શ્રી વલ્લભ સ્વરૂપ મહિમા, માધુરી
spacer
spacer

લેખક:- શ્રી વલ્લભ પાદપદ્મ મિલિન્દ.

-રાગ : આસાવરી –
શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર કહો કોનપે જૈયે હો ।
સબ ગુણ પૂરણ કરૃણા સાગર, જહાં મહારસ પૈયે હો ।।1।
સુરતહી દેખ અનંગ વિમોહિત, તન મન પ્રાન બિકૈયે હો ।
પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુન ગૈયે હો ।।2।।
સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરન પર પ્રીત બઢૈયે હો ।
કાન ન કાહુકી મન ધરીયે, વ્રત અનન્ય એક ગહૈયે હો ।।3।।
સુમર સુમર ગુનરૃપ અનુપમ, ભવ દુ:ખ સબે વિસરૈયે હો ।
મુખ વિધુ લાવણ્ય અમૃત એક ટક પીવત નાહી અધૈયે હો ।।4।।
ચરન કમલકી નિશદિન સેવા. અપને હૃદે વસૈયે હો ।
‘રસિક’ સદા સંગીનસો ભવોભવ ઇનકે દાસ કહૈયે હો ।।5।।
 
આ પદમાં શ્રી હરિરાયચરણ શ્રીવલ્લભચરન કમલના અનુરાગી સ્વકીયોને શ્રીવલ્લભ સ્વરૃપમાં દ્રઢાસક્તિ કરાવવા માટે શ્રીવલ્લભ ગુણ માધુરીનું વર્ણન કરે છે.
 
“શ્રીવલ્લભતજ અપુનો ઠાકુર” ઇતિ.
શ્રીવલ્લભ શબ્દનો અર્થ અતિશય વ્હાલા થાય છે. નિત્ય લીલા ધામમાં અનંત કોટિ યુગલોમાં જે દિવ્ય પ્રેમાનંદનો નૂતન નૂતન વિલાસ પ્રતિક્ષણ થઇ રહ્યો છે તે તે અનંત કોટિ શ્રી સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમાનંદના સમૂહાત્મક ઘનીભૂત સાકાર સ્વરૃપ શ્રીવલ્લભ છે. તેથી શ્રી હરિરાયજી એક પદમાં કહે છે ક-“શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન”। જેમ અનેક સરિતાઓનો પ્રવાહ, સમુદ્રમાં સમાઇ જાય છે. તેમ અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમના સમુદ્રોનો પ્રવાહ મહાસમુદ્ર રૃપ શ્રી વલ્લભમાં સમાવિષ્ટ થઇ જાય છે. તેથી શ્રી વલ્લભને દિવ્ય પ્રેમાનંદના મહાસમુદ્ર રૃપ કહ્યા. અને જેમ આ મહાસમુદ્રના અનંત તરંગો કે જે પ્રેમાનંદરૃપ છે. તેનો અનંત ભક્તો અનુભવ કરે તો પણ મહાસમુદ્રમાં કંઇ ન્યુનતા થતી નથી. અથવા અનંત ભક્તો આ દિવ્ય પ્રેમના મહા સમુદ્રના તરંગોથી સુખ પ્રાપ્ત કરે છે તો પણ આ પ્રેમાનંદનો મહા સમુદ્ર તેટલો ને તેટલો જ ભરેલો છે. અહીં આમ સમજવું કે શ્રી વલ્લભ મહાસિન્ધુના તરંગોજ સ્વામિનીજીના સ્વરૃપો છે. એક એક તરંગ શ્રી વલ્લભ મહાસિન્ધુ સ્વરૃપમાંથી પ્રકટ થાય છે તે પ્રત્યેક તરંગ રૃપ સ્વામિનીજીઓ છે. આ શ્રી સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમના સમુદ્ર રૃપ છે. આવો કલ્પનામાં ન આવી શકે તેવો દિવ્ય પ્રેમ મહિમા શ્રીવલ્લભનો હોવાથી “શ્રીવલ્લભ મહા સિન્ધુસમાન” કહ્યા. અથવા દિવ્ય પ્રેમનો મહા સિન્ધુ જેમાં ભરેલો રહે છે તે “વલ્લભ” શબ્દનો અર્થ છે. તેથી શ્રી હરિરાયચરણ વલ્લભના સ્વકીય જનોને કહી રહ્યા છે કે આવો દિવ્ય પ્રેમનો મહાસિન્ધુ જેમા ભરેલો રહે છે તેવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે જૈયે. અથવા કોની આશા કરીયે ? આ શ્રી વલ્લભ મહાસુન્ધુ સ્વરૃપનો દિવ્ય પ્રેમ ભર્યો મહિમા શ્રી વલ્લભ નામમાં પણ રહેલો છે.
 
તેથી એક સાખીમાં શ્રી હરિરાય પ્રભુ કહે છે કે –
વલ્લભ નામ અગાધ હે.
જહાં તહાં મતિ બોલ ।
જબ ગ્રાહક હરિજનમિલે
તીન આગે તુ ખોલ ।
 
શ્રી વલ્લભ નામનો મહિમા વિરહી જન સિવાય બીજા કોઇ જાણી શકતા નથી. તેથી શ્રીવલ્લભના વિરહીજન પાસેજ શ્રી વલ્લભ નામના અગાધ મહિમાને ખોલવાનું કહે છે. આવા શ્રી વલ્લભને છોડીને કોની પાસે આનંદની ભીક્ષા માગવા જવું ? એમ કરૂણા ભર્યા હ્યદયથી શ્રી હરિરાય પ્રભુ સ્વકીયોને ઉપદેશ કરી રહ્યા છે. અનંત શ્રી સ્વામિનીજીઓમાં દિવ્ય પ્રેમ વિલાસની પૂર્ણતા મહા સિન્ધુ સ્વરૂપ શ્રી વલ્લભમાંથીજ થાય છે. તેવા શ્રી વલ્લભવરને છોડીને કોની પાસે દિવ્ય આનંદની ભીક્ષા માગવી ? આ પદમાં શ્રી હરિરાયપ્રભુએ દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભનો અકથનીય મહિમા જણાવેલો છે. તે મહિમા દિવ્ય પ્રેમ રૂપજ જાણવો. જેમ મીઠા સમુદ્રનું જલ મીઠુજ હોય છે. તેમ દિવ્ય પ્રેમના મહાસિન્ધુ રૂપ શ્રી વલ્લભનો મહિમા દિવ્ય પ્રેમ રૂપજ છે.
 
