તાપાત્મક દૈન્ય-
spacer
spacer

-પથિક

“ભક્તાનાં દૈન્યમેવૈક હરિતોષણસાધનમ્”
આપશ્રીના આ વચનામૃતમાં નિગૂઢ-રહસ્ય રહેલું છે. શ્રી હરિરાય પ્રભુએ આ દીનતાના રહસ્યને પોતાના જીવનમાં ઓતપ્રોત કરેલું છે. શ્રી હરિને પ્રસન્ન કરવામાં સાધનરૂપે દીનતાનું નિરૂપણ કર્યું, તેનું કારણ હરિ અમોઘવીર્ય છે, અચ્યુત છે. એટલે કે નિરવધિ-અગણિત રસનો ભોગ કરવા છતાં અતૃપ્ત સ્વભાવવાળા છે. આવા હરિને પણ સંતોષ આપનાર દૈન્યભાવી ભક્તો છે. દૈન્યભાવી ભક્તો હરિનો સંતોષ આપી શકે છે તેનું કારણ, આ દીનતા તત્સુખના પ્રચુર તાપભાવવાળી છે. પ્રિયપ્રભુને અગણિત રસનો ભોગ કરાવવા છતાં આ ભક્તમાં તત્સુખભાવથી અતૃપ્તતા જ રહે છે. તેને એમ થાય છે કે મારાથી પ્રિયને સુખદ બનાતું નથી. આવા તત્સુખના અતૃપ્ત ભાવથી આ ભક્તમાં તત્સુખભાવનો અગ્નિ પ્રબળ થઇ જાય છે, ત્યારે આ અલૌકિક અગ્નિમાંથી કોટાનકોટિ સ્વસમાન સ્વરૂપોને પ્રકટ કરી પ્રિયતમને વિહારનું સુખ આપે છે.
 
અહીં એમ પ્રશ્ન થાય છે કે અલૌકિક અગ્નિમાંથી કોટાનકોટિ સ્વરૂપો પ્રકટ કરી પ્રિયતમને વિહારનું સુખ આપે છે. આ કથન આશ્ચર્યને ઉત્પન્ન કરે છે; તે કેવી રીતે ઘટી શકે ? સમાધાન એ છે કે જેમ આધિભૌતિક આકાશ આદિ મહાભૂતોમાં આકાશનો ગુણ ‘શબ્દ’ છે, વાયુનો ગુણ સ્પર્શ છે અને અગ્નિમાંથી રૂપ પ્રકટ થાય છે. આ ક્રમ જેમ ભૌતિક સૃષ્ટિસર્જનમાં રહેલો છે તેમ અહીં આધિદૈવિક સૃષ્ટિમાં પણ અલૌકિક અગ્નિમાંથી જ દિવ્યસ્વરૂપો પ્રકટ થાય છે.
 
દિવ્ય પ્રેમની ઉચ્ચ કક્ષાએ ચઢવાના ઉપાયો
પથિક
પ્રભુ પ્રેમના શિખરે પહોંચેલાના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઇએ. ઉંચે ચઢેલાનાં જીવન ચરિત્રો આપણી સામે રાખવાથી આપણને ખ્યાલ આવે છે કે હું કઇ સ્થિતિમાં છું
 
પતિના સંપૂર્ણ સામર્થ્યને અને પતિના આત્મ વૈભવને તેમજ પતિના તેજને પોતાનામાં ધારણ કરી લે તે પતિવ્રતા કહેવાય છે. હવે બ્રહ્મસંબંધનો વિચાર કરીયે તો “બ્રહ્મ” એટલે પુષ્ટિ પ્રભુ, તેની સાથે “સંબંધ” એટલે આપણી સગાઇ થઇ. અને જેની સાથે સગાઇ થઇ તે પુષ્ટિ પ્રભુને શ્રી ગુરૂદેવે આપણા માથે પધરાવી દીધા છે. તે આપણા આત્માના પતિ પ્રભુમાં જો આપણો પતિવ્રત ભાવ સિદ્ધ થયો હોય તો તેના દિવ્ય પ્રેમની અજાયબી ભરેલો પ્રભાવ પણ આપણાંમાં હોવો જોઇએ. (દિવ્ય પ્રેમના અજાયબી ભરેલા પ્રભાવનું વર્ણન વેણુગીત – યુગલગીતના શ્રી સુબોધિનીજીમાં પ્રેમ દેવ શ્રી વલ્લભે કર્યું છે. (જીજ્ઞાસુઓએ તેમાં જોવું.) પરન્તુ તેવું આપણું જીવન હજુ બન્યું નથી. તેથી એમ માનવું પડે છે. કે આપણા પતિવ્રત ભાવમાં હજુ ઘણીજ ખામી છે.
 
