પ્રશ્નોત્તર
spacer
spacer

મધુકર

સ્નેહી ભાઇશ્રી, સપ્રેમ શ્રીસ્મરણ.
આપના પ્રશ્નોનો પ્રત્યુત્તર :-
 
(1) “દિવ્ય પ્રભુ પ્રેમ કેવા પ્રકારે હૃદયમાં પ્રગટ થાય ?” આ પ્રશ્નના જવાબમાં – શ્રી હરિરાય પ્રભુએ “સ્વમાર્ગીય કર્તવ્ય નિ.” નામના ગ્રંથમાં આજ્ઞા કરી છે કે –
 
અનુરાગત્રિધા લોકે શ્રવણાદ્ દર્શનાત્તથા. ।
ધ્યાનાદપિ ચ ગોપીનાં સ રાગ: સહજ: સદા ।।
 
પ્રભુમાં પ્રેમ ત્રણ પ્રકારે ઉત્પન્ન થાય છે. (1) શ્રવણ (2) દર્શન અને (3) ધ્યાનથી. તેમાં “શ્રવણ” થી એટલે શ્રીગોપીજનો સાથે પ્રિય પ્રભુએ અનેક પ્રકારની દાન, માન, પનઘટ, હિલગ, ખંડિતા, હોરી આદિ પ્રણય લીલાઓ કરી છે તેનું જેમાં વર્ણન કરેલું હોય તેવા સાહિત્યનું જ શ્રવણ કરવું “દર્શન” એટલે સેવ્ય સ્વરૂપને નખથી શિખા પર્યત સુંદર શ્રૃંગાર કરી મન ચિત્તની એકાગ્રતા પૂર્વક સ્વરૂપ અવલોકવું તેને દર્શન કહેવાય. “ધ્યાન” નો વિષય પરોક્ષતાનો છે. “દર્શન” નો વિષય પ્રત્યક્ષ સ્વરૂપ છે. પણ ધ્યાન સ્વરૂપની પરોક્ષતામાં થાય છે. પરોક્ષ કાલમાં પ્રિ.યતમના મનહરણ સ્વરૂપનું વિરહભાવપૂર્વક નખથી શિખા પર્યત એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. આમ ત્રણે પ્રકારે પ્રેમ ઉત્પન્ન થાય છે.
 
          (2)“પ્રણય લીલાઓનું શ્રવણ કરવા છતાં પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થતો નથી તેનું શું     કારણ ?” આ પ્રશ્નના જવાબમાં તસ્કર (કપટી) મન પ્રિયતમના ચરણકમલ રૂપી ખુંટે બંધાયું નથી. અનન્યતા વિના પ્રેમ ઉત્પન્ન ન થાય સેવ્ય સ્વરૂપને સર્વસ્વ જીવન નિર્વાહક મનાય ત્યારે તસ્કર મન અનન્ય બની પ્રિયતમના ચરણકમલ રૂપી ખુંટે બંધાય છે.
ચલ સખી ચલ અહો વ્રજ પેંઠ લગિ,
 
જહાં બિકાત હરિ પ્રેમ ।।
સુંઠ સોંઘો પ્રાણનકે પલટે,
ઉલટ ધરો યહ નેમ ।।1।।
 
પ્રિય પ્રભુમાં પ્રાણનું સમર્પણ થઇ જાય. અથવા પ્રાણરૂપ – જીવનરૂપ પ્રિય સ્વરૂપ જ જ્યારે બને ત્યારે પ્રિય પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થાય છે.
 
          (3)‘પ્રાણનું સમર્પણ પ્રિય પ્રભુમાં જ થાય ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય તેનું શું કારણ ?” આ પ્રશ્નના જવાબમાં મન પ્રાણને આધીન રહે છે. આ પ્રાણરૂપ જો પ્રિય પ્રભુ જ બને તો મન પ્રાણરૂપ પ્રભુને આધીન થઇ જાય છે. અને પ્રભુ તો દિવ્ય પ્રેમના સમુદ્ર રૂપ છે જ. તેથી પ્રેમ સમુદ્રમાં પડેલું મન દિવ્ય પ્રેમમાં તરબોળ રહે છે.
 