સબગુણ પૂરણ કરૂણા સાગર
જહાં મહા રસ પૈયે હો
 
“સબગુણપૂરણ” એટલે સૌન્દર્યતા–લાવણ્યતા–માધુર્યતા–સુકુમારતા–મૃદુતા-તારૂણ્યતા આદિ દિવ્ય પ્રેમના અનંત ગુણોની સીમા શ્રીવલ્લભ સ્વરૂપમાંજ રહેલી છે. વળી પ્રત્યેક ગુણ સાગર સમાન પૂર્ણ છે. આવા અનંત ગુણોની સીમાવાળા શ્રીવલ્લભ સ્વરૂપને સ્વકીય જન હ્યદયમાં ધારણ કેમ કરી શકશે ? તેવી કોઇને શંકા થાય ત્યાં કહે છે કે – “કરૂણા સાગર” શ્રીવલ્લભ કરૂણાના સાગર છે. “કરૂણા” એટલે વાત્સલ્યતા. માતાનો વાત્સલ્ય પ્રેમ તેના બાલકમાં હોવાથી માતા પોતે જ બાલકનું લાલન-પાલન કરે છે. અપેક્ષા રાખ્યા વિના માતા પોતેજ બાલકનું લાલન પાલન કરે છે તેમ વાત્સલ્ય સ્નેહના મહાસાગર રૂપ શ્રી વલ્લભ હોવાથી પોતાના અનંત દિવ્ય ગુણોને પોતાના ભક્તો ધારણ કરી શકે તેવી પાત્રતા પોતાના સામર્થ્યથી સિદ્ધ કરે છે. તે કેવી રીતે સિદ્ધ કરે છે ? તેમ જાણવાની ઇચ્છા થાય ત્યાં કહે છે. કે શ્રી સર્વોત્તમજીમાં આપશ્રીનું નામ “વિભુ:” છે. આ નામવાળુ આપનું સ્વરૂપ સ્વકીયના હ્યદયમાં જ્યારે પ્રકટ થાય છે. ત્યારે સ્વકીયના હ્યદયને પણ વિભુ એટલે વ્યાપક ધર્મવાળું વિશાળ બનાવે છે. આવા વિભુ એટલે વ્યાપક બનેલા ભક્તના હ્યદયમાં અનંત દિવ્ય ગુણો ધારણ કરી શકાય છે.
 
હવે “મહારસપૈયે” તેમ કહ્યું, તેનો ભાવાર્થ એમ છે કે ‘રસ’ અને ‘મહારસ’ના અનુભવમાં આનંદનું તારતમ્ય રહેલું છે, તેથી શ્રી વલ્લભ રસને “મહારસ” કહેવાય છે. સંયોગનો આનંદ રસ કહેવાય છે. અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે. શ્રી વલ્લભનું સ્વરૂપ વિપ્રયોગાત્મક છે. તેથી આપ મહારસ રૂપ છે અથવા સંયોગનો આનંદ પ્રભુના એક સ્વરૂપથી અનુભવાય છે. તેથી વિપ્રયોગાત્મક સ્વરૂપ શ્રીવલ્લભને મહારસરૂપ કહ્યા છે.
 
હવે શ્રીવલ્લભ સ્વરૂપની સૌન્દર્યતા કેવા પ્રકારની છે તેને કહે છે-
“સુરત હી દેખ અનંગ વિમોહિત
તન મન પ્રાન બિકૈયે હો.”
 
શ્રીવલ્લભના સ્વરૂપની સૌન્દર્યતા દેખીને “અનંગ” એટલે કામદેવ વિશેષે કરીને મોહિત થઇ જાય છે. લીલા ધામમાં “કામદેવ” શ્રીજી છે. તે શ્રીજી શ્રીવલ્લભની સૌન્દર્યતાના દર્શનથી વિશેષે કરીને મોહિત થઇ જાય છે. ‘મોહિત’ શબ્દનો અર્થ એ કે જેમાં મોહ થયો હોય તેના વિના બીજું કંઇ જ્ઞાન ન રહે. બીજું બધુંય ભૂલાય જાય તે મોહિત શબ્દનો અર્થ છે. તો અહીં શ્રીવલ્લભ સ્વરૂપની સૌન્દર્યતા લાવણ્યતાની માધુર્ય સુધાનું પાન કરીને શ્રીજી તેમાં નિમગ્ન થયા છે. “પ્રેમામૃત રસાયન” સ્તોત્રમાં એક નામ છે- “વલ્લભ વદનામ્ભોજ મધુમત્ત મધુવ્રત:” । “વલ્લવી” એટલે શ્રી સ્વામિનીભાવવાળાં શ્રી ગોપીજનો તેના વદન કમલની લાવણ્ય મધુના પાનમાં જેની મત્ત અવસ્થા કહી તો મત્ત હોય તેને અન્યનું વિસ્મરણ હોય છે. જેમ મદિરા પાન કરનારને તેના નશામાં પોતાનું કે અન્યનું જ્ઞાન રહેતું નથી તેમ શ્રી સ્વામિનીજીના શ્રીમુખ લાવણ્ય મધુનું પાન કરીને શ્રીજી મત્ત થઇ ગયા છે. શ્રીવલ્લભના શ્રીમુખના લાવણ્ય મધુનું પાન કરીને શ્રીજી મત્ત થઈ ગયા છે. શ્રીવલ્લભના શ્રીમુખના લાવણ્ય માધુર્ય માં તો કોટાન કોટિ શ્રી સ્વામિનીજીઓના શ્રીમુખનું લાવણ્ય માધુર્ય એકત્રીત થયેલું છે. તેવા શ્રી વલ્લભના શ્રીમુખની સૌન્દર્યતાના પાનમાં શ્રીજી વિશેષ મોહિત થાય તેમાં શું આશ્ચર્ય હોય ? શ્રી સર્વોત્તમજીમાં “ત્રિલોકી ભૂષણ” આપશ્રીનું નામ છે. “ત્રિલોકી” એટલે રાજસ-તામસ-સાત્વિક ભાવવાળા કોટાન કોટિ, શ્રી સ્વામિનીજીઓમાં જે સૌંદર્યતા રહેલી છે તે સર્વ સૌન્દર્યતા શ્રી વલ્લભના એક સ્વરૂપમાં રહેલી છે. અથવા કોટાન કોટિ શ્રીસ્વામિનીજીઓ દિવ્ય સૈન્દર્યતા સહિત પ્રગટ થયાં છે. તેથી “ત્રિલોકી ભૂષણં” નામ કહ્યું છે. આવા મહાન સૌન્દર્યતા વાળા શ્રીવલ્લભના સ્વરૂપમાં તન મન પ્રાણ ન્યોછાવર કરવા શ્રી હરિરાય પ્રભુ ઉત્સાહિત થઇ રહ્યા છે.
 