ચોરાસી બસોબાવન ભગવદીયો શ્રી મહાપ્રભુજી શ્રી ગુંસાઇજીને શરણે આવતા ત્યારે શરણે લઇને તેમને શ્રી ઠાકુરજીનું સ્વરૂપ પધરાવી આપી એમ આજ્ઞા કરતા કે આ સેવ્ય સ્વરૂપ અમારૂં સર્વસ્વ છે, તેને તમે સર્વસ્વ માની સેવન કરજો. આ આજ્ઞાનું પાલન તે ભગવદીયોએ કર્યું તેથી સેવ્યસ્વરૂપે તેમને અલૌકિક સુખ આપ્યું છે. શ્રીમહાપ્રભુજી, શ્રીગુસાંઇજીનું સર્વસ્વ શ્રી ઠાકુરજી છે. તેજ સ્વરૂપ આપણા માથે પધરાવી આપે છે છતાં આપણે આપણા સેવ્ય સ્વરૂપને સર્વસ્વ જીવન-પ્રાણ સમાન નહી માનતા હોવાથી સેવ્ય સ્વરૂપથી અલૌકિક આનંદનો અનુભવ કરી શકતા નથી. અને મહાસાગરના જલ જેવો જેમાં અખુટ, અપાર દિવ્ય પ્રેમાનંદ ભરેલો છે, તેવા સેવ્ય સ્વરૂપને છોડીને બીજે આનંદ મેળવવા ડોલતા રહીએ છીએ. આનું કારણ સેવ્ય સ્વરૂપને સર્વસ્વ માન્યું નથી, તે સ્વરૂપનું જ્ઞાન નથી, અને તેમાં વિશ્વાસ થતો નથી. તેથી સેવ્ય સ્વરૂપથી આનંદનો અનુભવ પણ થતો નથી. કદાચ એમ પ્રશ્ન થાય કે સેવ્ય સ્વરૂપ તો પ્રગટની જેમ કંઇ આજ્ઞા કરતા નથી, તો તેમાં વિશ્વાસ કેમ થાય ? ઉત્તરમાં કહેવાનું કે આવો પ્રશ્ન બહારની સ્થુલ બુદ્ધિથી થાય છે. તેથી એકંદર ઠીક છે, પરન્તુ આંતરની ભાવાત્મક દ્રષ્ટિથી તેનો જો વિચાર કરવામાં આવે તો સમજી શકાશે કે સેવ્ય સ્વરૂપ આજ્ઞા કરે છે, પોતાને અરોગવાની વસ્તુ માંગી લે છે- આમ આપણે સમજવું હોય તો આંતરની ભાવાત્મક દ્રષ્ટિથી સમજી શકાય.
 
હવે ભાવાત્મક દ્રષ્ટિ એટલે શું ? આવો પ્રશ્ન થાય. તેના જવાબમાં પ્રભુનું જે સેવ્ય સ્વરૂપ બહાર બિરાજે છે, તેજ સ્વરૂપ આપણા હૃદયમાં ભાવાત્મક રૂપે બિરાજી રહેલ છે. તે ભાવાત્મક સ્વરૂપ આપણા હૃદયમાં બિરાજી પ્રેરણા કરે છે ત્યારે બહારના પ્રગટ સ્વરૂપની સેવામાં-સ્મરણમાં-ગુણગાનમાં-ધ્યાનમાં આપણું મન જોડાય છે. આવા અલૌકિક સાધનો કરવાની જે પ્રેરણા ભાવાત્મક સ્વરૂપથી થાય છે તેનું જ નામ સેવ્ય સ્વરૂપની આજ્ઞા થઇ રહી છે તેમ આપણે નિશ્ચયપૂર્વક માનવું. આ કથનનું પ્રમાણ દ્રઢતાને માટે આપું છું.-સર્વ નિર્ણય નિબંધ કારિકા 240 માં આપણા સ્વામી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે.
 
યથા યથા હરિ કૃષ્ણો, મનસ્યાવિશતે નિજે ।
તથા તથા સાધનેષુ પરિનિષ્ઠા વિવર્ધતે ।।
 
અર્થ :- “જેમ જેમ હરિનો નિજ્જનોના મનમાં આવેશ થાય છે તેમ તેમ સેવા-સ્મરણાદિ અલૌકિક સાધનોમાં નિષ્ઠા (ભાવ) વધતો જાય છે.” આ આપના શ્રીમુખના વચનામૃતના પ્રમાણથી જો સેવ્ય સ્વરૂપ ભાવાત્મક રૂપે આપણા હૃદયમાં ન બિરાજતા હોય તો, અને હૃદયમાં રહી પ્રેરણા ન કરતા હોય તો, સેવા સ્મરણાદિ અલૌકિક કોઇપણ સાધનો આપણે નજ કરી શકીયે. તેથી સેવ્ય સ્વરૂપ આજ્ઞા કરે છે, બોલે છે, માગી માગીને આરોગે છે. પરન્તુ મારી આંતર દ્રષ્ટિ નહી હોવાથી મને સમજી શકાતું નથી. આમજ આપણે માનવું જોઇએ.
 
પ્રભુ માગી માગીને આરોગે છે, તે કેવી રીતે સમજાય ? આવો પ્રશ્ન થાય તેના જવાબમાં- આપણે બજારમાં ગયા, સુંદર ફળો જોયાં, તે સમયે શ્રીપ્રભુને આરોગાવવા માટે ફળો લેવાની જે ઇચ્છા થઇ, તે ઇચ્છા ફળો આરોગવાની પ્રભુએ કરી તેમ માનવું. બીજો પ્રકાર-નિત્યની સામગ્રી પ્રભુને આરોગાવવા માટે કરતા હોઇએ, તે સમયે કોઇ પકવાન સિદ્ધ કરવાની આપણને ઇચ્છા થઇ. તે ઇચ્છા પ્રભુએજ કરી એમ સમજવું. આમ પ્રભુ માગી માગીને આરોગે છે એમ આપણે નિશ્ચય માનવું.
સેવ્ય સ્વરૂપનાં ભાવાત્મક સ્વરૂપને સમજવા માટે હજી આપણે એક બીજુ પ્રમાણ વિચારીએ. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીના એક પદમાં કહ્યું છે કે –
 