          “પરમાનંદ પ્રેમ સાગરમેં પર્યો સો લીન ભર્યો.” ભક્તિહંસ ગ્રંથમાં શ્રીપ્રભુચરણોએ આજ્ઞા કરી છે કે, “પ્રભુમાં સ્નેહ ઉત્પન્ન થયા પછી પોતાના વ્યસનથી સ્વતંત્ર પુરૂષાર્થપણાથી શ્રવણાદિક થાય છે તે ઉત્તમ પુષ્ટિ ભક્તિરૂપ છે.” પ્રભુમાં સ્નેહ થયા પછીનું જ શ્રવણ પુ્ષ્ટિ ભક્તિ શ્રવણ કહેવાય છે. કારણકે સ્નેહ થયા પછી સ્નેહજ જીવન રૂપ બનવાથી જેમા સ્નેહની ગાથા ગવાઇ હોય છે તેવું જ શ્રવણ થાય છે. આવો સ્નેહ ઉત્પન્ન થયા વિનાનું શ્રવણ “હસ્તી સ્નાન” જેવું બની જાય છે. રસાત્મક સાહિત્યના શ્રવણ પછી પણ જો પ્રેમ ઉત્પન્ન ન થયો તો તેને “હસ્તી સ્નાન” કહેવામાં શું અયુક્ત છે ? જેમ હસ્તી (હાથી) નિર્મળ જળાશયમાં સ્નાન કરીને પાછો ધુળમાં આળોટે છે, તેમ પ્રભુમાં પ્રેમ પ્રગટ નહી થવાથી ઉન્મત હસ્તી જેવું મન ભૌતિક પ્રપંચમાં વિચરે છે. એટલે પ્રભુમાં પ્રેમ પ્રગટ થયા વિનાનું શ્રવણ “હસ્તી સ્નાન” જેવું જ બની જાય છે.
 
         ભા. 11-11-18 માં ઉદ્વવજી પ્રતિ ભગવદ્ વાક્ય છે : “શબ્દબ્રહ્મનો નિષ્ણાત પરબ્રહ્મમાં પ્રવેશ કરતો નથી (“વસ્તુને શું જાણે વ્યાકરણી”) તો વસુકી ગયેલી ગાય તેના પાલકને જેમ બોજરૂપ જ છે, તેમ શબ્દબ્રહ્મનું જ્ઞાન (સાક્ષરને પંડિતને) નિરર્થક બને છે.” અહીં “પરબ્રહ્મમાં પ્રવેશ” કથનનું સ્વારસ્ય, પ્રેમ સ્વરૂપને જાણીને તેમાં મનનો પ્રવેશ કરવવામાં રહેલું છે.
રસાત્મક સાહિત્ય અવલોકન રૂપી વલોવણમાંથી પ્રેમ રૂપી નવનીત પ્રાપ્ત કરવું જોઇએ, નહીં તો શ્રવણ નીરને વલોવવા જેવું બને છે.
 
          પુષ્ટિમાર્ગમાં કંઇ જાણવા જેવું હોય તો તે દિવ્ય પ્રેમ છે. દિવ્ય પ્રેમને જેણે જાણ્યો તેને બીજું કંઇ જાણવાનું બાકી રહેતું નથી. આ વિષયમાં પ્રેમ દિવાના રસખાનજી શું કહી રહ્યા છે તેનો વિચાર કરીએ :-
 
જગમેં સબ જાન્યો પરે, અરૂ સબ કહે કહાય,
પૈ જગદીશ અરૂ પ્રેમ યહ દોઉ અકથ લખાય.
જેહી બિનુ જાને કછુહી નહીં જાન્યો જાત વિશેષ
સોઇ પ્રેમ જેહી જાનિકે, રહી ન જાત કછુ શેષ.
 