આવું મહાન સૌન્દર્યતાવાળુ શ્રીવલ્લભનું સ્વરૂપ છે કે શ્રીજી પણ તેમાં મોહિત થયા છે. તો આવા શ્રી વલ્લભ સ્વરૂપની ભૂતલમાં રહેલા દૈવી જીવોને પ્રાપ્તિ કેમ થાય ? આવો પ્રશ્ન થાય ત્યાં કહે છે,
 
“પરમ ઉદાર ચતુર સુખ સાગર
અપાર સદા ગુન ગૈયે હો”
 
“પરમ ઉદાર” “પરમ” શબ્દનો અર્થ જેનાથી કોઇ તત્વ શ્રેષ્ટ નથી. અથવા કર્તુમ્, અકર્તુમ્, અન્યથા કર્તુમ્ સર્વ કરવા સમર્થ હોય. અથવા જીવની યોગ્યતા અયોગ્યતાનો વિચાર નહીં કરીને અદેય ફલનું દાન કરે તેને “પરમ ઉદાર” કહેવાય છે.
 
શ્રીવલ્લભથી બીજું કોઇ ત્તત્વ શ્રેષ્ટ નથી. સંસાર સાગરમાં ડૂબેલા અને પતિત થયેલા જીવને એક કૃપા દ્રષ્ટિમાંથી ઉદ્ધાર કરી પોતાના મહાન અલૌકિક સ્વરૂપના આનંદનું દાન શ્રી વલ્લભ કરે છે. પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વગર ! આ જીવ મારો છે તેટલું જ વિચારીને પોતાના અદભૂત સામર્થ્યથી જીવને યોગ્ય પાત્ર બનાવી તેજ ક્ષણે દિવ્ય પ્રેમ સાગરમાં નિમગ્ન કરે છે. ચોયાર્સી ભગવદીયોમાં શ્રીમદ દમલાજીની વાત તો ન્યારી છે, પરન્તુ શ્યામદાસ સુતાર, પ્રભુદાસ જલોટાજી, કૃષ્ણદાસમેઘનજી-કૃષ્ણદેવરાજા શેઠ પુરૂષોત્તમદાસજી, કોટિમાં વિરલ પદ્મદાસજી અને મહાભાગ્યવાન રજોબાઇ, તુલસાં રૂક્ષ્મણીજી આદિ બડભાગી સ્વકીયોને શ્રીવલ્લભવરે પોતાના મહાસિન્ધુ જેવા સ્વરૂપાનંદમાં નિમગ્ન કર્યા છે. તેથી આપશ્રી વલ્લભને શ્રીહરિરાય પ્રભુ ‘પરમ ઉદાર’ કહે છે.
 
હવે “ચતુર સુખ સાગર” આપને કહ્યા. તેનો ભાવાર્થ આપની ચાતુર્યતા ભૂતલના ભક્તોને મહાન દિવ્ય લીલા ધામના સ્વરૂપનો અનુભવ કરાવવામાં રહેલી છે. નિત્ય લીલા ધામમાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ નિત્ય સિદ્ધા શ્રી સ્વામિનીજીઓમાંજ આસક્ત છે. તેવી આસક્તિ ભૂતલના ભક્તોમાં પ્રભુની થાય તેવી ચાતુર્યતા શ્રી વલ્લભવરમાં રહેલી છે. ભૂતલના અંગીકૃત જનોને તત્સુખસાગર શ્રીવલ્લભે તત્સુખ પ્રેમભાવનું દાન કરીને શ્રીજીને ભૂતલના ભક્તોમાં આસક્ત કર્યા છે. તેનું કારણ તત્સુખ પ્રેમમાં માધુર્યતા રહેલી છે. માધુર્યતા એ દિવ્ય પ્રેમનો અસાધારણ ગુણ છે. આવા માધુર્ય પ્રેમનાજ મકરંદ ભરી સૌરભતા દૂર દૂરથી પ્રાપ્ત થતાં ભ્રમર સ્વયં (ખુદ) ચાલીને કમલ મકરંદ પાનમાં લુબ્ધ થઇ જાય છે. કમલ ભ્રમરને બોલાવવાં જતું નથી. પણ ખુદ ભ્રમરજ કમલ પુષ્પની મકરંદ સૌરભતા તરફ આકર્ષાય છે. તેથી કહ્યું છે કે-
 
કમલ બુલાવન કબ ગયે,
કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણ કે સગે
‘અલિ અધીર ઉલટાન ।।
 