તબ વેણુનાદ દ્વાર,
અબ શ્રીલક્ષ્મણ ભટ્ટ ભૂપ કુમાર,
કાજ અર્થ ત્યાગી... ।।
અવતાર લીલા સમયે શ્રુતિરૂપા શ્રી ગોપી-જનોમાં વેણુનાદ દ્વારા “જહાઁપીડં નટવર વપુ:” ભાવાત્મક સ્વરૂપનો પ્રવેશ કરાવ્યો. તેમ શ્રી વલ્લભ અત્યારના દૈવી જીવોને બ્રહ્મસંબંધ સમયે પ્રભુના ભાવાત્મક – રસાત્મક સ્વરૂપને તેમના હ્યદયમાં પધરાવી દે છે. આ આપણા હ્યદયમાં બિરાજતા, ભાવાત્મક સ્વરૂપની પ્રેરણાથીજ બહારના પ્રગટ સેવ્ય સ્વરૂપની સેવા સ્મરણાદિ સાધનો થઇ શકે છે. તેથી સેવ્ય સ્વરૂપ આજ્ઞા કરે છે, બોલે છે, માગી માગીને આરોગે છે, તેમ આપણે નિશ્ચયપૂર્વક જાણવું. આથી શ્રીવલ્લભના સેવા માર્ગમાં સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત ભાવના રાખી સેવા થાય છે. યદિ જો સાક્ષાત અને સર્વસ્વતા, આ બે ભાવનાથી સેવા થાય છે. તો સાક્ષાત જેવો જ અનુભવ કરાવે છે. પ્રભુ ભાવાત્મક હોવાથી જેવો આપણો ભાવ થાય છે. અહીં ભાવની જ મુખ્યતા છે. જો ભાવ ન હોય તો સ્વરૂપ પ્રગટ હોવા છતાં સુખનો અનુભવ આપણે નહીં કરી શકીએ. તેથી ભાવથીજ સુખનો અનુંભવ થતો હોવાથી સેવ્ય સાક્ષાત બિરાજે છે તેવો ભાવ રાખવો. સાક્ષાત ભાવના સાથે સર્વસ્વની ભાવના હોવી જોઈએ. જેમ દેહને આત્મા માનનારા જીવને દેહના દુ:ખમાં દુ:ખ અને સુખમાં સુખનો અનુભવ થાય છે, તેમ પ્રભુ મારા આત્મારૂપ છે, પ્રભુ જ મારા જીવનનો આધાર છે. આવી ભાવનાથી પ્રભુમાં સ્નેહ થાય છે.
 
જગતના અને દેહના સંબંધી સંસાર પ્રપંચમાંથી આપણા દુર્જય મનનો નિરોધ કરવા માટે અતિશય દયાળુ પ્રભુ શ્રમ લઇને બહાર પ્રગટ સેવ્ય સ્વરૂપે બિરાજી અને હદયમાં ભાવાત્મક સ્વરૂપથી બિરાજી સેવા-સ્મરણ આદિ અલૌકિક સાધનોની પ્રેરણા કરતા જ રહેતા હોય છે. જેમ અવતાર લીલા સમયે શ્રીગોપીજનોના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ બિરાજતું હતું., તેજ સ્વરૂપ નંદાલયમાં પ્રગટ બિરાજી રહેલ છે. અને તે પ્રભુના બહાર પ્રગટ સ્વરૂપે શ્રીગોપીજનોના મનને જગત પ્રપંચમાંથી નિવૃત્ત કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કર્યો. તેજ પ્રકારે આપણા માટે પણ સમજવું.
 
દિવ્ય પ્રેમમાર્ગની ધ્વજારૂપ શ્રીગોપીજનોએ દિવ્ય પ્રેમ રાજ્ય ઉપર જે વિજય મેળવ્યો તે વિરહના અનુભવથીજ મેળવ્યો છે. આપણે પણ આ કક્ષાએ પહોંચવું હોય તો વિરહ તાપાત્મક સ્વરૂપ શ્રીવલ્લભના ચરણકમલનો દ્રઢ આશ્રય કરી સેવ્ય સ્વરૂપમાં જ પ્રેમ-આસક્તિ વ્યસન અવસ્થા સિદ્ધ કરવા પ્રયાસ કરવો જોઇએ. કૃપા કરીને શ્રીગુરુદેવે આપણા ગૃહમાં પ્રભુને પધરાવી આપ્યા તે સ્વરૂપનો સ્વતંત્ર પણે આપણે અનુભવ કરીએ તેવો તેમાં હેતુ રહેલો છે. સેવ્ય સ્વરૂપ પોતાનામાં રહેલા મહાન દિવ્ય-અગણિત આનંદનો અનુભવ કરાવવા માટે જ આપણા ગૃહમાં બિરાજી રહ્યા છે. અને જે સ્વરૂપ ભૂતલમાં આપણા માથે બિરાજી રહેલ છે. તેજ સ્વરૂપ આપણા મનનો પોતાના સ્વરૂપમાં નિરોધ કરી, અલૌકિક દિવ્ય દેહ પ્રાપ્ત કરાવી, લીલા લોકમાં લઇ જઇ, ત્યાં પણ આપણું જ સેવ્ય સ્વરૂપ દિવ્ય લીલા આનંદનો અનુભવ કરાવે છે. તેથી સેવ્ય સ્વરૂપમાંજ સર્વસ્વતાનો ભાવ રાખી મારા પ્રિયને હું સુખરૂપ ક્યારે બનીશ, તેવો પ્રિયના સુખ માટેનો તાપ ભાવ રાખી સેવ્ય સ્વરૂપમાં જ અનન્ય પતિવ્રત ભાવથી તેમની સેવા-સ્મરણ, ગુણગાન અને આપના કોટિ કન્દર્પ સૌન્દર્ય લાવણ્ય સ્વરૂપનું નિરંતર ધ્યાન કરી, સેવ્ય સ્વરૂપમાં જ આપણા દૈવી જીવનને સંપૂર્ણ સમર્પણ કરીએ તો શ્રી ગોપીજનો જેવોજ આપણે પણ અનુભવ કરીએ.
 
