“દેહિ દાસ્યમ્” નું સ્વારસ્ય”
spacer
spacer

 પ.ભ. શ્રીવલ્લભ પાદપદ્મ મિલિન્દ

સ્નેહી ભાઈશ્રી, સપ્રેમ શ્રીસ્મરણ.
સુ. 10-26-38+39 માં “દેહિદાસ્યમ્” “ભવાનદાસ્ય:” પદ્યોથી શ્રીગોપીજનો દાસ્યની પ્રાર્થના કરે છે. આ બન્ને પદ્યોના સ્વારસ્યને જાણવાની આપે જીજ્ઞાસા દર્શાવી. તે વિષયમાં શ્રી વાક્પતિની કૃપા-પ્રેરણાએ જે સ્ફુરે છે તે માત્ર નિવેદન કરૃં છું.
શ્રી વ્રજરત્નાઓ દાસ્યની પ્રાર્થના કરે છે. લીલા મધ્યપાતી શ્રીવલ્લભ વાગધીશ રૃપથી અર્થાત રતિપથના ગુરૂ રૂપથી શ્રીગોપીજનોને વર્ણવી રહ્યા છે.
 
જે કૃતિથી પ્રિયતમને સુખ થાય તેમાં જ દાસ્ય ભાવ સિદ્ધ થાય છે. અથવા દાસ્યમાં પ્રિયતમના સુખનો જ વિચાર હોય છે. અને પ્રિયતમ તો રમણપ્રેષ્ઠ છે, અચ્યુત છે, અમોઘ વીર્ય છે. કેલિ વિહારમાં અતૃપ્ત છે. અગણિત રસનો ભોગ કરવા છતાં તૃપ્તિનો અભાવ છે. આવા પ્રિયને સુખરૂપ થવાય તેવું દાસ્ય શ્રી ગુરૂજીની પ્રેરણાએ માગી રહ્યા છે. પણ આવુ દાસ્ય તો પ્રિયની સમાન ઐશ્વર્ય જ્યારે પ્રાપ્ત કરે ત્યારે સિદ્ધ થઇ શકે. પ્રિયની સમાન ઐશ્વર્ય સર્વાત્મભાવથી પ્રિયથી તદ્રુપ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. આ સર્વાત્મભાવને સિદ્ધ કરવા માટે સૌભગમદના મિષથી પ્રિયતમ અંતર્હિત થઇ ગયા અને વિપ્રયોગનું દાન કર્યું. વિપ્રયોગના અનુભવમાં જ સર્વાત્મભાવ સિદ્ધ થાય છે. અથવા જે દાસ્યભાવની પ્રાર્થના કરે છે તેને સિદ્ધ કરવા પ્રિયતમે વિપ્રયોગનું દાન કર્યું છે. દાસ્યભાવ અને સર્વાત્મભાવ બન્નેનો એક જ અર્થ થાય છે. આ દાસ્યભાવ “નમામિ હૃદયે શેષે” કારિકાજીમાં કહ્યા મુજબનો છે.
 
મેં મેરી જ્યો લો રહે, ત્યોં લો તુ નહિ દાસ, દાસ ભયો જબ જાનીયે, હોય દોઉકો નાશ.
અંતર્હિત-ગોપીગીત પ્રસંગે પ્રચુર વિપ્રયોગના અનુભવથી શ્રી ગોપીજનોને પોતાના અસ્તિત્વનું વિસ્મરણ થઇ ગયું છે.
 