મકરંદ પાનનો લોભી ભોંરા સ્વયં અધીર બનીને કમલ પાસે જઇને તેના મકરંદ પાનમાં લુબ્ધ બને છે, તેમ નિજ્જનોને શ્રી વલ્લભે તત્સુખી માધુર્ય પ્રેમનું દાન કરેલું છે, તેથી શ્રીજી સ્વયં નિજ્જનોમાં હ્યદય કમલમાં બંધાઇ જાય છે. રૂક્ષ્મણીજી વિના શ્રીમદનમોહનજી એક ક્ષણ રહી ન શકે. રૂક્ષ્મણીજીના તત્સુખી માધુર્ય પ્રેમમાં શ્રી મદનમોહનજી વશીભૂત થઇ ગયા. શ્રી મથુરેશજી તુલસામાં આસક્ત થયાં. શ્રી નવનિતપ્રિયાજી ગજ્જન વિના એક ક્ષણ રહી ન શકે. નારાયણદાસ બ્રહ્મચારીજીના પ્રસંગમાં શ્રી ચંદ્રમાજી તત્સુખ સેવાથી પ્રસન્ન થઇ નારાયણદાસજીને આજ્ઞા કરી કે તું માંગ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. પ્રભુના આવા મધુર વચનો શ્રવણ કરીને તત્સુખ પ્રેમમાં વિભોર બનીને શ્રીનારાયણદાસજી કહે છે કે આપ શ્રી ગુસાંઇજીના ઘરે પધારો. આવી વિનતી કરવાનું સ્વારસ્ય એ છે કે મારા પ્રિયતમને શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપથી અનંત સુખ મળશે. શ્રી ચન્દ્રમાજીના સુખનીજ નારાયણદાસજી વિનતી કરી રહ્યા છે. આવી તત્સુખ ભાવ વાળી ભાવનાથી શ્રી ચંદ્રમાજી પરવશ થઇ ને નારાયણદાસજીના માથે જ 50 વર્ષ અધિક બિરાજ્યા. આવું તત્સુખી માધુર્ય પ્રેમનું દાન નિજ્જનોને ચાતુર્યતા પૂર્વક શ્રીવલ્લભે કરેલું છે. શ્રી મદનમોહનજી રૂક્ષ્મણીજીના રૂણિ થઇ ગયા, તે આ તત્સુખી માધુર્ય પ્રેમના દાનમાંજ રહેલી છે.
 
આ તત્સુખી માધુર્ય પ્રેમ તે આપ શ્રી વલ્લભનું શ્રી સ્વામિની ભાવાત્મક સ્વરૂપ છે. તે સ્વરૂપનું દાન, શ્રી વલ્લભ અતિ ઉદારતાથી નિજ-અંતરંગ જનોને કરે છે. જે મન શ્રી વલ્લભ ચરણ કમલનો જ અનન્ય આશ્રય રાખી પતિવ્રત ભાવથી શ્રી વલ્લભનું જ ભજન-સેવા કરે છે, તેવા પતિવ્રતભાવી અંતરંગ જનને જ આપ પોતાના શ્રીસ્વામિની ભાવનું દાન કરે છે.
શ્રી સર્વોત્તમજીમાં “અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ:” નામ છે. તેનો ભાવાર્થ શ્રીવલ્લભ જેનો અંગીકાર કરે છે. તેવો જન શ્રી ઠાકુરજીને પ્રિય બને છે તેનું કારણ આ જનમાં તત્સુખી માધુર્ય પ્રેમનું શ્રી વલ્લભે દાન કરેલું છે.
 
શ્રી વલ્લભવરનું નિગૂઢ સ્વરૂપ, નિગૂઢ ચાતુર્યતા, નિગૂઢ દાન, નિગૂઢ વિલાસ, નિગૂઢ વાણી, આ સર્વ અનિર્વચનીય છે. તેનો અનુભવ કોટિમાં વિરલ શ્રી પદ્મનાભદાસજી જેવા અંતરંગ અનન્યભાવી જનોજ કરી શકે છે.
 
હવે આપને “સુખસાગર” કહ્યા તેનો ભાવાર્થ વિચારીએ. સંયોગ લીલામાં ભક્તોને પ્રભુના સંયોગ પછી વિયોગ દુ:ખનો અનુભવ કરવો પડે છે. તેવું દુ:ખ શ્રી વલ્લભ ચરણ કમલના આશ્રિત જનને કરવું પડતું નથી. જો કે સંયોગ પછી વિયોગમાં ભક્તોને જે દુ:ખ થાય છે તે લૌકિક જેવું નથી. વિયોગમાં પણ પ્રભુના ભાવાત્મક સ્વરૂપનો સંબંધ રહેવાથી ભક્તોનો આંતર સુખ રહે છે, પરન્તુ બાહિર સ્વરૂપની અપેક્ષા રહેવાથી દુ:ખનો અનુભવ થાય છે. જ્યારે શ્રી વલ્લભ જનને તો વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ હ્યદયમાં સ્થાપી નિરૂદ્ધ થવાથી અખંડ આનંદનો અનુભવ થાય છે. એજ હેતુથી શ્રીવલ્લભના વિલાસને “તત્સુખ સાગર” નું સંબોધન શ્રી હરિરાય ચરણે ગૂઢતાથી આપેલું છે. શ્રી વલ્લભના ચાતુર્ય પૂર્વકના દાનમાં માધુર્ય પ્રેમનો સિન્ધુ લહેરાતો હોય છે. તેથી શ્રીજી સદા શ્રીવલ્લભ જનોને વશ થઇને રહ્યા છે. શ્રીવલ્લભ આશ્રિત જનમાં માધુર્ય પ્રેમનો સિન્ધુ ભરેલો રહે છે. તેમાંથી પ્રતિક્ષણે મધુર પ્રેમના નૂતન નૂતન તરંગો પ્રગટ થતાંજ રહે છે. તેના આસ્વાદનમાં શ્રીજી સદા અતૃપ્ત રહે છે, અને આ સુધા પાનમાં અન્યનું વિસ્મરણ થયેલું છે તેથી જ ભાગવતમાં પ્રભુના વાક્યો છે કે – “હું મારા ભક્તો વિના બીજું કંઇ જાણતો અને ભક્ત મારા વિના બીજું કંઇ જાણતા નથી.” અમારા બન્નેની દુનીયા નિરાલી રચાય છે. શ્રીવલ્લભ વરના મહા ઉદાર ચરિત્રમાં અને અદેયદાનમાં આથી વધારે પામર લેખક શું કથે ? માધુર્ય પ્રેમ અપાર સિન્ધુ સમાન સીમા રહિત હોવાથી તેનું કથન વાણીમાં કેટલું આવી શકે ? તેથી કહ્યું “અપાર સદા ગુન ગૈયે હો” । આવા અપાર દિવ્ય ગુણોથી ભરેલા શ્રીવલ્લભવરના સ્વરૂપનું સદા ગાન કરવું.
 