“જગમાં સબ જાન્યો પરે ।“ ભૌતિક જગતમાં સ્થુલ બુદ્ધિથી તીવ્ર બુદ્ધિવાળો મનુષ્ય બધુંય જાણી શકે છે પરંતુ “પે જગદીશ અરૂ પ્રેમ યહ દોઉ અકથ લખાય.” ‘જગદીશ’ એટલે રસાત્મક લીલા જગતમાં રહેલા “ઇશ-પુષ્ટિ પ્રભુ,” અને પ્રભુની ભિતર દ્રઢ રૂપને રહેલ આત્મા રૂપ દિવ્ય પ્રેમ આ બન્ને અકથનીય છે. અમો દેહાત્મવાદી જીવોની સ્થુલ બુદ્ધિ આ બન્ને તત્વોમાં પ્રવેશ કરી શકતી નથી. કારણકે આ બન્ને (ઇશ અને પ્રેમ) “સર્વજ્ઞાત” (સર્વથી અજ્ઞાત) છે.
 
        (4)ત્યારે પ્રશ્ન થાય કે આ બંને તત્વોમાં પ્રવેશ કેવી રીતે થાય ? અથવા આ બન્નેનો સાક્ષાત્કાર કેવી રીતે થાય ? સમાધાનમાં : રસિક મહાનુભાવ નંદદાસજી પંચ મંજરી નામના ગ્રંથમાં તેના સાક્ષાત્કારનું સાધન બતાવે છે –
 
જા ઘટ વિરહ અવા અનલ પરિપક ભયે સુભાય
તાહી ઘટ મધ્ય નંદ હો, પ્રેમ અમી ઠહેરાય.
 
            “ઘટ” શબ્દ હ્યદયવાચક છે. હ્યદયમાં ચાર તત્વો રહેલા છે. (1) મન (2) બુદ્ધિ (3) ચિત્ત અને (4) અહંકાર. આ ચારે તત્વોવાળું હ્યદય વિરહાગ્નિથી જ્યારે શુદ્ધ થાય છે, અથવા હૃદયમાં રહેલો ભૌતિક અને આધ્યાત્મિક અવિદ્યા-માયા જતીન પ્રપંચ ભસ્મીભૂત થાય છે ત્યારે પુષ્ટિ પ્રભુના આત્મ સ્વરૂપ દિવ્ય પ્રેમને ધારણ કરી શકાય છે, અથવા આ બંને તત્વો (ઇશ અને પ્રેમ)નું વાસ્તવિક જ્ઞાન થઇ શકે છે. વિરહાગ્નિથી જેની બુદ્ધિનો સંસ્કાર થયો નથી તેવા દેહાત્મવાદીની સ્થુલ બુદ્ધિ આ બન્ને તત્વોનું જે જ્ઞાન મેળવે છે તે તો આસમાનમાં ઉડનાર વિહંગમ પક્ષી નભોમંડળનું માપ જેમ તેની શક્તિ પ્રમાણે કાઢી શકે, તેવું જાણવું. મતલબ કે વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. વિરહાનુભવમાં મન આત્મગામી બને છે. એટલે કે આત્મ પ્રદેશ પ્રેમ રાજ્યમાં પ્રવેશ કરે છે. ત્યારે જ ઇશ અને દિવ્ય પ્રેમનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. “સુનો વ્રજજન મારગકી બાતે” આ પદમાં કહ્યા મુજબનું જ્ઞાન થાય છે.
 
            સુ. 3-9-33 માં બ્રહ્મા પ્રતિ ભગવદ્ વાક્ય છે. હું દેહિઓને જ્ઞાન ન થઇ શકે તેવો છું. “પોતાના દેહને જોનારા અને મને પણ જોનારા દેહના અભિમાનીઓ, કોઇ પણ સમયે મને બ્રહ્મ તરીકે જાણી શકવાના નથી. કારણ કે કામ રહેલો હોય ત્યારે કામિની (સ્ત્રી)નો સ્પર્શ કામ જાગૃત ન કરે તેવું ન બને.
 
