હવે જાગૃતિનો સમય પાકી ગયો છે
spacer
spacer

લે ચિ. ગો.૧૦૮ શ્રી ગોકુલેષજી મહારાજ (જુનાગઢ)

એક વાર એક ભગવદીયને પૂછ્યુ કે “ભાઈ તમે આટઆટલા સ્તોત્રોના નિયમિત પાઠ કરો છો, એથી તમને કંઈ ફાયદો ખરો ? ખોટો સમય વેડફવો ને !’ તેઓ જરા ચાંકી ગયા અને પ્રત્યુંત્તર આપ્યો “જે જે ! આપે આમ કેમ કહ્યું ? શ્રીમદાચાર્યજીએ રચેલાં આ અમૂલ્ય સ્તોત્ર (?) પાઠ કરવા એ તો ઉત્તમોત્તમ છે. પ્રભુજીની દિવ્ય વાણી છે. એ થકી તો અમારા દોષ દુર થાય. સેવામાં ચિત્ત ચોંટે.” વગેરે વગેરે એમની ફિલસૂફી મને સંભળાવી. મેં ફરી પૂછ્યું “શું તમે જાણો છો તમે શું પઠન કરો છો ?” એ સ્તોત્રનું હાર્દ અનુભૂત કરી શકો છો ?” તો બોલ્યા “એ બધી અમને ખબર ન પડે. અમને તો આજ્ઞા થઈ છે કે પાઠ કરવા એટલે કરવા. પ્રભુની વાણી છે.”
 
બસ, આ જ આપણી દશા છે. આજે મોટાભાગે પુષ્ટિમાર્ગીય વૈશ્નવો એવા છે જેઓ પ્રચલિતતાનું વહન કરવામાં જ રોકાયેલા છે. માત્ર પ્રણાલિકા જાળવી પોતાની જાતને ધન્ય માને છે. આ એક કઠોર વાસ્તવિકતા છે. હવે, અહિં એક બીજી બાબત પણ સામે આવે છે કે પ્રચલિતતા અને પ્રણાલિકાનું વહન કરતાં વૈશ્નવો એટલી હદે માનસિક રીતે સંકોચાઈ જાય છે કે એમને પ્રણાલિકા ત્થા નીતિનિયમોને પાળવામાં અને તે પ્રમાણે સેવા આનંદ મળે છે એ છોડી નથી શકતા કે નથી એનો વિરોધ સહી સકતા, અને એમાં જ સંપૂર્ણપણે જકડાઈ જાય છે. જ્યારે કોઈ સિધ્ધાંતોની વાતો કરે અને કડવી છતાં શુદ્ધ પુષ્ટિમાર્ગીય તાત્વિક દર્શનિકતા સાબિત કરવા પ્ર.ત્ન કરે ત્યાં કેટલાક તો કર્તવ્યવિમૂઢ થઈ જાય છે જ્યારે કેટલાક અહંપોષીઓ તેનો સ્પષ્ટ વિરોધ કરે છે. કેટલી કરૂણતા છે આ ! આજે પુષ્ટિમાર્ગીય વૈશ્નવીજીવનમાં આ માર્ગ એક લૌકિકજીવનનાં અંગ રૂપી બની રહ્યો છે. જેની સૌથી પ્રતિકૂળ અસર તેમનાં બાળકો પર પડે છે. હા, એ જરૂર કહેવું પડે કે એ બાળકો વૈશ્નવીય નીતિ નિયમો ખુબીપૂર્વક અદા કરે છે. પણ સાથે સાથે સૈદ્ધાંતિક અંધ પણ બને છે.
 