શ્રીગોપીજનોએ પ્રભુને કેવી રીતે રીઝવ્યા ? રજોબાઇ, રૂક્ષ્મણીજી, તુલસાં, આ મહાભાગ્યવાનોએ પ્રભુને કેવી રીતે લાડ લડાવી પ્રસન્ન કર્યા ? આ બધો પાઠ શીખીને પ્રિય પ્રભુને રીઝવવા આપણે પરિતાપ બઢાવવો. આનું નામ પુષ્ટિ પ્રમેય માર્ગીય જીવન છે. શ્રીગોપીજનો જેવો જ આપણે પણ અનુભવ કરી શકીએ. તેવોજ માર્ગ કરૂણાસાગર શ્રીવલ્લભે પ્રગટ કર્યો છે, તે આપની એક વધાઇમાં ભગવદીઓએ ગાયેલ છે –
 
પ્રગટ વ્હે મારગ રીત દિખાઇ ।
સેવા રીત પ્રીત બ્રજજનકી,
જન હિત જગ પ્રકટાઇ ।।1।।
 
આ પદની પંક્તિઓનો એજ ભાવાર્થ છે કે જે સુખનો અનુભવ શ્રીગોપીજનોને પ્રભુના સ્વરૂપથી થયો તેવો જ અનુભવ અત્યારના દૈવી જીવોને કરાવવા સેવા માર્ગ પ્રકટ કરી નિત્ય લીલામાં બિરાજતા પ્રભુના સ્વરૂપનેજ આપણા ગૃહમાં પધરાવી આપેલ છે. જેમ નંદાલયમાં પ્રભુએ પ્રગટ થઇને શ્રી ગોપીજનોનો નિરોધ સિદ્ધ કર્યો, તેમ શ્રી ગુરૂદેવ આપણા ગૃહમાં પ્રભુને પધરાવી આપે છે, તે સ્વરૂપેયશોદોત્સંગ લાલિતજ બીરાજી રહેલ છે એમ નિશ્ચય સમજવું.
 
હવે સારસ્વત કલ્પની અવતાર લીલા કરતાં પણ શ્રી વલ્લભના દાનની વિશેષતા છે, તેનો અહીં વિચાર કરીશું.
સારસ્વત કલ્પમાં પ્રભુએ 11 વર્ષની લીલા કરી શ્રી ગોપીજનોને મહારસમાં પૂર્ણાનંદ સ્વરૂપનું દાન કર્યું, અને શ્રી ગોપીજનોમાં સ્વકીયા ભાવ સિદ્ધ કર્યો. નંદાલયમાં પ્રગટ થઇને પ્રભુએ બાલ લીલાથી શ્રી ગિરિરાજ ધારણ સમયે સાત દિવસ સુધી શ્રી ગોપીજનોને પોતાના સ્વરૂપ સન્મુખ રાખી, સ્વરૂપ લાવણ્યામૃતનું પાન કરાવી પોતાના ધર્મી સ્વરૂપમાંજ આસક્ત કર્યા. ત્યારપછી વેણુનાદ કરી વૃજભક્તોને નિત્ય લીલા સ્થાન વૃન્દાવનમાં બોલાવ્યા. ત્યાં મહારાસ સમયે એક એક ભક્ત સાથે રાસ કરી પોતાના પૂર્ણાનંદ સ્વરૂપનો બહાર રમણથી અનુભવ કરાવી, શ્રી ગોપીજનોમાં સ્વકીયા ભાવ (શ્રી સ્વામિની ભાવ) સિદ્ધ કર્યો. હવે આ શ્રીગોપીજનો સ્વતંત્ર પ્રકારે નિત્ય લીલા ધામમાં પોત પોતાની નિકુંજમાં પ્રભુના સ્વરૂપના દિવ્ય આનંદનો અનુભવ કરી રહ્યાં છે. પ્રભુ એક એક ભક્ત સાથે રાસ કરીને તેમનામાં સ્વકીયા ભાવ જે સિદ્ધ કર્યો તેને સમજાવનારો શ્લોક નીચે મુજબ છે. –
 