           અહીં કામનું દ્રષ્ટાંત દેવાનો હેતુ ‘કામ’,  આત્મજ્ઞાનનો વેરી છે. તેની હયાતી જ્યાં સુધી રહે ત્યાં સુધી દૈવી જીવને પોતાના આધિદૈવિક સ્વરૂપનું પુષ્ટિ પ્રભુનું અને પુષ્ટિ પ્રભુના આત્મ સ્વરૂપ દિવ્ય પ્રેમનું વાસ્તવિક જ્ઞાન થવું શક્ય નથી. આ ‘કામ’ વિરહાગ્નિથી જ સર્વ પ્રકારે દગ્ધ થાય છે, અન્ય પ્રકારે નહીં. એટલે આત્માથી જ પરમાત્મા જાણી શકાય છે. વિરહાગ્નિથી જ્યારે મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર પ્રાકૃત પ્રપંચ રહિત થાય છે ત્યારે દૈવી જીવને પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. અથવા “સ્વરૂપ વિસ્મૃતિ” નામનું અવિદ્યાનું પાંચમું પર્વ નિવૃત્ત થાય છે, ત્યારે દૈવી જીવ દેહના સંબંધમાંથી છુટો પડી પોતાના આત્મ સ્વરૂપમાંજ સ્થિત થાય છે. આ સમયે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર દેહના સંબંધ રહિત આત્મા સાથે જોડાય છે ત્યારે આત્મ સંબંધવાળા મન બુદ્ધિ ચિત્ત અહંકાર યુક્ત હ્યદયમાં દિવ્ય પ્રેમને ધારણ કરી શકાય છે. અથવા પુષ્ટિ પ્રભુ અને તેમના આત્મા રૂપ દિવ્ય પ્રેમનું વાસ્તવિક જ્ઞાન મેળવી શકાય છે.
 
          વેણુગીતમાં શ્રી ગોપીજનો જે સ્વરૂપનું ગુણગાન કરી રહ્યા છે તે નિત્ય લીલાસ્વ હરિ છે. વેણુનાદ દ્વારા આ સ્વરૂપનો અનુભવ થતાં અવતાર સ્વરૂપ અને અવતાર સ્વરૂપે કરેલી લીલા આ બળથી શ્રી ગોપીજનો નિરપેક્ષ થઈ ગયાં. આનું નામ છે પુષ્ટિ પ્રભુ અને તેમના આત્મ સ્વરૂપ દિવ્ય પ્રેમનું વાસ્તવિક જ્ઞાન.
 
          પુષ્ટિ પ્રભુ સન્મનુષ્યાકાર હોવા છતાં સાકાર વ્યાપક સત્તાવાળા છે. અથવા પોતાના સ્વરૂપોથી અનંત, લીલાઓથી અનંત, રસથી અનંત, અને અનંત અગણિત આનંદરૂપ છે. આવા પ્રકારનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે. આવું જ્ઞાન શ્રી ગોપીજનોને વેણુનાદ દ્વારા વિપ્રયોગાત્મક-ભાવાત્મક સ્વરૂપની પ્રાપ્તિથી થયું ત્યારે તેઓ અવતાર સ્વરૂપ કે જે સંયોગાત્મક અને પરિચ્છિન્ન આનંદરૂપ છે, તેનાથી નિરપેક્ષ થઇ ગયાં
 