(1) શરણ વલ્લભ ગહાં ભાગ્યાકો પાર નહી,
ભજો “કૃષ્ણદાસ” અંતર જામી.
(2)“રસિક” સદા બડભાગી તે જે શ્રીવલ્લભ ગુણ ગાયે હો.
 
શ્રીવલ્લભનો જેને અનન્ય આશ્રય છે તેના ભાગ્યનો પાર નથી. અને શ્રીવલ્લભના ગુણ-ગાનમાં જે ભક્ત આસક્ત છે તેના સમાન કોઇ બડભાગી નથી.
 
શ્રીવલ્લભના મહાન સ્વરૂપનું અહીં સુધી જે વર્ણન કર્યું તે સ્વરૂપનો અનુભવ અનન્યતા વિના ન થાય. તેથી પદના આગળની પંક્તિમાં કહે છે કે –
 
“સબહીન તે અતિ ઉત્તમ જાની,
ચરન પર પ્રીત બઢૈયે હો”
 
શ્રીવલ્લભના મૂળ પરબ્રહ્મ સ્વરૂપમાંથીજ ગોલોક ધામની અનંત પ્રકારની લીલાઓ પ્રગટ થઇ છે. ગોલોક ધામમાં અનંત કુંજો-નિકુંજો રહેલી છે. આ અનંત કુંજો-નિકુંજોમાં અનંત શ્રી સ્વામિનીજીઓ બિરાજી રહ્યા છે. અન જેટલા શ્રી સ્વામિનીજીઓ છે તેટલાજ તેમના ભાવરૂપ પ્રભુનાં સ્વરૂપો દરેક સ્વામિનીજીની નિકુંજોમાં બિરાજી રહ્યા છે, અને દિવ્ય લીલા સામગ્રી પણ અનંત પ્રકારની રહેલી છે. આ સર્વ શ્રીવલ્લભના “મહાવિભુ” સ્વરૂપમાંથીજ પ્રગટ થયેલ છે, અને આ સર્વ શ્રીવલ્લભના સાકાર, વ્યાપક સ્વરૂપમાંજ રહેલ છે. તેથી શ્રી હરિરાય પ્રભુ કહે છે કે “સબહીન તે અતિ ઉત્તમ જાની ચરન પર પ્રીત બઢૈયે હો” । સર્વથી ઉત્તમ આપ શ્રીવલ્લભજ છે, જ્યારે આપથી કોઇ ઉત્તમ નથી તેમ સમજી લેવાથી બીજા કોઇની આશા અપેક્ષા રહેતી નથી, ત્યારે અનન્ય ભાવ શ્રીવલ્લભમાંજ રહે છે. શ્રી વલ્લભનું આવું માહાત્મ્ય સમજી લેવાથી સુદ્રઢ અને સર્વથી અધિક સ્નેહ એક શ્રીવલ્લભ સ્વરૂપમાંજ રહે છે. અથવા અનન્ય ભાવ થયા પછી શ્રીવલ્લભમાંજ સુદ્રઢ સ્નેહ પ્રકટ થાય છે. અનન્ય ભાવ વિના મહાન દિવ્ય સ્વરૂપમાં સ્નેહ ન થાય. તે માટે સર્વથી ઉત્તમ આપનેજ જાણી આપનું જ સ્મરણ-ભજન કરવું.
 
જ્યારે શ્રીવલ્લભનું માહાત્મય સમજાય ત્યારે આપમાંજ અનન્ય ભાવ રહેતો હોવાથી કોઇનો ડર-ભય રહેતો નથી તે સમજવા પદની આગળની પંક્તિમાં કહે છે.
 
“કાન ન કાહુકી મન ધરીયે વ્રત અનન્ય એક ગહૈયે હો” જેમ ચૌરાશી ભગવદીયોમાં રામદાસજીને આપશ્રી વલ્લભમાંજ અનન્ય ભાવ હતો. આ રામદાસજી મીરાંબાઇના પુરોહિત હતા. એક સમયે રામદાસજી મીરાંબાઈ પાસે ગયા ત્યારે મીરાબાઇએ કહ્યું પ્રભુના ગુણગાન સંભળાવો, ત્યારે રામદાસજીએ શ્રી મહાપ્રભુજીના યશનું ગાન કરી સંભળાવ્યું. ત્યારે મીરાંબાઇએ કહ્યું કે શ્રી ઠાકુરજીના યશને સંભળાવો. મીરાબાઇને શ્રીવલ્લભના ગુણગાનમાં રૂચિ નહી થવાથી શ્રીવલ્લભનો અનાદાર થયો કહેવાય. આવો અનાદર થવાથી રામદાસજીને મીરાંબાઇ ઉપર ક્રોધ થયો અને કહ્યું કે “દારી રાંડ યહ કહા તેરે ખસમકો હે” એમ મીરાંબાઇથી ડર્યા વિના તેનું અપમાન કરીને રામદાસજી ત્યાંથી ચાલતા થયાં. આનું નામ કોઈની ‘કાની’ નહી કરવી એમ કહેવાય.
 