કૃત્વા ભવાતમાત્માનં યાવતીર્ગોપ યોષિત: ।
રેમેસ ભગવાંરતાનિ હિમાગમો પિ લીયા ।।
 
(સુ. 10-30-20)
આ શ્લોકના આશય મુજબ શ્રીગોપીજનોમાં સ્વકીયા ભાવ સિદ્ધ કર્યો. અને આ શ્રી ગોપીજનોમાં જે પૂર્ણાનંદ સ્વરૂપનું મહારાસ સમયે સ્થાપન કર્યું તે સ્વરૂપ ભાવાત્મક રસાત્મક પ્રકારે શ્રી ગોપીજનોના હ્યદયમાં સંપૂર્ણ લીલા સહિત બિરાજી રહેલ છે. અને શ્રી ગોપીજનો જે પ્રકારે ભાવના કરે છે તેવી લીલાનું સર્જન કરી પ્રભુના સ્વરૂપાનંદનો અને તેમની રસાત્મક લીલા આનંદનો અનુભવ કરે છે. “શ્રીગોપીજનો જેવી ભાવના કરે છે તેવી લીલાનું સર્જન કરી તે લીલા આનંદનો પોતે અનુભવ કરે છે.” તેના પ્રમાણ માટે શ્રી હરિરાય પ્રભુ કૃત “અંતરંગ બહિરંગ લીલા પ્રપંચવિવેક” નામનો ગ્રંથ અવલોકવો.
અગિયાર વર્ષની લીલા પછી શ્રીગોપીજનોને પ્રભુના રસાત્મક ભાવાત્મક સ્વરૂપનું જે દાન થયું અને સ્વકીયા ભાવ પ્રાપ્ત કર્યો, તેજ પ્રકારે પ્રભુનું રસાત્મક ભાવાત્મક પૂર્ણાનંદ સ્વરૂપ, અને સ્વકીયા ભાવ આ બંનેનું દાન શ્રી મહાપ્રભુજી ભૂતલના દૈવી જીવોને બ્રહ્મ સંબંધ સમયેજ કરી દે છે. તેથી સારસ્વત કલ્પની અવતાર લીલા કરતાં શ્રી મહાપ્રભુજીના દાનની વિશેષતા છે. આ કથનનું પ્રમાણ શ્રી હરિરાય પ્રભુના એક પદમાં વિચારીએ :-
 
પ્રગટે પૃષ્ટિ મહારસ દેન ।।
શ્રીવલ્લભ હરિ ભાવ અગ્નિ-
મુખ રૂપ સમર્પીત લેન ।।1।।
નિત્ય સંબંધ કરાય ભાવ દે,
વિરહ અલૌકિક બેન ।
યહ પ્રાગટ્ય રહત હૃદયમેં
તીન લોક ભેદનકો જેન ।।2।।
રહીયે ધ્યાન સદા ઇનકે પદ,
પાતક કોઉ ન લગેન ।
“રસિકન” યહ નિરધાર નિગમ ગતિ,
સાધન ઓર ન હેન ।।3।।
 
મહા રાસમાં શ્રી ગોપીજનોને મહા રસરૂપ પૂર્ણાનંદ સ્વરૂપનું જે દાન કર્યું, તેવું જ દાન ભૂતલના સ્વકીયોને કરવા આપશ્રી વલ્લભ ભૂતલમાં પ્રગટ થયા છે. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ સમયે જે સ્વરૂપનું દાન કરે છે, તે નિત્ય લીલા ધામમાં બિરાજતું જ સ્વરૂપ છે. તેજ સ્વરૂપે સાથે દૈવી જીવનો સંબંધ જોડાવી તે સ્વરૂપને ભાવાત્મક પ્રકારે દૈવી જીવના હ્યદયમાં સ્થાપીત કરે છે. આ ભાવાત્મક સ્વરૂપ આપણા હ્યદયમાં બિરાજતું હોવાથી “યહ પ્રાગટ્ય રહત હ્યદયમેં તીન લોક ભેદનકો જેન.” એમ શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે. આ ભાવાત્મક સ્વરૂપ આપણા હ્યદયમાં બિરાજી પ્રેરણા કરતા હોવાથી જ સેવા સ્મરણ ગુણ ગાનાદિ સાધનો આપણે કરી શકીએ છીએ. જે સ્વરૂપનું બ્રહ્મસંબંધ સમયે દાન કર્યું છે, તે સ્વરૂપ ભાવાત્મક રૂપથી આપણા હ્યદયમાં બિરાજે છે, અને આપણો જગત પ્રપંચમાંથી નિરોધ કરવા માટે તેજ ભાવાત્મક સ્વરૂપ સેવા કરવા માટે બહાર પ્રગટ પધરાવી આપે છે, અને સ્વકીયા ભાવનું પણ દાન કર્યું છે. તેથી આપણે આપણા ઘર રૂપી કુંજમાં સ્વતંત્રતાથી સ્વરૂપના આનંદનો અનુભવ કરી શકીએ તેવું રહસ્ય રહેલું છે. આ પ્રકારે નિત્ય લીલા સ્વરૂપનું જ દાન કરી સ્વકીયાભાવનું પણ દાન કરેલું છે. તેને ઓળખાતું નહીં હોવાથી આપણે સેવ્ય સ્વરૂપને છોડીને બીજે આનંદ મેળવવા પ્રયત્ન કરીએ છીએ.
 