તદ્મનસ્કા, સ્તદાલાપા, સ્તદ્રિચેષ્ટા સ્તદાત્મિકા :
તદ્ગુણાનેવ ગાયન્ત્યો, નાત્મા ગારાણિ સસ્મરૂ :
(સુ.10-27-43)
 
પોતાના અસ્તિત્વના વિસ્મરણથી અને પરમ દૈન્ય પ્રાપ્ત થવાથી “તાસામાવિર્ભૂત શૌરિ:” શ્લોકમાં કહ્યા મુજબ પ્રિયતમનું સ્વરૂપ તેમના હ્યદયમાંથી બહાર પ્રગટ થયું. આ સ્વરૂપ પ્રગટ થયું ત્યારે શ્રીગોપીજનોમાં પ્રિય પ્રભુએ પોતાની અપરિચ્છિન્ન (સાકાર વ્યાપક) સત્તા અને પોતાનામાં રહેલા અગણિત-નિરવિધિ આનંદનો આ શ્રીગોપીજનોમાં પ્રવેશ કરાવ્યો, ત્યારે શ્રીગોપીજનો સદાનંદ કૃષ્ણરૂપ થયાં. અર્થાત પ્રભુ સમાન ઐશ્વર્યવાન બન્યાં. અહીં તેમને સર્વાત્મભાવ સિદ્ધ થયો, અથવા દાસ્યભાવ પ્રાપ્ત કર્યો. હવે તેઓ નિરવધિ-અગણિત રસથી પ્રિયતમને કેલિ વિહારનું સુખ આપીને પોતાના દાસ્ય ભાવને સફલ બનાવશે. આવો દાસ્ય ભાવ તેમને વિપ્રયોગના અનુભવથી આત્મસત્તા પ્રાપ્ત કરવાથી સિદ્ધ થયો છે.
 
લઘુરાસમાં શ્રી ગોપીજનોમાં પરિચ્છિન્ન (જીવસત્તા) હતી, તેથી પ્રિયતમે તેમને લઘુ-રાસમાં કેલિ વિહારથી સ્વરૃપાનંદનો અનુભવ કરાવ્યો તેમાં તેઓ પોતાને પૂર્ણ માનવા લાગ્યાં, પણ પ્રિયના સ્વરૂપને પૂર્ણ માનવા લાગ્યાં, પણ પ્રિયના સ્વરૃપને પૂર્ણ ન માન્યું. જેમ સમુદ્રમાં પડેલું નાનું મોટું પાત્ર જલથી પૂર્ણ થઇ જાય છે પરન્તુ સમુદ્રની સમાન તે પાત્ર બની શક્તું નથી, તેમ શ્રી ગોપીજનોને પોતાની પરિચ્છિન્ન સત્તામાં જે અનુભવ થયો તે સમુદ્રમાં પડેલા પાત્ર જેવો હતો. પ્રિય પ્રભુ તો પોતાની સમાન નિરવધિ-અગણિતા-નંદને, ધારણ કરી શકે તેવા બનાવવા ચાહે છે. તેથી ‘સૌભગમદ’ના મિષથી વિપ્રયોગનું દાન કર્યું, અને તેથી તેમની પરિચ્છિન્ન (જીવ સત્તા) દૂર કરી પોતાની અપરિચ્છિન (સાકાર-વ્યાપક) સત્તા, અને અગણિત સ્વાનંદનું દાન કરી પોતાની સમાન ઐશ્વર્ય વાળાં બનાવ્યાં. આ કથનની પુષ્ટિમાં “તાસામાવિર્ભૂત શૌરિ:” શ્લોક ઉપરના શ્રીમતી ટિપ્પણીજી અને આ શ્લોક ઉપરનો એક સ્વતંત્ર લેખ કે જે સુ.તામસ ફલ પ્રકરણની સંસ્કૃત ટીકાના પરિશિષ્ટ ભાગમાં છપાયેલ છે, તેનું અવલોકન કરવું.
 
મહારાસ સમયે પ્રભુએ પોતાના પૂર્ણાનંદ સ્વરૂપથી બહાર પ્રગટ સ્વરૃપના સંયોગથી, રતિ ક્રીડનથી શ્રીગોપીજનોમાં પૂર્ણાનંદ સ્વરૂપનું સ્થાપન કર્યું. હવે શ્રી ગોપીજનોને બહાર પ્રગટ સ્વરૃપથી સંયોગ સુખની અપેક્ષા ન રહી. શ્રી ગોપીજનો સ્વાધીના-સ્વતંત્ર ભક્તિ ફલાનું-ભવને પ્રાપ્ત થયાં.
 