          વેણુનાદમાં અધર સુધાનો પ્રવેશ છે. આ “સુધા” પુષ્ટિપ્રભુના આત્મરૂપ દિવ્ય પ્રેમ સ્વરૂપ છે. નટવર સ્વરૂપ અને તેમાં રહેલ દિવ્ય પ્રેમ આ બન્નેનો સાક્ષાત્કાર અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરીને શ્રી ગોપીજનો અવતાર સ્વરૂપ અને આ સ્વરૂપે કરેલી લીલાથી પણ નિરપેક્ષ થઇ ગયાં. આ બન્ને તત્વો (ઇશ અને દિવ્ય પ્રેમ)ને રસખાનજી અકથનીય કહે છે. શ્રી ગોપીજનોએ આ બન્ને તત્વોનો જે અનુભવ કર્યો છે તે વિરહાગ્નિના સેવનથી જ કરેલો છે. આ કથનની પુષ્ટિ નીચે મુજબના શ્લોકોથી થાય છે:-
 
ગોપીનાં પરમાનન્દ આસીદ્ ગોવિંદ દર્શને ।
ક્ષણ યુગસતમિવ યાસાં યેન વિના ભવત્ ।।
(સુ. 10 16 16)
 
જનાસ્તાપં જહુર્ગોપ્યો ન કૃષ્ણ હ્યત ચેતસ: ।।
(સુ. 10 17 45)
 
          પ્રભુના દર્શન વિનાની એક ક્ષણ એકસો યુગ જેવી વ્રજભક્તોને અનુભવાતી હતી, તામસ પ્રમેય પ્રકરણના 17મા અધ્યાયમાં શરદનું વર્ણન કરેલું છે, તેમાં ભૌતિક અને આધ્યાત્મિક કાલકૃત દુ:ખની નિવૃત્તિ વ્રજના અન્ય ભક્તોને થઇ, પરંતુ જેનું ચિત્ત કૃષ્ણે હરેલું છે તેવા શ્રી ગોપીજનોના તાપની નિવૃત્તિ ન થઇ. વ્રજમાં પ્રભુનું પ્રકટ સ્વરૂપ હોવા છતાં ક્ષણનો વિયોગ સત યુગ જેવો આ શ્રી ગોપીજનો અનુભવતાં હતા. આવા વિરહે કરીને તેમનામાં નિત્યલીલાસ્થ પ્રભુના સ્વરૂપનું અને તેમના આત્મ સ્વરૂપ દિવ્ય પ્રેમનું અધિષ્ઠાન સિદ્ધ થયું. અને તેથી આ બન્ને તત્વોને વેણુગીત પ્રસંગે શ્રીગોપીજનોએ અનુભવ કર્યો.
          નિત્ય લીલાસ્થ સ્વરૂપ, તેને વિપ્રયોગ ભાવાત્મક અથવા મૂળ સ્વરૂપ પણ કહેવાય છે. આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ “નમામિહ્યદયેશેષે” શ્લોકમાં કહ્યા મુજબ અનંત લીલાઓ સહિત શ્રી સ્વામિનીજીઓના હ્યદયમાં નિરૂદ્ધ થયેલ હોય છે. અગણિતાનંદનો અનુભવ આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી જ થાય છે. તેનું અધિષ્ઠાન વિરહાનુભવથી શ્રી ગોપીજનોમાં સિદ્ધ થયું ત્યારે વેણુગીત પ્રસંગે આ સ્વરૂપનો અનુભવ થયો અને ત્યારે અવતાર સ્વરૂપ અને આ સ્વરૂપે કરેલી લીલાના આનંદથી શ્રીગોપીજનો નિરપેક્ષ થઇ ગયાં.
         નિત્ય લીલાસ્થ સ્વરૂપનું જેને જ્ઞાન થયું છે તેવા વિરહી ભક્તની અવસ્થાનું લક્ષણ શ્રી હરિરાયપ્રભુએ શિ. 18-4 માં જતાવેલું છે.
 
