોકીએ. ભાગવતાર્થ નિ માં છઠ્ઠા સ્કંધમાં આપ આજ્ઞા કરે છે કે-પુષ્ટિ (કૃપા), પોતાના એટલે જીવના કાર્ય માટે જીવનું કલ્યાણ કરનારી છે જ્યારે ભક્તિ-સ્નેહ ભગવાનના કાર્ય માટે ઉપયોગી છે. આ માધુરી વાણીમાં શું ગહનતા રહેલી છે ? તે વિચારીએ-
         શ્રી વલ્લભ ચરણાબ્જ રજોધન જે જને પ્રાપ્ત કરેલ છે તે પ્રભુ પાસે કૃપાની યાચના પણ કરતો નથી, પરંતુ પ્રિયતમ માટે સુખાનુભવના અનેક મનોરથો કરી પ્રિયતમને વિલસાવવાનું જ કાર્ય કરે છે. આ રજોધનનો અદભૂત પ્રભાવ છે. આ “રજોધન” પ્રાપ્ત કર્યા પછી અન્ય ભક્તની નિકુંજમાં બિરાજતા પ્રિયતમને દૂતી દ્વારા નિમંત્રણ આપવાની આવશ્યકતા નહીં રહે.
 
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન,
નેહ નિમંત્રણકે સગે અલિ અધીર ઉલટાન.
 
          કમલ ભ્રમરને બોલાવતા જતું નથી, પંણ ભ્રમરજ કમલ મકરંદથી લોભાઇ કમલ પાસે પહોંચી જાય છે. તેમ શ્રીવલ્લભ ચરણરજ જેણે પ્રાપ્ત કરી છે તેવા ભક્તના હ્યદય કમલમાં તત્સુખી મધુર પ્રેમરૂપી મકરંદ ભરેલી છે. આ મકરંદનું પાન કરવા પ્રિયતમનું ભોંરા (ભમરા) રૂપી મન અધીર બનીને શ્રીવલ્લભજનના હ્યદય કમલમાં વશીભુત થઇ જાય છે. આ ‘રજ’ માં તત્સુખી મધુર પ્રેમની ધારા અખંડ વહ્યા કરે છે. તે પ્રવાહ શ્રી વલ્લભજનના હ્યદય સરોવરમાં સંચીત થાય છે. અને આ સરોવર સદા તત્સુખી મધુર પ્રેમથી ભરેલું રહે છે. તેમાં તત્સુખી ભાવના અનેક કમલો પ્રગટ થયેલા હોય છે. તે કમલની મધુર મકરંદનું પાન કરવા પ્રિયતમના મનરૂપી ભ્રમર અધીર થઇને મકરંદ પાનમાં વશીભૂત થઇ જાય છે. શ્રી વલ્લભ પદામ્બુજ રજના પ્રભાવથીજ પ્રાથમિક પ્રેમની અવસ્થાથી અજીત પ્રિયતમ પ્રભુને વશીભૂત કરી લેવા સુધીની ફલ દશા સુધી પહોંચી શકાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.