હૃદયમાં નિરૃદ્ધ થયેલું પૂર્ણાનંદ સ્વરૃપ વિપ્રયોગ-ભાવાત્મક કહેવાય છે. તે મૂર્તિમાન ભાવાત્મક સ્વરૂપથી અખંડ કેલિ વિહારનો અનુભવ કરે છે. સંયોગમાં બહાર પ્રગટ સ્વરૂપનો અનુભવ ક્રીયા દ્વારા થાય છે. હૃદયમાં નિરુદ્ધ થયેલ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો અનુભવ ભાવ દ્વારા થાય છે. કોલ વિહારના સ્વત: સિદ્ધ ભાવોજ પ્રગટ થાય છે અને તેનો અનુભવ ભાવ દ્વારાજ કરે છે. આ વિપ્રયોગ-ભાવાત્મક-રસાત્મક સ્વરૃપથી અનુભવાતો આનંદ અગણિત છે. તેથી જ તેને શ્રીમદાચાર્યવર્યે “આન્તરં તુ મહાફલમ્” કહેલ છે. આ વિપ્રયોગાત્મક સ્વરૂપના અનુભવનો પરિચય, મર્મજ્ઞ શિરોમણિ શ્રી હરિરાય પ્રભુએ શિ. 9-18 માં કરાવ્યો છે:
 
વિરહે યુગપત્સર્વ નિજલીલાનુભાવકમ્ ।
વિરહે યુગપત્સર્વ નિજલીલાનુભાવકમ્ ।
સાકારાનન્દ રૃપેણ વ્રજભક્ત હદિસ્થિતમ્ ।।
 
શ્રુતિઓએ પરબ્રહ્મનું સ્વરૃપ લક્ષણ “સત્ય-જ્ઞાન-અનંત” કહેલ છે. આ “અનંત” પદવાચી પરબ્રહ્મ-નિત્ય લીલાસ્થ પુષ્ટિ પૂર્ણ પુરૃષોત્તમ “અનંત” લીલાઓ સહિત અને પોતાના અપરિચ્છિન્ન (સાકાર-વ્યાપક) સ્વરૂપથી વ્રજ ભક્તોના હ્ય્દયમાં નિરૃદ્ધ થયેલ છે તેનો અનુભવ વિરહની ફલાત્મક અવસ્થામાં યુગપત-એક જ સમયે શ્રીગોપીજનોને થાય છે. એક જ સમયે પ્રભુની સમસ્ત લીલાનો અનુભવ થવાનું કારણ શ્રીગોપીજનોએ પ્રભુની અપરિચ્છિન્ન સાકાર-વ્યાપક સત્તાને અને અલૌકિક સામથ્યને પ્રાપ્ત કરેલ છે. આ વ્યાપક સત્તાથી સમસ્ત લીલાનો એક જ સમયે અનુભવ થાય છે.
 
વિષ્ણો: કર્માણિ પશ્ય ।
વ્રતાનિ પસ્પરો ઇન્દ્રસ્ય યુજય: સખા ।
તદવિષ્ણો: પરમ પદં સદા પશ્યન્તિ : ।
દિવીવ ચક્ષુરાતતમ્
 
ઉપરોક્ત મંત્ર વિદ્વન મંડનના નિત્યલીલા વાદ પ્રકરણમાં શ્રી વિઠ્ઠલેશ્વરે આપેલો છે.
 