વિરહેણ હરિ સ્ફુર્ત્યા સર્વત્ર કલેશ ભાવનાત્ ।
લીલાતિરિક્ત સૃષ્ટૌ હિ નિરાનન્દત્વ નિશ્ચયાત ।
 
        નિત્યલીલાસ્થ સ્વરૂપનું જ્ઞાન મેળવીને તેની પ્રાપ્તિ માટે જે જન વિરહનો અનુભવ કરી રહેલ છે તેને નિત્યલીલાસ્થ પ્રભુ સ્વરૂપ અને તેનો પરિકર કે જે દિવ્ય પ્રેમાનંદનો અનુભવ કરી રહેલ છે તેની સિવાય વિરહી રસિક જ્ઞાની ભક્તને ભૂતલમાં નિરાનંદ પણું ભાસે છે. આ કથનની વિશેષ પુષ્ટિ માટે આગળના શ્લોક 14-15માં શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે –
 
તત્વં વિદિત્વા પરમં યશોદોત્સંગ લાલિતમ્ ।
શ્રીમદાચાર્ય તત્પુત્રાન્
હિત્વાસ્મત્સ્વામિની રપિ ।।14।।
 
તત્ત્તુલ્ય બુદ્ધયાનાશ: સ્યાત્સર્વથેતિવિનિશ્વય: ।
ઓતાવતી સતીશિક્ષા સંક્ષિપ્તા
ધિયતાં હ્યદિ ।।15।।
 
          ચાર તત્વ- (1) શ્રી યશોદાત્સંગ લાલિત (2) શ્રીમદાચાર્ય ચરણ (3) શ્રી ગુસાંઇજી અને (4) શ્રી સ્વામિની વૃન્દ. આ ચાર તત્વની સમાન ભૂતલમાં કોઇને નહી માનવા. તેનું કારણ આ ચારે તત્વો નિત્ય લીલા સંબંધી છે. છતાં કદાચ મુગ્ધ દશાએ આ ચારે તત્વોની ભૂતલમાં સંભાવના અન્યત્ર ન કરે તે માટે “સતી શિક્ષા” કરૂણા કરીને શ્રી હરિરાય પ્રભુ વિરહી જનને ચેતવણી આપે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે નિત્યલીલાસ્થ પ્રભુ સ્વરૂપ અને તેમના આત્મ સ્વરૂપ દિવ્ય પ્રેમ આ બન્ને તત્વો દુર્જ્ઞય, સર્વાજ્ઞાત, અતિગૂઢ અકથનીય છે. તેની પ્રાપ્તિ અને તેનું વાસ્તવિક જ્ઞાન વિરહાનુભવ વિના સર્વથા શક્ય નથી.
રસાત્મક લીલા જગતના “ઇશ” પુષ્ટિ પ્રભુના હ્યદય સંપુટમાં રહેલ ગૂઢ દિવ્ય પ્રેમ તત્વ કે જેનાથી દ્રિધા શ્રૃંગાર વિલાસ સિદ્ધ થાય છે. તેવા ગૂઢ તત્વને જેણે જાણી લીધું છે તેને અન્ય કંઇ પણ જાણવાનું બાકી રહેતું નથી. અને આ તત્વને ન જાણ્યું તો અન્ય જાણેલું સર્વ વ્યર્થ જ છે. તેથી આ પુષ્ટિ માર્ગમાં જે કંઇ જાણવા જેવું છે તે દિવ્ય પ્રેમ જ છે. (ઓર કોઇ સમજો સો સમજે, હમકું ઇતની સમજ ભલી)
 