આ જ કારણ છે કે પેઢી દર પેઢી માર્ગનાં સિદ્ધાંતોની ઓજસતાને અકથ્ય આંચકા લાગ્યા છે. અને એ ઝંખવાયા-વહેંચાયા કે વિકૃત કરાયા છે. જેથી જ આજે દિવ્યતા, ઉચ્ચ આધ્યત્મિકતા કે વિવેકપૂર્ણ નિર્મળ ભાવસહજતા ખોરવાઈ ગઈ છે. પુષ્ટિમાર્ગીય પરમાનંદનીય ઓજસતાનો અનુભવ નથી કરી શકાતો. ક્ષણિક ક્ષુબ્ધ આનંદ મળતાં જ આપણે તૃપ્ત થઈ જઈએ છીએ. અજ્ઞાની એવા આપણે એ નથી જાણતાં કે પુષ્ટિમાર્ગ એટલે આનંદની પરિસીમા છે ! અને વળી આ જ સંકુચિતતા તથા રીતરસમો નિભાવવામાં પડેલ આપણે શ્રીમહાપ્રભુજીએ વર્ણવેલા પ્રભુ માટેના તીર્વ આવેગનો હજારમો અંશ પણ પામવામાં નિષ્ફળ રહીએ છીએ. ઉપરાંત કરૂણતા તો એ છે કે એ પામવાની જિજ્ઞાસા જ મોટાભાગે ખોવાઈ ગઈ છે. કારણ છે સંતુષ્ટી ! આજે વૈશ્નવો સંતુષ્ટ થઈ ગયા છે. તો કેટલાંક કહેવાતાં ભગવદ્ ભક્તો આ જ સંતુષ્ટિને સહારે આસક્તિ અને વ્યસનનો ખોટો ઢોંગ કરી સ્વયંને જ છેતરે છે. આ બધું ત્યાગવું પડશે. અંધકારમાં અપ્રાપ્ય બનેલા હદયચક્ષુ ખોલવા પડશે. આપણી પ્રભુપ્રોષિત અલૌકિક સંવેદનાઓ ઢંઢોળવી પડશે. જાગૃતિનું પ્રચંડ આંદોલન મનમાં જગાવવું પડશે. સંકુચિતતા છોડી આપણી સુષુપ્ત મનોર્દષ્ટિને ખોલીને જિજ્ઞાસાની જ્યોત જલાવવી પડશે. તો જ શ્રીમદાચાર્યચરણનાં અથાગ પરિશ્રમ કે જે આપે દૈવીજીવ ઉદ્ધારાર્થે કર્યો છે, તેને સાચો ન્યાય મળી શકશે. આજે આખું ય જગત યુગની સૌથા મોટી આપત્તિગ્રસ્ત અશાંતિમાં શાંતિ માટે વલખાં મારી રહ્યું છે. આવા કપરા કાળમાં આપણે આપણી સ્વયંની આત્મજ્યોત જલાવી પુષ્ટિસાગરની પ્રશાંત લહેરો પામવાની છે. તો જ હદયમાં પ્રભુ પ્રાપ્તિ માટે સ્નેહનો આવેગ પ્રાપ્ત થશે. આ સ્નેહનો નિર્મળ પ્રચંડ આવેગ પ્રાપ્ત કરવો ખુબ કપરો છે.
 
કેટલીક જગ્યાએ આવેગને આવેશ સાથે જોડી દેવામાં આવે છે. પણ આવેશ એ આવેગ દ્વારા પ્રભુનિકટ જવાની યોગ્યતા તો પ્રાપ્ત થાય જ છે જે ખરેખર તો ભક્તિ સહજપ્રેમનું જ પરિણામ છે. પણ આ ભક્તિમય વિરહઆવેગ તો અજ્ઞાનનાં અંધકાર નો નાશ થાય ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે. જે ક્રમે ક્રમે સ્મરણ, કીર્તન ત્થા સૈદ્ધાંતિક પુનરાવર્તનના મનનથીજ પ્રાપ્ત થાય. જુઓ, સિધ્ધાંત એટલે સિધ્ધ + અંત. અંતે સિધ્ધ પ્રસ્થાપિત થયેલું તથ્ય. પુષ્ટિમાર્ગનાં સંદર્ભમાં કહીએ તો શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ બ્રહ્મસુત્રો, વેદો ત્થા ગીતાજીનાં બ્રહ્મ વાક્યોનાં કઠોર મનોમંથન બાદ અંતે જે સિદ્ધ કર્યું, એ શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદના સરળ સાહજિક રૂપે અસ્તિત્વમાં આવેલાં પુષ્ટિભક્તિમાર્ગનાં તથ્યો. જેમાં ભક્તિ કે જે નિઃસ્વાર્થ અને દીનતા પૂર્વકની હોય તેને સર્વોત્કૃષ્ઠ સ્થાન આપી એને ધારણ કરવાની આજ્ઞા કરાઈ. ભક્તિ સહજ પ્રાપ્ય છે. અને ભક્તિ દ્વારા જ પ્રભુમિલનનું અંતર નિરંતર ઘટે છે. અને આખરે સ્વરૂપાનંદનો અવર્ણનીય લ્હાવો પ્રાપ્ત થાય છે. અને આવેશ રૂપી દુર્લભ અવસ્થા પ્રાપ્ત થાય છે. જો સિદ્ધાંતોની સ્પષ્ટ અને શુદ્ધ સમજ હોય તો અનાયાસે જ આ ભાવો જાગ્રત થાય છે. અને લઈ જાય છે. પરમાનંદનાં વિશાળ સમુદ્ર ભણી ! પણ આજની પરિસ્થિતિમાં આ બધું તો ‘ઝાંઝવાના જળ’ જેવું દુર્લભ છે. આજે તો સ્થિતિ એ છે કે નીતિનિયમો, રસમો પ્રણાલિકાઓ કે જે ગૌણ વસ્તુઓ છે, એને જ મુખ્ય લક્ષ બનાવી વૈશ્નવો એવા તે ગુંચવાયા છે કે એમાંથી જ બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે.
 