આપ શ્રીવલ્લભમાં અનન્યભાવ થયા પછી શું કરવું તે પદની આગળની પંક્તિમાં કહે છે.
“સુમર સુમર ગુન રૂપ અનુપમ ભવ દુ:ખ સબે વિસરૈયે હો” જેની ઉપમા આપી ન શકાય તેવા આપશ્રીના ગુણો છે. આ ગુણો દિવ્ય પ્રેમના ભરેલા અનંત છે. અને એક એક દિવ્ય ગુણ સાગર સમાન છે. આવા શ્રીવલ્લભના ગુણગાનથી સંસારનું દુ:ખ અને જનમ-મરણનું દુ:ખ રહેતું નથી. તેનું કારણ ગુણગાન કરનારા ભક્તને ગુણગાનથી અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે. અને આ અલૌકિક દેહતો અજર-અમર છે. આવો દેહ શ્રીવલ્લભના ગુણગાનથી પ્રાપ્ત થતો હોવાથી ભવદુ:ખ રહી શક્તું નથી, અને ગુણગાનમાં દિવ્ય આનંદનો અનુભવ થાય છે. કારણ કે આપના ગુણો દિવ્ય પ્રેમાનંદથી ભરેલા છે. શ્રી હરિરાયપ્રભુ બીજા પદમાં કહે છે કે –
 
“રસિક સદા બડભાગી તે જે શ્રીવલ્લભ ગુણ ગાયે” શ્રીવલ્લભના ગુણગાન કરનારાને બડભાગી કહ્યો છે. તેનું રહસ્ય શ્રીવલ્લભે આ જીવને પોતાનો માન્યો છે. શ્રી સર્વોત્તમજીમાં આપશ્રીનું નામ “ભક્તમાત્રાસક્ત:” છે. જેના માટે આપ ભૂતલમાં પધાર્યા છે તે દેવી જીવ મૂલ ધામથી વિછુરેલો છે. તેમાં આપશ્રી આસક્ત થાય છે. એટલે કે તે જીવના ઉદ્ધારની આપને ચિન્તા થાય છે. આ ચિન્તાથી તેના ઉદ્ધારનો આપ પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં આપ તે જીવને ગુણગાનની પ્રેરણા કરે છે આ ગુણગાન દ્વારા આપ પોતાના દિવ્ય પ્રેમ રૂપ અનંત ગુણો સહ તે ભક્તના હ્યદયમાં પ્રવેશ કરે છે. તેથી “સ્વયશોગાન સંહષ્ટ હ્યદયાંભોજ વિષ્ટર: એવું શ્રી સર્વોત્તમજીમાં આપનું નામ છે. અને આપનો પ્રવેશ ભક્ત હ્યદયમાં થતાં જ ત્રિવિધ માયાના બંધનમાંથી દૈવી જીવ મુક્ત થઇ જાય છે. ભૌતિક આધ્યાત્મિક માયાથી પ્રબલ ભગવાનની આધિદૈવિક માયા મૂલ ધામમાં દૈવી જીવને પ્રવેશ થવામાં આવરણ રૂપ થઇને રહી છે. તે શ્રી વલ્લભની કૃપા વિના દૂર થઇ શકતી નથી. આપ હ્યદયમાં પ્રકટ થવાથી આ માયા પણ દૂર થઇ જાય છે. ત્યારે મૂલધામથી વિછૂરેલો આ દૈવી જીવ મૂલધામમાં પ્રવેશ કરે છે.
 
શ્રી હરિરાયચરણે આ માયાનો સંકેત ‘વૈશ્વાનરાષ્ટક’ સ્તોત્ર શ્લોક ત્રીજામાં કરેલો છે. “મહામાયા મોહપ્રશમન મનોદોષ નિચય:” ! ભગવાનની ભૂતલમાં પ્રવાહ અને મર્યાદા ભાવમાં લીલા કરવાની ઇચ્છાથી આ મહામાયાએ દૈવી જીવમાં “મોહ” ઉત્પન્ન કર્યો છે. મોહ એટલે અજ્ઞાન. મૂલધામના સ્વરૂપજ્ઞાનને આ માયા ઢાંકી દે છે. જેમ અંધકારથી જગત દેખાતું બંધ થાય તેમ આ માયાના આવરણથી મૂળધામનું જ્ઞાન થતું નથી. અને તેથી મૂળધામથી વિછુરેલા દૈવીજીવને મૂળધામમાં પ્રવેશનો તાપ કલેશ થતો નથી. શ્રી વલ્લભનો ભક્ત હ્યદયમાં પ્રવેશ જ્યારે ગુણગાનથી થાય છે ત્યારે પોતાના “ભક્તિ માર્ગાબ્જ માર્તંડ” સ્વરૂપથી દૈવીજીવના મનમાં-હ્યદયમાં પ્રકાશ કરે છે. ત્યારે મૂળધામના સ્વરૂપનું જ્ઞાન તે જીવને થાય છે. શ્રીવલ્લભ આધિદૈવિક જગત એટલે મૂળધામના આધિદૈવિક સૂર્યરૂપ છે. તેથી મહામાયાના મોહને-અંધકારને દૂર કરે છે. મૂળધામના પ્રવેશ રૂપ પરમ પુરૂષાર્થને સાધનારૂં આપશ્રીના ગુણગાણનું આવું અચિન્ત્ય મહત્વ અને સામર્થ્ય શ્રીવલ્લભ ચરણ કમલના આશ્રિત સ્વકીયોએ અતિ વિચારવા યોગ્ય છે. આપશ્રીના ગુણગાનનો આવો પ્રભાવ હોવાથી શ્રીહરિરાય પ્રભુએ ગૂઢતાથી જતાવ્યું “રસિક સદા બડભાગી તે જે શ્રીવલ્લભ ગુણ ગાયે” વળી સ્વયં આપશ્રીએ પણ નિરોધલક્ષણનાં શ્લોક 9 માં આજ્ઞા કરી છે કે –
 