ભલે વૃથા કરિ પચિમરો જ્ઞાન ગૌરવ બઢાય ।
વિના પ્રેમ ફીકો લગે કોટિક કરો ઉપાય ।।
 
         પંડિતો જ્ઞાનના ગૌરવને ભલે પ્રાપ્ત કરી લે અથવા શાસ્ત્ર મંથનમાંજ ભલે પચિમરે. પ્રેમીજનને આ ગૌરવ તુચ્છ છે. દિવ્ય પ્રેમ વિનાના કોટિક ઉપાયો રસ વિહિન ફીકરાજ છે. તેથી જ તો શ્રીવ્રજપ્રિયાઓએ શાસ્ત્રોક્ત પ્રખર જ્ઞાની શ્રીઉધ્ધવજી પ્રતિ કહ્યું છે- “પ્રેમ વિના સબ પચિમરે વિષય વાસના રોગ-સખા સુન શ્યામકે”
        ભૌતિક વિષયો તો વિષ-ઝેર જેવા છે જ, પરન્તુ સર્વત્ર વ્યાપક બ્રહ્મનો ઉદ્ધવજી જે ઉપદેશ આપી રહ્યા છે. આવું બ્રહ્મજ્ઞાન અને તેમાં રચ્યાપચ્યા રહેનારાઓને પ્રેમ વિનાના રોગીષ્ટ કહ્યા છે. દિવ્ય પ્રેમનો પ્રવાહ જેમાં વહેતો નથી તેવા લૌકિક કે અલૌકિક વિષયો પ્રેમીજનને રોગ સદ્ધશ ભાસે છે. બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દેવા આવેલા શ્રીમાન ઉદ્ધવજીને આ દિવ્ય પ્રેમનો અનુભવ “પ્રેમદેવીઓ” શ્રી ગોપીજનોની કૃપાથી થયો. પછી તેઓ મથુરા ગયા ત્યારે શ્રી મથુરાનાથને કહે છે કે- “જીવનકો લે કહા કરે, જો નહીં જીવન મૂલ” સર્વના આત્મારૂપ ભગવાન સર્વ પ્રાણી માત્રનું જીવન છે. કારણ કે અંતરયામી ભગવાનથીજ સર્વનું જીવન “દિવ્ય પ્રેમ” છે, તેવો અનુભવ શ્રી ગોપીજનોની કૃપાથી શ્રી ઉદ્ધવજીને થયો. તેથી કહે છે કે- “જીવનકો લે કા કરે, જો નહીં જીવન મૂલ” ।
 
           શ્રી હરિરાય પ્રભુનું એક પદ છે. તેની છેલ્લી પંક્તિ- “રસિક” ચરણ રજ વ્રજ યુવતિનકી અતિ દુર્લભ જીય જાન” દિવ્ય પ્રેમ સિન્ધુમાં ડુબેલા શ્રી વ્રજભક્તોની ચરણ રજ કે જે દિવ્ય પ્રેમના સંબંધ વાળી છે, તેની પ્રાપ્તિ અતિ દુર્લભ છે દિવ્ય પ્રેમને જેણે જાણ્યો છે તેનેજ આ પ્રેમ તત્વની દુર્લભતાનું જ્ઞાન થાય છે. શ્રી ઉધ્ધવજીને આ તત્વનું જ્ઞાન થવાથી ‘રજ’ ની અભિલાષાએ વ્રજની કોઇ રૂખડી થવાનો મનોરથ કરી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ માર્ગમાં જે કંઇ પુરૂષાર્થમાં પ્રાપ્ત કરવા જેવું છે તે આ “દિવ્ય પ્રેમ” જ છે અથવા દિવ્ય પ્રેમ રૂપી શ્રીવલ્લભ ચરણ રેણુ ધન જ પુરૂષાર્થ રૂપ છે. આ ‘રજ’ને પ્રાપ્ત કર્યા વગર દિવ્ય પ્રેમ રાજ્યમાં પ્રવેશ થઇ શકતો નથી. અને તેથી દૈવી જીવનની કંઇ સાર્થકતા થતી નથી. કારણ કે આ રતિ પથમાં તો મોક્ષ જેવા ફલની પણ તુચ્છતા જ છે.
 
