સ્ત્રીશુદ્ધાદ્યુદધૃતિક્ષમઃ - શ્રીવલ્લભ
spacer
spacer

શ્રીમહાપ્રભુજીએ વેદવ્યવસ્થા કરીને, કર્મજ્ઞાન સહિત ભક્તિમાર્ગ જેમ પ્રગટ કર્યો છે તેમ સ્વતંત્ર પુષ્ટિભક્તિમાર્ગ પણ સ્ત્રીશુદ્ધાદિના ઉદ્ધાર માટે પ્રગટ કર્યો છે. એ માર્ગને પ્રમેય માર્ગ, ધર્મીમાર્ગ, રસમાર્ગ પણ કહેવામાં આવે છે. વૈદિક કર્મમાં સ્ત્રીશુદ્ધોના સ્થાન નથી. દ્વિજોમાં પણ માત્ર પુરૂષોને જ સ્થાન છે, સ્ત્રીઓને તો નહિ જ. સ્ત્રી તો પુરૂષના એક અંગરૂપે યજ્ઞયાગાદિમાં ભાગ લઇ શકે અને તેથી થતા પુણ્યનો ભોગ મેળવી લે. શુદ્ધો પણ દ્વિજાતિના યજ્ઞોમાં ગોદોહનાદિ (ગાયો દોહવા વિ.) કાર્યમાં જોડાઇને થોડુંક પુણ્ય પ્રાપ્ત કરી લે. આવી રીતે સ્ત્રીશુદ્રો મુખ્યત્વે યજ્ઞયાગ કરી શકે નહિ. કોઇ દ્વારા તેમાં જોડાઇને પુણ્યભાગ મેળવી લે. વેદ આથી વધારે સ્ત્રીશુદ્રો માટે કાંઇ પણ અધિકાર આપતો નથી. હવે જો યજ્ઞ જ ન હોય તો સ્ત્રીશુદ્રાદિનો ઉધ્ધાર જ કેમ થાય ? આ સમયમાં યજ્ઞ, અગ્નિહોત્ર વિ. વૈદિક કર્મો લુપ્ત થઇ ગયાં છે, તો સ્ત્રીશુદ્રાદિકનો ઉદ્ધારમાર્ગ તો કાયમનો શું બંધ જ થઇ ગયો સમજવો ? ના; નહિ. ભગવાન શ્રીમુખે ગીતાજીમાં ઉપદેશ કરે છે કે “હે અર્જુન ! મારો સંપુર્ણ આશ્રય કરીને કોઇપણ પાપયોનિ (ચાંડોળ), સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્રો પણ પરમગતિને પામે છે.”

પરપ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિની તો જીવમાત્રને ઇચ્છા થાય છે. તો ભગવદાશ્રયરૂપ મહાન વિશાળ ધર્મ બધાનો સારી રીતે ઉધ્ધાર કરી શકે છે. ભગવાને આ માર્ગ બાંધી આપ્યો છે. અર્જુન તથા ઉદ્ધવ પ્રતિના ઉપદેશોમાં આ માર્ગનું બીજારોપણ ભગવાને કરી રાખ્યું હતું. અર્થાત આવા વિશાળ ધર્મના બીજો વાવી રાખ્યાં હતા. શ્રીમહાપ્રભુજીએ તેનો વિકાસ કર્યો અને એ ભગવદુક્ત માર્ગનો પ્રકાશ કર્યો. આ માર્ગમાં સ્ત્રીશુદ્ધોનું પ્રાધાન્ય ગણાય, કારણ કે તે પ્રમેય માર્ગ છે, પ્રમાણથી ભિન્ન છે. શ્રીમહાપ્રભુજીના પ્રાગટ્યનું આ પણ એક પ્રયોજન છે.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.