અને વધુમાં કટેલાક સ્વાર્થીઓ આ પરિસ્થિતિનો લાભ લઈ પોતાના અહંને પોષાવા કે સ્વને સ્થાપવા આમાં નવા નવા તર્કવિતર્કો કરી આ જાળને વધુ અટપટી બનાવી દે છે. આપણી વિવેકર્દષ્ટિ દિશાહીન થઈ ગઈ છે. સૈધ્ધાંતિક સત્યતા શોધવા તથા એના ઊંડાણમાં જવાનું સામર્થ્ય આપણે ખોઈ રહ્યા છીએ. અને ખરુ કહીએ તો આજે વૈશ્નવને એ ગમતુ નથી. કારણ સ્પષ્ટ છેઃ અત્યારનાં ઘોર અશાંત યુગમાં સહેજ પણ આનંદનું ટીપું મળે તો એ જ પરમાનંદ સ્વરૂપે ગ્રહણ થાય છે. મેં પહેલાં જે ભગવદીયો સંવાદ આપ્યો એનો જ દાખલો લ્યો. ખરી રીતે પાઠ કરવા પાછળ શું હેતુ છે એની પરવા કર્યા વિના ફક્ત સંસ્કૃતનાં શ્લોકો એ પણ અશુધ્ધ, જેમ ફાવે એમ બોલીને કલાકો પાઠ કરવાનો કોઈ જ મતલબ નથી. એનું પરિણામ શૂન્ય જ આવે.
 
કોઈ લાભનો તો પ્રશ્ન જ નથી રહેતો. હા, યોગનાં નિયમ મુજબ લૌકિક શાંતિ ત્થા સ્થિરતા જરૂર પ્રાપ્ત થાય. પણ શું આપણે એ માટે વૈશ્નવ બન્યા છીએ ? બ્રહ્મસંબંધ વખતે લીધેલી પ્રતિજ્ઞા ભુલી ગયા કે શું ? અરે, થોડું વિચારીએ-આપણે શું કરી રહ્યા છીએ ? પાઠ કરવાનું માહાત્મ્ય તો સમજીએ ? એ કેટલી અલૌકિક અને પ્રભુનું સન્મુખત્વ પ્રાપ્ત કરાવતી પ્રક્રિયા છે. જો યોગ્ય રીતે એનો ઉપયોગ કરાય તો ! જુઓ પાઠ કરવાનો મુખ્ય હેતુ સૈધ્ધાંતિક મનનનો છે. જેના દ્વારા ચિત્તની પ્રભુનાં ચરણારવિંદમાં ર્દઢતા વધુ સબળ બને. કોઈપણ અર્થની જાણકારી વિના માત્ર સંસ્કૃત ભાષામાં હોઠ ફફડાવવાથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. એમાંય વળી કેટલાક કહે કે “ભાઈ, મહાપ્રભુજીની વાણી છે, એના સ્સરણ માત્રથી ધન્યતા પ્રાપ્ત થાય.” હા, સાચું જરૂર જો ખરેખર વાણી હદયારૂઢ થઈ થઈ જાય તો ! તો ‘ભૈયા ક્યા કહેના !’ ભયો ભયો થઈ જાય. જડતાનાં બંધ દ્વાર ખુલી જાય. અજ્ઞાનનો અંધકાર ઓગળી જાય. પણ....જ્યાં માત્ર ભાષા, અભિવ્યક્તિ અને વાણી ત્રણેય સર્વથા ભિન્ન છે. એ ત્રણેયનો સમન્વય એટલે શ્લોક.
 
મનુષ્યને અત્યંત બુદ્ધિશાળી પ્રાણી કહેવાયો છે. મનુષ્યએ પ્રાણનાં પ્રવાહને નિયંત્રીત કરીને નાદ ઉત્પન્ન કર્યો. આ નાદમાં વિશિષ્ટ વિક્ષેપ દ્વારા વિવિધ સ્વર ઉત્પન્ન થયા. જેની વ્યવસ્થિત ગોઠવણી એટલે ભાષા. ભાષા અભિવ્યક્તિનું સાધન છે. અને વાણી એટલે જેના દ્વારા મનોભાવ વ્યક્ત થાય એ અભિવ્યક્તિ. હવે કહો, પાઠનું માહાત્મ્ય કેવી રીતે સિદ્ધ થાય ? પુરાતન કાળમાં સંસ્કૃત ભાષા પ્રચલિત હતી એટલે આચાર્યજીએ પોતાનો ઉપદેશ એ ભાષાવિશેષમાં કર્યો. આજે આપણે માત્ર ભાષાને જ મહત્વ આપી પાઠ કર્યા કરીએ તો પછી શ્રીંહાપ્રભુજીની સૈદ્ધાંતિક સમજ આપતી દિવ્ય વાણીનું શું ?
 
ટૂંકમાં જો આપણી મનઃસ્થિતિ સ્પષ્ટ અને નિર્મળ હોય ત્યારે જ સિદ્ધાંતમાં ઊંડા ઉતરવાની ત્થા તેના દ્વારા પુષ્ટિરસપાન કરવાની યોગ્યતા મળે. આ યોગ્યતા મેળવવા ચાલો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવી આગળ વધીએ.
 
હવે તો જાગીએ !!!

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.