          આજનો આધુનિક દેહાત્મવાદી જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરીને હું આનો પ્રેમી અને એ મારૂં પ્રેમી-આમ પ્રેમીના જોડકાં બનીને પુષ્ટિમાર્ગમાં વિચરે છે, તેમનામાં દિવ્ય પ્રેમ નથી પણ કેવળ મોહકતા છે. કારણકે દિવ્ય પ્રેમ પંચપર્વવાળી અવિદ્યા નાબુદ થયા પછીજ પ્રગટ થાય છે. અથવા દિવ્ય પ્રેમની ધારા આત્માંનંદ સમુદ્રમાંથી પ્રાપ્તિ થાય છે, અને આત્મામાં પ્રવેશ વિરહાનુભવ વિના થતો નથી. દિવ્ય પ્રેમ તો પોતાને અને જગતને ભૂલાવી દેનારો છે.
 
          “રતિ પથ પ્રકટ કરનકું પ્રગટે, કરૂણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ” અરે પથિક ! આ રતિ પથ છે. જે માર્ગમાં ચાલવું છે તેનું જ્ઞાન તો હોવું જ જોઇએ. દિવ્ય પ્રેમનું જ્ઞાન મેળવીને જ દિવ્ય પ્રેમ રાજ્યમાં પ્રવેશની મંજિલે ચાલી શકાય છે. આજે સંપ્રદાયમાં અનેક યોજનાઓ ઘડાય છે. પરંતુ કોઇપણ યોજનામાં વાસ્તવિક તત્વ નહિ હોય તો તે યોજનાનું વાહન (ગાડું) દિવ્ય પ્રેમ રાજ્ય સુધી પહોંચી શકતું નથી, પણ થોડે દુર ચાલીને જ અટકી પડે છે. પ્રશ્ન થાય કે તેનું શું કારણ ? તેનું એ કારણ કે આ વાહનમાં દિવ્ય પ્રેમની સામગ્રી ભરેલી નહી હોવાથી, અને આ વાહનમાં જોડાયેલા મન ચિત્ત રૂપી બળદો- દિવ્ય પ્રેમનો આહાર નહી મળવાથી, અને દિવ્ય પ્રેમ સિવાય અન્ય વિચાર સામગ્રીઓનો બોજ વધી જવાથી મન ચિત્ત રૂપી બળદો કમજોર બને છે, તેથી આગળ ગતિ થઇ શકતી નથી. આવું પરિણામ પ્રાપ્ત થતાં ઉમેદથી ઘડેલી યોજનાઓ નિરાશામાં પલટાઇ જાય છે.
 
         દિવ્ય પ્રેમના-અર્થાત રતિ પથના સિધ્ધાંતોની સામગ્રી જેમાં ભરેલી નથી તેવી યોજનાઓથી પ્રવાહ અને મર્યાદા સૃષ્ટિને ભલે લાભ પ્રાપ્ત થતો હોય, પરંતુ રતિ પથ પથિકોને તેમાંથી કંઇ પ્રાપ્ત થાય તેમ નથી. તેથીજ ચેતવણી આપી છે. “ઉલટ બાટ લુંટત પંથી સબ કહીયત હોં તાતે”
જેણે આ આ રતિપથ પ્રગટ કર્યો છે તે આધિદૈવિક જગતના “ભાનુ”  છે. નહી કે ભૌતિક અને આધ્યાત્મિક જગતના. આથી ત્યારે આધિદૈવિક યોજનાઓ ઘડાતી નથી ત્યારે આ ભાનુનો પ્રકાશ પ્રાપ્ત નહીં થવાથી આવી યોજનાઓનું વાહન પ્રતિબંધોના ખડક સાથે અફળાઇ આગળ ગતિમાં શક્તિહીન બની જાય છે.
         આ રતિ પથ કેવા પ્રકારનો છે તેનું જ્ઞાન નીચેના પદમાં મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીએ કરાવ્યું છે :
સુનો બ્રજ્જન મારગકી બાતે ।
ઉલટ બાટ લુંટત પંથી
સબ કહીયત હોં તાતે ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.