“દિવીવચક્ષુરાતતમ્” એટલે યોગ સિધ્ધ પુરૂષને “દૂરગ્રહણ” નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિથી યોગીનું વ્યાપક બનેલું ચક્ષુ (નેત્ર) સ્વર્ગના તમામ વૈભવોને એકજ સમયે જોઇ શકે છે. તેમ “સૂરય:” વ્રજભક્તો દૂર ગ્રહણ નામની સિદ્ધિથી પ્રભુની સમસ્ત લીલાઓનો એકજ સમયે અનુભવ કરે છે. સર્વાત્મ ભાવ સિદ્ધ થતાં શ્રીયમુનાષ્ટકમાં કહેલી આઠેય સિદ્ધિઓ સર્વાત્મભાવી ભક્તોને પ્રાપ્ત થયેલી હોય છે. આ તો સમસ્ત લીલાના અનુભવની ચર્ચા થઇ. આથી પણ વિશેષ અદભૂત ઐશ્વર્ય તો એ છે કે, “આ ભક્તોએ પ્રાપ્ત કરેલા અલૌકિક સામર્થ્યથી પ્રિયતમના કોટાન કોટિ સ્વરૂપોને અને લીલાઓને પોતે જ પ્રગટ કરી તેનો “યુગપત્” એક જ સમયે અનુભવ કરે છે.” (આ કથનના પ્રમાણમાં શ્રી હરિરાયચરણોકત “અંતરંગ બહિ:રંગ લીલા પ્રપંચવિવેક” નામનો ગ્રંથ અવલોકનીય છે.
 
શ્રી હરિરાય પ્રભુએ શિક્ષાપણ અંતિમમાં “રસાત્મક ભાવસ્વરૂપ નિરૂપણ” માં રસસ્વરૃપના અનુભવની ચાર અવસ્થાઓનું વર્ણન કરેલું છે. (1) ધર્મ સંયોગ (2) ધર્મી સંયોગ (3) ધર્મ વિપ્રયોગ અને (4) ધર્મી વિપ્રયોગ. રસ સ્વરૃપના અનુભવની આ ચાર અવસ્થાનું તારતત્ય શ્રીહરિરાયજીની વાણીમાં જ જાણવા મળે છે. આ ચારેમાં ધર્મી વિપ્રયોગની સર્વોત્કૃષ્ટતા પણ આપની વાણીમાં જ જાણવા મળે છે. “શ્રી હરિરાય વાંગ મુક્તાવલી” ભાગ 1 ના અનેક ગ્રંથોમાં આ ધર્મી વિપ્રયોગની પરમ ફલાત્મકતા એવં પરમનિરોધાત્મકતાનું વર્ણન કરેલું છે. તે તે ગ્રંથો અવલોકવા. અને પદ સાહિત્યમાં “પ્રગટે પુષ્ટિ મહારસ દેન” આ પદનો ભાવાર્થ વિચારવો.
 
જન્મ પ્રકરણથી તામસ ફલ પ્રકરણ સુધીના શ્રી સુબોધિનીજીમાં જે વર્ણન કરેલું છે તે શ્રી ગોપીજનોની ફલાવસ્થાનું જ વર્ણન છે. કારણ કે ફલસ્વરૃપ પ્રભુનો અનુભવ તો તેમને, પ્રભુ પ્રાગટ્ય થતાંની સાથે જ શરૂ થઇ ગયો છે. પરન્તુ જન્મ પ્રકરણથી લઘુ રાસ સુધી તેમણે પરિચ્છિન્ન અવસ્થામાં સ્વરૂપાનંદનો અનુભવ કર્યો, અને મહારાસમાં અપરિચ્છિન્ન અવસ્થાથી અનુભવ કર્યો.
 