તસ્માત્ સર્વ પરિત્યજ્ય નિરૂધ્ધૈ:સર્વદા ગુણા:
 
સદાનન્દ પરૈર્ગેયા:સચ્ચિદાનન્દતા તત: સ્વકીયો પ્રતિ આપશ્રીએ ઉપરોક્ત શ્લોકમાં ગુણગાનની જે આજ્ઞા કરી છે. તેનું રહસ્ય ઉપરોક્ત કથન મુજબનું છે. અહીં ગુણગાનના અનેક રહસ્યમય તથ્યોનો પ્રકાશ કરવામાં લેખ વિસ્તાર થઇ જાય. અને સર્વ ધારણા કરવું પણ અસંભવ; તેથી સુક્ષ્મ નિર્દેશ કર્યો છે.
 
હવે સ્નેહ સહિત ગુણગાન કરવામાં શ્રીવલ્લભના સ્વરૂપનો કેવો અનુભવ થાય છે તે આગળની પંક્તિમાં કહે છે.
“મુખ વિધુ લાવણ્ય અમૃત એક ટક, પીવત નાહીં અધૈયે હો” શ્રી વલ્લભનું શ્રીમુખ લાવણ્ય સૌન્દર્ય કેવા પ્રકારનું છે ? અનંત આધિદૈવિક ચંદ્રમાનું એકી ભૂત શ્રીમુખ છે. આધિદૈવિક ચન્દ્રમા એટલે શ્રી સ્વામિનીઓનાં અને શ્રી ઠાકુરજીનાં શ્રીમુખને આધિદૈવિક ચંદ્રમા કહેવાય છે. આવા અનંત ચંદ્રમાઓનું લાવણ્ય સૌન્દર્ય શ્રીવલ્લભના એક શ્રીમુખ ચંદ્રમાં સમાવિષ્ટ થઇ ગયું છે. તેથી આપશ્રીનું નામ “ત્રિલોકી ભૂષણ છે.” । “ત્રિલોકી” એટલે સ્વર્ગ-મૃત્યુ પાતાલ-આ ત્રિલોક નહીં સમજવા, પરંતુ આધિદૈવિક લીલા જગતમાં રહેલા રાજસ-તામસ-સાત્વિક એમ ત્રણ દિવ્ય ગુણવાળા શ્રી સ્વામિનીજીઓ સમજવા. આવા અનંત સ્વામિનીજીઓના સૌન્દર્ય લાવણ્યથી આપ ભૂષિત છે. અથવા આપ પોતાના સ્વત: સિધ્ધ અનંત સૌન્દર્ય યુક્ત સાકાર સ્વરૂપમાંથી ત્રિલોકીના શ્રી સ્વામિનીજીઓ દિવ્ય સૌન્દર્યતા સહિત પ્રકટ થયા છે. આવા આપના શ્રીમુખ લાવણ્ય સુધા માધુર્યના પાનમાં તૃપ્તિ જ થતી નથી તેથી શ્રીહરિરાયચરણ કહે છે કે, “પીવત નાહીં અધૈયે હો” શ્રીવલ્લભ પોતાના આ મહાન દિવ્ય માધુર્ય સુધા સ્વરૂપના સૌન્દર્યનો પોતે જ જે અનુભવ કરે છે તેનું શ્રી સર્વોત્તમજીમાં નામ “સ્વાનંદ તુન્દિલ:” છે, અને પોતાના અંતરંગ જનોને પણ માધુર્ય સુધા સ્વરૂપનો અનુભવ કરાવે છે. શ્રીવલ્લભનું આવું મહાન દિવ્ય સ્વરૂપ હોવાથી પદની પહેલી તુકમાં કહ્યું છે કે:
 
“શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર કહો કોનપે જૈયે હો”
 
હવે પતિવ્રત ધર્મરૂપ સેવાના પ્રકારને જણાવે છે :-“ચરન કમલકી નિસદિન સેવા અપને હદે બસૈયે હો”
શ્રી વલ્લભના ચરણ કમલ લીલા ધામ રૂપ છે. અને લીલા ધામમાં કોટાન કોટિ શ્રી સ્વામિનીજીઓ, કોટાન કોટિ દિવ્ય કુંજો-નિકુંજો, નિભુત નિકુંજો, અને કોટાન કોટિ દિવ્ય લીલા સામગ્રીઓ રહેલી છે. તેથી આપના ચરનકમલની નિશદિન સેવા હ્યદયમાં વસાવવાની આજ્ઞા શ્રી હરીરાયજી કરી રહ્યા છે. શ્રીવલ્લભના અનન્ય આશ્રિત જનોને આપ પોતાના સ્વરૂપમાં રહેલા લીલાધામના અપાર રસાત્મક વૈભવના દર્શન અને જ્ઞાન કરાવે છે. અનન્ય આશ્રય વિના આપના આવા સ્વરૂપના મહિમાનું જ્ઞાન થતું નથી. તેથી શ્રી સર્વોત્તમજીમાં આપનું નામ “નિગૂઢ હૃદયોનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય” બિરાજે છે.
 