હવે બ્રહ્મસંબંધ સમયે નિત્ય લીલામાં બિરાજતા પૂર્ણાનંદ અગણિતાનંદ સ્વરૂપનું જ આપણને દાન કર્યું છે તેને વિચારીએ.
નંદાલયમાં પ્રભુનું જે પ્રાગટ્ય થયું છે તે વાસુદેવ વ્યુહને અથવા પ્રસિદ્ધ પુરુષોત્તમને અધિષ્ઠાન (પાત્ર) બનાવી તેમાં નિત્ય લીલાનું વેદાતીત પૂર્ણ પુરૂષોત્તમ રસાત્મક સ્વરૂપ બિરાજે છે. આ સ્વરૂપનું નંદાલયમાં પ્રાગટ્ય અર્ધ રાત્રિએ થયું છે. અને મહારાસ સમયે શ્રી ગોપીજનોને વેણુનાદથી બોલાવ્યા તે સમય પણ અર્ધ રાત્રિનો છે. અને શ્રી ઠકુરાણી ઘાટ પર બ્રહ્મસંબંધની આજ્ઞા આપવા પ્રભુ જે પ્રગટ થયા તે સમય પણ અર્ધ રાત્રિનોજ છે. આ ત્રણે સમયની અર્ધ રાત્રિએ જે સ્વરૂપ પ્રગટ થયુ તે નિત્ય લીલાનું જ સ્વરૂપ છે, અને શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ સમયે લીલા ધામથી વિછુરેલા દૈવી જીવોને તેજ સ્વરૂપનું દાન કરેલું છે. એટલે બ્રહ્મસંબંધ કરાવીને નિત્ય લીલા ધામમાં બિરાજતા સ્વરૂપ સાથેજ સંબંધ જોડાવેલો છે અને તેજ સ્વરૂપ સેવા કરવા માટે પધરાવી આપે છે. અને અતિ કરૂણાથી સ્વકીયા ભાવનું પણ દાન કર્યું છે. શ્રી વલ્લભના આવા મહાન ઉદાર ચરિત્ર અને મહા કરૂણાને આપણે અલ્પ બુદ્ધિ જીવો સમજતા નહી હોવાથી, પોતાનાજ ગૃહમાં બિરાજતાં દિવ્ય આનંદના મહાસાગર પ્રભુને છોડી અલ્પ આનંદની લાલચમાં અન્ય સ્થાનોમાં વિચરીએ છીએ. – તેથીજ શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે :
 
છાંડ સાગર કોન મૂરખ,
ભજે ચિલ્લર નીર ।
“રસિક” મનકી મીટી,
અવિધા પરસી ચરણ સમીર ।।
 
જ્યાં સુધી આપણા માથે બિરાજતા સેવ્ય સ્વરૂપનું,-આપણા પોતાના આધિદૈવિક સ્વરૂપનું અને લીલાધામના વૈભવનું આપણને જ્ઞાન અને તેનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણું દૈવી જીવન સફલ થયું છે તેમ નહીં માનવું. તે બાબતને સમજવા માટે બે વલ્લભાખ્યાનની એક એક પંક્તિનો અહિં વિચાર કરીએ –
 
(1)   તે પદ ક્યારે દેખશું,
જે ગોધન પૂંઠે ધાયેજી, અને બીજી
(2)   સેવકજન દાસ તિહારો રે,
તેનો રૂપ વિયોગ નિવારો રે,
 
પહેલી પંક્તિનો ભાવ આ પ્રકારે છે કે, શ્રી ગુસાંઇજીને ગોપાલદાસજી વિનંતી કરે છે કે, સારસ્વત કલ્પમાં નંદાલયમાં શ્રીયશોદોત્સંગ લાલિતપૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપે પ્રગટ થઇને જે લીલાઓ આપે કરી તે પૂર્ણપુરૂષોત્તમ આપનું સ્વરૂપ અને તે સ્વરૂપે કરેલી લીલાના દર્શનની હું ચાહના કરૂં છું, તો કૃપા કરીને તેનો મને અનુભવ કરાવો. ગોપાલદાસજીને શ્રી ગુસાંઇજીની કૃપાથી નિત્ય લીલા સ્વરૂપનું જ્ઞાન થયેલું હોવાથી નિત્ય લીલા સ્વરૂપના અને તે સ્વરૂપે કરેલી લીલાના દર્શનની વિનંતી કરે છે. તેમ આપણા માથે બિરાજતા પ્રભુ તે નિત્યલીલાનું જ સ્વરૂપ છે તેવું આપણને જ્ઞાન થવું જોઇએ, અને આ જ્ઞાન થયા પછી સેવ્ય સ્વરૂપની દિવ્ય લીલાઓ જે લીલાધામમાં થઇ રહી છે તેના સાક્ષાત દર્શનનો તાપ કલેશ પણ આપણને થવો જોઇએ.
 
હવે બીજી પંક્તિનો ભાવાર્થ એવો છે કે ગોપાલદાસજીને શ્રીગુસાંઇજીની કૃપાથી પોતાના આધિદૈવિક લીલામધ્યપાતિ સ્વરૂપનું પણ જ્ઞાન થયું છે. તેથી શ્રી ગુસાંઇજીને વિનંતી કરે છે કે મારા આધિદૈવિક સ્વરૂપનો મને પ્રત્યક્ષ અનુભવ થાય તેવી કૃપા કરો. ‘રૂપ વિયોગ નિવારો રે’ આનો એજ ભાવાર્થ છે કે, મારા આધિદૈવિક સ્વરૂપનો મને પ્રત્યક્ષ અનુભવ નથી. અથવા તે સ્વરૂપ મને પ્રાપ્ત થયું નથી. તો મારા તે સ્વરૂપના વિયોગને દૂર કરી તે સ્વરૂપનું, મને દાન કરો.
પુષ્ટિ ભક્તોને પોતાના આધિદૈવિક સ્વરૂપનું દાન શ્રીવલ્લભ અને શ્રીવિઠ્ઠલ પ્રભુના શ્રીસ્વામિની ભાવાત્મક સ્વરૂપની કૃપાથી થાય છે, તેથી અહિં શ્રી ગોપાલદાસજી શ્રી ગુસાંઇજીને વિનંતી કરે છે કે મારા તે સ્વરૂપના વિયોગને દૂર કરો. પોતાના આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ માટે ગોપાલદાસજી વિનંતી કરી રહ્યા છે તેનું કરાણ ગોપાલદાસજીને એ પણ જ્ઞાન થયું છે કે પૂર્ણ પુરૂષોત્તમનું સ્વરૂપ તો મહાન અલૌકિક છે. તેની સાક્ષાત્ તત્સુખાત્મક સેવા તો હું મારા આધિદૈવિક સ્વરૂપથીજ કરી શકું, તેથી પોતાના આધિદૈવિક સ્વરૂપની પ્રાપ્તિ માટે વિનંતી કરે છે. તેથી કહ્યું “રૂપ વિયોગ નિવારો રે ।
 