ભક્તિની ઉત્કર્ષતા સ્વતંત્રભક્તિની પ્રાપ્તિમાં છે. આ “સ્વતંત્ર ભક્તિ” પ્રાપ્ત કરીને શ્રી ગોપીજનોએ દિવ્ય પ્રેમ રાજ્યપર વિજય ધ્વજ ફરકાવ્યો છે. એટલું જ નહીં, પણ રસાત્મક સાકાર વ્યાપક ‘ભૂમા’ સ્વરૂપની પ્રતિષ્ઠાને શ્રી ગોપીજનોએ પોતાનામાં ધારણ કરીને, ‘ભૂમા’ની પ્રતિષ્ઠા-મહિમાના ખ્યાપક બન્યા છે. આ સ્વરૃપ વેદોમાં પ્રસિદ્ધ નથી, કારણ કે વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ તે વાણીનો વિષય નથી. માત્ર અનુભવવેધ છે. તેથી જ શ્રીમત્પ્રભુ ચરણોએ શ્રીટિપ્પણીજીમાં આજ્ઞા કરી છે કે સર્વાત્મભાવથી અનુભવાતા સ્વરૂપનું નિર્વચન થઇ શકતું નથી. વળી પુષ્ટિ પુરૃપોત્તમને “વેદાતીત” પણ કહેવાય છે જ.
યદિ શ્રુતિરૃપા શ્રીગોપીજનો ભૂવિમાં પ્રગટ ન થયા હોત તો રસાત્મક ‘ભૂમા’ સ્વરૃપની પ્રતિષ્ઠાને કોણ જાણત ? જેમ “ગોપી પ્રેમકી ધ્વજા” તમ રસાત્મક ‘ભૂમા’ સ્વરૃપની પ્રતિષ્ઠાનો ધ્વજ પણ સાથેજ ફરકાવ્યો છે. જેમની કૃતિને “સાગર” ની ઉપમા અપાય છે તેવા મહાનુભાવ શ્રી સૂરદાસજી અને શ્રી પરમાનંદ દાસજીના પદોમાં ગાયેલું છે કે-
 
વ્રજલીલા કોઉ પાર ન પાયો ।
બ્રહ્મા શેષ મહેશ નારાયણ
મતિ હી ભૂલાયો ।।1।।
વેદ સ્મૃતિ સુનિ હરિહી મિલન,
બહુ મારગ બતાયો ।
ગોપીજન નિજ મારગ ‘સૂર’,
ન્યારો દિખરાયો ।।2।।
વ્રજ્જન સમ ધર પર કોઉ નાંહી ।।
જિન સબ તન મન હરિ અર્પન કરિ,
મોહન ધરે ઉર માંહી ।।1।।
સદા સંગ ડોલત મન મોહન,
ગોપી ધરિ ઉર ધ્યાન ।।
ગોપી ગોપી રટત નિરંતર,
ભૂલિ ગયે સબ જ્ઞાન ।।2।।
જા ગોપીકી પદરજ ઉદ્વવ,
બ્રહ્માદિક સબ જાચે ।।
તા ગોપીગૃહ માખન કાજે,
સબદિન ગિરધર નાચે ।।3।।
ગોપીજન મે કોન બતાઉં,
હરિ હૂં પાર ન પાવે ।
તો હોં મન્દ બુદ્ધિ કહા જાનો,
“પરમાનંદ” ગુન ગાવે ।।4।।
“ન પરાયેહં નિરવદ્યસંયુજામ સ્વમાધુકૃત્યં, વિબુધાયુષાપિ વ:” (સુ. 10-29-22)
 
ઉપરોક્ત શ્લોકની સંગતિ શ્રી પરમાનંદ દાસજીના પદ સાથે થાય છે. ઉક્ત શ્લોકમાં પ્રભુએ શ્રી ગોપીજનોની સ્તુતિ કરી છે. અને સદા રૃણિ પણું સ્વીકાર્યું છે. જે કાર્ય સર્વ સમર્થ પ્રભુ ન કરી શકે તેવા કાર્યનું ઐશ્વર્ય (સામર્થ્ય) શ્રીગોપીજનોએ પ્રાપ્ત કર્યું છે. ઉક્ત શ્લોકના ટિપ્પણીજીમાં શ્રીગોપીજનોનો ઉત્કર્ષ સિદ્ધ કર્યો છે.
 
હવે અહીં વિચારણીય વિષય એ છે કે આ મહાન અભ્યુદય શ્રી ગોપીજનોએ કેવા પ્રકારની સાધનાથી પ્રાપ્ત કર્યો. જો આ સાધનાનો વિચાર ન થાય તો શ્રી ગોપીજનોના માર્ગે કોઇપણ સાધક ચાલીજ ન શકે. તે માટે અહીં સાધનોનો વિચાર કરવો આવશ્યક છે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.