અનન્યતા નો અર્થ પતિવ્રત ભાવ થાય છે. અને આપ તો પતિવ્રતાના પતિ છે. પતિવ્રત ભાવવાળા હોય તેજ શ્રી વલ્લભને પતિ રૂપે પ્રાપ્ત કરી શકે છે. પતિવ્રતામાં એવું ઐશ્વર્ય રહેલું છે કે પતિના સ્વરૂપને અને પતિમાં રહેલા સામર્થ્યને પોતાનામાં ધારણ કરી શકે છે. શ્રીવલ્લભના સ્વરૂપમાં જે મહાન દિવ્ય લીલા ધામનો વૈભવ રહેલો છે તે વૈભવ સહિત શ્રીવલ્લભનું સ્વરૂપ પતિવ્રત ભાવવાળા ભક્તના હૃદયમાં સદૈવ બિરાજે છે. અને તેનો અનુભવ પણ કરે છે. જેમકે મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીનો અનન્ય ભાવ શ્રી વલ્લભના ચરણ કમલમાંજ હોવાથી અનેક પ્રકારની દિવ્ય લીલાઓનો અનુભવ પદ્મનાભદાસજીને શ્રી વલ્લભના સ્વરૂપમાંજ થઇ રહ્યો છે. તેનું વર્ણન તેમના પદોમાં કરેલું છે. આવો અનુભવ શ્રીવલ્લભ પોતાના અનન્ય પતિવ્રતા ભાવિ જનોને કરાવે છે. અને આવો પતિવ્રત ભાવ પ્રાપ્ત કરવો દુર્લભ હોવાથી શ્રી ગોકુલેશપ્રભુ પદ્મનાભદાસજી માટે “કોટિમાં વિરલ” એવી ઉપમા આપે છે. કોટિ ભક્તોમાં પણ આવો અનન્ય પતિવ્રત ભાવ કોઇ એકનેજ થાય છે, તેનું કારણ શ્રીવલ્લભનું સ્વરૂપ મહાન અલૌકિક હોવાથી આ સ્વરૂપને ધારણ કરનારની પાત્રતા નિરંતર વિરહના અનુભવથી થાય છે.
 
હવે પદની અન્તીમ તુકમાં કહે છે- “રસિક સદા સંગીન સો ભવોભવ ઇનકે દાસ કહૈયે હો” સંગ અને સંગીમાં ભેદ છે. જે સર્વ પ્રકારની ભાવનાઓથી સમાન શીલ હોય તેને સંગી કહેવાય છે. સંગીના અરસ પરસના મન એક હોય છે. કોઇ પ્રકારની જુદાઇ ન રહે તેને સંગી કહેવાય છે. આવા સમાન શીલના સંગે ભવોભવ જન્મો જન્મ આપશ્રી વલ્લભના ચરણ કમલનું જ દાસત્વ મને પ્રાપ્ત થાઓ, એમ શ્રી હરિરાય પ્રભુ મનોરથ કરી રહ્યા છે. અને શ્રીવલ્લભના જનને શિક્ષા પણ આપે છે કે આપે શ્રીવલ્લભના ચરણ કમલના દાસત્વનીજ ભવોભવ અભિલાષા-કામના કરવી. એક માત્ર શ્રીવલ્લભમાં જ અનંત યુગલોનું દાસત્વ સિદ્ધ થઇ જાય છે. તેવું તેનું અચિન્ત્ય માહાત્મ્ય છે.
 
આ પદમાં શ્રી હરિરાયપ્રભુએ શ્રી વલ્લભના મહાન દિવ્ય સ્વરૂપનું વર્ણન કરેલું છે તે એટલા માટે કે શ્રી વલ્લભના જનોને શ્રી વલ્લભ સ્વરૂપનો મહિમા સમજાય. અને તેથી શ્રીવલ્લભમાંજ અનન્ય ભાવ થાય તો શ્રીવલ્લભના સ્વરૂપનો અનુભવ કરી શકે. સંગ એનું નામ છે કે બીજા બધાય સંગો-બંધનો પ્રલોભનમાંથી છોડાવી દઇને એક પ્રભુના સ્વરૂપમાંજ દ્રઢ અનન્ય આશ્રય કરાવે. શ્રી વલ્લભના જનોને શ્રીહરિરાય પ્રભુ આવા પ્રકારે પોષણ આપી શ્રીવલ્લભના સ્વરૂપમાંજ દ્રઢ આસક્તિ કરાવે છે. આ પદમાં શ્રીવલ્લભ સિવાય બધાય સંગો છૂટી જાય અને એક શ્રીવલ્લભમાંજ અનન્ય ભાવ થાય તેવા પ્રકારનું વર્ણન કરેલું છે. શ્રીવલ્લભના “સર્વાજ્ઞાત” (અતિ નિગૂઢ) સ્વરૂપને શ્રી વલ્લભના મુગ્ધ જનો પણ સરલતાથી સમજી શકે તેવા અનેક પદોમાં સ્તોત્રોમાં અને ગ્રંથોમાં વર્ણન કરીને વલ્લભીય જગતને આપે ઉપકાર ગ્રસ્ત બનાવી દીધું છે.
 
શ્રી હરિરાય ચરણમાં પુષ્ટિ રતિ પથનું રહસ્ય નખથી શિખા સુધી ભરેલું છે. આપની વાણી આવા રહસ્યથી જ ભરેલી છે. તેથી જ આપ પુષ્ટિ માર્ગમાં મર્મજ્ઞ શિરોમણી કહેવાય છે. વળી શ્રી મહાપ્રભુજીનો મહાકારૂણિક ધર્મ પણ શ્રી હરિરાયચરણના સર્વાગમાં વ્યાપેલો રહે છે. તેથી આપે નિ:સાધન જનોનો બહુજ પક્ષપાત કરેલો છે. આવો પક્ષપાત પદેમાં, સ્તોત્રોમાં, ગ્રંથોમાં અને વિજ્ઞપ્તિઓમાં કરેલો છે.
 
શ્રી હરિરાય ચરણ ભૂતલમાં પ્રાદુર્ભૂત થઇ બાલ વયથી તે ભૂતલમાં બિરાજ્યા ત્યાં સુધી વિરહાનુભવમાંજ સ્થિત રહ્યા છે. વિરહનો અનુભવ કરનારની ભૂતલમાં વધારે સ્થિતિ રહી શક્તી નથી. છતાં આપ 120 વર્ષ ભૂતલમાં બિરાજ્યા તેનું કારણ શ્રીવલ્લભના જનો પ્રત્યે આપનું અપાર વાત્સલ્યજ સમજી શકાય છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.