આ પ્રમાણે આપણા સાથે બિરાજતા પ્રભુના નિત્ય લીલાસ્થ સ્વરૂપનું અને આપણા આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે નિત્ય લીલાસ્થ પ્રભુના સાક્ષાત સ્વરૂપના અનુભવનો વિરહ ઉત્પન્ન થાય, અને આવા વિરહે કરીને આપણામાં જ્યારે આધિદૈવિકતા પ્રગટ થાય ત્યારે લીલા ધામમાં પ્રિયતી સાક્ષાત તત્સુખાત્મક સેવા માટે પ્રવેશ થાય, અથવા અગણિતાનંદ પ્રભુના સ્વરૂપનો આપણા આધિદૈવિક દેહથીજ અનુભવ થાય છે. આવો જ્યારે અનુભવ થાય ત્યારેજ આપણા દૈવી જીવનની સાર્થકતા થઇ કહેવાય. જેમ પદ્મનાભદાસના એક પદમાં વર્ણન કર્યું છે –
 
“નિકુંજ વૈભવ દામોદરદાસ, દેખી ચાહત હે,
મિલ્યો સખિયતમેં ટહલ કરત હિત.”
 
શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી દમલાજીને પોતાના આધિદૈવિક લલિતાજી સ્વરૂપનું જ્ઞાન થયું, અને નિત્ય લીલા ધામ સહિત શ્રી ઠાકુરજી – શ્રી સ્વામિનીજી, લીલા પરિકર અને પોતાના લલિતાજીના સ્વરૂપ સહિત સાક્ષાત દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યાં ત્યારે શ્રી દમલાજીને પોતાના આધિદૈવિક લલિતાજી સ્વરૂપને પ્રાપ્ત કરીને યુગલ સ્વરૂપની સાક્ષાત સેવા કરવાનો મનોરથ ઉત્પન્ન થયો, અને શ્રી મહાપ્રભુજીની કૃપાએ તે મનોરથ સિદ્ધ પણ થયો. તે રીતે આપણને આપણા આધિદૈવિક સ્વરૂપનું જ્ઞાન, નિત્ય લીલામાં બિરાજતા આપણા સેવ્ય સ્વરૂપનું જ્ઞાન થાય અને તેના અનુભવનો પ્રચૂર તાપ પ્રગટ થાય ત્યારે આપણું દૈવી જીવન સફલ થયું તેમ માનવું.
 
પુષ્ટિ પ્રભુની બે પ્રકારની લીલા છે. એક ભૂતલમાં કરે છે તે નિમિત્ત લીલા કહેવાય છે, અને બીજી નિત્યલીલા ધામમાં પ્રભુ જે લીલા કરે છે તે નિત્ય લીલા કહેવાય છે. નિત્ય લીલાનો સાક્ષાત અનુભવ આપણે કરી શકતા નથી. ભૂતલમાં બિરાજતા પુષ્ટિ લીલા સંબંધી પ્રભુના સ્વરૂપો શ્રી ગોવર્ધનઘર, શ્રી નવવીત-પ્રિયાજી, આદિ અને આપણા સેવ્ય સ્વરૂપનો આધિદૈવિક પ્રકારે અનુભવ થતો નથી. તેનું કારણ આપણને આધિદૈવિક અવસ્થા પ્રાપ્ત થઇ નથી. તેથી તેનો નિમિત્ત લીલામાં પ્રવેશ થાય છે, અને જ્યારે આપણામાં આધિદૈવિક્તા પ્રગટ થાય ત્યારે ભૂતલમાં બિરાજતા પ્રભુના સ્વરૂપનો અને આપણા માથે બિરાજતા સ્વરૂપનો આધિદૈવિક પ્રકારેજ સાક્ષાત અનુભવ થાય છે. તેથી ગોપાલદાસજીએ જે વિનંતી શ્રી ગુસાંઇજીને કરી છે કે –
 
“સેવકજન દાસ તિહારો રે
તેનો રૂપ વિયોગ નિવારો રે”
 
આ પંક્તિનું સ્વારસ્ય નિત્યલીલા સ્વરૂપના અનુભવનું જ છે તે પ્રકારે આપણને નિત્ય લીલાનું જ્ઞાન અને તેનો સાક્ષાત અનુભવ થાય ત્યારેજ પુષ્યિમાર્ગ સંબંધી આપણું દૈવી જીવન કૃતાર્થ થયું કહેવાય. અર્થાત્ આવી અવસ્થાનેજ “દિવ્ય પ્રેમની ઉંચ કક્ષા” કહેવાય છે.
 
શ્રી વલ્લભ વંશ અને શ્રી ઠાકોરજી
(શ્રી કાકાવલ્લભજીના બાવન વચનામૃતમાં પચીશમો પ્રસંગ અહિં ભાષાન્તર કરીને લીધેલો છે, જેમાં શ્રીવલ્લભધીશનો વંશ અને શ્રીઠાકુરજીનો સમાનતાનો સંબંધ છે. વાત્સલ્યતા-અંતરંગતા અને પ્રિયત્વના પ્રગટ દર્શન અદ્યપિ કૃપાપાત્ર ભગવદભક્તો કરે જ છે, તેનું તાદશ પ્રમાણ આ પ્રંસગંથી પ્રાપ્ત થાય છે.)
 
એક દિવસ આપશ્રીએ આજ્ઞા કરી જે શ્રી ગુસાંઇજીના જયેષ્ઠ કુમાર શ્રી ગિરિધરજી તેમને ત્રણ લાલજી હતા. તેમાં છોટા શ્રી ગોપીનાથજી જેમનું ઉપનામ શ્રી દીક્ષિતજી હતું. (પ્રા. 1634 પોષ કૃષ્ણ 4) એ શ્રી દીક્ષિતજીના ચાર લાલજી, તેમાં સૌથી છોટા શ્રી રામકૃષ્ણજી હતા. (પ્રા. સં. 1678 ચૈત્ર કૃષ્ણ 1) આપ પાંચ વર્ષના હતા ત્યારે એક દિવસ શ્રી નવનિત પ્રિયાજીને રાજભોગ ધરીને મંદિરના ભારતીયા ભોગ મંદિરના દ્વાર બંધ કરીને બહાર આવ્યા. પરંતુ ભીતર શ્રી રામકૃષ્ણજી પાંચ વર્ષના હતા તે રહી ગયા. દ્વાર બંધ જોઇને આપ ડરી ગયા અને રોવા લાગ્યા, ત્યારે ઠાકુરજી શ્રી નવનિતપ્રિયાજીએ આજ્ઞા કરી કે “રોઓ મતિ, યહાં આવો.” ત્યારે શ્રી રામકૃષ્ણજી નજીક ગયા. ભોગ ઘરમાં શ્રી ઠાકુરજી પાટ ઉપર બિરાજેલા છે અને ભોગ આરોગી રહેલા છે. ચોકી ઉપર વચ્ચે તો થાળ ધરેલો છે. જમણી બાજુ ખીરનો ડબરો ધરેલો છે, ડાબી બાજુ જલના ઝારીજી ધરેલાં હતાં. શ્રી નવનિતપ્રિયાજીએ ઝારીને સરકાવીને શ્રી રામકૃષ્ણને પોતાની બાજુમાં બિરાજવાની જગ્યા કરી દીધી અને પાસે બેસાર્યા. ચમચો બાવાશ્રીના હસ્તમાં આપીને આજ્ઞા કરી જે “ખીર જેમો.”
 
પાટ ઉપર શ્રી ઠાકુરજીની સાથે બેસીને ભોજન કરવાની શ્રી રામકૃષ્ણજીએ બહુ આનાકાની કરી અને વિનંતી કરી કે “મોં પર દાદાજી બહોત ખીજેગે.” ત્યારે આપે ફરી આજ્ઞા કરી અને શ્રી હસ્ત પકડીને ચમચો આપ્યો અને સાથે જ ભોજન કરાવ્યું.
ભોગ સરકાવવા જ્યારે શ્રી દીક્ષિતજી ભોગમંદિરમાં પધાર્યા ત્યારે પોતાના શ્રીલાલજીને પ્રભુની સાથે ભોજન કરતા જોયા. ત્યારે બહુ જ ક્રોધ કરીને બાવાને એક તમાચો માર્યો અને ગારી પણ દીધી. ત્યારે લાલબાવાએ કહ્યું કે “મોકોં બાબાજીને આજ્ઞા કરી તબ જેંયો હું” પરંતુ ક્રોધાવેશમાં આપે કંઇ સાંભળ્યું નહિ. ત્યારે ભીતરથી શ્રી ઠાકુરજીએ પધારીને શ્રી દીક્ષિતજીના શ્રીહસ્ત પકડી લીધા અને લાલજીને દૂર લઇ ગયા. શ્રીદીક્ષિતજીને શ્રીનવનિતપ્રિયાજી સાનુભાવ હતા. શ્રીઠાકુરજીએ આજ્ઞા કરી જે, “તુમને તમાચો માર્યો સો મેરો ગાલ સૂઝ ગયો હે” આવા વચન શ્રી નવનિતપ્રિયાજીનાં સાંભળીને શ્રી દીક્ષિતજીને બહુ જ પશ્ચાતાપ થયો. ગુનેગારીથી બોલી ગયા જે “મહારાજ ! મોકોં ખબર નાહિ હતી જો આપશ્રી આચાર્યજીકો વંશ જાની એસી કૃપા કરો હો. સો મેરો દોષ ક્ષમા કરિયો.” પછી આપશ્રી દીક્ષિતજીએ જઇને લાલબાવા શ્રી રામકૃષ્ણજીને દંડવત કર્યા. આવો અનુગ્રહ શ્રી નવનિતપ્રિયાજીએ શ્રી રામકૃષ્ણજીને કરેલો.... આ પ્રમાણે આજ્ઞા કરી.
 
(તેહી એહી, એહી તેહી, કછુ ન સંદેહ.)

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.